Pravinkant Shashtri

Drama Others Romance

3  

Pravinkant Shashtri

Drama Others Romance

“શ્વેતા” પ્રકરણ ૯

“શ્વેતા” પ્રકરણ ૯

6 mins
7.6K


આજે રવિવારની સવાર હતી. ખરેખરતો શ્વેતા મળશ્કું થતાંજ જાગી ગઈ હતી. તે જાગતી પથારીમાં પડી રહી. તેના માનસપટ પર વિતેલા ત્રણ અઠવાડિયાનુ સિંહાવલોકન અને છેલ્લા બે દિવસના બનાવોનું પુનરાવર્તન થતું હતું.

ઓફિસ સ્ટાફની પાર્ટી કરતાં ગઈ કાલની ઓબૅરોયની મિટિંગ તદ્દન જુદી જ હતી. બધાએ ફોર્મલ ડ્રેસ પહેર્યો હતો. સસરાજી સુંદરલાલ શેઠની સુચનાથી પોતે પણ સાડીને બદલે ગ્રે કલરનો બિઝનેશ ડ્રેસ પહેર્યો હતો. સુવર્ણાબેને જાતે એના ગળામાં ટોપ અને જેકેટ વચ્ચે નેવી બ્લુ સ્કાર્ફ ગોઠવી આપ્યો હતો. નિકુળે ડાર્ક થ્રી પીસ સ્યૂટ પહેર્યો હતો. શનીવારની મિટિંગમાં નિકુળના જરાયે વાંદરવેડા દેખાયા નહિ. જાતે જાતે બધા સાથે હાથ મેળવતો વર્ષોનો પરિચિત હોય તેમ આત્મવિશ્વાસથી વાતો કરતો રહ્યો હતો. થોડો વધારે પડતો શાંત અને ગંભીર હતો. શ્વેતા સાથે થોડી ઔપચારિક વાતો સિવાય લગભગ ઉપેક્ષા જ કરી હતી. એ પણ ખટક્યું હતું.

કોક્ટૅઇલ અવર્સ દરમ્યાન શ્વેતા સુંદરલાલ શેઠની સાથે જ ફરતી રહી હતી. નવી નવી ઓળખાણો કરતી રહી હતી.

પ્રોફેશનલ મિટિંગનો માહોલ હતો. જુદી જુદી કંપનીઓ, અર્થતંત્ર, માર્કેટ ટ્રેન્ડ, સી.ઈ.ઓ ના કૌભાંડો અને તેમના ઍફેર્સની ગોસિપો થતી હતી. કોઈક નેતા-અભિનેતાઓના બ્લેકમની ઈન્વેસ્ટમેન્ટની માર્કેટ પર થતી અસરની વાત કરતા હતા તો કોઈ પોલિટિક્સ અને બજેટની વાતો કરતા હતા.

ન્યુઝ અને ટીવી રિપોર્ટર્સ પણ કેમેરા અને માઈક્રોફોન સાથે આમ તેમ ફરતા હતા. બે જાણીતી ફાયનાન્સ ફર્મની જોઈન્ટ મિટિંગ પહેલી જ વાર થતી હતી. એક સ્પેક્યુલેશન મર્જીગનું પણ હતું.

સુંદરલાલે અને શિવાનંદે છ્ટાદાર ઇંગ્લિશમાં, નવા માળખાના સંદર્ભમા શ્વેતા અને નિકુળનો પરિચય કરાવ્યો. બન્નેની ઝળહળતી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી. બન્નેનો ઉલ્લેખ પાણીદાર મોતી તરીકે કર્યો. ગેશભાઈને તો વ્યાપારી જગત જાણતું જ હતું. એમનો ઉલ્લેખ એક કીમતી હીરા તરીકે થયો.

યોગેશભાઈએ પણ બેનના મોંફાટ વખાણ કર્યા. શક્તિ અને સરસ્વતી શ્વેતામાં એ સંયોજીત છે એ સિધ્ધ કરવા કોલેજની એન્.સી.સી અને વોલેન્ટિયર હોમગાર્ડની પ્રવૃતિઓનો તથા ટેનિસ, સ્વિમીંગ અને કથ્થક નૃત્યનો ઉલ્લેખ કરવાનું ચૂક્યા નહિ. તે નાની હતી ત્યારે મોટાભાઈ ઊંચકીને ઊંચે બેસાડતા.ખભા પર બેસાડતા. ગઈકાલે પણ એણે એવું જ કર્યું હતું ને! બધાના માનસપટ પર ઊંચે બેસાડી હતી.

શ્વેતા અતીતમા સરતી હતી. કોલેજ..., એન.સી.સી.... કેમપ્સ.... એક્ષરસાઈઝ.... પરેડ અને મલહોત્રા....હા, મલહોત્રા....એથલેટિક મલહોત્રા...કેપ્ટન મલહોત્રા...ટોલ, ડાર્ક અને હેન્ડ્સમ મલ્હોત્રા... કેપ્ટન મલહોત્રા...ડિસિપ્લીનમાં બાંધછોડ ન કરનાર કેપ્ટન મલ્હોત્રા. એણે જ શ્વેતાને પરેડમાં મોડી પડવા બદલ પરેડ ગ્રાઉન્ડ પર બધાની વચ્ચે પચ્ચીસ પુશઅપ કરાવ્યા હતા...પચ્ચીસ શું, તે સો પુશઅપ કરી શકવાને શક્તિમાન હતી. પણ આતો પનિશમેન્ટ....નિષ્ઠુર મલહોત્રા…..એ લેડિઝરૂમમાં કેટલું રડી હતી!

પણ એજ સાંજે બુકે લઈને અમારા ફ્લેટ પર આવ્યો હતો. ભાભીને રિક્વેસ્ટ કરીને શ્વેતાને જુહુ પર લઈ ગયો હતો. કેટલીયવાર એણે સોરી કહ્યું હતું. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી અને પંજાબીમાં નખરાળી માફી માંગી હતી.

પછી તો તે વર્ષ દરમ્યાન અનેક સાંજ પાર્કમાં અને બપોર 'રિટ્ઝ'માં ગાળી હતી. મૈત્રી જુદું સ્વરૂપ પકડે તે પહેલા ભાભીએ પડદો પાડી દીધો.

“મનહર, અમારી શ્વેતાને માટે અમદાવાદનો એક સરસ છોકરો જોવા આવવાનો છે એટલે કાલે તમે બહાર જઈ નહીં શકો.” મલહોત્રા પરપ્રાંતનો, પરજ્ઞાતિનો અને ખાસતો રંગમાં કાળો ધબ્બ હતો. તેજીને ટકોરો.

બીજે દિવસે પોસ્ટમાં ટૂંકો સંદેશો મળ્યો.

'ડિયર શ્વેતા, વી વીલ બી ધ ફ્રેન્ડસ ફોર ધ લાઈફ, ઈફ યુ નીડ એની હેલ્પ. આઈ વીલ બી ઓલવેઇઝ અવેઇલેબલ ‘

એમ. એમ.

એ મનોહર મલહોત્રા આજે બોમ્બેમાં પોલિસ ઈન્સપેકટર હતો.

એકાએક મગજમાં એક વિચાર ઝબક્યો. સાપ મરે નહિ, લાકડી ભાંગે નહિ અને કેથીને અક્ષયના જીવનમાંથી દૂર કરી શકાય. તે બેડમાંથી ઉભી થઈ ગઈ ઝડપથી શાવર લઈ નીચે ડાઈનિંગ રૂમમાં પહોંચી ગઈ. વલ્લભ પૂજા રૂમમાં ભગવાનને શણગાર કરતો હતો. એ એનું નિત્ય કર્મ હતું. શ્વેતાને વહેલી ઉઠેલી જોઈને કિશનમહારાજ બ્રેકફાસ્ટ માટે પુછવા આવ્યા.

"કિશનજી તમે મારે માટે એક સરસ બ્લેક કૉફી બનાવો અને આજે હું બધાને માટે નાસ્તામા ઉપમા બનાઉ."

“અરે! મેડમ તમે?”

"મારે જોવું છે કે તમારી પરીક્ષામાં પાસ થાંઉ છું કે નહિ!"

શ્વેતાએ દાણાંદાર રવામાંથી લીલી ડુંગળી, થોડા લીલા વટાણા, અડદના દાણાં અને કાજુ, દ્રાક્ષ અને કોથમિરથી ભરપુર ઉપમા બનાવી દીધો.

કિચનમાંથી પરવારી કૉફીમગ લઈને ન્યૂઝ પેપર જોવા માંડ્યા. બધા જ પેપરના બિઝનેસ સેક્સનમા ગઈ કાલની મિટિંગના હેવાલ અને ફોટા હતા. સમાચાર વાંચવામાં તેને ખ્યાલ પણ ન આવ્યો કે બા, બાપૂજી ટેબલ પર આવી ગયા છે.

"ગુડ મોર્નિગ દીકરી. આજે બહુ વહેલી ઉઠી ગઈ?"

શ્વેતાએ ઉભા થઈ બન્નેના ચરણસ્પર્શ કરતા જય શ્રીકૃષ્ણ કહ્યું.

કિશન મહારાજ ચ્હા કૉફી અને ગરમા ગરમ ઉપમા લઈ આવ્યા.

સુવર્ણાબેનને માટે એકલા દૂધમા આદુ, મસાલો, લીલીચ્હા ફુદિનો, તુળસીના પાન અને ત્રણ ચમચી ખાંડવાળી સ્પેશિયલ ચ્હા બનતી. શેઠજી એને શંભુ મહારાજનો ઉકાળો કહેતા.

શેઠજીએ પેપર જોતા જોતા, ઉપમાની ચમચી મોંમા મુકી.

“હ અં અં અં મ. વા ઉવ.”

એમણે બુમ પાડી. કિશન મા'રાજ!

કિશનમહારાજ ઠપકો મળશે એમ ગભરાતા ગભરાતા આવ્યા.

“આજેતો તમે કમાલ કરી. ધીસ ઈસ ધ બેસ્ટ ઉપમા. આજનું ઉપમા માટેનું બોનસ સો રૂપિયા.”

“મારા તરફથી દોઢસો રૂપિયા.” સુવર્ણાબેન પાછા પડે એમ ન હતા.

હસતા હસતા શ્વેતાએ પ્રણાલિકા ચાલુ રાખી. “મારા તરફથી બસો રૂપિયા.”

કિશન મહારાજ ધીમે રહીને બોલ્યા. “મારા તરફથી સાડીચારસો રૂપિયા.”

“મા'રાજ આજે છટકી તો નથી ગયું? તમે કોને બોનસ આપવાના છો?”

“ઉપમા બનાવનારને.”

“કોણે બનાવ્યો? કાંતા માસીએ?”

“ના. શ્વેતા મેડમે.”

હેં..એ!

“અરે! તું ઓફિસમાંથી કિચનમાં પહોંચી ગઈ?”

શ્વેતાએ પ્રત્યુત્તર આપ્યા વગર કિશન મહારાજને પૂછ્યું. “કેમ કિશનજી પરીક્ષામાં પાસને?”

“હવે તમને કિચનમાં પ્રવેશ નહિ મળે. તમે કિચનમા આવશો તો મારી નોકરીની સલામતી નહિ રહે.” બધા હસી પડ્યા. દિવસની શરૂઆત સારી થઈ.

“કાલે તો આપણો અક્ષય આવી જશે. હું એરપોર્ટ પર રિસીવ કરવા જાઉ?” સુવર્ણાબેનનું માતૃત્વ જાગ્યું.

“હા, હા. કેમ નહિ? જરૂર જાવ. જવું જ જોઈયે. કેથી માટે પણ હાર-તોરા લઈ જવાનું ભૂલશો નહિ.”

શ્વેતાએ સાંભળ્યુ ન સાભળ્યુ કર્યું.

સુવર્ણાબેનથી સોંસરો કટાક્ષ સહન ન થયો. તે ગમ ખાઈને ચૂપ રહ્યા. પોતાના નિત્ય કર્મમા લાગી ગયા.

“બાપૂજી આજે તો ઓફિસ બંધ છે. જો તમને અનુકૂળતા હોય તો એકાદ કલાક ઓફિસમા જઈ આવીયે. મારે કાલ પહેલા થોડું સમજી લેવું છે.”

“એ તો ઘેરે પણ સમજી શકાય. છતાં તને જરૂરી લાગે તો જરૂર જઈશું.” પછીતો ગઈ કાલની મિટિંગ અને તેના રિપોર્ટની વાતો ચાલી. સુવર્ણાબેન એના દૈનિક કાર્યમા વ્યસ્ત હતા..

શ્વેતાએ એકલા પડતા શેઠજીને કહ્યુ,

“બાપૂજી, મારા એક જુના મિત્ર પોલીસ ડિપાર્ટમેન્ટમા છે. કેટલીક બાબતોમાં તેઓ આપણને મદદરૂપ થઈ શકે એમ છે. મારે એમને મળવું છે પણ અત્યારે કોઈ કોન્ટેક્ટ નથી. એમનો પત્તો મેળવવો અઘરો છે. જો તમારી સલાહ હોય તો આપણે એની સાથે થોડી અંગત વાતો કરીયે.”

“તું જે કરશે તે યોગ્ય જ કરશે. શું નામ છે એનું?”

“મિ.મનોહર મલહોત્રા.”

શેઠજીએ પાસે પડેલો ફોન ઉપાડ્યો.

કમિશનર સાહેબ સાથે વાત કરી. ફોન મુક્યો.

“કમિશનર સાહેબ મોબિલફોન પર કોન્ટેક્ટ કરી મલહોત્રાને જણાવશે. મલહોત્રા આપણને અહિ ફોન કરશે. કમિશનર સાહેબ સ્ટાફના પ્રાઈવેટ ફોન નંબર કોઈને આપતા નથી.”

“દસ મિનિટમાંજ રીંગ વાગી. શ્વેતાએજ ફોન ઉપાડ્યો. પંદરેક મિનિટ વાતો ચાલી. શ્વેતા સસરાજીની હાજરી પણ ભુલી ગઈ. તે મુક્ત રીતે કોલેજ ગર્લ બની ગઈ હતી. હસતા હસતા, જોક કરતા "તને સાંભરે રે....મને કેમ વિસરે રે. ચાલતુ રહ્યું. વાત વાતમા એને ઓફિસ પર મળવા જણાવી દીધું. "માઈસેલ્ફ એન્ડ માય ફેમિલિ નીડ યોર પરસનલ હેલ્પ….. થેન્ક્સ…. સીયુ.”

"બાપૂજી, આજે સવારે સાડા અગિયાર વાગ્યે મલહોત્રા આપણી ઓફિસ પર આવી રહેશે. આપણે અગિયાર વાગ્યે પહોંચી જઈશું."

"બે યુવાન મિત્રો વચ્ચે બુઢ્ઢાનું શું કામ? તું એકલી જ મળી આવ."

"ના બાપૂજી, તમારા વગર ચાલે એવું નથી."

"ઓકે. આજે લંચ પણ બહાર જ લઈ લઈશું. હું શેરખાનને તૈયાર રહેવા કહી દઈશ."

બાપૂજી, લાલાજીનું કાંઈ કામ નથી. હું ડ્રાઈવ કરી લઈશ."

"તું?.. તું ડ્રાઈવ પણ કરે છે?"

"હા બાપૂજી બે વર્ષ હોમગાર્ડ્ઝમાં હતી ત્યારે ડ્રાઈવિંગ અને હોર્સબેક રાઈડિંગ શીખી હતી. જીપ લઈને આખુ બોમ્બે ખૂંદી વળી છું."

"આઈ એમ પ્રાઉડ ઓફ યુ."

અગિયાર વાગ્યે શ્વેતા સસરાજી સાથે ઓફિસ પર પહોંચી ગઈ. એણે પોતાના ડેસ્ક પર બે ફોટોગ્રાફ ગોઠવી દીધા. એક લગ્ન વખતનો બન્નેનો અને એક એકલા અક્ષયનો. એ ફોટાને તાકતી રહી. મલહોત્રાની રાહ જોતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama