“શ્વેતા” પ્રકરણ ૨૩
“શ્વેતા” પ્રકરણ ૨૩
“શ્વેતા” પ્રકરણ ૨૩
“બેટી બેસ આપણે થોડી વાતો કરીએ. મારે કંઈક કહેવું છે. કઈક જાણવું છે.”
નિકુળ અને આદિત્ય મેડિકલ સર્જીકલ સેન્ટર પર સવારથી ગયા હતા. આવતી કાલે નિકુળની સર્જરી હતી. નિકુળ આજે રાતથી જ એડમિટ થઈ જવાનો હતો. મોના પણ કોઈ રિસર્ચ લેબમાં ગઈ હતી. આદિત્યના મમ્મી અને શ્વેતા ઘરમાં એકલાં જ હતાં. શ્વેતાને પણ મન મુકીને વાતો કરવી હતી.
“પહેલા તો હું મારી વાત કરું. આજે તો મારી ઓળખ મામ, મમ્મી, આન્ટી, માસી, બહેન કે મિઝ.અડવાણી તરીકે જ થાય છે. કોઈવાર મારું સાચુ નામ પણ ભુલાઈ જાય છે. મારું નામ સોનાલી. સોનાલી અડવાણી. અમે કરાચીના હિન્દુ સિંધી. હિદુસ્તાન પાકિસ્તાનની આઝાદી સમયે ભાગલા થયા ત્યારે મારી ઊમ્મર માત્ર બે મહિનાની હતી. તોફાન, ખુનામર્કી, લૂંટ, અને આગમાં કરાચીના હજારો લોકો હોમાઈ ગયાં. મારા માંબાપની કરપીણ હત્યા થઈ. હું ઘોડિયામાં રહી ગઈ.
બીજે દિવસે અમારા પાડોસી લાલાચંદ કે જેઓ સંતાઈ ગયા હતા તે અમારા ઘરમાં તપાસ કરવા આવ્યા. મને ઘોડિયામાં રડતી જોઈ. મને એમને ઘેર લઈ ગયા. હિજરત શરુ થઈ. અમે અમદાવાદ આવ્યા. પાલક વૃદ્ધ બાપુએ અને બાએ મને દિકરીની જેમ ઉછેરી. મેટ્રીક સુધી ભણાવી. સંગીતની પરીક્ષાઓ આપી. તે જ અરસામાં મારા પાલક માતાપિતા દેવલોક પામ્યા.
મારા દુરના કાકા ચંડિગઢમાં રહેતા હતા. એમને ખબર પડતા એઓ મને ચંડિગઢ લઈ ગયા. નર્સિગનો કોર્સ શરૂ કર્યો. પુરો થાય તે પહેલા બોમ્બે આવવાનું થયું. બોમ્બેમાં એક ડૉકટરને ત્યાં સેક્રેટરીની નોકરી મળી. આ ઉપરાંત સંગીતે પણ મને થોડો આર્થિક સહારો આપ્યો. શંકર જયકિશનના ઓર્કેસ્ટ્રામાં બેત્રણ વાર સિતારવાદક તરીકે પણ તક મળી, પણ ઝાઝો અવકાશ ન હતો. મારી જીંદગી એકલવાઈ હતી. એક સારો મિત્ર મળી ગયો. એણે મને નવી સિતાર અને આદિત્યની ભેટ આપી. હું અમદાવાદમાં સ્થાયી થઈ. સંગીત શિક્ષીકા તરીકે નોકરી કરી. આદિત્ય એના પિતાની જેમ હોંશિયાર નિવડ્યો. સ્કોલરશીપ, જાત મહેનત અને રાજુભાઈ જેવા મિત્રની મદદથી ભણ્યો અને સફળ ડોકટર બન્યો.
આદિએ મને તારી કેટલીક શરતોની વાત કરી. હવે મારે તારી થોડી વાત સમજવી છે.
સોનાલીબેન ફ્રિઝમાંથી બે ગ્લાસમાં પાઈનેપલ જ્યુસ લઈ આવ્યા. એક ગ્લાસ શ્વેતાને આપતા પુછ્યું “દિકરી તારા બાપુજીનો શું વ્યવસાય છે?”
“બાપુજી રાજુભાઈના પિતાશ્રી સાથે ફાઈનાન્સ બિઝનેસમાં જોડાયલા છે?”
“તારા વડિલનું નામ શું, બેટી?”
“સુંદરલાલ શેઠ.”
મમ્મીની આંખ અને મોં આશ્ચર્યાઘાતથી અનાયાસે પહોળા થઈ ગયા. આઘાતમાંથી બહાર આવી શ્વેતાને પુછ્યું “તેં શું નામ કહ્યું બેટી?
…મને બરાબર સમજાયું નહિ.”
“મારા બાપુજીનું નામ સુંદરલાલ શેઠ.”
મમ્મીએ સ્વસ્થતા કેળવી સધન તપાસ શરુ કરી. “અને બેટી તારા બાનું નામ?”
“સુવર્ણાબેન.”
“એમનું સરસ નામ છે. તારા બીજા કોઈ ભાઈ બહેન?“
“હા મને એક મોટાભાઈ છે. એમનું નામ યોગેશભાઈ છે. એઓ પણ બાપુજી સાથે જ બિઝનેસમાં છે. હું પણ એમા પાર્ટનર છું. મોટી જવાબદારી છે. બા થોડા સમય પહેલાજ દેવલોક પામ્યા. ભાઈ ભાભી એમના સંસારમાં સુખી છે. બાપુજી એકલા પડી ન જાય એટલા માટે જ મેં મારી કેટલીક ઈચ્છાઓ આદિત્ય સમક્ષ વ્યક્ત કરી છે. મને આપના આશિષ મળશે એમ હું માનું છું”
મમ્મીના પ્રશ્નોથી અકળાયલી શ્વેતાએ અસત્ય બોલ્યા વગર પોતાની રીતે હકીકતની રજુઆત કરી.
મમ્મી આંખ મીંચીને શાંતીથી સાંભળતા રહ્યાં.
થોડા સમય માટે મૌન પથરાઈ ગયું. શ્વેતાની નજર નીચી હતી. તેના ધ્યાનમાં ન આવ્યું કે સોનાલીમમ્મીની બંધ આંખોના ખૂણામાં હિરાકણી જેવા અશ્રુબિંદુ ચળકતાં હતાં. એણે શ્વેતાને પોતાની બાથમાં લઈ લીધી.
“મારા આશિષ જીવનભર તારી સાથે જ રહેશે. બેટી હું તારે માટે મારા આદિત્ય કરતાં પણ વધારે સારો છોકરો મેળવી આપીશ. મને લાગે છે કે આદિ પણ અમેરિકા છોડવા માટે તૈયાર ન હોય. સુવર્ણાબેન નથી તો હું તારુ કન્યાદાન કરીશ.”
વ્યાપાર જગતમાં ઘડાયલી શ્વેતાને વિવેક પૂર્વકનો નકાર સમજાયો. આ ડિપ્લોમેટિક નેગેટિવ એન્સર હતો.
સોનાલી મમ્મી અને શ્વેતાએ સાથે લંચ લીધું. મમ્મી અસ્વસ્થ હતાં. શ્વેતાને ગળે ડૂચા બાજતા હતાં. લંચ પછી સોનાલી એના બેઝમેન્ટમાના મ્યુઝિક રૂમમાં ગયા. શ્વેતા એને ફાળવેલા બેડરૂમમાં ગઈ.
સોનાલી વિચારતા હતાં. બંધ રહેલા માનસ પુસ્તકના એક એક પૃષ્ઠ ધીમે ધીમે ખુલતાં હતાં. સુશુપ્ત ભૂતકાળ જાગૃત થતો હતો.
સોનાલી બહેન અંધેરીની એક ચાલીમાં રહેતા હતા. એના પાડોસી સુંદરલાલ અને સુવર્ણાબેન હતા. ખુબ પ્રેમાળ દંપતિ હતું. સુંદરલાલ કદાચ સોનાલી કરતાં નાના હશે. એકવાર સુવર્ણાબેનને ખુબ તાવ આવ્યો. સોનાલી એને પોતે નોકરી કરતા હતા તે ડૉકટર જમશેદજી પાસે લઈ ગયા. યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી. જમશેદજી એમના ફેમિલી ડૉકટર થઈ ગયા. સુવર્ણાબેનનો રોગ ગયો અને એને સરસ બહેનપણી મળ્યા. એમની સાથે સુંદરલાલ પણ સ્નેહી બની ગયા. રોજ રાત્રે સોનાલી જુદા જુદા રાગો વગાડતા. સુંદરલાલ અને સુવર્ણાબેન શ્રોતા બનતા.
એકવાર સિતાર લઈ ચોથે માળેથી ઉતરતા સોનાલીનો પગ સરક્યો. સિતાર નીચે પડી. સમારી ન શકાય એ રીતે તૂટી ગઈ. સુવર્ણાબેને જ સુંદરલાલને કહીને સોનાલીને નવી સિતાર ભેટ આપી.
એણે સાંભળ્યું કે સુવર્ણાબેન પિયર ગયા છે. પછી સમાચાર મળ્યા કે સુવર્ણાબેન પ્રેગનન્ટ છે. ડિલીવરી પછી જ મુંબઈ આવશે. સોનાલીએ વહેલા ઊઠી સુંદરલાલ અને ગણપતકાકા માટે પણ ટિફીન કરવા માંડ્યું. સામાન્ય રીતે સુવર્ણાબેનની ગેરહાજરીમાં ગણપતકાકા રસોઈ બનાવતા. સોનાલીબેને પોતાના માથા પર એ જવાબદારી લઈ લીધી. ડોકટરની ઓફિસ અને સુંદરલાલના બોસની ઓફિસ નજીકમાં જ હતી. કોઈ કોઈવાર જવાનું ક
ે આવવાનું સાથે થઈ જતું.
એવો જ એક દિવસ હતો. એકદમ વરસાદ તૂટી પડ્યો. સુંદરલાલ એક દુકાનના શેડ નીચે ઊભા રહી ગયા. એમની પાસે છત્રી ન હતી. એટલામાં સોનાલી નાની લેડિસ છત્રી લઈને પસાર થયા. એમણે સુંદરલાલને પલળતા જોયા. “ચાલો છ્ત્રીમાં આવી જાવ.” સુંદરલાલ ગયા તો ખરા પણ નાની લેડિસ છત્રી. બન્ને પુરા પલળતા ઘેર આવ્યા. સુંદરલાલ સીધા સોનાલીના રૂમમાં જ ગયા. સોનાલીના ભીના ચુસ્ત યૌવને લક્ષ્મણ રેખા ઓળંગી. સોનાલીએ કોઈ પ્રતિકાર ન કર્યો. સોનાલીની કુદરત સહજ શારીરિક ભૂખ સંતાન ભૂખમાં પરિવર્તન થઈ. બન્ને શરીર એક થતા રહ્યા. એક નાનાબીજે સોનાલીના ગર્ભમાં આકાર ધારણ કરવા માડ્યો. સોનાલી ખુશ હતી.
સુંદરલાલને આનંદના સમાચાર આપવાની હતી. એને કોઈ ફરિયાદ ન્હોતી. સુંદરલાલ પાસે કોઈ અપેક્ષા ન હતી. એની બદનામી થાય એ રીતની જાહેરાત કરવાનો હેતુ પણ્ ન હતો માત્ર એને આનંદના સમાચાર જ આપવા હતા. પણ એ જ દિવસે ગણપતકાકાએ કહ્યું “બેન, તમે બન્ને યુવાન છો. વધુ પડતું સાનિધ્ય શેઠજીના સુખી સંસારમાં હોળી પ્રગટાવશે. ચાલીમાં પણ ચડભડ ચાલે છે. આજથી અમારે માટે હું જ રસોઈ બનાવી દઈશ. બેન તું જે ન જોઈ શકે તે હું જોઈ રહ્યો છું.”
તેજીને ટકોરો. બીજે દિવસે નિર્ણય લેવાઈ ગયો. નોકરીમાંથી રાજીનામું આપ્યું. સુંદરલાલની ગેરહાજરીમાં ગણપતકાકાને વાત કરી. “કાકા મારે અચાનક ચંડિગઢ જવાનું થયુ છે. પાછી આવીશ કે કેમ તે ખબર નથી.” સુંદરલાલને અને સુવર્ણાને મારા વ્હાલ કહેજો. બસ સોનાલી ચંડિગઢને બદલે અમદાવાદ આવી ગઈ. આદિત્યને એકલે હાથે ઉછેર્યો.
જો શ્વેતા સુંદરલાલ અને સુવર્ણાબેનની પુત્રી હોય તો ભાઈ બહેનના લગ્ન શી રીતે થવા દેવાય? મોટો અનર્થ થઈ જાય…. ના એ ન થવા દઉં.
શ્વેતાનું હૈયું વલોવાતું હતું. ઓશીકું તરબોળ થઈ ચુક્યું હતું. અશ્રુ ખૂટી પડ્યા હતા. ભાગ્યમાં સુખદ લગ્નયોગ નહોતો? બીજા સર્વ સુખ સાંપડ્યા હતા. માતા પિતાની ખોટ ભાઈભાભીએ પુરી હતી. શેઠજીએ વિદ્યાદાન આપ્યું એટલું જ નહિ પણ કરોડોની વારસદાર બનાવી હતી. જેની સાથે તન મન અને હૃદય એકાકાર કરી શકાય એવા જીવનસાથીની ખોટ હતી. આદિત્યને જોતા પહેલી નજરે જ હાર્દિક સંવેદન જાગ્યા હતા. આદિત્યે પણ એજ અનુભવ્યું હતું. મોનાએ કેટલા ભાવથી આદિત્યની લાગણીની રજુઆત કરી હતી! પોતે મુકેલી શરતોમાં બાંધછોડતો થઈ શકતે પણ એની મમ્મીએ તો સભ્યભાષામાં નકાર કરી દીધો.
હવે અહીં રહેવાનો પણ શું અર્થ!
અરે! લગ્નની પણ શું જરૂરીયાત? લગ્ન વગર પણ લગ્ના સુખ કયાં નથી માણી શકાતા. નજર સામે જ દાખલો છે ને? સોનાલીએ લગ્ન વગર શરીરસુખ ભોગવ્યું. એકલે હાથે ગૌરવવંતુ માતૃત્વ નિભાવ્યું હતું. આતો નવો જમાનો છે. મારી સ્વતંત્ર જીંદગી તો જીવી શકીશ. હવે અહીં રહેવાનો અર્થ નથી.
એ વિચારોની સામે બીજા વાસ્તવિક અને વ્યાવહારિક વિચારોએ પડકાર કર્યો. શ્વેતા! સોનાલી તો એકલા હતા. એને આગળ પાછળનો કોઈ પરિવાર ન હતો. એને કોઈ સામાજીક બંધન ન હતું. શ્વેતા! તું સોનાલી નથી. તું પ્રતિષ્ઠિત કુટુંબની વહુ દિકરી છે. લોકોએ તને શેઠ કુટુંબની વિધવા તરીકેની ઓળખ આપી દીધી છે. નાણાક્ષેત્રમાં તારૂં નામ બોલાય છે. વ્યાપાર જગત તારી દરેક હિલચાલ પર નજર રાખે છે. સમાજ લગ્ન સ્વિકારશે. લગ્ન વગરના સંબંઘ નહિ સ્વીકારે. યાદ રાખ તું સોનાલી નથી. તું શ્વેતા શેઠ છે.
બાપુજીને ફોન કરીને હકીકત જણાવી દઈશ. એણે ફોન જોડ્યો.
“બાપુજી! જય શ્રી ક્રિશ્ન. જાગો છો કે મેં ઊઘમાંથી ઊઠાડ્યા?”
“ના બેટી જાગું જ છું. અહીં એકલો પડી ગયો છું. ઊઘ ઓછી થઈ ગઈ છે. બોલ ત્યાંની શું નવાજુની છે? નિકુળની સર્જરી થઈ ગઈ?”
“ના આવતી કાલે એની સર્જરી છે. હું એકાદ વીક ફાયડાલિટીમાંથી થોડી માહિતી મેળવીને મુંબઈ આવી રહીશ્.”
“કેમ આટલી જલ્દી? રાજુતો કહેતો હતો કે નિકુળની રિકવરી થાય ત્યાં સુધી તું અમેરિકા જ રોકાશે. આવશે ત્યારે ડૉકટરને લઈને જ આવશે.”
શ્વેતા ચુપ રહી. “શ્વેતા!…. શ્વેતા!…. આર યુ ઓન લાઈન?…. બેટી, કેન યુ હિયર મી?”
શ્વેતાને સ્વસ્થ થતાં થોડી વાર લાગી.
“હા, બાપુજી હું અહીં જ છું.”
“તને ડૉકટર ગમે છે ને?”
“ન ગમવાનો પ્રશ્ન જ નથી.”
“તું એને પસંદ છે?”
“એણે જ પ્રપોઝ કર્યું હતું.”
“તો તો બહુ જ સરસ. આપણે ધામધુમથી લગ્ન ઉજવીશું. આખું મુંબઈ સુવર્ણા ફાઈનાન્સની ડાયરેક્ટરના ભવ્ય લગ્ન જોઈને છક થઈ જશે.”
“બાપુજી એ મારા નસીબમાં નથી.”
“કેમ દિકરી શું થયું?…. શું પ્રોબલેમ છે?….. તું કેમ નિરાશાજનક વાત કરે છે?
“એની મમ્મીને આ સંબધ પસંદ નથી. હવે મારી ઈચ્છા પણ મરી પરવારી છે. આદિત્ય બાપ વગરનો અને માનો એકનો એક દિકરો છે. એ એની મમ્મીની મરજી વિરૂધ્ધ કાંઈ જ ન કરે.”
“દિકરી શ્વેતા એમ નિરાશ થઈને જીંદગી ન જીવાય. હવે તું સુંદરલાલની દિકરી છે. તને ખબર છે કે તારા બાપુજી હંમેશા અશક્યને શક્ય બનાવવાની ચેલેંજ ઉપાડતા આવ્યા છે. જો એ ન માને તો તારે માટે એક એકથી ચડિયાતા સો ડૉકટરની લાઈન લગાવી દઈશ.”
“શું છે એ બુઢ્ઢીનું નામ?”
“એની મમ્મીનું નામ મિઝ. સોનાલીબેન અડવાણી.”
સુંદરલાલ બૅડમાં સૂતા સૂતા વાત કરતા હતા. નામ સાંભળી એકદમ બેઠા થઈ ગયા.
“શ્વેતા! તેં શું નામ કહ્યું? મેં બરાબર સાંભળ્યું નહિ.”
“સોનાલી અડવાણી”
બેઠા થયેલા સુમ્દરલાલ ઊભા થઈ ગયા. “બેટી હું થોડી વાર પછી તને કોલ કરું છું.”
શ્વેતા બોલે કે વિચારે તે પહેલા ફોન કટ થઈ ગયો.