Pravinkant Shashtri

Drama Thriller

3  

Pravinkant Shashtri

Drama Thriller

“શ્વેતા” પ્રકરણ ૨૭

“શ્વેતા” પ્રકરણ ૨૭

10 mins
513


“શ્વેતા”

પ્રકરણ ૨૭

રવિવારે મળશ્કે સુવર્ણ વિલામાં આનંદનો માહોલ હતો. ઘરના સેન્ટ્રલ હોલમાં બીગ સ્ક્રિન પર અમેરિકાથી એન્ગેજમેન્ટ પાર્ટીનું જીવંત પ્રસારણ થવાનું હતું. હેમાલીભાભી, સૌરભ, ગણપતકાકા, લાલાજી શેરખાન, કિશન મહારાજ, કાંતામાસી, વલ્લભ અને વિમળા, પાંડુરંગ અને સાવિત્રી, જગદીશ અને જ્યોતિ બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી હતી. પાંડુરંગે વેબ કેમેરો ભગવાનના સ્થાન પર ફોકસ કરી રાખ્યો હતો.

કિશન મહારાજે ચ્હા, કોફી, ચોકલેટ ડ્રિંકસ, ઈડલી, ચટણી, ફાફડા, ગોટા, જલેબી અને ગાજરનો ગરમ હલ્વો રાતભર જાગીને તૈયાર કરી બુફે ટેબલ પર ગોઠવી દીધા હતા.

હિંચકા પર શિવાનંદ અને પાર્વતિબાની વચ્ચે પ્રાચી બેઠી હતી. પાર્વતિબાનેતો રંડાયલી સ્ત્રીને એનો સસરો પરણાવે તે જ સ્વીકાર્ય નહતું. એઓ માનતા કે સાતે સાત જન્મમાં એક જ પતિનું પડખું સેવાય. પહેલા ધણીને મર્યાને હજુ તો માંડ વરસ થવા આવ્યું અને હાથે મહેંદી મુકાવાની. શિવાનંદ, પાર્વતિના જુનવાણી વિચારોને દલીલ વગર સહી લેતા અને ધારેલું પોતાનું જ કરતા. પાર્વતિબાને તો ન્હોતું આવવું પણ પ્રાચીની હટ સામે ન છૂટકે આવવું પડ્યું.

પાંડુરંગ સેલ ફોન પર અમેરિકાના વિડિયોગ્રાફર સાથે કોન્ટેક્ટમાં હતો. ....અને બેકગ્રાઉન્ડમાં શહનાઈના સૂર સાથે સ્ક્રિન પર આદિત્ય, શ્વેતા, સુંદરલાલ, યોગેશભાઈ અને સોનાલી હતા. બધા શેઠજીના ઘરના દેવસ્થાનના દર્શન કરતા હતા. શેઠજીએ સૌ પ્રથમ બધાને આદિત્યની ઓળખાણ કરાવી. પછી એમણે સોનાલીની ઓળખાણ નામ વગર આદિત્યના મમ્મી તરીકે કરાવી.

પાંડુરંગે મળેલી સૂચના મુજબ વેબકેમ ગણપતકાકા પર ફોકસ કર્યો. સૌએ ગણપતકાકાના આશિર્વાદ લીધા. ગણપતકાકા સોનાલીને ઓળખી ચૂક્યા હતા પણ મૌન રહી મનમાંને મનમાં તાળો મેળવતા રહ્યા. તો બીજી તરફ સોનાલી પણ ગણપતકાકાને ઓળખીને મનોમન વંદન કરી રહ્યા હતાં, સોનાલી વિચારતા હતાં ક્યાં અંધેરીના સ્ટોકબ્રોકર ને ત્યાંના કામ કરતા સુંદરલાલ શેઠ અને ક્યાં આજના શેઠ અટકને સાર્થક કરતા સુંદરલાલ.

ત્યાર પછી કેમેરો હેમાલી અને સૌરભ પર સેટ થયો. સોનાલી અને આદિત્ય સાથે વિડિયો પરિચય થયો. શિવાનંદ અને પાર્વતિબાના આશિષ મેળવાયા.

હિલ્ટનમાંનો વેબ કેમેરો હવે પાર્ટી હોલમાં ફરતો હતો. થોડી મિનિટોમાં મહેમાનોથી હોલ ભરાઈ ગયો. સુંદરલાલ અને આદિત્યના મમ્મી પ્રવેશદ્વાર પર આમંત્રિતોનું સ્વાગત કરતા હતા. આદિત્ય અને શ્વેતા સ્ટેજની નીચે ઉભા રહી નાના ગ્રુપ સાથે વાતો કરતા હતા. મોના અને મોહિત મહેમાનો સાથે વાતો કરવામાં અને આજુબાજુની વ્યવસ્થામાં વ્યસ્ત હતા. માત્ર બે ત્રણ ભારતીય કુટુંબોને બાદ કરતા. મોટેભાગે ડોક્ટરો અને ફાઈનાન્સ પ્રોફેશનલ કુટુંબો જ હતા.

એક બુફે ટેબલ પર વેજીટેરિયન એપેટાઈઝર ગોઠવાયલું હતું. આછા પીળા રંગની સાડીમાં બોમ્બે પેલેસનો સ્ટાફ મહેમાનોની રૂચી પ્રમાણે સેવા આપતો હતો. બીજા લાંબા ટેબલ પર અમેરિકન અને પંજાબી નોનવેજ વાનગીઓ ખડકાયલી હતી. અમેરિકન યુવતીઓ નોનવેજ સર્વ કરતી હતી.

પ્રાચીએ એકદમ બુમ પાડી. “લુક, માય ડેડી ઇઝ ધેર.

બધાનું ધ્યાન રાજુ પર ગયું. રાજુ અને કોઈ બોયકટ હેર વાળી ઉંચી ગોરી યુવતી નોનવેજ ટેબલ પાસે ઉભા હતા. રાજુના હાથમાંની ડિશમાં કંઈ ચિકન જેવું દેખાતું હતું. યુવતીના હાથમાં વાઈનનો ગ્લાસ હતો. બન્ને એક જ ડિશમાંથી ખાતા હતા અને એક જ ગ્લાસમાંથી પીતા હતા. ખરેખરતો એકબીજાને ખવડાવતા પીવડાવતા હતા.

પાર્વતિબા એ જોઈને અકળાઈ ઉઠ્યા. સુંદરભાઈની સલાહથી શિવાનંદે રાજુને અમેરિકા ભણવા મોકલ્યો અને દીકરો વટલાઈ જઈને કોઈ અજાણી, કહેવાતી બ્રાહ્મણ નિરાલીને ઉપાડી લાવ્યો. એતો ભગવાનને ત્યાં પહોચી ગઈ પણ પ્રાચીને બહાને એના ભાઈને ઘરમાં ઘાલતી ગઈ.

સુંદરલાલે વહુને પરણાવવાનો જલશો માંડ્યો અને દીકરો કહ્યા મુક્યા વગર અમેરિકા પહોંચ્યો. સાત જન્મમા એક જ પતિને પામવાને બદલે એક જ જન્મમાં સાત પતિ કરવાનો જમાનો આવી ગયો. દીકરો માંસાહારી થઈ ગયો. કોઈ ગોરીના હાથે દારૂ પીતો થઈ ગયો. હે ભગવાન મારા એકના એક રાજુને સદબુદ્ધિ આપો. પાર્વતિબા મનોમન સંતાપ કરતા રહ્યા.

શિવાનંદ રાજુને અજાણી સ્ત્રી સાથે જોઈને કંઈ સંતોષ અનુભવતા હતા. પોતાનો યુવાન પુત્ર સંસાર પ્રત્યે વૈરાગ્ય અનુભવે તે પિતા માટે અસહ્ય હતું. દુનિયાની કોઈ પણ સ્ત્રી સાથે જો દીકરો સુખી જીવન ગાળી શકતો હોય, આનંદમા રહી શકતો હોય તો એનો આત્મા આશિષ આપવા તૈયાર હતો. રાજુએ મુંબઈ છોડી ઉધનામાં ગુરુજી સાથે કેન્સર રિસર્ચ કરવાનું પસંદ કર્યું તેનું કારણ પાર્વતિબા સાથે એનો જીવ ગુંગળાતો હતો; અને માતાનો અનાદર પણ કરી શકતો ન હતો. શિવાનંદ તો રાજુને જોઈને ખુશ હતા.

ગણપતકાકા અંધેરીની ચાલીના દિવસોને સોનાલી અને આદિત્યને સાંકળતા હતા. શેઠજીના યુવાનીના ચહેરાને આદિત્યના ચહેરા સાથે સરખાવતા હતા. સમયાનુસાર સોનાલીને દૂર રહેવાની સલાહ આપીને એમણે સુવર્ણાનો સંસાર સાચવ્યો હતો. આજે એ જ સોનાલી શેઠજીના જીવનમાં પાછી પ્રવેશતી હતી. સાથે એનો દીકરો હતો, ઘડાયલા ગણપતકાકાને બદલાયલા સમય અને પરીસ્થિતિને સ્વીકારવામાં કોઈ વાંધો ન હતો. અંતરથી શેઠ કુટુંબનું શ્રેય ઈચ્છતા હતા. અરે! પા સદી ઉપરનો સમય વીત્યા છતાં વૃધ્ધ આંખોએ ઓળખ તાજી કરી લીધી હતી.

હેમાલીભાભી, દીકરી સમાન નણંદ શ્વેતા, વૈધવ્યમાં બહાર આવી તેનો આનંદ માણતા હતા.

લાલાજી શેરખાનનું ધ્યાન ટૂકા સ્કર્ટ માં નોનવેજ પિરસતી ગોરી અને ભરાઉ ઉરોજોવાળી લલનાઓ અને ખાસતો વાનગીઓ પર ઠરેલું હતું. કિશન મહારાજને કહ્યું પણ ખરુ 'કિશનજી ખાના તો ઈસે કહતે હૈ. સૌ પ્રસંગને પોતપોતાની રીતે મુલવતા હતા માણતા હતા. સોસિયલ અવર પુરો થયો.

રાજુએ સ્ટેજ પર આવીને શ્વેતાની ગિરિમાનો પરિચય આપ્યો. આદિત્યએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવી. બન્નેને અભિનંદન અને શુભેચ્છા પાઠવી. મોનાએ રમતિયાળ અને તોફાની ભાષામાં બન્નેને અભિનંદન આપ્યા. શ્વેતાની સો પ્રેગનન્સીની કાળજી રાખવાનું વચન આપ્યું. ત્યાર પછી વારાફરતી મોહિત, લિસા, ડો.દેસાઈ અને ડો.મારથા, અને માઈકલએ બન્નેને બિરદાવ્યા અને શુભેચ્છાઓ પાઠવી.. આદિત્યએ ફરીવાર પોતે ખરીદેલી ડાયમન્ડ રીંગ પહેરાવી. સોનાલીએ કિંમતી હિરાનો હાર પહેરાવ્યો. યોગેશભાઈએ કાન માટે ડાયમ્ન્ડનાં લટકતા ઝૂમખા આપ્યા. શેઠજીએ ખૂબ પહોળા હિરાના ચાર બ્રેસલેટ આપ્યા. કેક કપાઈ. બોલરૂમ સ્લો ડાન્સ શરૂ થયો.

ફરીવાર રાજુ પેલી યુવતી સાથે ડેન્સ કરતો દેખાયો. જ્યારે જ્યારે કેમેરો એમના પર ફરતો ત્યારે રાજુનો ચહેરો અને યુવતીની પીઠજ દેખાતી. શિવાનંદને એ યુવતી કોણ હતી એની પરવા ન હતી. રાજુને લાંબા સમય પછી મુક્ત રીતે આનંદ માણતો જોયો હતો. તે ખુશ હતા. પાર્વતિબા અકળાતા હતા.

વેસ્ટર્ન ડાન્સ પછી રંગ બદલાયો. ભાંગડા શરૂ થયા. અમેરિકન મહેમાનોએ પણ બિટ્સ માણ્યા અને ગુડ એક્ષરસાઈઝ તરીકે મન મુકીને ભાગ લીધો. સુવર્ણાવિલામાં પણ લાલાજી, પાંડુરંગ અને સાવિત્રી, જગદિશ અને જ્યોતિ, વલ્લભ અને વિમળા, સૌરભ અને પ્રાચીએ વહેલી સવારે ભાંગડાથી ઘર ગજવ્યું.

છેલ્લે સીટડાઉન ડિનર શરૂ થયું. ડિનરને અંતે આભાર વિધીથી પાર્ટીનું સમાપન થયું. શિવાનંદના મનમા ઘોળાતો પ્રશ્ન પ્રાચીએ પૂછ્યો. 'દાદાજી, નિકુળમામા પાર્ટીમાં કેમ નથી ગયા?'

મહેમાનોએ વિદાય લીધી. પાર્ટીહોલ ખાલી થયો. ફરીવાર બન્ને વેબકેમ સુંદરલાલના કુટુંબ પર અને સુવર્ણાવિલાના સ્વજનો પર મંડાયા. બધાએ દાદાજીના આશિષ લીધા. દાદાજીએ આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરતા હોય એમ શેઠ કુટુંબ સંતાન, સમૃદ્ધિ અને સંસ્કાર વિસ્તરતું રહે એવા આશિષ આપ્યા. માત્ર સુંદરલાલ અને સોનાલી એનો મર્મ સમજ્યા.

‘શિવાનંદથી રહેવાયું નહિ. 'સુંદર! નિકુળ કેમ દેખાયો નહિ?'

'નિકુળ લંડન રોકાઈ ગયો છે. હું તને ફોન પર બધી વાત સમજાવીશ.'

પાર્વતિબાએ પુછ્યું 'સુંદરલાલ, મારો રાજુ કેમ દેખાતો નથી?

'મને ખબર નથી. હમણાં તો અહીં જ હતો. કદાચ એની ફ્રેન્ડ સાથે ફ્રેન્ડને ત્યાં જ ગયો હશે. 'બન્ને કેમેરા બંધ થયા.

ગણપતકાકાએ શિવાનંદ, પાર્વતી અને હેમાલીને લંચ લીધા પછી જ ઘરે જવાનું કહ્યુ.

પાર્વતિબાએ કહ્યું 'જગદિશ મને તું ઘરે મુકી જા. મારે સેવા પુજા બાકી છે.'

શિવાનંદ રોકાઈ ગયા. પાર્વતિબા મલબાર હિલ પહોંચી ગયા.

***

પાર્ટી પછી શ્વેતા આદિત્ય સાથે સાસરે ગઈ. મોના મોહિત સાથે એના રૂમ પર ગઈ. યોગેશભાઈ, નિકિતા અને રાજુ સુંદરલાલની સાથે હિલ્ટનમાં જ રોકાઈ ગયા. બધાએ આવતી કાલે લંચ માટે સોનાલીને ત્યાં મળવાનું નક્કી કર્યું.

'સુંદરકાકા, જો તમને ઊંઘ ન આવતી હોય તો મારે તમને થોડી વાત કરવી છે. સલાહ જોઈએ છે.'

'બોલ બેટા રાજુ, શું મુંઝવણ છે?'

‘કાકા, મરતા પહેલા નિરાલીએ મને નિકુળની જાતિય સમસ્યાની વાત કરી હતી. નિકુળને સંભાળવાની જવાબદારી મને સોંપતી ગઈ હતી. સેક્સ ચેઈન્જ પછી બા એને ઘરમાં નહિ અપનાવે એની મને સો ટકા ખાત્રી છે. પપ્પાના વિચાર આધૂનિક છે પણ એણે આખી જીંદગી બાને દુઃખ ન થાય એ માટે હંમેશા નમતું જોખ્યું છે. શું કરવું તે સમજાતું નથી. પણ બાના રૂઢિચુસ્ત વિચારોથી હું અસંતુલિત થઈ થઈ જાઉં છું. બોમ્બેમાં તકો સારી હોવા છતાં ઉધનામાં ગુરુજી સાથે પડી રહ્યો છું. નિકુળમાંથી નિકિતા બનેલો નિકુળ સંપૂર્ણ સ્ત્રી બની ગયો છે. આદિત્ય સાથે ઘણી ચર્ચાઓ થઈ છે. એક માત્ર તે ગર્ભાધાન નહી કરી શકે. નિકુળને સથવારાની અને હૂફની જરૂર છે. હું એને પત્નિ તરીકે અપનાવવા માંગુ છું. હું એનું શારીરિક સુખ કેવું હશે તે કલ્પી શકતો નથી પણ એનું સ્રીત્વ સ્વીકારવાની સાચી શરૂઆત મારાથી જ થવી જોઈએ. પણ બા... બા એ કદી ન સ્વીકારે. નિરાલી અને નિકુળ યુપી ના હતા. શરૂઆતમાંતો બાપૂજીની સમજાવટથી સમાજની દૃષ્ટીએ અમારા લગ્ન કમને પણ સ્વીકારી લીધા; પણ નિરાલીથી સરખું ગુજરાતી પણ બોલી શકાતું નહીં એટલે પૂર્વગ્રહ વધતો ગયો. નિરાલીના નિધન પછી થોડો સમય સારું ચાલ્યું. નિકુળ પ્રત્યે પણ અણગમો વધતો ચાલ્યો. બાને પહેલેથી જ નિરાલી માટે પુર્વગ્રહ હતો. કાકા જીવ અકળાય છે. શું કરુ?’

‘સુંદરલાલ આંખો બંધ કરી વિચારતા રહ્યા.’

‘રાજુ, તું નિકુળ સાથે, સોરી! નિકિતા સાથે લગ્ન કરી શકશે. શક્ય છે કે નિરાલી સાથેના લગ્નજીવન જેવું દૈહિક લગ્ન નિકિતા સાથે ના પણ હોય, પણ એક નિર્દોષ જીવન સુધરી જશે.’

‘કાકા, આપ માનવીના વિચારો વાંચી શકો છો. હું પણ એજ વિચારતો હતો. પણ એ કેવી રીતે શક્ય બની શકે?’

‘બેટા, તારા આ સુંદરકાકા એ શક્ય બનાવશે. મારા પર છોડી દે. નિરાંતે ઉંઘી જા. તારા પપ્પા મને ઘણીવાર કહે છે બનિયા તું ઝૂઠે કા સરતાજ હૈ. તો હવે થોડા બહોત ઓર ઝૂઠ તેરે લીયે.’

***

બીજી દિવસે લંચ પછી બધા આનંદથી આગલા દિવસના પ્રસંગની વાતો વાગોળતા હતા.

શેઠજીએ કહ્યું ‘બેટા મોના, આપણે જરા બેકયાર્ડ ગ્રીન હાઉસમા બેસીને થોડી વાતો કરીયે. ચાલ રાજુ તું પણ ચાલ.’ ત્રણે ગંભીરતાથી વાતો કરતા રહ્યા. રાત્રે ફોન કરીશું એવું નક્કી કરી અંગત મંત્રણા પુરી કરી.

બધાને એમની વાતો જાણવાનું કુતુહલ હતું પણ પુછવાનું યોગ્ય ન લાગ્યું.

મોનાએ પુછ્યું 'રાજુભાઈ તમે ગઈ કાલે પાર્ટીમાં નોન્વેજ બુફે ટેબલ પરથી શું લઈને ખાતા હતા?'

‘તું શું માને છે?’

‘મને તો ફ્રાઈ ચિકન જેવું લાગતું હતું’

‘થેન્ક્યુ. મારે પણ એ જ લગાડવું હતું. પપ્પા અને બાને પણ એવું જ લાગ્યું હશે. મેં વિડિયો અને વેબકેમ ટેકનિશીયન ને પણ કહી દીધું હતું કે મારી ડિશપર એ રીતે જ કેમેરો ફોકસ કરે. નિકિનો ફેઇસ ન આવે એ પણ ધ્યાનમાં રાખવાની સૂચના આપી હતી.’

‘કેમ એમ?’

‘બાને જરા શૉકટ્રિટ્મેન્ટની જરૂર છે. એઓ એમના પુત્રના બદલાયલા લક્ષણો જુએ એ જરૂરી લાગતું હતું,’

‘પણ રાજુભાઈ તમે ખરેખર ચિકન ખાતા હતા?’

‘ના તમે બધાએ આખા મરચાના ભજીયા ખાધા તે જ હું ને નિકિ ખાતા હતા. અને હાથમાં વર્જીન મૉકટૅલ હતું. અભી ભી મૈં, બમ્મનકા બેટા હિ હું’. બધા હસી પડ્યા.

મરચાના ભજીયાનું નામ સાંભળી આદિત્યની જીભ સળવળી. 'થોડા વધેલા હોય તો ગરમ કરોને. ચ્હા સાથે જરા મજા આવી જાય.'

'જનાબ થોડા વાસી ભજીયા છે તો ખરા પણ આપ નામદારને માટે નથી. એ માત્ર રાજુભાઈ અને નિકિતા માટે જ છે. યસ્ટર ડે આપ એક દિનકા સુલતાન થે. આજ આપકી કોઈ વેલ્યુ નહીં હૈ.' મોનાએ થંબ્સ ડાઉન નો સિગ્નલ આપીને જીભડો કાઢ્યો.

સોનાલીએ શ્વેતા પ્રત્યે સ્મિત સાથે ઈશારો કર્યો. શ્વેતાએ ફ્રિઝમાંથી ભજીયા કાઢી માઈક્રોવેવમાં ગરમ કર્યા. 'બસ માસી, આ ઘરમાં મારા બોલવાની કાંઈ ગણત્રી જ રહી નથી. પહેલા નંબર પરથી મને છેલ્લા નંબર પર ધકેલી દીધીને! હું હવે કાંઈ બોલવાની જ નથી.' મોનાએ છણકો કર્યો.

આદિત્યએ આંખમિંચીને કહ્યું ‘ઓઉમ શાંતિઃ, શાંતિઃ, શાંતિઃ’.

શ્વેતાએ બધાને માટે ચ્હા કૉફી બનાવ્યા. યોગેશભાઈને બહેનના નવજીવન અંગે સંતોષ હતો. શ્વેતા, પોતાના પુત્ર આદિત્ય સાથે એકાકાર થતી હતી એ જોઈને શેઠજી માનસિક સુખ અને આનંદ અનુભવતા હતા. બધા વાતો કરતા હતા. આનંદમાં હતા અને શેઠજીનો ફોન રણક્યો. બધા શાંત થઈ ગયા.

'હલ્લો. કોણ શિવુ. અત્યારે તો ત્યાં રાત પડી છે. ઊંધ નથી આવતી?'

'અરે સુંદર જવા દેને! પાર્વતિ ઊંઘતી નથી અને મને ઊંઘવા દેતી નથી. એને રાજુ સાથે વાત કરવી છે પણ એનો ફોન બંધ છે. રાજુ ક્યાં છે?'

શેઠજીએ નાક પર આંગળી મુકી બધાને ચૂપ રહેવા ઈશારો કર્યો.

'શિવુ, એ ગઈ રાતથી એની અમેરિકન ફ્રેન્ડને ત્યાં ગયો છે.'

પાર્વતિબાએ શિવાનંદ પાસેથી ફોન લઈ લીધો.

'સુંદરભાઈ, રાજુ મારા બ્રાહ્મણ કુળનું સત્યાનાશ કરવા બેઠો છે. મારા ડાહ્યા દીકરાને કોણ ધોળીયણ વળગી છે? મહેરબાની કરીને એને જલ્દી દેશમાં મોકલી આપો. મેં તો કેટલી બાધા માની છે! એ આવે એટલે એની નજર ઉતરાવવાની છે અને પ્રાયસ્ચિત કરાવવાનું છે. પ્રાચી કહેતી હતી કે પપ્પા ચિકન ખાતા હતા અને દારુ પીતા હતા. મારે એને તમારા અક્ષય જેવો નથી બનાવવો.'

સુંદરલાલ જરા હચમચી ગયા. આખરેતો અક્ષયને પુત્ર તરીકે પાળ્યો અને બાળ્યો હતો. પાર્વતિ પણ પોતાની ભૂલ સમજ્યા. બોલતા બોલાઈ ગયું. વાત વાળી લીધી. સુંદરભાઈ 'અક્ષયતો મને પણ વહાલો હતો પણ આપણે એને ગુમાવવો પડ્યો. રાજુ તમારું કહેલું બધું જ માને છે. કંઈક કરો. તમારા ભાઈબંધનું નામ શિવાનંદ છે પણ એને ત્રીજી આંખ જ નથી. બ્રહ્માજીની જેમ દુનિયાદારી પ્રત્યે આંખો બંધ કરીને બેસી રહે છે. આ છોકરો બગડી ચાલ્યો અને મને કહે એ મોટો છે. ભણેલો છે. સમજુ છે. એને એના સુખને ખાતર જે કરવું હોય તે કરવા દે.

સુંદરભાઈ! કેટલા કોટી અવતાર પછી મનુષ્ય અવતાર મળે અને તેમાંયે ખુબ પૂણ્ય કર્યા હોય તો બ્રાહ્મણનો અવતાર મળે. એને દારુ માંસના નરકમાં વહાવી દેવાય? 'સુંદરભાઈ પાર્વતિની સ્વભાવગત અકળામણ સમજતા હતા અને મલકાતા હતા.

'પાર્વતિ, હવે એકજ રસ્તો છે. એને ઉધનાથી બોલાવી લ્યો. કોઈ સારી બ્રાહ્મણની છોકરી સાથે પરણાવી દો. જુવાન મન ગમે ત્યારે, ગમે ત્યાં ભટકી જાય. હવે પ્રાચીને સાચવવા માટે પણ એણે પરણીને તમારી સાથે મુંબઈમાં રહેવું જોઈએ. હવે તો નિકુળ પણ નથી.'

‘હું તો કહી કહીને થાકી, પણ સાંભળતોજ નથીને. અરે! પણ નિકુળને શું થયું?'

નિકુળે કોઈ અંગ્રેજ છોકરી સાથે લંડનમાં લગ્ન કરી લીધા. હવે એ ઈન્ડિયા આવવાનો નથી. ખરેખર ખોટ તો મને ગઈ. તમે યોગેશભાઈ ને લઈ લીધા અને નિકુળ લંડન ચાલ્યો ગયો. શ્વેતા પરણીને સાસરે જશે. મારા ધંધાનું શું થશે? મારે બધું સમેટીને તમારા ગુરુજીના આશ્રમમાં ભરતી થઈ જવું પડશે.’

‘'સુંદરભાઈ એમાં જ તમારું કલ્યાણ હશે. પણ કોઈ સારા માણસને શોધી કાઢીને ધંધો ચાલુ રાખજો.'

'ચાલો હું તમને રાજુની બાબતમાં મદદ કરીશ તમે મને બિઝનેશમાં મદદ કરજો.' શેઠજીએ પ્રપોઝલ મુકી.

મને તો ઘર કામમાંથી જ ફુરસદ નથી મળતી બાકી હું પણ આઠ ધોરણ સુધી ભણેલી છું. પાર્વતિબાએ ખુબજ ભોળાભાવે ગંભીરતાથી કહ્યું.

શિવાનંદે ફોન લીધો. સુંદર મને મારા દીકરાના સંસ્કાર પર ભરોસો છે. એ જે કાંઈ કરશે તે સમજ પૂર્વકનું જ હશે. મને એની ચિંતા નથી. ચિંતા છે બિચારા નિકુળની. એ બ્રિટીશ છોકરી એને સાચવે તો સારું. મારી પ્રાચી એના વગર હિજરાશે. હું શું એટલો પારકો થઈ ગયો કે લગ્નની વાત પણ ન કરી!

ફોન બંધ થયો.

બધાને શેઠજીએ કરેલી વાતનો સંપૂર્ણ અણસાર આવી ગયો હતો.

શેઠજીએ સિલીંગ તરફ જોઈને હહ્યું ‘હે પરમાત્મા આ અસત્ય બદલ મને માફ કરજો.’Rate this content
Log in

Similar gujarati story from Drama