Pravinkant Shashtri

Drama Thriller

3  

Pravinkant Shashtri

Drama Thriller

“શ્વેતા” પ્રકરણ ૨૫

“શ્વેતા” પ્રકરણ ૨૫

10 mins
555


“શ્વેતા”

પ્રકરણ ૨૫
સુંદરલાલ અને સોનાલીને ઘણી ઘણી વાતો કરવી હતી. બન્ને વર્તમાન ભુલીને ભૂતકાળમાં ભ્રમણ કરતા હતા. શેઠજીના મગજમાં વર્ષાભીનું ચુસ્ત યૌવન અને થોડી રાત્રીઓનો સહવાસ સળવળતો હતો. સોનાલીના માનસપટ પર માતૃત્વના અંકુર ફૂટ્યા તેની સ્મૃતિ જાગૃત થતી હતી. સુંદરલાલને આનંદના સમાચાર આપવાની વેળાએ જ ગણપતકાકાએ કુટુંબ અને સામાજીક વાસ્તવિકતાનો પાઠ ભણાવી દીધો હતો. સોનાલી છેલ્લી ઘડી સુધી સુંદરલાલને તેમના પિતૃત્વનો પદાફર્સ કરવો કે નહિ તેની દ્વિધામાં હતા. ....

છેવટે સોનાલીએ જ શરૂઆત કરી.

'શેઠજી આપની શ્વેતા ખુબ જ સુંદર છે. સુંદરલાલની દીકરી સુંદર જ હોય.'

સુંદરલાલ સમજી ગયા કે હજુ ડિપ્લોમૅટિક સ્ટેઇજ પર જ વાત થાય છે.

એમણે પણ એવો જ જવાબ આપ્યો. ‘તમારો આદિત્ય પણ ઓછો હેન્ડસમ નથી. અમારી શ્વેતા બિઝનેશમાં ઘડાયલી છે અને આદિત્ય એના ક્ષેત્રમાં પારંગત છે.’

‘એતો બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા. બરાબર તમારા પર જ પડ્યો છે ને!........

સુંદરલાલનું મોં અને આંખ પહોળા થઈ ગયા. થોડી ક્ષણો માટે જાણે પૃથ્વીએ એનું પરિભ્રમણ અટકાવી દીધું. એકદમ ચેરમાંથી ઊભા થઈ તેઓ સોફા પર સોનાલીની બાજુમાં બેસી ગયા. સોનાલીનો હાથ તેમના હાથમાં લઈ લીધો. તુંકારાની આત્મીયતા આવી ગઈ.

‘મને લાગે છે કે મારા કાન અને બુદ્ધિએ કામ કરવાનું બંધ કરી દીધું છે. સોનાલી, પ્લીઝ મને ફરી સંભળાવ અને સમજાવ કે તેં શું કહ્યું.’

સોનાલીનો ચહેરો સ્વસ્થ સ્મિત રેલાવતો હતો. ‘હું જો એમ કહું કે આદિત્યનું હૃદય, તમારું જ રક્ત એના એના શરીરમાં પરિભ્રમણ કરાવે છે તો તમે શું સમજશો?’

‘સોનાલી...શું આદિત્ય મારો દીકરો છે?..... આટલા વર્ષ હું મારા સંતાન વગર તડપતો રહ્યો. તેં એકલે હાથે મારા દીકરાને ઉછેર્યો. તું એકાએક મુંબઈ છોડીને ક્યાં અને કેમ ચાલી ગઈ?બે વખત બિઝનેશને બહાને ચંડિગઢ આવી ગયો, પણ તારો પત્તો ન લાગ્યો.’

‘હું ગણપતકાકાની સલાહ અનુસાર તમારા સુખી સંસારને સાચવવા મુંબઈ છોડી અમદાવાદમાં સ્થાયી થઈ હતી.’

‘બધી વાતો પછી.’

‘શ્વેતાએ મને કહ્યું હતું કે એને એક મોટો ભાઈ પણ છે અને તમારી સાથે બિઝનેશમાં જ છે. સુવર્ણા ખરેખર નશીબદાર હતી કે એના ખોળામાં એક છોકરો અને એક છોકરી રમાડ્યા.’

‘પુત્ર પુત્રી બન્નેએ ધંધામાં કુશળતા મેળવી. શ્વેતા જો આદિત્યની બહેન ન હોત તો શ્વેતાને અપનાવીને અમે ધન્ય થઈ ગયા હોત. આજ સુધીમાં મેં આદિત્યને એણે જે જે માંગ્યું તે બધું જ આપ્યું છે. ભાઈ બેન કેવી રીતે લગ્ન કરી શકે?’

‘સોનાલી,..મને લાગે છે કે તું સત્યથી અજાણ છે. સુવર્ણાની ગોદ પોતાના બાળક વિહોણી જ રહી હતી.’

‘પણ સુવર્ણા તો ડિલીવરી માટે પિયર ગઈ હતી.’

‘હા એ ગઈ હતી. તે એક બાળકને લઈને આવી હતી. તે બાળક પોતાનું નહિ પણ એના મામાની છોકરીનું હતું. છોકરી પર બળાત્કાર થયો હતો. નાની બહેનની અને મોસાળની આબરૂ સચવાય અને પોતાનો ખોળો ભરાય એટલે એણે પોતાની પ્રેગનન્સીની વાત વહેતી મુકી હતી. ખરેખર તો સુવર્ણાને બાળક થવાની શક્યતા જ ન હતી. અમે એ બાળકને અપનાવી લીધો. એનું નામ અક્ષય રાખ્યું. અક્ષયના મગજમાં અમારા પુત્ર હોવા અંગે શંકાના બી વવાયા. અભ્યાસમાં પાછળ પડતો ગયો. મારી અપેક્ષાઓ વધતી ગઈ. એ જ અરસામાં નાનકડી, સુંદર અને તેજસ્વી શ્વેતા પર મારું મન ઠર્યું. મેં મનોમન શ્વેતામાં મારી પુત્રવધૂ નિહાળી. એને મેં મારી રીતે ઘડવા માંડી. શ્વેતા મારી લોહીની દીકરી નથી, અક્ષય મારા લોહીનો દીકરો ન હતો.’

‘શ્વેતા અમારે ત્યાં કામ કરતા યોગેશભાઈની નાની બહેન. યોગેશભાઈ ખુબ જ સજ્જન અને સંસ્કારી વૈષ્ણવ. મે શ્વેતાના લગ્ન અક્ષય સાથે કરાવ્યા. અક્ષયે શ્વેતાને અક્ષતયોની રાખીને આત્મહત્યા કરી. અક્ષયના આઘાતથી તરત જ સુવર્ણાનું જીવન સંકેલાઈ ગયું. શ્વેતા મારી પુત્રી નથી, એ મારી પુત્રી સમાન પુત્રવધૂ છે. આદિત્ય અને શ્વેતા ભાઈ બહેન નથી. બાકીની વાત અક્ષયનો આ પત્ર કહેશે.’

સુંદરલાલે ધ્રુજતા હાથે અક્ષયે લખેલા પત્રની કોપી સોનાલીને આપી.

સોનાલીએ રડતી આંખે પત્ર વાંચ્યો. હવે કંઈ પૂછવા જેવું રહેતું ન હતું. એણે કહ્યું, 'શેઠજી આપણે શ્વેતાને એની મરજી પુર્વકનું સૌભાગ્ય આપીશું. એ આપણી પુત્રવધૂ જ રહેશે.'

‘હવે આપણા સંબંધ અંગે હું થોડી સ્પષ્ટતા કરવા કરવા માંગું છું. આપણો પહેલી વારનો દૈહિક સંબંધ તદ્દન આકસ્મિક હતો. ત્યાર પછી જે થયું તેમાં, સુવર્ણાની ગેરહાજરીમાં તમારી વાસના યુક્ત શારીરિક ભૂખ હતી. હું પ્રતિકાર કરી શકતે પણ મારી સંતાનની ભૂખ જાગૃત થઈ હતી. મારા સહકાર બદલ મેં કદીયે અપરાધ અનુભવ્યો નથી. તમારું નામ આપ્યા વગર આદિત્યને એની ચૌદ વર્ષની ઉમરે એના જન્મની વાત સમજાવી દીધી હતી. એને એના સર્જક પિતા પ્રત્યે જરાપણ અનાદર નથી; તેમ એના પિતા કોણ એ જાણવાનું પણ એને જરૂરી નથી લાગ્યું. એ રોજ પ્રાથના કરે છે કે પ્રભુ મારા જન્મદાતા સુખી અને તંદુરસ્ત રહે.’

‘સમગ્ર સમાજ જાણે છે કે શ્વેતા તમારી વિધવા પુત્રવધૂ છે અને હવે જાણશે કે તમે એને દીકરીની જેમ આદિત્ય અડવાણી નામના ડૉકટર સાથે પરણાવી છે. સમાજની નજરે તમે પિતાતુલ્ય રહેશો. પિતા નહિ. અને બીજી ખાસ વાત. આજે તમે મારી પાસે બેઠા છો પણ હવેથી જાહેરમાં કે ખાનગીમાં આપણી વચ્ચે એક હાથનું અંતર રહેશે. લાગણીની વ્યક્તતાને અંકુશમાં રાખવી પડશે. આપણા પૂર્વ સંબંધની જાણ કોઈને પણ કરવાની જરૂર નથી. શું તમારાથી આટલું થઈ શકશે?’

સુંદરલાલ સોફા પરથી ઊભા થઈ ગયા. બે હાથ જોડી કહ્યું. ‘અત્યારથી જ તમને સોનાલીને બદલે મારી દીકરીના સાસુ અને મારા માનવંતા વેવાણનું સ્થાન આપું છું. ઘણા લોકો જમાઈને દીકરા તરીકે જાળવે છે. હું મારા દીકરાને, દીકરા તરીકેનો વણબોલ્યો પ્રેમ આપીશ અને સમાજમાં જમાઈ તરીકેનો માન મરતબો જાળવીશ. તમને તૂકારાથી સંબોધન પણ નહીં કરું. તમને સમજાવવા મારી પાસે શબ્દો નથી. હું શબ્દોનો નહિ પણ આંકડાનો કરોળિયો છું. એટલું કહીશ કે આજે, પહેલા કદીયે ન અનુભવેલા સુખની ચરમ સિમા પર છું. છોકરાંઓને જ્યાં રહેવું હોય ત્યાં રહેશે. મારા વંશવેલાના નામની ચિંતા નથી. આપણે અને આપણો ભગવાન જાણે જ છે કે અડવાણી નામ હેઠળ પણ સુંદરનું લોહી જ ફેલાશે. આપણે બધા સાથે રહીએ તે મને ગમશે પણ એમાયે મારો દુરાગ્રહ નથી. સુંદરલાલ ગળગળા થઈ ગયા.’

સોનાલીના સેલફોને ગાયત્રીમંત્રનો વેદોચ્ચાર કર્યો.

આદિત્યનો ફોન હતો. 'મમ્મી, મોના અને મોહિત પણ આવી ગયા છે. તમારી મહામંત્રણામાં ખલેલ ન પડે એટલે નીચે લોન્જમાં બાંધી રાખ્યા છે. તમારી આજ્ઞા થશે ત્યારે ઉપર આવીશું.'

'હવે ચાંપલાસ કર્યા વગર સીધો બધાને લઈને ઉપર આવી જા.'

...અને આદિત્ય, શ્વેતા, મોના અને મોહિત સુંદરલાલનાં સ્યૂટમાં આવી પહોંચ્યા.

યુ શેઇપમાં ત્રણ સોફા હતા. એક સોફા પર સુંદરલાલ ગંભીર ચહેરે બેઠા હતા. સામેના સોફા પર સોનાલી એવી જ ગંભીર મુદ્રામાં બેઠા હતા. શ્વેતા સુંદરલાલની બાજુમાં બેઠી. આદિત્ય મમ્મીની બાજુમાં ગોઠવાયો. મોના અને મોહિતે વચ્ચેના સોફા પર સ્થાન લીધું. બન્ને વડિલો શાંત અને મૌન હતા. ચારે જુવાનીયાઓ ફફડતા હૈયે વડિલો કંઈક કહે એની રાહ જોતા હતાં.

‘દીકરા આદિત્ય! માની સાથે ગોળગોળ વાત કરવાનું ક્યાંથી શીખ્યો? શ્વેતા શ્રી સુંદરલાલ શેઠની દીકરી છે તો અક્ષય શ્વેતાનો શું સંબંધી હતો? મને જરા સમજ પાડને બેટા.' ચારે જણા સ્તબ્ધ થઈ ગયા. કોઈ પણ દિવસ મમ્મીએ આદિત્ય સાથે આવી રીતે વાત કરી ન્હોતી. આદિ! કેટલાક સત્યો છુપાવવાનો શું હેતુ હતો? શું તું એમ માનતો હતો કે શ્વેતાને એના વૈધ્વ્યને કારણે હું નહિ સ્વીકારીશ?

કવીશ્રી નાનાલાલે વર્ષો પહેલા ગાયું હતું-

“દેહલગ્નની વિધવાને, પુનર્લગ્ન સમી મુક્તિ નથી;

સ્નેહલગ્નની વિધવાને, પુનર્લગ્ન સમું પાપ નથી.”

‘ શું હું એટલી જુનવાણી છું? જો જુનવાણી હોત તો તારો જન્મ જ થયો ન હોત. મેં તને મારી બધી જ વાત કરી છે. માત્ર તારા પિતાની ઓળખ મેં તેમના સુખી ગૃહજીવનને સલામત રાખવા માટે જ ન્હોતી કરી. સમય આવશે ત્યારે એ પણ જણાવીશ્. બેટા! મારા હાથમાંની આ વીંટી લે. અમારી હાજરીમાં શ્વેતાને પ્રપોઝ કર. શ્રી.સુંદરલાલ શેઠ આજે માત્ર શ્વેતાના જ નહિ પણ તારા પણ પિતાતુલ્ય છે. તમે બન્ને એમના આશીર્વાદ મેળવો.’

સુંદરલાલ સોનાલીના પ્રભાવશાળી અને જાજરમાન માતૃત્વને મનોમન વંદી રહ્યા હતા. હંમેશનો વાચાળ આદિત્ય બધાની હાજરીમાં પ્રપોઝ કરતી વખતે ગાંગાગૂંગી કરતો થઈ ગયો. માંડમાંડ ચાર શબ્દો બોલી શક્યો 'વિલ યુ મેરી મી?'

શ્વેતા જાણે બાપુજીની મંજુરી માંગતી હોય તેવી અશ્રુભીની નજરે સુંદરલાલ સામે જોયું. સુંદરલાલે આંખોથી આશિર્વાદ આપ્યા. એણે હળવેથી જવાબ આપ્યો 'સોનાલીમમ્મીની પુત્રવધૂ બનતા હું, ગૌરવ અનુભવીશ.'

શ્વેતા અને આદિત્ય સુંદરલાલને અને સોનાલીને પગે લાગ્યા. શ્વેતા સુંદરલાલને વળગીને મોકળે મને રડી પડી. સુંદરલાલે એને ધીમેથી સોનાલી પાસે બસાડી અને આદિત્યને ગાઢ આલિંગન આપ્યું.

મોના એકદમ સોફા પર ચઢી નાના છોકરીની જેમ કુદતા કુદતા તાળી પાડતી હતી. કોન્ગ્રેચ્યુલેશન આદિત્ય. કોન્ગ્રેચ્યુલેશન શ્વેતા. મોહિતે આદિત્ય સાથે હાથ મેળવ્યા અને શ્વેતાને નમસ્કાર કરી અભિનંદન આપ્યા. મોનાનો ઉમળકો થોડો અંકુશમાં આવ્યો. એણે સુંદરલાલની ચરણરજ માથે ચડાવી વંદન કર્યા. શેઠજી આપે મને ઓળખી નહિ. હું મોના મહેતા.

'દીકરી મને લાગે છે કે મેં તને ક્યાંક જોઈ છે પણ મને યાદ નથી આવતું.'

'હું આપના અમદાવાદના બ્રાન્ચ મેનેજર કુંદનલાલ મહેતાની દીકરી.'

‘ઓ..હો..હો. હવે યાદ આવ્યુ. આપણે ચારેક વર્ષ પહેલા મળેલા. તારો અભ્યાસ કેમ ચાલે છે બેટી?’

'આપની કૃપાથી સરસ ચાલે છે. હજુ દોઢ વર્ષ બાકી છે.'

મોનાએ સૌને શેઠજી સાથેનો પોતાનો પરિચય જણાવ્યો. મારા ફાધર લગભગ ચાર વર્ષ પહેલા જ શેઠજીની ફાઈનાન્સ કંપનીમાં જોડાયા હતા. મને એમબીબીએસ કરવામાં એમની બધી બચત સાફ થઈ ગઈ હતી. મને અમેરિકા આવવાની તક મળતી હતી પણ એમાં સાંઠહજાર ખૂટતા હતા. ખૂબ ખંચકાટ સાથે મને લઈને શેઠજી પાસે લોન માંગવા ગયા. ફાધરની નવી નવી નોકરી હતી. કદાચ લોન ન પણ મળે. પણ શેઠજીએ તો બે લાખનો ચેક લખી આપ્યો. મને કહ્યું કે દીકરી આ લોન નથી. આ મારી તને સ્કોલરશિપ છે. ખુબ ભણજે. વધારે જરૂર હોય તો મને જણાવજે.

શેઠજીની આર્થિક સહાયને કારણે જ હું આજે અમેરિકામાં અભ્યાસ કરી રહી છું. અમદાવાદમાં આદિત્ય અને આન્ટી અમારી સામે જ રહેતા હતા. આદિત્ય મારા ભાઈ જેવો છે. મને ખબર ન્હોતી કે શ્વેતામેડમ આપના ફેમિલી મેમ્બર છે. ઉંમર અને આદિત્યની સાથેની નિકટતાને કારણે મારાથી એમની સાથે તુકારાથી વાત થઈ ગઈ છે. આઈ એપોલોઝાઈસ. સોરી આઈ વોઝ ઈગ્નોરન્ટ.

સુંદરલાલ મલકતા હતા. મારે માટે તો તું પણ દીકરી જેવી જ છે. કુંદનલાલની દીકરી એ મારી જ દીકરી. તારી ભાભીને જ પુછ, એને શું પસંદ છે.

મોનાએ શ્વેતા સામે જોયું.

શ્વેતાએ કહ્યું મોટા નણંદબાના અધિકાર પ્રમાણે મને માત્ર શ્વેતા જ કહેવાનું રાખજો. મારે તો તમને વંદન કરવાના છે. ખરેખર શ્વેતા પગે લાગવા માટે વાંકી વળવા જતી હતી પણ મોના તેને ભેટી પડી.

શ્વેતા, આ માતાજીને બહુ વળગવા જેવું નથી. એને તો દુરથી જ નમસ્કાર સારા. આદિત્યએ ટિખળ કરી. મોનાએ વડીલોની હાજરીની પરવા કર્યા વગર આદિત્યનો કાન આમળ્યો.

બસ હવે માતાજી નહિ કહું. હે રૌદ્રરૂપા દેવીજી કૃપા કરી મારો કાન છોડો. મોનાએ જરા વધારે અમળાવીને કાન છોડ્યો. આદિત્યએ હાથ જોડી કહ્યું. 'ક્ષમ્યતામ્ પરમેશ્વરી'. મોહિત જોઈ લેજે અને યાદ રાખજે તારી હાલત પણ આવી જ થવાની છે. બધા હસી પડ્યા.

ચાલો હવે મનેતો કકડીને ભુખ લાગી છે. ક્યાં જઈશું? રોયલ પેલેસમાં કે કોઈ બીજી જગ્યાએ.

ત્યાર પછી નિકુળને જોવા જવાનું છે. આદિત્યએ કહ્યું.

તને ખાવા સિવાય બીજો કાંઈ વિચાર આવે છે ખરો? મોનાએ આદિત્યને ટપોર્યો.

આન્ટી આજે બહારનો પ્રોગ્રામ બંધ. જો તમને વાંધો ન હોય તો આપણે પહેલા ઘેર જઈએ. દીવો કરી આ બન્નેને આપણા ભગવાનને પગે લગાડીયે. પછી બધા, શેઠ સર સાથે નિકુળને મળી આવે. તે દરમ્યાન આપણે બન્ને ફટાફટ રસોઈ બનાવી દઈએ. અમારા ઘરમાં જ્યારે જ્યારે શુભ સમાચાર કે શુભ પ્રસ્ંગ હોય ત્યારે કંસાર રંધાય છે. આજે આપણે કંસાર, પુરી, બટાકાવડા, દાળ, ભાત શાક અને રાયતું બનાવી દઈશું.

મોના તે સારુ યાદ કરાવ્યું. સોનાલી બોલ્યા. એમણે શેઠજી તરફ નજર નાંખી પુછ્યું આપને ફાવશે ને? મોનાને વ્યાવહારીક વાત પુછોને? મારાથી દીકરીને સાસરે જમી શકાય?

શેઠજી સર, હવે તો અમારા નાગર બ્રાહ્મણો પણ રૂઢીચુસ્ત નથી રહ્યા. ખાસતો આદિત્યએ આપને ફાધર-ઈન-લૉ ને બદલે ફાધર તરીકે જ ગણ્યા છે ને? પુત્રને ત્યાં પિતાને જમવામાં શું બાધ હોઈ શકે?

બેટી તું માત્ર મૅડિસીનમાં જ નહિ પણ આપણી સામાજીક બાબતોમાં પણ ખુબ ઘડાયલી લાગે છે. મારે તને એક વાત કહેવાની છે અને એક વાત પૂછવાની છે.

આપને શું કહેવું પૂછવું છે?

પહેલી વાત. મને શેઠજી સર કહેવાને બદલે માત્ર અંકલ કે કાકા જ કહેજે. નાવ વી આર ફેમિલી.

બીજું, વાત પરથી નામ તો જાણ્યુ, પણ તમે કોઈએ મોહિતભાઈની ઓળખાણ ન કરાવી.

ડૉકટર મોહિત મહેતા અમદાવાદના જ છે. એ પિડિયાટ્રિકમાં પોસ્ટ ડોકટરેટ કરે છે. એમના ફાધર ડૉ.ફિરોઝશા મહેતા અમદાવાદના જાણીતા સર્જન છે. મમ્મી બહારબાનુ મૅડિકલ કોલેજમાં મારા પ્રોફેસર હતા. અમે વેવિશાળ કરવાનું નક્કી કર્યું છે. અમારા બન્નેના પેરન્ટ્સે આશીર્વાદ આપ્યા છે. સામાન્ય રીતે પારસીમાં બાહ્ય લગ્ન થતાં નથી. પણ અમારી બાબતમાં અમે નસીબદાર છીએ. અમારા કુટુંબો સંકુચિત વિચારવાળા નથી. અમે અમારી જન્મગત સંસ્કૃતિ જાળવીને પરસ્પર સાંસ્કારીક સમભાવ પુર્વક જીવીશું. અમે અગ્નિની સાક્ષીએ જોડાવાનું નક્કી કર્યું છે.

મોહિત ઊભો થયો. 'અંકલ અમને આશિષ આપો.' મોહિત શેઠજીને પગે લાગ્યો.

શેઠજીએ ઊભા થઈને મોહિતને પ્રેમભર્યું આલિંગન આપ્યું. માથે હાથ ફેરવતા કહ્યું 'બેટા ગોડ બ્લેસ યુ એન્ડ મોના, એન્ડ કીપ યુ બોથ હેપી એન્ડ હેલ્થધી ફોર એવર.'

આદિત્ય, શ્વેતા, સુંદરલાલ અને સોનાલી એક કારમાં અને મોહિત અને મોના બીજી કારમાં આદિત્યના ઘેર પહોંચ્યા. સોનાલીએ દેવસ્થાન પાસે દિવો કર્યો. ઘૂપસળી સળગાવી. ફ્રિઝમાંથી મિઠાઈ કાઢી પ્રસાદ ધરાવ્યો. મોનાએ સ્પષ્ટ અને શુધ્ધ ઉચ્ચારથી વેદોક્ત ભદ્રસુક્ત ભણવા માંડ્યું. સુંદરલાલ અચંબાથી મોનાને જોતા રહ્યા. આ બ્રાહ્મણની છોકરી ડૉકટર થયેલી છે. બ્રાહ્મણના સંસ્કાર સાચવીને પારસીને પરણવાની છે. ધન્ય છે એના માંબાપને. કુંદનલાલ આવી પુત્રી પામવા નસીબદાર છે. સુંદરલાલ મોના અને મોહિતથી ખરેખર પ્રભાવિત થયા હતા.

આદિત્ય અને શ્વેતાએ લાંબા થઈ ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. સુંદરલાલ અને સોનાલીને વંદન કર્યા. બન્નેની આંખો સજળ હતી. દુન્યવી દૃષ્ટિએ સુંદરલાલ, માનેલી પુત્રી શ્વેતા અને જમાઈ આદિત્યને આશિષ આપતા હતા. અંતરથી પોતાના પીંડના પુત્ર અને પુત્રવધૂને આશિર્વાદ વરસાવતા હતા. સોનાલીને હૃદયમાં કયા સ્થાને બેસાડવી તે નક્કી કરવું તેમને માટે મુશ્કેલ હતું.

મોનાએ કહ્યું. 'હવે તમે બધા સર્જરી સેન્ટર પર જઈ નિકુળને મળી આવો.'

'મોનાબેન...'

શ્વેતા કંઈ કહેવા જતી હતી પણ મોનાએ એને અધવચ્ચે જ અટકાવી.

'મોના બેન નહિ. માત્ર મોના. યાદ રહેશેને? માત્ર મોના… બોલ શું કહેવું છે?

'હું એમ કહેતી હતી કે ભલે થોડુ મોડુ થાય પણ આપણે બધા સાથે જ જઈએ. હું પણ રસોઈમાં હેલ્પ કરું અને નિકુળ માટે પણ ડિનર લઈ જઈયે. મારા ઘરમાં તમે કામ કરો અને હું બહાર ફરતી રહું એ યોગ્ય ન કહેવાય.'

મોનાએ બન્ને હાથ કમ્મર પર મુક્યા…. 'મારું ઘર!.... શોખ છે ને?..... કાલથી ભાભી સાહેબ, તારે કુકીંગ, ક્લિનીંગ, ડિશીશ, લોન્ડ્રી, ગાર્બેજ, શોપિંગ, બઘું જ કરવાનું. તારી સાસુ અને નણંદ હવેથી હિંચકે ઝુલશે.'

આદિત્યએ શ્વેતાના બચાવમાં ઝ્ંપલાવ્યું. શ્વેતા ગભરાતી નહિ. એક નહિ ત્રણ હાઉસકિપર રાખીશું બધા જ હિંચકે ઝુલજો. પણ જલ્દી આજની રસોઈ તો કરો. મારા પેટમાંતો બિલાડા બોલે છે.

બધી રસોઈ થઈ ગઈ. બધા સાથે નિકુળને મળવા નીકળ્યા.Rate this content
Log in

Similar gujarati story from Drama