Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Pravinkant Shashtri

Inspirational Others Romance

3  

Pravinkant Shashtri

Inspirational Others Romance

“શ્વેતા” પ્રકરણ ૩૦

“શ્વેતા” પ્રકરણ ૩૦

12 mins
533


હનીમુન પછી સૌ પોતપોતાની પ્રવૃતિમાં વ્યસ્ત થઈ ગયા. નવી સંયુક્ત ફાઈનાન્સિંગ કંપનીનું નવું નામકરણ થઈ ગયું. “'આદિરાજ ફાયનાન્સિંગ'” અગ્રગણ્ય કંપનીઓમા ગણાતી હતી. સર્વાનુમતે યોગેશભાઈને સી.ઈ.ઓ.બનાવવામાં આવ્યા. શ્વેતા અને નિકીતાને મનેજીંગ ડાયરેક્ટર બનાવાયા. ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેકટર સુંદરલાલ શેઠ રહ્યા. શિવાનંદ વાઈસ ચેરમેન બન્યા. બોર્ડમાં યોગેશભઈ, શ્વેતા, નિકીતા, પાર્વતિબા, સોનાલીજી, રાજુ, આદિત્ય, કુંદનલાલ, વર્ષો જુના એમ્પ્લોયી ગુપ્તાજી અને દીનાબેનની નિમણુંક કરવામાં આવી.

મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટરની પહેલી મિટીંગ પુરી થયા પછી કુંદનલાલને અમદાવાદનું પ્લેન પકડવાનું હતું ગુપ્તાજી કુંદનલાલને એરપોર્ટ પર લઈ ગયા. પાર્વતિબાને સાંજની આરતીનું મોડું થતું હતું. દીનાબેન એને મલબાર હિલ પર ઉતારી એને ઘેર ગયા. કોન્ફરન્સ રૂમમાં હવે બિઝનેશ મિટીંગને બદલે ફેમિલી મિટીંગ થઈ ગઈ.

‘સુંદર! મને ઘણીવાર નિકુળ યાદ આવે છે. પાર્વતિને પણ પહેલાતો નિકુળ વ્હાલો હતો પણ ધીમે ધીમે એનો સ્વભાવ બદલાતો ગયો. મને લાગે છે કે એટલે જ એ લંડન ચાલ્યો ગયો. ભલે એણે કોઈ બ્રિટીશ છોકરી સાથે લગ્ન કર્યા પણ મને ખબર આપવાની પણ દરકાર ન રાખી. અરે રાજુના લગ્નમાં આવતે તો મામાને જોઈને પ્રાચી કેટલી ખુશ થતે! હું એને સમજાવીને મુંબઈમાં જ રાખતે. એને આપણા બિઝનેશમાં પણ ગોઠવી શકાતે. સુંદર, એ છોકરો હોશિયાર, તેજસ્વી, તંદુરસ્ત છતાંયે કેટલો કમળના ફુલ જેવો કુમળો હતો. નિરાલીના મૃત્યુ પછી એણે પ્રાચીની જવાબદારી લઈ લીધી. ઠરેલ વિચાર અને રમતિયાળ સ્વભાવ ને કારણે મને એના પર કુદરતી વહાલ ઉપજતું હતું. શિવાનંદની આંખો ભીની અને અવાજ ગળગળો થઈ ગયો. સુંદર, તું મને કોઈપણ રીતે એનો ફોન મેળવી આપ. મારે એને મુંબઈ બોલાવવો છે. એ હોત તો આપણા બિઝનેશનો કેટલો મોટો ભાર હલકો થઈ જાત. રાજુ બેટા’ તનેતો ખબર હશે જ. તું ધારેતો એની ભાળ મેળવી શકે. આપણે એને જુદો ફ્લેટ લઈ આપીશુ.’

રાજુએ પિતાને આટલા ભાવભીના કદીયે જોયા નહતા. નિકીતા લગભગ રડી પડવાની તૈયારીમાં જ હતી. એણે પાસે બેઠેલા રાજુનો હાથ જોરથી પકડી રાખ્યો. સત્ય જાણનાર સૌની આંખ શેઠજી પર મંડાયલી હતી.

‘શિવુ, હું વાત કરું તે પહેલા બે ઘૂટ પાણી પી લે અને જે કહું તે શાંતીથી સાંભળ.’ શિવાનંદને બે ઘડી અશુભ વિચાર આવી ગયો. પાણી પીને એ સુંદરલાલને તાકી રહ્યા.

‘દોસ્ત, નિકુળ, નિકુળ ન હતો.’

‘એટલે?’

‘નિકુળ નેવું ટકા સ્ત્રી અને દશ ટકા પુરુષ હતો.’

‘આઈ ડોન્ટ બીલીવ ઈટ. કોટા બકવાસની પણ હદ હોય છે’

‘હા શિવુ. એણે કોઈ અંગ્રેજ સાથે લગ્ન નથી કર્યા. એણે પુરુષમાંથી સ્ત્રી થવાનું ઓપરેશન કરાવી લીધું છે. એ ઓપરેશન આપણા આદિત્યેજ કર્યું છે. હવે તે પુરુષ નથી. તે સંપૂર્ણ સ્ત્રી છે.’

‘શું એવું ઓપરેશન થઈ શકે? તને જાત જાતની સ્ટોરી બનાવવાની કુટેવ છે. પ્લીઝ મારી લાગણીની મજાક ના કર. નિકુળનામાં મેં કદીયે બાયલાપણું જોયું નથી; મર્દને મહિલા બનાવાય જ નહિ’

નિકુળ મહિલા બની ચૂક્યો છે. બનાવનાર મારા જમાઈ ડો. આદિત્ય છે. અને ‘હા, આદિત્યની એમાં સ્પેશિયાલીટી છે.’

‘તારા લવારા માનવા હું તૈયાર નથી; જાણતો હોય તો કહે હાલ નિકુળ ક્યાં છે?’

‘એણે સ્ત્રી તરીકે લગ્ન પણ કરી લીધા છે. શારિરીક, માનસિક અને આર્થિક રીતે સુખી છે. ઈન્ડિયામાં જ છે.’

‘ઈન્ડિયામાં?.. ઈન્ડિયામા કઈ જગ્યાએ? મને ખબર હોત તો હું એને અને એના વરને જમાઈ તરીકે રાજુના લગ્નમાં બોલાવતે. અત્યારે મારે એની નરનારીના સ્વરૂપ સાથે લેવાદેવા નથી. એ મને વ્યક્તિ તરીકે વહાલો હતો. એ ક્યાં છે? ‘

‘એ મુંબઈમાં જ છે.’

‘તો તો આપણે કાલે જ એને ઓફિસમાં બોલાવીએ. બધી વાતની ખરાખરી થઈ જશે. રાજુ તું પણ નિકીતાને લઈને ઓફિસમાં આવી રહેજે. આપણે નિકીતાને પણ નિકુળની ઓળખાણ કરાવીશું.’

આદિત્ય, સોનાલી, શ્વેતા, નિકીતા અને રાજુ જાણે ચંપાયલી જામગરી બળતી બળતી બોમ્બના અંતર્ભાગ પાસે પહોંચીને બોમ્બ ફાટવાની હોય એમ સુંદરલાલ અને શિવાનંદને જોઈ રહ્યા હતા.

શેઠજી રિવોલ્વિંગ હાઈબેક રિક્લાઈનર પર પાછળ ઢળ્યા. બોચી પર બન્ને હાથપર માથું ટેકવ્યુ. ટેવ મુજબ આંખો બંધ કરી. ‘શિવુ કાલે શા માટે? આજે જ કેમ નહી?’

‘આજે જ?’

‘હા આજે જ.’

‘તો ફોન કર. અત્યારે જ જઈને એને મળીયે’

થોડી ક્ષણો શાંતી પથરાઈ ગઈ.

સુંદરલાલે એજ અદામાં બંધ આંખે નિકીતા તરફ મોં ફેરવી કહ્યું ‘બેટા નિકુળ, તારા પેમાળ પિતાતુલ્ય સસરાને પ્રણામ કર.’

નિકીતા ઊભી થઈ. ખુરસી પર બેઠેલા શિવાનંદના પગે વળગી રડવા લાગી. શિવાનંદ એકદમ આશ્ચર્યાઘાતથી સ્તબ્ધ થઈ ગયા. એનો હાથ, પગ પકડીને બેઠેલા નિકુળ/નિકીતાના માથા પર હતો. નિકિતાને ઉભી કરી એનું મોં ધ્યાનથી જોયા કર્યું. માથાથી પગ સૂધી એની નજર ફરતી રહી. ચહેરો ઉંચાઈ, જ્યાં નજર ના નાંખવી જોઈએ ત્યાં પણ એની નજર પહોંચી ગઈ. ભરાઉ પણ સપ્રમાણ સ્તન, નિરાલીમાં એને તો નિકુળ જ દેખાયો.

શિવાનંદનો ચહેરો એકદમ લાલ હતો. પરસેવો રેલાતો હતો. શેઠજી ઊભા થયા. શિવાનંદની ખુરસી પાછળ જઈ એમના ખભા પર હાથ મુકી કહ્યું. ‘દોસ્ત મને માફ કર.’

‘બાપુજી સંપુર્ણ સત્ય છે.’

‘આ નિકીતા ખરેખર આપણો નિકુળ છે? એને કુંદનલાલ મહેતા સાથે કાંઈ જ સંબંધ નથી? બધા શું ગોટાળા છે? તને આ બઘી ખબર હતી? તમને બધાને જ આ ખબર હતી?’

‘બાપુજી આપના બધા જ પ્રશ્નનો ઉત્તર હા છે.’

શિવાનંદે ફરી પાંચ મિનીટ સુધી એના મોં સામું જોયા કર્યું. પછી એને ભેટી પડ્યા. પછી એના કપાળ પર આશિષ ચુંબન કર્યું.

‘બસ હવે મારે કશું પુછવું નથી. મારે કશું જાણવું નથી. મારે સુંદર સાથે લડવું છે.’

સુંદરલાલે હાથ જોડી હસતા હસતા કહ્યું, 'માફ કરો ભોળાનાથ, આ સત્ય તમારા કૈલાસમાં શાંતી જળવાય એટલે જ ગુપ્ત રાખ્યું હતું. હવે જાણ્યા પછી તમારે પણ ગુપ્તતાના સોગંદ લેવા પડશે.'

'વોટ ડુ યુ મીન?'

'જ્યાં સુધી પ્રાચી એકવીશ વર્ષની થાય ત્યાં સુધી એને આ વાતની જાણ ન થવી જોઈએ. સુખી સંસાર માટે આખી જીંદગી તમારા પાર્વતિદેવીને અંધારામાં જ રાખીશું.'

'બનિયા! તેરે ભેજેમેં અભી કિતને સિક્રેટ છૂપાયે રખ્ખે હૈ?'

પ્રશ્ન ઈરાદા પુર્વક અનુત્તર જ રહ્યો. આદિત્ય સાથે ચહેરાની સામ્યતા છૂપાવવા અમેરિકાથી આવ્યા પછી સફેદ દાઢી વધારવાનું શરૂ કરી દીધું હતું. સુંદરલાલ અને સોનાલી એકબીજા સામે જોતા હતા જે શ્વેતાની નજર બહાર ન હતું.

***

વેસ્ટ્પારલામાં ફાઈવ સ્ટારહૉટલ 'પાર્ક વ્યુ' સંયુક્ત મેનેજમેન્ટ હેઠળ ધમધમાટ બિઝનેશ કરતી હતી. હૉટલના અડતાળીસમાં માળ પર આદિત્ય અને રાજુએ મેડિકલ સર્જીકલ સેન્ટર બનાવ્યું હતું. હોટેલના પાછળના ભાગે ત્રણ એલિવેટર હતા જે નોન સ્ટોપ અડતાળીસમા માળે જ અટકતા. સેન્ટરનું ઉદઘાટન ડૉ.જમશેદજી દારુવાલાએ કર્યું હતુ અને અતિથી વિશેષ તરીકે અમેરિકાથી ડૉ.દેસાઈ અને ડો.માર્થા આવ્યા હતા. બીજા ખાસ મહેમાનોમાં ડો.ફિરોઝશા, ડૉ.બહારબાનુ, મહારાસ્ટ્રના મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી પણ હાજર હતા.

આદિત્ય કંસ્લટિંગ માટે મિડલ ઈસ્ટ, યુરોપ અને અમેરિકા ફરતો હતો. સર્જરી અને પોસ્ટ સર્જીકલ ટ્રિટમેન્ટ પારલામાં થતી. SRS સર્જરી પછીની ગાયનેક કાળજી માટે અમદાવાદથી ડો.મોના મહેતા આવતી. પ્રોફેશનલ ડૉકટરો સુવર્ણા વિલા પર પહોંચતા અને નાદાન છોકરાઓની જેમ તોફાન કરી લેતા.

રાજુએ પોતાની કેન્સર રિસર્ચ લેબ પારલામાં ખસેડી. ઊધનામાં કેન્સર ટ્રિટ્મેન્ટ સેન્ટર આસિસ્ટન્ટ ડોકટરો દ્વારા ચલાવતો હતો. ટાટા હોસ્પિટલ સાથે એફિલીયેશન હતું.

શેઠજીનું ઓફિસમાં જવાનું ઓછું થઈ ગયું હતું. ફોન અને ઈન્ટરનેટ પર ઘરેથી ઘંધા પર નજર રાખતા. યોગેશભાઈ, શ્વેતા અને નિકીતાની મેનેજમેન્ટ હેઠળ 'આદિરાજ' નો ઝડપી વિકાશ થતો હતો. શેઠજી, એમના સુંદરનગરમાં બંધાતા 'ગણપતાશ્રમ' પોતાનો ફ્લેટ અને અક્ષય રિહેબ સેન્ટરના અંગે લાલાજી સાથે અવારનવાર દોડાદોડી કર્યા કરતા હતા. સુદરલાલની ઈચ્છા હતી કે સોનાલી એમની સાથે આવે પણ એમનાથી એ ઈચ્છા વ્ય્ક્ત કરી શકાઈ નહિ.

આજે સુંદરલાલને થોડો તાવ હતો. શરીર દુખતું હતું. પાંડુરંગ પગ દાબતો હતો. સોનાલીના હૈયે શબ્દો આવી ગયા પાડુરંગ તું જા હું પગ દાબીશ. ગણપતકાકા ત્યાં જ હતા. હૈયે આવેલા શબ્દો હોઠ પર આવીને અટકી ગયા.

આદિત્ય અને શ્વેતા રાત્રે જુના આલ્બમ જોતા હતા.

શ્વેતા કહેતી હતી, 'લુક આ પિક્ચર બરાબર તારા જેવો જ છેને! એ જ હેર સ્ટાઈલ, એ જ આંખો, એ જ નાક. એક્ઝેટલી સેમ.'

'એમા શું? મારો ફોટો છે એટલે સેમ જ હોયને?'

શ્વેતાએ એનો કાન આમળ્યો. જો મોના હોત તો કહેત 'હજુએ બુદ્ધિનો બળદીયો જ રહ્યો. મારાથી તો એવું ના કહેવાય. પણ ધ્યાનથી જો. આ આપણું આલ્બમ નથી. આ બા બાપુજીનું જુનુ આલ્બમ છે. જો બીજો ફોટો સુવર્ણાબા સાથેનો પણ આ જ ફોટો છે.'

‘હંઅઅઅ....અ. યુ આર રાઈટ...બટ વોટ્સ ધેટ મીન્સ?’

‘આદિ! ટેઇક ઓફ યોર શર્ટ પ્લીઝ.’

‘ઓહ, આઈ એમ લકી માય સ્વીટી, આઈ વીલ ટેઇક ઓફ માઈ પેન્ટ એન્ડ બ્રીફ ટુ.’

‘યુ નોટી. ડોન્ટ બી ટુ સ્માર્ટ. આઈ સેડ ઓન્લી શર્ટ.’ આદિત્યે શર્ટ ઉતાર્યું. શ્વેતા એની પીઠ પર હાથ ફેરવી ધ્યાનથી જોવા લાગી. એ નિરાશાજનક શ્વાસ મુકી ગણગણી ‘કંઈ નથી. શર્ટ પહેરી લે.’

‘હની, શું નથી? શું ખોવાયલું શોધે છે?

‘લાલ મસો કે મોટો તલ.’

‘ઓહ. હતો પણ ડર્મિનોલોજીસ્ટ પાસે કઢાવી નાંખ્યો હતો.’

‘આદિ, બાપુજીના વાંસા પર પણ મોટો મસો છે. મેં એક ફિલ્મ ઘરવાલી બહારવાલી મા જોયું હતું કે ત્રણ જનરેશનમાં જાંગ પર મોટો તલ હતો. આદિ, મને શંકા છે કે બાપુજી જ તારા પિતા છે. તારા જન્મ પહેલા બાપુજી અને મમ્મી અંધેરીમાંજ રહેતા હતા. બાપુજી અને મમ્મી, બન્નેના પ્રિય રાગ કેદાર છે. કદાચ...’

‘મને તો બાપુજી માટે આવી કલ્પના પણ ન હતી. જો એઓ જ મારા પિતા હોયતો? મમ્મી સાથેના એમના સંબંધો? શું એ મારા ખરેખર પિતા હોઈ શકે? સમજાતું નથી. એ આનંદની વાત કહેવાય? મમ્મીએ તો એકવાર મને કહી દીધું હતું કે આદી તું મારા પાપનું કે કોઈ બળાત્કારનું સંતાન નથી, મારા પ્રેમનું સંતાન છે. મારી ઈચ્છાનું સંતાન છે. હું કોઈ પણ પરિવાર વગરની હતી. શું ફેર પડે? મેંતો એમને પિતા તુલ્ય સ્વીકારી જ લીધા છે. એ પણ મને દીકરાની જેમ જ વહાલ કરે છે. એ ખરેખર મારા પિતા હોય તો હું મારી જાતને ભગ્યશાળી સમજીશ. અને એ પિતા ન હોયતો પણ એમને માટેના માન પ્રેમમાં કશો ફેર પડવાનો નથી. મમ્મીએ મને કહ્યું હતું કે એક સજ્જન સંગીતપ્રેમીની સાથેના મારા સંબંધથી તેમણે મને તારી ભેટ આપી છે. મારા પર બળાત્કાર થયો નથી. કોઈ પ્રેમીએ મને દગો દીધો નથી. મારી ઈચ્છાથી મેં તને મેળવ્યો છે. મને મા-બાપ નથી, મને ભાઈ બહેન નથી, મારા કોઈ સગા નથી. મને તું કદીયે પૂછતો નહીં કે તારા પિતા કોણ છે. એ મિત્ર હતા, એની પત્ની મારી મિત્ર હતી.’

‘ આદી, ભલે તને અને મને ભલે ફેર ન પડે; પણ બાપુજી અને મમ્મીને તો ફેર પડે જ. મને લાગે છે કે એઓ બન્ને પરસ્પર પ્રત્યેની અંગત લાગણી કચડીને એક છ્ત્ર નીચે જીવી રહ્યા છે. મારે એમને એક કરવા છે’

‘તું કઈ પણ કરે તે પહેલાં સત્ય જાણવું જરૂરી છે. એક નિર્ણાયક માર્ગ છે. બાપુજીને ઠીક નથી લાગતું. આવતી કાલે સવારે એમને તપાસવાના બહાને એમના મોંના સલાઈવા સ્વેબ પર લઈ મારા અને બાપુજીના સેમ્પલ DNA કંપેરિઝન માટે મોકલી આપીશ સાંજે બધું કન્ફર્મ થઈ જશે.’

અને ખરેખર બીજે દિવસે DNA ટેસ્ટ રિઝલ્ટે શ્વેતાનું અનુમાન સાચું ઠેરવ્યું.

‘શ્વેતા, મનેતો કોઈપણ સમયે આવો વિચાર આવ્યો જ ન હતો. તેં ખરેખર મને મારા પિતાની ભેટ આપી છે. મારે અત્યારે જ એમને પગે લાગીને બાથમાં લેવા છે.’

‘પ્લીઝ ધીરજ રાખ. બાપુજી અને મમ્મીને એમનું પૂર્વ જીવન અને સંબંધ જાહેર કરવા નથી. અત્યારે આપણે સત્ય જાણીયે છીએ તે જાણતા જ નથી, એ જ રીતે વર્તવાનું છે. આદિ, મને એક વિચાર આવે છે, મારે દાદાજી સાથે વાત કરવી છે. બસ હું જે કાંઈ કરું એમાં મારે તારો સહકાર જોઈશે.’

‘હું એક પણ સવાલ કર્યા વગર સાથ આપીશ તેં તો મને મારા સાચા પિતાની ભેટ આપી છે.’

‘ઓકે, હવે હું તને એક બીજી પણ ભેટ આપવાની છું. મારા EPT ટેસ્ટમા HCG હોર્મોન્સ પોઝીટીવ આવ્યા છે.’

‘ઓહ...રિયલી?’

શ્વેતાએ આંખો નચાવતા સ્મિત સાથે ડોકું હલાવ્યું. આદિત્યે એને ઊંચકીને ગોળ ગોળ ફેરવીને બેડ પર નાંખી. આખા શરીરે ચુંબનથી નવડાવી નાંખી. બન્ને દેહ વસ્ત્રવિહિન થઈ ગયા. શ્વેતા 'નો' 'નો' કરતી આદિત્યનો પ્રેમરસ માણતી રહી. બે દેહના ઐક્યની સંતૃપ્તી પછી બન્ને બેડમાં સૂતા સૂતા ઉત્સવની યોજના કરી રહ્યા હતા. પંદર દિવસ પછી વસંત પંચમી આવતી હતી.

ત્રણ દંપતિની લગ્ન જયંતિ. વળી એ ફેબ્રુઆરીની ચૌદમી તારિખ પણ હતી. વેલેન્ટાઈન ડૅ. શેઠકુટુંબ તરફથી શિવાનંદ, યોગેશભાઈ, કુંદનલાલ, ફિરોઝશા ફેમિલી, પાડોસી અભિનેત્રી નિલીમા અને ડોક્ટર જમશેદજી તથા દીનાબહેન ને યથાયોગ્ય આમંત્રણ અપાઈ ગયા. આદિત્ય અને શ્વેતા, રાજુ અને નિકીતા, મોહિત અને મોના સવારથી સજીધજીને વિશિષ્ટ ઉજવણી માટે તૈયાર હતા. ત્રણે દંપતિએ સાથે બેસીને ટૂંકમા ગણેશ પુજન કર્યું. વડીલોને પગે લાગ્યા.

ડોક્ટર જમશેદજી એ ત ટ, દ ડ, ન અને ણની અદલાબદલી ભાષામા બધાને આશીર્વાદ આપ્યા. પછી તેઓ સોનાલી પાસે પહોંચ્યા. તેને પુછ્યું 'ડિકરી, હું ટારો બાપ જેવો કેવાઉં ને?

‘હા બાવાજી મેં તો મારા જન્મદાતાને જોયા જ નથી. તમે જ મને મારા કપરા દિવસોમાં દીકરી ગણીને સહારો આપ્યો. આજે તો તમે જ મારા પિતા છો.’

‘ટો ડિકરી જરા માથા પર સાલ્લો ઓઢી ડે. સોનાલીએ સમજ્યા વગર સૂચન માથે ચડાવ્યું.’

‘ડિકરી, મેં ટો લગન જ ની કીઢા. ટમે જ મારા પોઈરિયાઓ. મને આજે આ બઢા જુવાનીયાને જોઈને કન્યાડાન કરવાનું ડિલ થયું છે. હું ટારો હાઠ આ સોજ્જા માનસ સુંડરલાલને આપ્પાનો છું. કોઈના વાઢાને ગનકારવાનો નઠી. ગનપટભાઈ, ટમને ટો કંઈ વાંઢો નઠીને?

સૌ સ્તબ્ધ થઈ ગયા. ગણપતકાકા બાવાજી સામે હાથ જોડીને હર્ષાશ્રુ વહાવતા હતા.

માત્ર શ્વેતા મરક મરક હસતી હતી. સુંદરલાલને ગણપતકાકાએ હાથ પકડી પાટલા પર બેસાડ્યા. જમશેદજી બાવાએ સોનાલીને પાટલે બેસાડી એનો હાથ સુંદરલાલના હાથમાં મુકી દીધો. શ્વેતાએ સાસુજીની સાડીના છેડાની ગાંઠ સસરાજીના ખેસ સાથે વાળી.

મોનાએ થાળી વગાડી. હાજર રહેલા સૌએ તાળીથી નવદંપતિને વધાવી લીધા. સુંદરલાલે હળવેથી સોનાલીને પુછ્યું આ બધા શું કરી રહ્યા છે મને સમજાતું નથી. તમે તો મારા વેવણ કહેવાવ, આ સ્વપ્ન છે કે હકિકત?

‘સોનાલીએ જવાબ આપ્યો, મને યે સમજાતું નથી કે આવું થઈ શકે? દાદાજી આ યોગ્ય કહેવાય? આ તમારી લાડકી શ્વેતાનું જ કારસ્તાન લાગે છે.’

દાદાજીએ કહ્યું ‘આતો બાવાજીએ એમના સમાજ અને સમજ પ્રમાણે જે કહ્યું એમાં પ્રભુની જ મરજી હશે. આપણે તો રામના રમકડાં છે. એ રમાડે તેમ રમવાનું છે.’

પાર્વતિબા શિવશિવ, શિવશિવ કરતા રહ્યા. સુંદરલાલની આતે પરણવાની ઉમ્મર છે? અને તે પણ, જાતભાતની જાણ વગરી વેવાણ સાથે? શિવશિવ. જૂની આંખે નવા તમાશા.

વલ્લભે ટૂંકી પણ શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન કરાવ્યા. લગ્નગીતો ગવાયા. સુંદરલાલ અને સોનાલી ગણપતકાકાને પગે લાગ્યા. ગણપતકાકાએ સોનાલીના માથા પર હાથ મુકતા કહ્યું 'બેટી હૈયાની વ્યક્ત થતી દરેક વાત સમય અને સંજોગો પર આધાર રાખે છે.' એમની નજર સુવર્ણાબેનના લેમિનેટેડ ફોટા પર હતી. એમણે આશીર્વાદ આપતા કહ્યુ.'શેઠજી સુખદ દિર્ગાયુષ્ય ભોગવો.'

'કાકા આજથી મને શેઠજી કહેવાને બદલે દીકરા, બેટા કે સુંદર જ કહેજો.'

'સારું બેટા, તમે કહેશો એમ કરીશ.'

'તમે નહિ, તું કહેવાનું'

ગંણપતકાકાથી રડી પડાયું.

એક ખૂણા પર આદિત્ય અને શ્વેતા શુભપ્રસંગને અહોભાવ પૂર્વક માણતા હતા. આદિત્ય, સુંદરલાલનું સંતાન છે તેની સ્પષ્ટતા મેળવવાની કે કરવાની જરૂર જ ન હતી. શ્વેતાએ ગૌરવ અને વડિલોનું સન્માન જળવાય એ રીતે આદિત્યને સુંદરલાલના પુત્ર તરીકે સ્થાપિત કરી દીઘો હતો. દાદાજીના પહેલા ચરણ સ્પર્શ સમયે તેમણે આશિષ આપ્યા હતા 'બેટી, સુખી રહે અને શેઠ કુટુંબની વૃદ્ધિ કર' શ્વેતાએ એ આશિર્વાદને સાર્થક કરવાની હતી. ટૂંકા સમયમાં જોયલા જીવનના રંગો અકલ્પિત હતા. ખરેખર માત્ર ભગવાનને જ નિયતીની ખબર હતી. શ્વેતા વિચારતી હતી; "ન જાણું હું જાનકી નાથ, પ્રભાતે શું થવાનું છે."

આદિત્ય શ્વેતાને મનોમન બિરદાવી રહ્યો. 'શ્વેતા, આજ સુધી મારા જીવનમાં માત્ર મમ્મી જ હતા. તેં મને સાચા પિતાની ભેટ આપી છે. તેં મને મારું પોતાનું કુટુંબ આપ્યું છે. તેં મને મારો પોતાનો સંસાર અને પોતાની દુનિયા આપી છે. થેન્ક્યુ ડાર્લિંગ. થેન્ક્યુ હની. બબડતાં બબડતાં શ્વેતાના બાવડા પકડી ચુમી લીધી. ભાવાવેશમાં આદિત્ય બધાની હાજરી ભુલી ગયો.

મોનાના જોયું. સ્વભાવગત તોફાની ટીકા કરી. 'માસી આ તમારા નંગને વિવેક મર્યાદાનું ભાન ક્યારે આવશે? આવતી દિવાળીમાં બાપ બનવાનો છે પણ હજુ અક્કલ આવતી નથી કે વડીલોની હાજરીમા આવા ગાંડા ના કઢાય, શું કળીયુગ આવ્યો છે.'

આદિત્ય મોના સામે મુક્કો ઉગામી ડોળા કાઢતો હતો. “ચાંપલી”

સોનાલીએ પછ્યું 'ખરેખર?'

‘હા માસી, મેં ગઈકાલે ચેક કરી કન્ફર્મ કર્યું છે. દિવાળીમાં ડ્યુ છે. હું નામ પાડવા આવી પહોંચીશ.' બધાએ તાળીથી આનંદના સમાચાર વધાવી લીધા. સોનાલી અને હેમાલીભાભી શ્વેતાને વળગીને તેના માથે વહાલભર્યો હાથ ફેરવતા હતાં.

શ્વેતાએ પર્સમાંથી એક મોટું કવર કાઢ્યું. બાપુજી અને મમ્મીના હાથમાં મુક્યું.

'બાપુજી, આમાં મુંબઈથી ઉપડતી ક્રુઝલાઈનરની બે ટિકીટ અને બધી માહિતી છે. સિત્તોતેર દિવસનો પ્રવાસ છે. મુંબઈથી ફારઈસ્ટ, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલીયા, સાઊથઆફ્રિકા, મિડલીસ્ટ, યુરોપ અને ત્યાંથી યુએસએ ન્યુયોર્ક જવાનું છે. ત્યાં પ્રિન્સ્ટોનમાં થોડો સમય આરામ કરીને યુ ફ્લાઈ બેક ટુ બોમ્બે… જસ્ટ રિલેક્ષ એન્ડ એન્જોય….

ડોકટર ફિરોઝશા, બહારબાનુ, મોહિત-મોના અને જમશેદ બાવાએ શરૂ કર્યું…. હી ઈઝ અ જોલી ગુડ ફેલો...સૌ એમા જોડાયા. નાચગાનથી ઉજવણી રંગે ચડી. નિલીમાએ લાલાજીને હસતા હસતા હાથ લંબાવી પુછ્યું 'મેરે દોસ્ત, ડેન્સ નહી કરોગે?' શેઠ કુટુંબના બબ્બે લગ્ન લાલાજીને માટે યાદગાર બની ગયા.

એક ફુલોથી શણગારેલી લિમોઝિન ફ્રન્ટ પોર્ચમા આવીને ઉભી રહી. શ્વેતા, સુંદરલાલ અને સોનાલીને લિમોઝિન તરફ દોરી ગઈ. લિમોઝિન નવા દંપતીને તેમની પાર્ક વ્યુ હોટલના હનીમુન સ્યુટ પર લઈ જતી હતી. લિમોઝિનની પાછળ જસ્ટ મેરિડને બદલે લખ્યું હતું. 'ટુ ગેધર ફોર એવર."


Rate this content
Log in

More gujarati story from Pravinkant Shashtri

Similar gujarati story from Inspirational