શ્વેતા પ્રકરણ ૧૮
શ્વેતા પ્રકરણ ૧૮
વહેતી વાર્તા શ્વેતા પ્રકરણ ૧૮
શેઠજીએ આંખો ખોલી. શ્વેતા સામે સીધી નજર રાખીને પુછ્યું, “સંકોચ રાખ્યા વગર મનની વાત કરજે. તને નિકુળ ગમે છે?”
શ્વેતા જવાબ ન વાળી શકી. આંખ ભીની થઈ ગઈ. સસરાના સ્વરૂપે દેવતાતુલ્ય પિતા મળ્યા હતા.
“દિકરી, તેં મને જવાબ ન આપ્યો. મારો વિચાર તો રાજુ માટે હતો પણ પાર્વતિ ખુબજ જુનવાણી છે. ન્યાત જ્યાતના વાડામાંથી નીકળી શકી નથી. ખુબ સંકુચિત માનસ છે. શિવુ એને પ્રેમથી નિભાવે છે. આપણા પુજારી વલ્લભને પટેલની છોકરી વિમળા સાથે લગ્ન કરાવ્યા તે પાર્વતિને ન્હોતું જ ગમ્યું ને! નિકુળની બહેન બ્રાહ્મણ હતી પણ પરપ્રાંતિય. તેનોએ એને વાંધો હતો. એટલે હવે રાજુ પરણવાનું નામ જ નથી લેતો. નિકુળને ઘણી અકળામણ થાય પણ પોતાની ભાણેજ પ્રાચીની દેખભાળ માટે તેમને ત્યાં રહ્યો છે. ખુબ સુંદર ઠરેલ અને ખુબજ હોશિયાર છોકરો છે. એ આપણી સાથે રહેશે. મને ખાત્રી છે કે આ સંબંધથી તું સુખી જ થશે. આ તો મારા વિચાર છે. તારી મરજી વિરૂધ્ધ હું કંઈ નહિ કરું, તેની ખાત્રી રાખજે. તારો શું અભિપ્રાય છે.?”
શ્વેતા નિકુળને નામથી ભાગ્યે જ બોલાવતી. સમવયસ્ક હતી. ‘હેન્ડ્સમ' કહીને જ બોલાવતી પાંચ પાંડવોમાં સૌથી સ્વરૂપવાન નિકુળ જ હતો ને? આ નિકુળ પણ તેના નામને સાર્થક કરતો હતો. એને ગમતો હતો.
“બાપુજી, તમારી ઈચ્છા, એ મારે માટે આજ્ઞા હોય. મારી સંમ્મતિ હોય તો પણ નિકુળનું શું.. આજ સુધીમાં એણે એવો કોઈ પણ સંકેત આપ્યો નથી. પચાસ માણસોની વચ્ચે હસાઠીઠી કરતો, તોફાન કરતો અને મારી પણ ઠેકડી ઉડાવતો નિકુળ, જ્યારે મારી સાથે એકલો પડે ત્યારે એકદમ ગંભીર થઈ દુર નાસતો હોય એવું લાગે છે. એને સમજવો મુશ્કેલ છે.”
“બેટી, તારા બાપુજી પાસે બધી સમસ્યાનો ઉકેલ છે. આ ધંધાનું મર્જીંગ થઈ જાય તો બન્નેને મારે યુરોપ અમેરિકા મોકલવા છે. થોડો સમય સાથે ફરો હરો. તું પાછી આવશે ત્યારે હસતે મોં એ આવશે એની મને ગળા સુધીની ખાત્રી છે.”
“હવે તું એક કામ કર. નીચે જઈને સરસ ચ્હા બનાવ. તારા દાદાજીનો પણ ચ્હાનો ટાઈમ થયો છે. દરમ્યાન હું યોગેશભાઈને પણ ફોન કરું છું. આજનું સાંજનું ડિનર તાજમાં લઈશું. તારા ભાઈ ભાભી અને સૌરભ પણ આવશે. અત્યારે જે વાતો કરી તેમાં એમની મંજુરી અને અભિપ્રાય જરૂરી છે. એમની અનુકૂળતા હોય તે પ્રમાણે રિઝર્વેશન કરાવી દઉં છું.
હું પણ નીચે આવું છું. ચ્હા પછી બીજી ખાનગી અને અગત્યની વાત પણ કરવાની છે. લેટ્સ ગો.”
સુવર્ણાબેન અને અક્ષયના નિધન પછી પહેલીવાર સુંદરલાલ આવી રીતે વાત કરતા હતા. ચ્હા પીતા પીતા એમણે ગણપતકાકાને કહ્યું, “આપણે આજે તાજમાં ડિનર માટે જઈશું.”
“ના શેઠજી મને આ ઉંમરે બધું ફાવતું નથી. અને ઘર રેઢું ના મુકાય. તમે આનંદથી જઈ આવો. આવતી વખતે મારે માટે એકાદ પરોઠા જેવું કંઈક મળે તો લેતા આવજો.”
ચ્હા પીવાઈ ગઈ. “કાકા આજે હું શ્વેતાને નીચે લઈ જવાનો છું હવે એણે પણ જાણવું જોઈયે.”
“હા ભગવાનને પગે લાગીને જજો. હું બહાર બેઠો છું. ચિંતા ન કરશો.”
સુંદરલાલ પહેલા પોતાના રૂમમાં ગયા. પછી ફોયરના ક્લોઝેટમાં કંઈક કર્યુ. “ચાલ શ્વેતા, આપણા મંદિરમાં.” શ્વેતા શેઠજીની પાછળ ગઈ. શેઠજીએ લાંબા થઈ પંચદેવતાને પ્રણામ કર્યા. દિવાલ પરથી એક ઘડિયાળ ઉતાર્યું. ત્યાં એક ડિજીટલ કી બોર્ડ હતું. એમણે કેટલાક નંબર પંચ કર્યા. સિંહાસન ચારેક ફુટ જેટલું આગળ ખસ્યું. વળી બીજા નંબર દબાવ્યા. એ જગ્યાની ટાઈલ્સ ખસી અને એક પગથીયુ દેખાયું. “જો દિકરી, પહેલા હું નીચે જાઉં છું. પછી તું પણ નીચે આવ. શેઠજી પગથીયા પર ઉભા રહ્યા. એલિવેટૅર પગથીયું નીચે ગયું. શ્વેતા વિસ્મય સાથે શેઠજીને અનુસરી. અંદર મોટું બેઝ્મેન્ટ હતું. તેમાં થોડા કબાટો હતા. શેઠજીએ એક મોટો કબાટ ઉઘાડ્યો. શ્વેતાનું મોં પહોળું થઈ ગયું. એ ગોલ્ડબ્રિક કે જેને કિલોગોલ્ડ બાર કહેવાય તેનાથી કબાટ ભરેલો હતો. અધધ થઈ ગયું. “શ્વેતા, આ બધું તું જોઈ લે. આજની કિંમતે લગભગ ત્રીસ કરોડનો માલ છે. બીજી બધી વાત તને તાજમાં જતી વખતે સમજાવીશ. લાલાજીને બદલે તું જ ડ્રાઈવ કરી લેજે. ચાલ દિકરી હવે ઉપર જઈએ.”
બન્ને ઉપર ગયા. બધું પૂર્વવત થઈ ગયું.
લાલાજી, ગેઇટકિપર ગુરખાની સાથે બેસીને વાત કરતા હતા. શેઠજીએ એને બોલાવીને પૈસા આપ્યા. દાદાજી અને એના માટે ક્રિષ્નામાંથી ડિનર લાવવાનું અને દાદાજીનું ધ્યાન રાખવાનું કહ્યું.
શેઠજી અને શ્વેતા કારમાં નિકળ્યા. એમણે બેઝમેન્ટની વાતનું અનુસંધાન શરુ કર્યું.
“પહેલા આપણું મકાન એક મોટા સ્મ્ગલરનું હતું. એ અને એની આખી ગેંગ એન્કાઉન્ટરમાં સાફ થઈ ગઈ. ગવર્મેન્ટે મકાનનો કબજો લઈ લીધો. લાંબા સમય સુધી એમાં કોઈ વસવાટ ન હતો. છેવટે એ બંગલો એક જાણીતા ફિલ્મ નિર્માતાએ લીધો. બે ત્રણ ફિલ્મો ફ્લોપ જતાં એણે દેવાળું કાઢ્યું. હરાજીમાં મે આ બંગલો માત્ર અટ્ઠાવીસ લાખમાં લઈ લીધો. લીધા પછી ત્રણ વર્ષે રિનોવેશન કરતાં સિલીંગમાથી એક કવર પડ્યું. કવરમાં નકશો અને થોડા નંબર હતા. રોજ રાત્રે એનો ભેદ ઉકેલવા મથામણ કરતો હતો. આખરે સફળતા મળી. બેઝમેન્ટ ખુલ્યું. ભાગ્ય ખુલ્યું. એમાં એક ડઝન જેટલી ઓટોમેટિક રાઈફલ પણ હતી. મેં એ રાઈફલ્સ અત્યારના કમિશનરને બોલાવી સુપ્રત કરી. કમિશનર સાહેબ જીવનભરના મિત્ર બની ગયા. પણ, મારામાં પણ માનવ સહજ નબળાઈ હતી. અરે હજુ પણ છે. મેં સોનાની વાત કોઈને કરી નથી. માત્ર સુવર્ણા અને ગણપતકાકાને ખબર છે. ગણપતકાકાએ સલાહ આપી કે ભાઈ સુંદર, તું તો કાબેલ છે. તારી જાતેજ ખુબ કમાશે. આમાંની અડધી સંપત્તિ તારા વારસદારને માટે જાળવજે અને અડધી લોક કલ્યાણ માટે વાપરજે. તે દિવસે પહેલીવાર એણે મને પ્રેમના તુકારાથી વાત કરી. મેં અને સુવર્ણાએ એમનું વચન સ્વીકારી લીધું.
તારા લગ્નના બે દિવસ પહેલા, તારા અને અક્ષયના નામે પચ્ચીસ કરોડ સ્વિસ બેંકમાં ટ્રાન્સફર કર્યા છે. ‘આઈધર ઓર સરવાઈવર’ એકાઉન્ટ છે અને એનો કૉડ નંબર મારી પાસે છે. તારે એ કૉડ ગોખી રાખવો પડશે. હવે એની સંપુર્ણ માલીકી તારી જ છે.
હવે હું રિટાયર્ડ થવા માંગુ છું. ગણદેવી અને નવસારીના રસ્તે મારા વડવાઓની દસ એકર જમીન છે. એના પર તરછોડાયલા વૃદ્ધો માટે ‘ગણપતાશ્રમ’ બાંધવો છે. બાજુમાં અક્ષયના નામે ફ્રી રિહેબ સેન્ટર શરુ કરવું છે. એજ કોમ્પ્લેક્ષમાં મારે માટે એક નાનો ફ્લેટ બાંધવો છે. નિવૃત જીવન, મારે મારા ગામમાં જ ગાળવું છે. સુવર્ણાને નામે, એક પગ ગુમાવનારને લાકડાનો પગ અને બન્ને પગ ગુમાવનારને વ્હિલ ચેર આપવાનું પ્લાન કરું છું.
દાણચોરની સંપત્તિ આ રીતે વાપરીશ. એમનું અને આપણું કલ્યાણ થશે. સરકારને સોંપવાનો અર્થ નથી. મોટાભાગના ગાયબ થઈ જાય અને બાકીના પ્રધાનોના પગારમાં જાય. મને મારા નિર્ણય અંગે વસવસો નથી. આ બધું કંઈ પણ આપણું ન હોય તો પણ આપણા ફાયનાન્સિયલ ઈન્વેસ્ટમેન્ટથી આપણું જીવન સારી રીતે ગાળી શકીશું.
આજે કરેલી વાતોનો વિચાર કરજે. શંકા લાગે ત્યાં મને પુછજે. તારા વિચારો જણાવજે.”
શેઠજીની વાત પુરી થઈ. તાજનો દરવાજો આવી ગયો. વેલૅ એટેન્ડન્ટને કારની ચાવી આપી શેઠજી અને શ્વેતા તાજમાં દાખલ થયા.
class="ql-align-justify">આતંકવાદીના હુમલાથી ઘવાયલી તાજ હોટલ ફરીથી નવનિર્માણ પામી હતી. સિક્યોરિટી અને સુવિધાઓ વધી હતી.
યોગેશભાઈ, ભાભી અને સૌરભ પણ આવી પહોંચ્યા હતા. એક પછી એક કોર્સ સર્વ થતો ગયો. સુંદરલાલ પણ એક પછી એક ગણત્રી પુર્વકનું પત્તુ ખોલતા ગયા. પહેલા નિવૃત્તિની વાત, પછી મરજિંગ ની વાત. યોગેશભાઈને કંપનીના પ્રેસિડન્ટશીપની વાત અને છેલ્લે શ્વેતા અને નિકુળની વાત. યોગેશભાઈ ઠરેલતાથી અને ભાભી ઉત્સાહની ઉત્તેજનાથી વાત સાંભળતા રહ્યા.
“શેઠજી આપ અમારા પિતાતુલ્ય છો. તમે જે કંઈ કરશો તે અમારા કલ્યાણ માટે જ કરશો. પણ બે વાત ડંખે છે. એક તો આપની નિવૃત્તિ. બિઝનેસના સફળ અગ્રણીઓ પંચ્યાસી નેવું વર્ષની ઉમ્મર સુધી કાર્યરત રહે છે. તમારી આ વય નિવૃત થવાની નથી જ.” યોગેશભાઈ ખુબજ ગંભીરતા પુર્વક બોલતા હતા.
“બીજી વાત, હવે હું શિવુકાકાનો નોકર છું. ‘શિવરાજ' કરતાં સુવર્ણા ઘણી મોટી છે. આપની ભાવના મર્જીંગની હોય પણ માર્કેટમાં એ ટેઇકઓવરજ ગણાય. હું આપનો અંગત સંબંધી છું. સુવર્ણા ફાઈનાન્સમાં સેવા આપી ચુક્યો છું. મારી વફાદારી પર પણ આંગળી ચિંધાય. ‘કોનફ્લિકટ ઓફ ઈન્ટ્રેસ્ટ’ કહેવાય. મારી ફરજ છે કે મારે આ બાબતમાં શિવુકાકા સાથે ઘણી વાત કરવી પડશે. મારે કારણે આપની યોજના પાર ન પડે તો મને ક્ષમા કરજો.”
શેઠજી એની વફાદારી, પ્રમાણિકતા અને વ્યવહાર દક્ષતાને મનોમન બિરદાવતા રહ્યા. યોગેશભાઈએ ચાલુ રાખ્યું,
“નિકુળ યોગ્ય પાત્ર છે. જો એ સંબધ શક્ય બને તો ખુબ આનંદની વાત છે. આખરી નિર્ણય શ્વેતાએ અને નિકુળે લેવાનો છે. અત્યારે એ શિવુકાકા સાથે રહે છે. એતો ઉદારમતવાદી છે પણ પાર્વતિબા વણિક શ્વેતાને ઘરમાં સ્વીકારશે કે નહિ તે કળવું મુશ્કેલ છે.”
“આપ અને શ્વેતા જે કાંઈ નિર્ણય લેશો તે અમને શિરોમાન્ય હશે એની ખાત્રી રાખજો.”
બીજે દિવસે સુંદરલાલ અને શિવાનંદ ફોન પર ત્રણ કલાક વાત કરતા રહ્યા. શુક્રવારની મિટીંગમાં શિવાનંદ, પાર્વતિબા, રાજુ, નિકુળ, સુંદરલાલ, શ્વેતા, યોગેશભાઈ, બન્ને કંપનીના એકાઉન્ટન્ટ, એટર્નિ હાજર હતા. સુંદરલાલની વાત સીધી અને સ્પષ્ટ હતી. બન્ને કંપની એક થઈ જાય. પ્રોપર્ટી અને પ્રોફિટ પચાસ પચાસ ટકા વહેંચાય. શિવાનંદ ઉભા થઈ ગયા. “સુંદરના સિત્તેર અને મારા ત્રીસ ટકા.”
“અરે શિવુ, બધું એકનું એકજ છે ને! આપણે જુદા છીએ? સાથે આવ્યા, સાથે જીવ્યા, સાથે ધંધો શરૂ કર્યો. હવે વત્તા ઓછાના ભાગલા કેવા?”
“જો સુંદર! તેં મને ધંધામા ન નાંખ્યો હોત તો બી.કોમ થયા પછી કોઈ ઓફિસમાં કારકુની કરતો હોત. મારા ધંધાનો અડધો ભાર તો તેં ઉપાડ્યો છે. બાકી હું તો બામણભાઈ. આ બિઝનેસમાં મારી શું ગુંજાશ? તારા સેવન્ટી અને મારી ત્રીસ ટકા ઈક્વીટી અને ત્રીસ ટકા પ્રોફિટ. સેવંટી થર્ટીની પાર્ટનરશીપ. મારી વાત મંજુર હોય તો જ ડિલ કરીયે.”
આખરે નવી કંપનીની ઓનરશીપમાં સેવન્ટી થર્ટી અને પ્રોફિટ-લોસમાં સિક્સટી ફોર્ટીનું સમાધાન થયું. સુંદરલાલ ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેકટર થયા. વર્કિંગ પ્રેસિડન્ટ અને સીઈઓ તરીકે યોગેશભાઈ અને બે વાઈસ પ્રેસિડન્ટ તરીકે શ્વેતા અને નિકુળની નિમણુક કરવામાં આવી. કોન્સોલિડેશનનું સઘળું કામ વકિલો, એકાઉન્ટન્ટોને સોંપવામાં આવ્યું. બીજે અઠવાડિયે બન્ને કંપનીના જવાબદાર ઓફિસરો અને બ્રાંચ મેનેજરોની મિટીંગ રાખવાનું નક્કી થયું. સુંદરલાલે સુચન કર્યું કે આ બધી ગોઠવણ થાય તે દરમ્યાન શ્વેતા અને નિકુળને લંડન અને ન્યુયોર્ક અનુભવ માટે મોકલવા. કોઈને શેઠજીના નિર્ણયને અવગણવાનો પ્રશ્ન જ ન્હોતો.
ન ગમ્યું એક માત્ર પાર્વતિબાને. વિધવા થયેલી યુવાન સ્ત્રી એક યુવાન છોકરા સાથે પરદેશમાં ફરે હરે એ એમના રૂઢીચુસ્ત મગજમાં બેસતું ન હતું. અરે રાજુને અમેરિકા જેવા ભ્રષ્ટ દેશમાં મોકલવામા પણ કેટલો વિરોધ કરેલો પણ શિવાનંદતો ગોઠીયા સુંદરે કહ્યું એટલે સવા વીસ. ત્યાં ગયો અને પારકા દેશની (સુરત જીલ્લા બહારની કોઈ પણ જગ્યા એમને માટે પારકો દેશ હતો.) છોકરી ઉપાડી લાવ્યો હતો. પ્રાચી ને કારણે માંડ માડ નિકુળને અપનાવ્યો હવે તે પણ વાણિયણ સાથે હરવા ફરવાનો. ન કરે નારાયણ, કઈ આડુંઅવળું થાય તો નાની પ્રાચી પર કેવા સંસ્કાર પડે! સમસમીને બેસી રહેવા સિવાય બીજું થાય પણ શું? શેઠજી તો હંમેશા પોતાનું ધારેલું જ કરતા.
શેઠજીની ગોલ્ડ બ્રીક, કેશ થવા માંડી અને ગણદેવી પાસેના એક વાડી ગામમાં ‘સુંદર નગર’ બંધાવા માંડ્યું. સુનમુન બેસી રહેતા સુંદરલાલ, નિવૃત્તિની યોજનામાં રાબેતા મુજબ કરતા વધુ પ્રવૃતિશીલ થઈ ગયા. ગામથી મુંબઈ અને મુંબઈથી ગામ લાલાજીને લઈને દોડતા થઈ ગયા. યોગેશભાઈને કામને માટે દિવસના ચોવીસ કલાક ઓછા પડતા…
….અને આવા સમયે એક દિવસ એર ઈન્ડિયાના ફર્સ્ટ ક્લાસમાં શ્વેતા અને નિકુળ લંડન જઈ રહ્યા હતા. એને સ્વિત્ઝરલેન્ડની હવાઈ મુસાફરી યાદ આવી ગઈ. શરીરમાં થંડી કંપારી ફરી વળી. પાસે બેઠેલા નિકુળનો હાથ પકડી લીધો. નિકુળ આંખો બંધ કરી ઉંઘતો હતો. આજે પણ કંઈક અવ્યકત આશાઓ લઈને નિકુળ સાથે પરદેશ ફરવા નિકળી હતી. એનું શું પરિણામ આવશે તે અનિશ્ચિત હતું. ફરી એને યાદ આવ્યું, ‘ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે.’
શ્વેતાએ રોમેન્ટિક મસ્તીની આશા રાખી હતી પણ નિકુળ થ્ંડોગાર હતો. માત્ર ઔપચારિક વાતોજ થતી. લંડન સ્ટોક એક્ષ્ચેઇન્જ્માંથી શી માહિતી મેળવવાની છે તેની વાતો કર્યા કરતો.
પ્લેન હિથરો એરપોર્ટ પર લેન્ડ થયું. ત્યાંથી લિમોઝિનમાં ટ્રફાલગર પાસે આવેલી ‘હિલ્ટન’માં આવ્યા. શ્વેતાને હતું કે એકજ રૂમમાં રહેવાનું થશે પણ નિકુળે પાસે પાસેના બે ઈન્ટર કનેક્ટિંગ ડિલક્ષ રૂમ બુક કરાવ્યા હતા. એટલિસ્ટ બે રૂમ વચ્ચે ડોર હતું. શ્વેતાએ બેગ મુકી સોફા પર બેસી સામેના ટેબલ પર પગ લંબાવ્યા. બે રૂમ વચ્ચેનું ડોર ખુલ્લુ હતું. એણે બેઠા બેઠાજ બુમ પાડી, “એય હેન્ડ્સમ, ત્યાં એકલો એકલો શું કરે છે?”
“મેડમ, આપણે માટે કૉફી બનાવું છું.” નિકુળ હાથમાં કૉફીના બે મગ લઈને શ્વેતાના રૂમમાં દાખલ થયો. નિકુળતો પ્લેનમાં ખાસ્સુ ઊઘ્યો હતો. અત્યારે તે ફ્રેશ હતો. કૉફીના સીપ લેતા લેતા એણે પ્લાન સમજાવવા માંડ્યો. “મેડમ, આ કૉફી પછી શાવર લઈને તૈયાર થઈ જા. આપણે ડિનર માટે બહાર જઈશું. ટેમરિન્ડ એક સરસ ઈન્ડિયન રેસ્ટોરાન્ટ છે વેજ અને નોન્વેજ મળે છે. તને ફાવતી વાનગી મળી રહેશે. હું કદાચ નોનવેજ લઉં તો ઈન્ડિયા જઈને ચાંપલાશ ન કરતી.”
શ્વેતાને લાગ્યું કે નિકુળ ઉઘડતો જાય છે. થાકેલી હોવા છતાં તૈયાર થઈ ને, હાથમાં હાથ પકડી રેસ્ટોરાન્ટમા ગઈ.
ડિનર લેતા નિકુળે એને સમજાવવા માંડ્યું “સેન્ટપૌલ કેથેડ્રલની નજીક પેટર્નોસ્ટરમાં લંડન સ્ટોક એક્ષચેન્જ છે. તેં મિ.સ્મિથ સાથે ફોન પર બેત્રણ વાર વાત કરી છે. એમને મળવાનું છે. એ અહીના ઈક્વિટી માર્કેટ અંગ માહિતી આપશે. આપણે એમની પાસે એઆઈએમ, ઇએફટી, ઇટીસી, સિએફડી વિગેરે જાણવાનું છે.
શ્વેતાનો ઓબજેક્ટિવ જુદો જ હતો. એને અત્યારે એ બધામાં રસ ન્હોતો. એણે બગાસું ખાધું. બન્ને હોટેલ પર જઈને બૅડમાં પડ્યા. સૂતા પહેલા શ્વેતાએ પ્રભુ સ્મરણ કર્યું. નિકુળને કહ્યું કે ‘વચ્ચેનું બારણું ખુલ્લુ રાખજે. અજાણી જગ્યાએ મને બીક લાગે. બારણું ખુલ્લુ હશે તો તારા રૂમમાં આવીને તને ખાઈ નહિ જાઉં. ચિંતા ના કરતો. ગુડ નાઈટ.’