STORYMIRROR

Pravinkant Shashtri

Drama Thriller

3  

Pravinkant Shashtri

Drama Thriller

“શ્વેતા” પ્રકરણ ૫

“શ્વેતા” પ્રકરણ ૫

5 mins
21K


વાર્તા “શ્વેતા”

પ્રકરણ ૫



સ્ટાફ ભેગો કરવાની એક અનોખી રસમ હતી. સામાન્ય રીતે કોઈ પણ ઘરનો નોકર વર્ગ માલિકની સામે સોફા પર બેસે નહીં. પણ અહીં જરા જુદું હતું. જ્યારે શેઠ તરફથી સેન્ટ્રલ હોલમાં મિટીંગ બોલાવાય ત્યારે બધાએ સારા કપડા પહેરીને, આવીને સોફાપર બેસવાનું. શેઠ શેઠાણી આવીને બધા નાના મોટા નોકરોને નમસ્તે કહેતા. કંઈ નવી વાત કે સુચના અપાતી. પછી હોલમાં બુફે સ્ટાઈલની ખાણીપીણી ચાલતી. નોકરો, નોકરો મટી જતા અને એક ઉમદા પરિવારના સભ્ય બની જતા.

બરાબર નવ વાગ્યે બધા ભેગા થઈ ગયા. સુંદરલાલ, સુવર્ણાબેન અને શ્વેતા હોલમાં દાખલ થયા. બધાએ ઉભા થઈ માલિકનું અભિવાદન કર્યું. શેઠજીએ બધાને નમસ્કાર કરી બેસી જવા હસતે મોઢે ઈસારો કર્યો. પોતે સ્ટાફની ઓળખવિધિની શરૂઆત ગણપતકાકાથી કરી.

“સ્ટાફમાં તો બધાને ગણપતકાકાની બધીજ વાત ખબર છે. શ્વેતા મેડમને જણાવવા ફરીથી કહીશ.”

“તારા પિતાજી, હું અને ગણપતકાકા એકજ ગામના. હું નાનો હતો ત્યારથી એને મારી સંભાળ રાખવા રાખેલા. એમના હાથ નીચે હું મોટો થયો. એમની સીધી સાદી વાતો અને પ્રેમાળ પ્રમાણિક વર્તન દ્વારા એમણે મને સંસ્કાર આપ્યા.”

“એકવાર મારા પિતાજી ટ્રેઈનમાં ચડવા ગયા ત્યારે પગ લપસ્યો. સાથે ગણપતકાકા હતા. એમણે પિતાજીનેતો પ્લેટફોર્મ અને ટ્રેઈન વચ્ચેથી ખેંચી લીધા પણ એમનું ધોતિયું ભેરવાયું. એમનો એક પગ ટ્રેઈનના ફૂટબોર્ડ સાથે ગસડાયો. પગ તુટ્યો. કાપી નાંખવો પડ્યો. વર્ષો સુધી ઘોડી લઈને ચાલ્યા. હું નોકરી માટે મુંબઈ આવ્યો ત્યારે મારી સંભાળ રાખવા હઠ કરીને એ મારી સાથે આવ્યા. તે વખતે શરૂઆતમાં અમે ચાલીના એક રૂમમાં રહેતા હતા. કાકા લોબીમાં સૂઈ રહેતા. મારા પગારની છ મહિનાની બચતમાંથી સુવર્ણાએ એમને માટે લાકડાનો પગ કરાવ્યો. એ અમારા નોકર નથી પણ એક માત્ર હયાત વડિલ છે.”

“કાકા આપણી શ્વેતાને આપના આશીર્વાદ આપો.”

શ્વેતાનું હૈયું ભરાઈ આવ્યુ. એ કેટલા ઉમદા અને ઉચ્ચ સંસ્કારી માણસોની વચ્ચે હતી. આ લોકોની સંગતમાં રહેવા છતાં અક્ષય કેમ ગંધાતી ગટરમાં પડી ગયો એ સમજાતું ન હતું.

શ્વેતા આપોઆપ ગણપતકાકા પાસે પહોંચી ગઈ. માથા પર ઓઢણીનો છેડો નાંખ્યો અને ચરણ સ્પર્શ કર્યા. સાચા અને લાકડાના બન્ને પગો અશ્રુબીંદુથી ભીના થયા.

પોતાને હંમેશા શેઠ કુટુંબના સેવક માનતા વૃદ્ધ ગણપતકાકા ભાવવિભોર થઈને રડી પડ્યા.

“બેટી સુખી રહે અને શેઠ કુટુંબની વૃદ્ધિ કર.”

શ્વેતાના મનમાં ચક્રવાત જાગ્યો. પણ બીજી જ પળે શુદ્ધ ભાવનાથી અપાયલા આશીર્વાદને ઈશ્વરેચ્છા માનીને માથે ચડાવ્યા.

બધા પ્રતિ હાથ જોડી કહ્યું “આજથી હું એમને ગણપતકાકા નહિ કહું. હું તો વડિલને દાદાજી જ કહીશ. હું તો ઈચ્છું છું કે આપણે બધા જ એમને દાદાજી કહીએ.”

શેરખાને બુલંદ અવાજે કહ્યું "મેડમ સાહિબાને ઠીક બાત હી બતાઈ હૈ. આજસે હમ સબ અપને બુઝુર્ગકો દાદાજી કહકર હી બુલાયેંગે. અગર કીસીને ઓર કુછ બોલા તો ઉસે કટકે કરકે કૂત્તેકો ખીલા દુંગા.”

લાલાજી શેરખાનના સ્વભાવથી સૌ કોઈ પરિચિત હતા. આ એનું પેટન્ટ વાક્ય હતું. બધા રાગ કાઢીને હસતા હસતા એક સાથે બોલ્યા "હમ સબ દાદાજી હી કહેંગે." હાસ્યનું મોજું ફરી વળ્યુ.

"એક ઔર બિનતી લાલાજી, આપ સબકો બોલ દો કી મુઝે મેડમ કે બજાય સિર્ફ શ્વેતા હી કહે."

લાલાજીએ જમણો હાથ ઊચો કરી આંખ મીંચી. આ એમની વિરોધ કરવાની રીત હતી. એમણે જાહેર કર્યું.

"મેડમ યે નહીં હો શકતા. દાદાજી ઔર કાંતામૌસી કે સિવા હમ સબ આપકો મેડમ હી કહેંગે. અગર કીસીને...."

બધાએ ફરીથી રાગ કાઢીને ગાયું..."ઓર કુછ બોલા તો કટકા કરકે કૂત્તેકો ખીલા દુંગા."

શેઠજી એ ખડખડાટ હસતા કહ્યું “ઓકે, ધેટ્સ ફાયનલ.”

શ્વેતાએ પહેલી વાર શેઠજીને ખડખડાટ હસતા જોયા. અને તે પણ ઘરના નોકરો સાથે.

દાદાજીએ બધાની ઓળખાણ કરાવવા માંડી.

“આ આપણા લાલાજી, શેઠ સાહેબના બોડીગાર્ડ અને ડ્રાઈવર છે. એ હંમેશા ઓફિસમાં અને આખા બંગલામાં નજર રાખી ફરતા રહે છે. લાલાજી પાસે લાયસન્સવાળી ગન છે. અમારા સૌની સલામતીનું એઓ ધ્યાન રાખે છે. શ્રીફળ જેવો સ્વભાવ છે. ઉપરથી સખત અને અંદરથી નરમ.”

ત્યાર પછી કિશન મહારાજ તરફ આંગળી ચિંધતા કહ્યું “આ આપણા કિશન મહારાજ જાત જાતની રસોઈ બનાવવામા એક્કા છે. એમના હાથની સુરતી, કાઠિયાવાડી, પંજાબી, બંગાળી, મદ્રાસી વાનગીઓ એક વાર ખાધી હોય તો બીજાની વાનગીઓ સ્વાદ વગરની જ લાગે. હવે તો એ ઈટાલિયન ચાઈનીસ અને મેક્સિકન શાકાહારી વાનગીઓ પણ બનાવતા થઈ ગયા છે.”

પછી વલ્લભની ઓળખાણ કરાવી. “વલ્લભ આપણા ગામનો જ છે. જેઠા ગોરનો દીકરો. બઘામાં નાનો. શેઠજી અને શેઠાણીબા એને બાબો જ કહે છે. એ આપણા પંચદેવની પૂજા, પાઠ અને અભિષેક કરે છે. ઉંમર નાની છે પણ સરસ સંસ્કૃત જાણે છે. રોજ બપોરે સુવર્ણાબાને ધાર્મિક પાઠ વાંચી સંભળાવે છે. દર અગીયારસે સત્યનારાયણની કથા કરે છે. સરસ ભજન ગાય છે”.

“લાલાજી, કિશન મહારાજ અને વલ્લભ ચોથા નંબરની રૂમમાં ભેગા રહે છે.”

“ત્રીજા રૂમમાં પાંડુરંગ અને એની પત્ની સાવિત્રી રહે છે. પાંડુભાઈ સબ બંદર કા વ્યાપારી છે. ઈલેક્ટ્રીકલ મિકેનીકલ કામ હોય કે કાર રિપેર કરવાની હોય, સિક્યોરિટી કેમેરા કે ઘરના ટીવી સંભાળવાના હોય. બાગકામ હોય કે સ્વિમીંગ પૂલ હોય; શોધી શોધીને હંમેશા કંઈ કર્યા જ કરતા હોય. સાવિત્રી ઘરની સફાઈ અને ગોઠવણીનું કામકાજ કરે છે.”

“બીજા નંબરની રૂમમા કાંતામાસી અને વિમળાબહેન રહે છે. એ બન્ને રસોડામાં કિશનમહારાજને મદદ કરે છે.”

“એક નંબરની રૂમમાં જગદીશ અને જ્યોતિ રહે છે. બન્ને ગ્રેજ્યુએટ થયેલા છે. બન્ને સરસ અંગ્રેજી બોલે છે. જગદીશ શેઠજીને ઘરના ઓફિસ કામમાં મદદ કરે છે. અમે એને હોમ મિનીસ્ટર કહીયે છીએ. જ્યોતિ સુવર્ણાબાની પ્રાઈવેટ સેક્રેટરીની જવાબદારી નિભાવે છે. એ ડ્રાઈવ પણ કરે છે. સુવર્ણાબાને જ્યાં જવું હોય ત્યાં જ્યોતિ જ લઈ જાય છે.”

“નાકા પરનો પાંચ નંબરનો રૂમ આપણા ગેસ્ટ રૂમ જેવો જ છે. સ્ટાફ મેમ્બરના જે કોઈ મહેમાન બહારગામથી આવે તેમને એ રૂમમાં ઉતારો આપવામાં આવે છે.”

“શેઠજીએ અમારા જીવનમાં કોઈ અધુરપ રાખી નથી. અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીયે.” દાદાજીએ ઓળખવિધિનું સમાપન કર્યું.

બધા ઉભા થયા. વલ્લભે બુલંદ અવાજે શાંતી મંત્ર ભણ્યો.

મંત્ર પછી કાંતામાસીએ, કિશન મહારાજે તૈયાર કરેલી પાંઉભાજી અને ગુલાબજાંબુની ત્રણ ડીસ તૈયાર કરી શેઠજી, શેઠાનીબા અને શ્વેતાને આપી.

બધા પોતપોતાની રીતે વાનગી માણવા લાગ્યા. સંપૂર્ણ મુક્ત વાતાવરણ હતું.

સૌને વધારે મોકળાશ મળે એ હેતુથી સુંદરલાલ અને સુવર્ણાબેન પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા.

એમને પગલે શ્વેતા પણ પોતાના નવા રૂમમાં ગઈ.

પસંદ કરેલો રૂમ આશ્ચર્યજનક રીતે ડિનર દરમ્યાન તૈયાર થઈ ગયો હતો.

મારબલ ફ્લોરની ઉપર જુની કારપેટને બદલે એક ઈચ જાડો સુંદર અફઘાન રગ આવી ગયો હતો. બાલ્કની ડોર પાસે નવા ડ્રેઈપ્સ લાગી ગયા હતા. રેફ્રિઝરેટરમાં દૂધ આઈસ્ક્રિમ વગેરે મુકાઈ ગયું હતું. બાલ્કનીમાં નેતરની ચેર લટકતી હતી. બાલ્કનીમાં કાચનું નાનું ટેબલ અને બે ચેર મુકાઈ ગઈ હતી. રૂમના ટેબલ પર તાજા રાતરાણીના ફૂલોનો ગુલદસ્તો મઘમઘતો હતો. અક્ષયના રૂમમાંથી એની બે સ્યુટકેઇસ પોતાના ક્લોઝેટમાં આવી ગઈ હતી. આ વ્યવસ્થા માટે દાદાજીએ બધાને કામે લગાવી દીધા હતા. સ્ટાફમાં બધાને જણાવી દીધું હતું કે નાના શેઠને એકદમ બિઝનેસ અંગે પેરિસ જવાનું થયું અને શ્વેતા મેડમ પાસે વિસા ન હોવાથી એ મુંબઈ પાછા આવી રહ્યા. દાદાજીની દરેક વાત સૌ શંકા વગર સ્વીકારી લેતા.

શ્વેતા વિચારતી હતી; એના સસરા ન પામી શકાય એટલી ઊંચાઈએ ઊભા હતા. બધુંજ સરસ હતું. પણ અક્ષય? પોતાના લગ્નજીવન નું શું? પોતે વરને પરણી હતી કે ઘરને?


Rate this content
Log in

Similar gujarati story from Drama