Pravinkant Shashtri

Drama Thriller

3  

Pravinkant Shashtri

Drama Thriller

“શ્વેતા” પ્રકરણ ૨૨

“શ્વેતા” પ્રકરણ ૨૨

9 mins
530


વાર્તા “શ્વેતા”

પ્રકરણ ૨૨

જાણે મહેમાનોની રાહ જ જોતા હોય એમ આદિત્યના મમ્મીએ આવકાર આપ્યો. આવ બેટી શ્વેતા. આવ નિકુળ. "આદિએ તમને બહુ રખડાવ્યા નથી ને?"

"ના માસી, એની સાથે ન્યુયોર્કમાં ફરવાની મજા આવી." શ્વેતાએ પ્રભાવશાળી માતાની ચરણરજ માથે ચડાવતા જવાબ આપ્યો. શ્વેતાને ખ્યાલ આવી ગયો કે નિકુળ, શ્વેતા અને તેમના કાર્યક્રમ અંગે ઘરમાં વાત થઈ જ ગઈ હશે. કોઈને ઔપચારિક પરિચયની જરૂરિયાત ન વર્તાઈ. ....પણ એટલામાં એક મીઠો મધુરો અવાજ સંભળાયો. "હાય નિકુળ, હાય શ્વેતા". બાવીસ ચોવીસ વર્ષની લાગતી એક યુવતિ, બ્લેક વન પીસ સ્કરટેડ સ્વિમસ્યુટમાં ફેમિલીરૂમમાં દાખલ થઈ. ભીના શરીર પર મોટો ટેરી ટોવેલ વિંટાળ્યો હતો. આ નવી વ્યક્તિ નિકુળ અને શ્વેતાને માટે કલ્પના બહારની હતી. નિકુળ અને શ્વેતાનો 'હાય' પ્રતિભાવ સંકોચ યુક્ત હતો.

"મને લાગે છે કે ભાઈસાહેબે મારો પરિચય આપ્યો લાગતો નથી."

"ઓ..હ. આઈ એમ સોરી. શ્વેતા, નિકુળ,... આ છે મણીબેન મહેતા. અમદાવાદથી કોઈ રૂપાળો અમેરિકન બકરો શોધવા આવી છે."

"આન્ટી, આ તમારો લબાડ સુધરે એવા કોઓઓઈ ચાન્સ દેખાતા નથી."

"તમે બન્ને ક્યારે સમજણા થશો? શ્વેતા આ મોના દીકરી અમદાવાદમાં અમારી પોળમાં જ રહેતી હતી. ત્યાં એમબીબીએસ કર્યા પછી અહીં ઓબ/ જીએન માં એમડી પુરું કરી હવે પોસ્ટ ડોકટરેટ કરે છે. અહીં અમારી સાથે જ રહે છે. નાનપણથી જ આદિ અને મોના તોફાન મસ્તી કરતાં રહ્યા છે. એકબીજાને જોતાં જ ઠરેલતા અદૃશ્ય થઈ જાય છે." આન્ટીએ હસતા હરતા હળવો બળાપો વ્યક્ત કર્યો.

"આન્ટી હવે એક જ રસ્તો છે. ખોટો માલ જલદી કોઈને પધરાવી દેવા જેવો છે. કોઈ મિલીટરી માઈન્ડની છોકરી જ એને ઠેકાણે લાવી શકે. બોલ શ્વેતા, સોદો કરવો છે. સસ્તામાં પતાવી આપીશ.” કોઈ પણ સંકોચ વગર બિન્દાસ્ત મોનાએ આત્મીયતા સ્થાપી દીધી.

શ્વેતાને હવે ખ્યાલ આવ્યો કે આ હસતા રમતા કુટુંબમા પ્રોફેશનાલિઝમ સાથે હ્યુમર પણ સહજ રીતે વણાયલી છે.

લિસાને માટે આ નવું ન હતું. એણે ગંભીરતાથી કહ્યું "ડાક, નિકુલ્સ સર્જરી ઈઝ સ્કેડ્યુઅલ ઓન ફ્રાયડે મોર્નિંગ. આઈ'લ સી યુ ઓન ફ્રાયડે. બાય એવરીબડી. બાય મામ."

લિસાએ વિદાય લીધી.


"બેટા આદિ! ડૉ. દેસાઈનો ફોન હતો. કહેતા હતા કે ઘણાં સમયથી તું એમને મળ્યો નથી. રાજુભાઈએ નિકુળની વાત કરી હશે. કહેતા હતા કે એને પણ લઈ આવજે. બે દિવસ પછી એલ.એ. જવાના છે. આવતી કાલે શક્ય હોયતો મળી આવો." આદિત્યના મમ્મીએ સંદેશો આપ્યો.

"હા કાલે જ જઈ આવીશું. ત્યાર પછી બે મહિના સુધી ખુબ જ રોકાયલો છું. મણીબેન તમે પણ અમારી સાથે આવશોને? કે નહિ આવવાની કૃપા કર્શો?" આદિત્યે મોનાને પુછ્યું.

"ભક્તને ઈચ્છીત સુખ પ્રાપ્ત થાય એ હેતુ થી મોનાદેવી, કૃપાદૃષ્ટિથી બફેલો આવવાનું ટાળશે."

મોનાએ આંખ બંધ કરી આશિર્વાદ આપવાની અદાથી કહ્યું.

આદિત્યે નિકુળ અને શ્વેતાનો સામાન બે જુદા જુદા રૂમમાં પહોચાડ્યો અને પોતાના રૂમમાં ફોન અને કોમ્પ્યુટર પર કામે લાગી ગયો. મમ્મીએ ડૉ.દેસાઈનો પરિચય આપ્યો.

ડૉ.દેસાઈ કોલેજમાં ડિન હતા. હમણાંજ પંચોતેર વર્ષની ઊમ્મરે રિટાયર્ડ થયા છે. નિરાલી એની ફેવરિટ સ્ટુડન્ટ હતી. પોતે અમેરિકન ડૉ.મારથાને પરણ્યા હતા. નિરાલી રાજુભાઈને પ્રેમ કરતી હતી. રાજુભાઈ પાર્વતિબાના સંકુચિત માનસને કારણે અચકાતા હતા પણ ડો.દેસાઈએ ખુબ હિંમત આપી અને કોર્ટમાં સિવિલ મેરેજ કરાવી આપ્યા હતા. લગ્ન પછી એમણે રૂમ માંડ્યો ત્યારે આદિત્ય બે વર્ષ એમની સાથેજ રહ્યો હતો. અરે રાજુભાઈ અને નિરાલીએ એની ફી પણ ભરી હતી. જ્યારે નિરાલીના દેવલોક પામ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે મારો આદિ બે વિક સુધી ખૂબ ડિપ્રેશનમાં રહ્યો હતો. આદિત્ય રાજુભાઈને મોટાભાઈ માને છે.

મમ્મી નિકુળ અને શ્વેતા સાથે વાત કરતા હતા તે દરમ્યાન મોનાએ બધા માટે કૉફિ બનાવી. બધાએ સાથે બેસી કૉફિ અને સોફ્ટ કુકી લીધા. આદિત્યે થેપલા અને લસ્સી લીધી. નિકુળ અને શ્વેતા પોત પોતાના રૂમમાં ગયા.

આદિત્ય એક્સરસાઈઝ કરવા ગયો. મકાનની પાછળ પેટિયો પર ગ્લાસ વોલનો એક મોટો ફોર સિઝન રૂમ હતો. એમાં એક તરફ નાનો સ્વિમિંગ પુલ હતો. એમાં પ્રવાહની વિરૂધ્ધ તરી શકાતું હતું. પ્રવાહની ઝડપ, તરંગમોજાઓ વધતા ઓછા કરી શકાતા હતા. પુલમાં ઘણી જાતની વોટર એક્ષરસાઈઝ કરી શકાતી હતી. મમ્મી પણ નિયમિત કસરત કરતા હતા. પાસે કસરતના બીજા સાધનો પણ હતા. પુલની બાજુમાં નાનો ઇનડોર ગાર્ડન હતો. તેમાં ગાર્ડન ફર્નિચર અને સરસ હિંચકો હતો. આદિત્ય વિકમાં ચાર દિવસ, એક એક કલાક કસરત પાછળ ગાળતો.

એક કલાકની કસરત પછી બધાએ ડિનર લીધું.

નિકુળ આદિત્યની સાથે સર્જરી અંગેની વાતો સમજતો હતો.

શ્વેતાના રૂમમાં મોના અને શ્વેતા બેઠા બેઠા વાતો કરતા હતા. પરસ્પર પરિચય ગાઢો કરતા હતા.

“આદિત્યને બહેન નથી, મને કોઈ ભાઈ નથી. નાનપણથી જ અમારી જોડી જામી ગઈ. એની પાછળ પાછળ હું પણ મેડિકલ લાઈનમાં પ્રવેશી. આદિત્યને પહેલેથીજ ઘણી સ્કોલરશીપ મળતી. પોતાની મેરિટ પર તે અમેરિકા આવ્યો. રાજુભાઈનો પણ ખુબ સપોર્ટ મળ્યો. હું એના જેટલી સ્માર્ટ તો નથી. પણ મારા ફાધરના બૉસે ત્રણ વર્ષ પહેલા એડમિશન અપાવ્યું અને આર્થીક મદદ પણ કરી.”

“હું અને આન્ટી સાથેજ અમેરિકા આવેલા. એમણે મને ડોર્મમાં જવા ન દીધી. હવે આ મારું જ કુટુંબ છે.”

“શ્વેતા એક વાત કહેવી છે. મારો ભઈલો ખુબ ભોળીયો અને સાફ દીલનો છે. એને પ્રેમ પ્રદશિત કરવાની આવડત નથી. તને પહેલે દિવસે જોઈને જ મોહી પડ્યો. પહેલા એણે મને ફોન કર્યો. પછી તમારા સ્નેહિ અને એના મિત્ર રાજુભાઈ સાથે વાત કરી. ઘેર આવી આન્ટીને નાના છોકરાની જેમ વળગીને કહે, 'મને વહુ અપાવી દે.' આવું ગાંડપણ અમે કોઈ વખત જોયું નથી. એના પર લટ્ટુ થનારી ઘણી લેડી ડૉકટરો છે. નાની ઊમ્મરમાં ઘણી સફળતા મેળવી છે. અમે બન્ને મેડિકલના એવા ક્ષેત્રમાં છીએ કે સ્ત્રી પ્રુરુષોના નગ્ન શરીરની અમને નવાઈ નથી. આદિત્યે તો બ્રહ્માની ભુલોને સુધારી માનવીને નવજીવન બક્ષ્યું છે.”

“તારામાં શું વિશેષતા જોઈ એતો એજ જાણે, પણ તને જોયા પછી મને લાગે છે કે એની પસંદગી ઉત્તમ છે. કદાચ હું તારા કરતા બે ત્રણ વર્ષ મોટી પણ હોઈશ; છતાં હાથ જોડીને વિનંતી કરું છું કે જો મારી ભાભી બની શકવાની શક્યતા ન હોયતો પ્લીઝ મારો ભઈલો વધુ બહેકે તે પહેલા એની સાથે સ્પષ્ટતા કરી દેજે. એ આન્ટીનો, બાપ વગરનો એકનો એક દિકરો છે. જે દિકરાને ગમશે તે માને ગમશે જ.”

તોફાની લાગતી વ્હાલી બહેન, શ્વેતા પાસે યાચના કરતી હોય એમ વાત કરતી હતી.

એટલામાં શ્વેતાનો સેલફોન રણક્યો.

"હલ્લો, બાપુજી! જયશ્રી ક્રિષ્ણ"

"જયશ્રી ક્રિષ્ણ બેટા. જાગે છેને?"

પ્રાયવસી જળવાય એ હેતુથી ધીમેથી ગુડ નાઈટ કહી મોના ઊઠીને એના રૂમમાં ગઈ.

"હા બાપુજી. જાગું છું. આજે નિકુળની સાથે ડૉ.આદિત્યના મહેમાન બન્યા છીએ."

"મને ખબર છે. રાજુનો ફોન હતો. એણે નિકુળની સર્જરીની વાત કરી. મેં નિકુળ સાથે તારા જીવનના સ્વપનાઓ જોયા હતા…. ખેર! ઈશ્વરેચ્છા બલીયસી. રાજુએ આદિત્યની વાત કરી. જ્યારે રાજુની ભલામણ હોય ત્યારે એમાં વિચારવાનું હોય જ નહિ. જો તને એ ગમતો હોય તો મારા અંતઃકરણ પુર્વકના આશિર્વાદ છે. હું યોગેશભાઈને પણ વાત કરીશ. એક જ વાત ડંખે છે. તું મને છોડીને અમેરિકા સ્થાયી થાય તો મારું કોણ?.... પણ હવેતો તું મારી દિકરી છે. દિકરી તો પારકી થાપણ કહેવાય. હું તને હસતે મોઢે વિદાય કરીશ.”

હસતા મોંની વાત કરતા શેઠજી લાગણીવશ થઈ રડી પડ્યા.

“બેટી, તને ગમતા માણિગરને કહેજે કે તારી સાથે તે પણ નવસો કરોડનો માલિક થશે. ધારશો તો ભારતમાંજ અમેરિકા ઊભું થશે.”

શેઠજીને શું ખબર કે શ્વેતા પણ વગર અવાજે આંસુ સારતી હતી. શ્વેતાની આત્મશ્ર્દ્ધાનો દિપક બુઝાઈ ગયો હતો. જે જે વ્યક્તિ પર મન ઢળતું તે તે વ્યક્તિ એના જીવનમાં ડોકિયું કરીને સરી ગઈ હતી. એ શેઠજી સાથે વધુ વાત કરી ન શકી. વળી એ પણ સંકોચ હતો કે કોઈ અંગત વાત સાંભળતું હોય તો? એણે કહ્યું

‘બાપુજી આપણે ઈ-મૅઇલ અને કોમ્પુટર પર વાતો કરીશું. જય શ્રી ક્રિશ્ન બાપુજી.‘

શ્વેતા બેડમાં સૂતી અને વિચાર ચકડોળે ચઢી. આદિત્યને જોઈને પહેલી નજરે જ આકર્ષાઈ હતી. ગોરો લાલ ચટ્ટક ચહેરો. લીલાશ પડતી આંખો. તંદુરસ્ત સ્નાયુબદ્ધ શરીર અને મનની લાગણીને બાહ્ય રંગરોગાન કર્યા વગર સીધી વ્યક્ત કરવાની આવડત. કઈ યુવતીને ન ગમે! પોતાની બાહોશીથી આગળ વધેલો અને સફળ થયેલો ડૉકટર. વધુ શું જોઈએ!...પણ બાપુજી? મારે જીવનભર એમને સાચવવા છે. ક્યાંતો આદિત્ય ઈન્ડિયામાં સ્થાયી થાય અગર બાપુજી અમેરિકા આવે તો જ મનની મુરાદો બર આવે. બન્નેની શક્યતા કેટલી?

ક્યાંકથી સિતારના મધુર સ્વરો આવતા હતા. વિચાર અને સંગિતના સૂરના તર્ંગોમાં એ ક્યારે ઊંઘી ગઈ તે ખબર ન પડી.

સવારે જાગી ત્યારે નાના દેવસ્થાનમાં આદિત્યના મમ્મી અને મોના પૂજા પ્રાર્થના કરતા હતા. બન્નેના કંઠમાંથી વહેતા સંસ્કૃત શ્લોક પવિત્ર વાતાવરણ ઊભું કરતા હતા. પૂજા પુરી થતાં મોના કિચનમાં દોડી. જોત જોતામાં ગરમ ગોટા તૈયાર થઈ ગયા. સાથે જલેબી પણ હતી. મમ્મીને માટે અંજીરવાળુ દૂધ, આદિત્ય માટે હર્બલ ટી અને બધાને માટે કૉફી તૈયાર હતી.

"સવારે સાત વાગવા આવ્યા તો પણ એદી સાહેબ ઊઠ્યા નથી. આજે એને ઊઠાડવો જ નથી. આપણે બધા બેકફાસ્ટ કરીને બધા ગોટા સંતાડી દેવાની છું." મોનાનો ફફડાટો ચાલતો હતો.

આદિત્ય ગાઉન પહેરીને બહાર આવ્યો. "મણીબેન મહેરબાની કરીને તમારા રેડિયાનું વોલ્યુમ જરા લો રાખોને. કાલથી તો સવારે પાંચ વાગ્યે ઊઠવાનું જ છે. કેવું સરસ સ્વપ્નું જોતો હતો! બધી મજા બગાડી..” "આન્ટી આ મુરખનો સરદાર ક્યારે સમજશે. બિચારી સ્વપ્ન સુંદરી અહિ પ્રત્યક્ષ એની રાહ જોતી ઊભી છે અને ભાઈ સાહેબ આંખવીંચીને હવામાં ફાંફાં મારે છે." આદિત્યના મમ્મી માત્ર સ્મિત રેલાવતા રહ્યા.

શ્વેતાને એ સમજાતું નહતું કે આ બધા કેવી રીતે માની લે છે કે એમનો ધારેલો સંબંધ શક્ય બનશે જ. આઈ હોપ ધીસ ઈઝ નોટ સિસ્ટમેટિક બ્રેઈન વોશિંગ. કંઈક સ્પષ્ટતા કરવી જ પડશે.

મોના બ્રેકફાસ્ટ કરી પ્રિન્સ્ટોનના યુનિવર્સીટી મેડિકલ સેન્ટર પર જવા નીકળી ગઈ. જતા જતા કહેતી ગઈ કે રાત્રે કદાચ મોહિતના રૂમ પર પણ સૂઈ રહું. હું ફોન કરીશ.

આદિત્ય, શ્વેતા અને નિકુળ કારમાં નિકળ્યા. નિકુળે પુછ્યું "ડૉ.દેસાઈને મળવા આપણે ક્યાં જવાનું છે?"

"બફેલો."

"બફેલો? અપ સ્ટેટ ન્યુયોર્કમાં નાયગરા પાસે? ક્યારે પહોંચાશે? ક્યારે પાછા અવાશે? શું આપણે રાત ત્યાં ગાળવાની છે?"

આદિત્ય હસ્યો. "ડોન્ટ વરી માય ફ્રેન્ડ સીટ બેક, એન્ડ રિલેક્ષ. વી વીલ બી બેક બાય ફાઈવ ઓ ક્લોક." એણે સ્પીડ વધારી. કાર લિંડન એરપોર્ટ પર અટકી. ત્યાં એને માટે ચાર સીટનું સીગલ એન્જીન લાઈટ એરોપ્લેન તૈયાર હતું. આદિત્ય પરામસ ફ્લાઈંગ ક્લબનો પ્લેટિનમ મેમ્બર હતો. પાઈલોટ લાયસન્સ હતું અને ક્લબની સાથે પ્લેનનો કો-ઓનર હતો.

થોડી મિનિટોમાં તેઓ હવામાં ઉડતા હતા. આદિત્ય પ્લેનની ટેકનિકલ ડિટેઈલ સમજાવતો હતો અને જીપીએસ દ્વારા નીચે સરતા સ્થળોની માહિતી આપતો હતો. શ્વેતા પ્રભાવિત હતી. બફેલો પર લેન્ડિંગ થયું ત્યારે ડૉ.માર્થા કાર સાથે મહેમાનની રાહ જોતા હતા.

દશ મિનિટમાં તો બધા ડૉકટરની લાયબ્રેરીમાં હતા. ત્રણ ડોકટરોની વાતો એમના વિષયની જ હતી. માર્થાને સમજાયું કે નિકુળ અને શ્વેતા બોર થતા હતા. વિષય બદલાયો. નિરાલી અને રાજની કોલેજની પ્રવૃત્તિઓ અને પ્રેમ પ્રકરણની વાતો રસપ્રદ રહી.

ગુજરાતી હાઉસકિપર રમાબેને, રસપુરી ઉંધીયાની સાદી પણ સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. લંચ પછી ડોકટરે નિકુળની સર્જરીની વાત કાઢી.

"ડૉકટર, હું જરા શ્વેતાને તમારો બોટાનિકલ ગાર્ડ બતાવું. ચાલ શ્વેતા બહુ સરસ જોવા જેવો ગાર્ડન છે." આદિત્ય શ્વેતાને લગભગ ખેંચી જ ગયો. ચારે બાજુ ઘેરાયલા વૃક્ષોની છાયામાં એક બેંચ પર શ્વેતાને બેસાડી તેની બાજુમાં બેસી ગયો.

"શ્વેતા, મને પ્રેમ કરવાનો અનુભવ નથી. શી રીતે મારી લાગણી વ્યક્ત કરવી એ મારી કોઈ પણ મેડિકલ બુકમાં લખ્યું નથી. મને ખાત્રી છે કે તેં પણ વ્યાપારનો અભ્યાસ કર્યો છે. તું પ્રેમની કવિતાઓ શીખી નથી. તું સુંદર છે. મેં સુંદર હાડકા ચામડા ઘણાં જોયા છે પણ મેં તારી આંખોમાં મારે માટે એક અનોખી તરસ જોઈ છે. બસ એવી જ તરસ મારા હૈયામાં જાગી છે. એની ભાષા ઉકેલી જો. તને સ્પષ્ટ સમજાશે કે વી મેઇડ ફોર ઈચ અધર. આપણે પુરા ત્રણ દિવસ સાથે ગાળ્યા નથી પણ હું અનુભવું છું કે આપણે સાત જનમથી સાથે છીએ. આઈ લવ યુ."

"આદિત્ય, કાલ્પનિક દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવો. હું કબુલ કરું છું કે હું તમારાથી આકર્ષાઈ છું. છતાં એ કદાચ માત્ર ભૌતિક કે દૈહિક આકર્ષણ જ હોય. અને કદાચ એ આત્મીય હોય તો પણ કેટલું વ્યાવહારિક છે તે પણ વિચારવું પડે. મારી કેટલીક મુંજવણ છે. કેટલીક જવાબદારી છે. શરતો છે."

"હું મારા બાપુજી અને ભારત છોડવા માંગતી નથી. મારા પુનર્લગ્ન થાય તો પણ હું મારી શેઠ અટક બદલવા માંગતી નથી. તમને તો ખબર છે કે શેઠ અટક મારી નથી. એ મારા સદગત પતિની છે. માત્ર એટલું જ નહિ પણ મારા બાળકોની અટક પણ શેઠ જ રહેશે. હું તમારી કે અન્યની અટક નહીં જ સ્વીકારું. મારે મારા જીવનનું ઘડતર કરનાર મારા બાપુજીનો વંશ એ જ રીતે આગળ વધારવો છે. તમે એ પચાવી શકશો? કદાચ તમે એ સ્વીકારો પણ તમારા મમ્મી એ સહી શકશે? એકના એક પુત્રના સંતાનો અડવાણી ને બદલે શેઠ કહેવાય એ માનસિક રીતે સહન કરવાનું સહેલું નથી. આગળ વધતાં પહેલાં ખૂબ વિચારી જોજો."

આદિત્ય સ્તબ્ધ બની શ્વેતાને સાંભળતો રહ્યો. મને મંજુર છે પણ મારા મમ્મી....?


Rate this content
Log in

Similar gujarati story from Drama