“શ્વેતા” પ્રકરણ ૧૭
“શ્વેતા” પ્રકરણ ૧૭
સૌ આતુરતાથી અક્ષયની છેલ્લી ચિટ્ઠી વાંચતા હતા...
પરમ પૂજ્ય પપ્પાજી, મારા વ્હાલા, વ્હાલા મમ્મીજી અને વંદનીય ગણપતકાકા.
મારા સાદર પ્રણામ.
જેની સાથે પરસ્પર પ્રેમની ગુંથણી ન થઈ શકી, એ શ્વેતાને કોઈ પણ સંબધનું સંબોધન કરવાને હું લાયક નથી. માત્ર ક્ષમાનો યાચક બની રહું છું.
મારા મેડિકલ ટેસ્ટ દરમ્યાન થતી વાતો પરથી મને ખ્યાલ આવી ગયો કે લાંબા સંઘર્ષને અંતે કદાચ આયુષ્યરેખા થોડીક લંબાય, પણ આખરી પરિણામ તો સ્પષ્ટ જ છે. સારવારથી લંબાયલું જીવન યાતના મુક્ત તો નજ હોય. એક દિવસની યાતના ભોગવીને શેષ જીવનની યાતનામાંથી મુક્ત થવા માટે મેં જીવન સમેટવાનો નિર્ણય કર્યો છે.
આપ સૌને દુઃખ થશેજ; પણ મારી મુક્તિની સાથે આપ સૌની મુક્તિ પણ ઈચ્છું છું. કોઈને અન્યાય કરવાની ભાવના નથી પણ મારો આત્મા કહે છે કે સૌથી વધુ આઘાત મમ્મીને લાગશે. પ્લીઝ, તમો સૌ મારા મમ્મીને સાચવજો. પપ્પા તો ખુબજ વાસ્તવદર્શી છે. દુઃખને પચાવીને રોજીંદી ઘટમાળમાં એના જીવનને વહેતું રાખશે.
શ્વેતા, મેં તો તને પહેલી રાત્રેજ વૈધવ્ય બક્ષી દીધું હતું. શું આ તારું બીજીવારનું વૈધવ્ય હશે? ના, ના, મારી દૃષ્ટિએ તું વિધવા નથી. તું સધવા પણ નથી. મેં તારું અંગ અભડાવ્યું નથી. તારા સંસ્કાર અને નૈતિક નિડરતાને હું જાણું છું. તું હજુ પરિપક્વ કુમારીકા જ છે. આજે મારા જીવનના અંતિમ દિવસે થોડા કલાકો માટે મેં પરિણિત હોવાનો કાલ્પનિક આનંદ મેળવી લીધો છે. શ્વેતા તું મનગમતું યોગ્ય પાત્ર શોધીને જીવનનો સાચો આનંદ, હંમેશ માણતી રહેજે. મારી હાર્દિક શુભેચ્છા તારી સાથેજ હશે. તું મારા પપ્પા મમ્મીની દિકરી થઈને રહેજે.
પપ્પા મમ્મી હું કુપુત્ર થયો પણ તમો કમાવતર નથી થયા. સમજણો થયો ત્યારથી શંકાનો એક કિડો મગજને કોતરતો રહ્યો. ‘શું હું આપના પિંડનો પુત્ર છું? આપ મારા સાચા માવતર છો? જીવન દરમ્યાન ન પુછી શકાયલો પ્રશ્ન આજે પુછી રહ્યો છું જેનો ઉત્તર જાણવા હું જીવિત નહિ હોઉ.
હું લગભગ આઠેક વર્ષનો હોઈશ તે વખતે મમ્મીના ગામની બે ડોસીઓ આપણે ત્યાં મહિનો રહેવાના ઈરાદાએ આવી હતી. તમે બધા વાતો કરતા હતા. એક ડોસીએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું હતું કે 'સુવર્ણાએ પારકા જણ્યાને પણ કેટલા વહાલથી અને જતનથી જાળવ્યો છે. જાણે કાનુડો અને જશોદામૈયા.'
મને ત્યારે તો કશુંજ સમજાયેલું નહિ. ગણપતકાકા તરતજ મને બહાર ખેંચી ગયા હતા. બન્ને ડોસીઓતો લાંબો સમય રહેવાની હતી પણ પપ્પાએ તેમને તેજ રાત્રે બસમાં બેસાડી ગામ રવાના કરી દીધી હતી. મમ્મી તમે આખી રાત રડતા રહ્યા હતા. મેં જ્યારે તમને પુછ્યું કે પારકો જણ્યો એટલે શું, ત્યારે જવાબ આપવાને બદલે મને છાતી સરખો ચાંપીને રડતાં જ રહ્યા હતાં.
બાર વર્ષની ઉમ્મરે અર્થ સમજતો થયો. શંકાનો કિડો ઉધઈની જેમ મગજને કોતરતો રહ્યો. મમ્મીનો પ્રેમ અને પપ્પાની ધાકથી તમારી પાસે ખુલાશો ન મેળવી શક્યો. પપ્પા તરફથી કડવી સલાહો મળતી ત્યારે હું પારકો છું એટલે પ્રેમ વગરની શિખામણો આપે છે એમ માનતો રહ્યો. ખરેખરતો પપ્પા મને તેમની પ્રતિકૃતિ તરીકે ઘડવા માંગતા હતા. મારુ ચિત્ત 'હું કોણ છું' ની શોધમાં અટવાતું હતું.
પપ્પાની અપેક્ષાઓ સંતોષવામાં હું નિષ્ફળ નિવડ્યો. અભ્યાસમાં પાછળ પડતો ગયો. એમની નજર તેજસ્વી શ્વેતા પર પડી. એ કાચી માટીના લોચાને એમણે પોતાની ઈચ્છા પ્રમાણે ઘાટ આપવા માંડ્યો. શ્વેતા પપ્પાની માનસિક વારસદાર બની ગઈ. પપ્પાને હાથે એક પછી એક એવૉર્ડ લેતી, ત્યારે હું ઈર્ષ્યાથી દયામણા ચહેરે સ્ટેજ તરફ જોયા કરતો. તે સમયથી હું પારકો થઈ ગયો હોઉં એવું અનુભવતો હતો. શ્વેતાના વ્યક્તિત્વ સામે હું વામણો બની ગયો હતો. ઈર્ષ્યા અને પ્રતિશોધને કારણેજ સાદાઈથી લગ્ન કર્યા. પહેલી રાત્રેજ નિષ્ઠુરતાથી એનું સૌભાગ્ય ઝૂટવી વૈધવ્ય બક્ષ્યું હતું.
પપ્પાને જ્યારે લોહીની જરૂર પડી ત્યારે મારું લોહી મેચ ન થયું. અઢાર વર્ષની ઉમ્મરે ન તો મારો દેખાવ કે ન તો મારો અવાજ પપ્પાને મળતો આવતો હતો.
પપ્પા, મમ્મી એકવાર કહી દો કે હું તમારો જ પુત્ર છું. મારો આત્મા એ સાંભળશે. મારો આત્મા ઠરશે.
જો પુનર્જન્મ હોય તો જન્મોજન્મ હું આપનો પુત્રજ થઈશ.
એજ...આ જન્મના કુપુત્ર અક્ષયના વિદાયવંદન.
સુંદરલાલ ઢળી પડ્યા. ધ્રુસકે ધ્રુસકે રડતા રહ્યા. શ્વેતાએ એમનું માથું પોતાના ખોળામા લઈ લીધું. ધીમે ધીમે માથામાં હાથ ફેરવતી રહી. સૌએ એમને મોકળા મને રડવા દીધા. હૈયાફાટ રૂદન સાથે તે બબડ્યા "દિકરા હું શું જવાબ આપું? તારી માના અસ્થિ તારી સાથે ભળી ગયા એ જવાબ પુરતો નથી? મારો અંતર આત્મા જાણે છે કે બાપ તરીકેની કોઈપણ ફરજ હું ચુક્યો નથી.
શિવાનંદ, પાર્વતિબહેન અને રાજુ, પ્રશ્નાર્થ નજરે સુંદરલાલને જોઈ રહ્યા હતા. આજે શિવાનંદને અહેસાસ થતો હતો કે બે વચ્ચેની આત્મીયતા સંપૂર્ણ ન હતી. વ્યવહારકુશળ અને લાગણીશીલ મિત્રે કેટલીક અંગત વાતો હૈયાનાં એક ખૂણામાં ડાબી દીધી હતી. શું અક્ષય એમનો પુત્ર ન હતો?
"ભાઈ સુંદર, મારી સાથે આટલું બધું અંતર?" શિવાનંદ ગળગળા થઈ ગયા.
"શેઠજી, મન મુકીને હૈયાનો ભાર હલકો કરો. અહિં સૌ આપણાજ છે. શ્વેતાએ પણ હકિકત જાણવી જ જોઈએ." ગણપતકાકાએ કહ્યું.
"શિવુ, તારા રાજુનો જન્મ તો આપણે કોલેજમાં હતા ત્યારેજ થઈ ચુક્યો હતો. આપણે મુંબઈ આવ્યા પછી પણ અમને ખોળાનો ખૂંદનાર ન મળ્યો. અનેક ડોકટરોને બતાવ્યું; દોરા ધાગા અને બાધાઓ માની પણ પરિણામ શૂન્ય. હું તો ઈશ્વરેચ્છામાં માનતો હતો. સંતાપ વગરની નિર્બંધ જીંદગી આનંદથી માણવામાં માનતો હતો. સુવર્ણા બાળક વગર તડફતી હતી.
એકવાર એના મામાનો તાર આવ્યો "સુવર્ણા, તાબડતોબ અહિ આવી જા."
સુવર્ણા એના મામાને ત્યાંજ ઉછરી હતી. મામાની સોળ વર્ષની દિકરી પર કોઈએ બળાત્કાર કર્યો હતો. દિકરી પ્રેગનન્ટ હતી. કોઈ પણ પુરુષથી છળી મરતી હતી. સગા બાપ અને દસ વર્ષના પ્રેમાળ ભાઈને જોઈને ગભરાઈ જતી હતી. રાડો પાડતી હતી. મામા એબોર્શન કરાવવા ઈચ્છતા હતા. સુવર્ણા મામાને ત્યાં ગઈ. મને પુછ્યા વગર એની સોળ વર્ષની બહેન અને ગામની એક દાયણને લઈને રાજકોટની પાસેના કોઈ ગામમાં પહોંચી ગઈ. ત્યાંથી મને પત્ર લખીને હકિકત જણાવી. 'હું મારી બહેનનું બાળક આપણે માટે રાખવાની છું. દત્તક તરીકે નહિ પણ મારા પોતાના સંતાન તરીકેજ. આપણા સૌ સબંધીઓને જણાવી દેજો કે અમારી પ્રાર્થના ફળી છે. સુવર્ણા પ્રેગનન્ટ છે.'
બસ. અમારા ઘરમાં, અક્ષય અમારું વહાલસોયું સંતાન બની ગયો. મને મારો વારસદાર મળી ગયો. સુવર્ણા એને બોટલથી દૂધ પિવડાવતી. લાગણીનાં આવેશમા ન જોયલા ગાંડા કાઢતી. દૂધ પિવડાવ્યા પછી પોતાના સ્તન પર મધ ચોપડતી. અક્ષય લબલબ ચાટતો. સુવર્ણા માતૃત્વનો અનેરો આનંદ માણતી. અમે સુખી હતા. કોણ કહે, કે અક્ષય અમારું સંતાન નથી."
સુંદરલાલે હાથ જોડી ઉંચા અવાજે કહ્યું "બેટા અક્ષય અમે જ તારા મા-બાપ છીએ."
સુંદરલાલે બે ઘૂંટડા પાણી પીને આગળ ચલાવ્યું. "હું સાચો બાપ હતો. મારે મારા વારસદારને સફળતાના શિખર પર જોવો હતો. એનું ઘડતર હું મારી રીતે કરવા માંગતો હતો. મારી અપેક્ષાઓ અમર્યાદ હતી. અક્ષય પહેલા તો હોંશિયાર હતો પણ એકાએક પાછળ પડતો ગયો. મને શું ખબર કે દાયણ ડોસી અમારા સુખી જીવનમાં મોટી આગનો તણખો મુકી ગઈ હતી.
અક્ષયની નિષ્ફળતા અને મારી અપેક્ષાઓએ બાપ દિકરા વચ્ચે તડ પાડી દીધી. યોગેશની સુંદર અને સ્માર્ટ નાની બહેન પર મારું મન ઠરી ગયું. એને મેં ભાવી પુત્રવધૂ તરીકે ઘડવા માંડી.
મારી અપેક્ષાને કારણે મેં પત્ની અને પુત્ર ગુમાવ્યા. નિર્દોષ શ્વેતાનું જીવન બરબાદ કર્યું. બેટી, શ્વેતા મને માફ કરી દે. મને માફ કરી દે. હું તને ગમતા છોકરા સાથે પરણાવીશ. તમે મારી સાથેજ રહેજો. આ બધું હવે તારુંજ છે. તું તો મને છોડીને તો નહીં જાયને?"
સુંદરલાલે શ્વેતાના પગ પકડી લીધા.
"અરે, અરે બાપુજી આ શું કરો છો? મને પાપમાં ન નાંખો બાપુજી. હું જીદગીભર તમારી સેવા કરીશ."
સ્વસ્થ ગણપતકાકાએ શેઠ્જીને ઉભા કર્યા. "આપણી શ્વેતા દિકરી ક્યાંયે નહિ જાય. આપણી સાથે જ રહેશે."
છેવટે ગણપતકાકાએ કાંતામાસીને બુમ પાડી "કાંતા! લંચની તૈયારી કરો. હમણાં ગીતા પાઠનો સમય થઈ જશે."
સૌએ મુંગામુંગા લંચ લીધું. રૂદન અટકી ગયું હતું. અશ્રુ સુકાઈને ગાલપર માત્ર લિસોટાજ રહ્યા હતા. કોઈને કંઈ કહેવાનું ન હતું. કોઈને કંઈ પુછવાનું ન હતું. સૌ નત મસ્તકે વાંચેલી, સાંભળેલી વાત પોતપોતાની રીતે મુલવતા હતા.
રોજ સવારે ગરુડપુરાણ, બપોરે ગીતાપાઠ, સાંજે ગુરુજીનું પ્રવચન અને ભજન. દિવસો પસાર થયા. પંદર દિવસ પછી શિવાનંદ અને પાર્વતિબા પોતાના મલબાર હિલના બંગલે ગયા.
પૃથ્વીએ પોતાની ધરી પર ફરતા ફરતા સુર્યનારાયણની ફરતે એક પરિભ્રમણ પુરું કર્યું.
'સુવર્ણા વિલા'ના જીવતર અને ધબકાર બદલાયા હતા. શેઠજીએ ઓફિસે જવાનું ઓછું કરી નાંખ્યું હતું. શ્વેતાએ ઓફિસના વહિવટને અને સુંદરલાલની સેવાને પ્રાધાન્ય આપી દીધું હતું. અક્ષયના રૂમને હોમઓફિસ અને લાયબ્રેરી બનાવાઈ હતી. લાયબ્રેરીમાં પોસ્ટર સાઈઝના સુખડની ફ્રેમમાં સુવર્ણાબેન અને અક્ષયના ફોટા લટકતા હતા. સુંદરલાલ વ્યાપાર સમાચાર વાંચવાને બદલે લાયબ્રેરીમાં ફિલોસોફીના પુસ્તકો વાંચતા. ઘણીવાર રિક્લાઈનર પર બેઠા હોય, છાતી પર પુસ્તક કે પેપર હોય અને કલાકોના કલાક સુવર્ણાબેન અને અક્ષયના ફોટાને એકી નજરે જોયા કરતા.
હંમેશા સુવર્ણાબેનની તહેનાતમાં રહેતા જગદીશ અને જ્યોતીએ પોતાનો સ્વતંત્ર ફ્લેટ રાખી ત્યાં રહેવા ગયા હતા. જ્યોતી પ્રેગનન્ટ હતી. જગદીશ હવે ઓફિસમાં કામ કરતો હતો. શ્વેતાએ બાપુજીને સમજાવીને બ્રાહ્મણ વલ્લભ અને પટેલ વિમળાના લગ્ન કરાવી આપ્યા હતા. જગદીશ અને જ્યોતિના ક્વાટર્સમાં તેઓ શિફ્ટ થયા હતા.
દાદાજીને નીચેનો નાનો કોન્સફરન્સ રૂમ ફાળવી અપાયો હતો. એમને માટે બેટરી ઓપરેટેડ વ્હિલચેર આવી ગઈ હતી. રવીવારે નોકર ચાકરોને બપોર પછી કામમાંથી મુક્તિ મળતી. શ્વેતા જાતે સુંદરલાલ અને દાદાજીને ભાવતી વાનગી બનાવીને ખવડાવતી.
આજે આવો જ એક રવીવાર હતો. માત્ર સુંદરલાલ, શ્વેતા અને ગણપતકાકા જ ઘરમાં હતા. સુંદરલાલે શ્વેતાને બુમ પાડી લાયબ્રેરી રૂમમાં બોલાવી.
"બેસ બેટા, આજે મારે ઘણી વાતો કરવાની છે. આપણો બિઝનેસ કેમ ચાલે છે?"
"બાપુજી બધું સરસ રીતે સેટ થઈ ગયું છે. નિકુળ પણ ખુબજ કાબેલ છે. હસતો રમતો કામ કર્યે જાય છે."
"બેટી જો તું અને નિકુળ ઓફિસમાં ન હોવ તો અત્યારે યથાવત ચાલી શકે ખરું?"
"જો થોડુ સેટ અપ બદલીએ તો ખુબ ઓછું ધ્યાન આપીએ તો વાંધો નહિ આવે."
"તમારા બન્નેની ગેરહાજરીમાં યોગેશભાઈથી શિવુની અને આપણી ઓફિસ સંભાળી શકાય ખરી?"
"આઈ એમ સ્યોર હી કેન હેન્ડલ બોથ બિઝનેસ. એમને બન્ને જગ્યાનો અનુભવ છે. પણ બાપુજી, સ્પષ્ટ વાત કરોને! મને કાંઈ સમજાતું નથી. કંઈ પ્રોબલેમ છે?"
સુંદરલાલ જરા અટક્યા. એણે એની ટેવ મુજબ આંખો બંધ રાખી ફરી ચાલુ રાખ્યું...
"મેં નિવૃત થવાનો નિર્ણય લઈ લીધો છે. જો શિવુ તૈયાર થાય તો બન્ને ફર્મ મર્જ કરી યોગેશભાઈને નવી કંપનીમાં પ્રેસિડન્ટ બનાવીએ. આપણે સૌ બોર્ડ્સ ઓફ ડિરેકટર તરીકે રહીને પોલિસી અને પર્ફોર્મન્સ પર કંટ્રોલ રાખીએ. તને શું લાગે છે?"
"બાપુજી અમે બધા લાકડીનો દેખાવ પુરતો ટેકો ભલે આપતા હોઈએ પણ, ટચલી આંગળી પર આખો ગોવર્ધન પર્વત તો તમે ઉંચક્યો છે. તમારા વગર બધું તૂટી પડશે અને અમે સૌ કચડાઈ જઈશું. ના બાપુજી ના. તમારાથી રિટાયર્ડ ન થવાય. તમે અહિ ઘરેથી અમને માર્ગદર્શન આપ્યા કરજો પણ નિવૃત થવાની વાત મગજમાંથી કાઢી નાખજો. મને ખબર છે કે તમે અક્ષય અને બાને ભુલી શકવાના નથી પણ લાઈફ મસ્ટ ગો ઓન."
"બેટા ઈશ્વરે મને મારી કાબેલિયત કરતાં અને જરૂરીયાત કરતા ઘણું ધન આપ્યું છે. તારી સાત પેઢી તો નહિ પણ ચાર પેઢી સુધી ચાલે એટલું તો છેજ. એમાં એક પણ પૈસાનો વધારો ન થાય તો વાંધો આવે એમ નથી. હવે હવાતિયા મારવા નથી. મને માત્ર તારી જ ચિંતા છે."
શેઠજીએ આંખો ખોલી. શ્વેતા સામે સીધી નજર રાખીને પુછ્યું, "સંકોચ રાખ્યા વગર મનની વાત કરજે. તને નિકુળ ગમે છે?"
