STORYMIRROR

Pravinkant Shashtri

Crime Horror Others

3  

Pravinkant Shashtri

Crime Horror Others

“શ્વેતા” પ્રકરણ ૧૬

“શ્વેતા” પ્રકરણ ૧૬

8 mins
23.7K


એક બીજી લાત અને બારણા નો નકુચો તૂટ્યો. લાઈટ કરી શ્વેતા રૂમમાં દાખલ થઈ અને મોટેથી ચીસ પાડી. "બા જલદી આવો." શિવાનંદ જોઈને આભા થઈ ગયા.

"બાનુ કાંઈ કામ નથી. અને તું પણ નીચે જા. હું પણ નીચે આવું છું. જરા ધીરજ રાખતા શીખ." શિવાનંદે રીતસરની આજ્ઞા જ કરી. શ્વેતાનું બાવડું પકડી ઍલિવેટરમાં ધકેલી દીધી. શ્વેતાએ કંઈક ભયાનક જોયું હતું. શું જોયું હતું તે સમજાય તે પહેલા તો શિવુકાકાએ રૂમમાંથી એને કાઢી મુકી. શિવાનંદે ફરી એક નજર રૂમમાં નાખી. અક્ષયનો નિશ્ચેતન દેહ બેડ પર ઊલટીના ખાબોચિયામા પડ્યો હતો. પાસે જ્હોની વૉકરની ખાલી બૉટલ પડી હતી. દવાની એક ખાલી બૉટલ પણ હતી. આખો રૂમ દુર્ગંધથી ભરેલો હતો. એમણે રૂમ બંધ કરી દીધો. નીચે આવ્યા.

"શિવુ, અક્ષયે દવા લીધી?" સુંદરલાલે પૂછ્યું.

"ના. એને ઊલટી થઈ હતી. હમણાં કોઈ ઉપર જશો નહિ. ડોક્ટર હું જમશેદજીને ફોન કરું છું."

શિવાનંદે રૂમમાં ચાલતા ચાલતા ઝ્ભ્ભામાંથી સેલફોન કાઢી ધીમા અવાજે ડૉકટર જમશેદજીને ફોન કરવાને બદલે પોલિસ કમિશનર સાહેબને ફોન કર્યો. "સાહેબ, અક્ષયે આત્મહત્યા કરી હોય એવું લાગે છે. પ્લીઝ જલ્દી આવો. ઘરમાં હજુ કોઈને ખબર નથી. હવે હું જમશેદજીને ફોન કરીશ." કોઈ પણ પ્રસ્તાવના વગર સીધી વાત કરી. જવાબ મળ્યો. "હું જમશેદજીને લેતો આવીશ. મારા રસ્તામાં જ છે. તમારે ફોન કરવાની જરૂર નથી." ફોન કટ થયો. શિવાનંદે બીજો ફોન પોતાના દીકરા રાજુને કર્યો.

નિકુળને કહ્યું "જગદીશની સાથે પ્રાચી અને સૌરભને સ્કુલે મોકલી આપ. ફોન કરીને બન્ને ઓફિસની જરૂરી વ્યવસ્થા કરી દે." સુંદરલાલ અડધી ઉંઘમા હતા. સુવર્ણાબેન વિચારતા હતા કે આજે શિવુભાઈ કેમ મોટા બોસની જેમ વર્તી રહ્યા છે!

શિવાનંદની નજર ગેઇટ પર જ હતી. કમિશનર અને ડૉકટર બાવા આવી પહોંચ્યા. અત્યાર સુધી સૌ અર્ધજાગૃત હતા. ડૉકટર અને પોલિસ કમિશનર સાહેબને જોતા સૌ સફાળા ઉભા થઈ ગયા.

"લેટ્સ ગો" કહેતા બન્ને અક્ષયની રૂમમાં પહોંચી ગયા. એમની પાછળ શેઠજી, સુવર્ણાબેન, શિવાનંદ, પાર્વતિબેન, યોગેશભાઈ, હેમાલિ અને નિકુળ પણ પહોંચી ગયા. માત્ર શ્વેતા ચિત્તભ્રમ અવસ્થામા સિલીંગ પરના ઝુમ્મરને તાકતી નીચે બેસી રહી.

શિવાનંદે જોયું હતું તેજ હવે બધાએ જોયું. અક્ષય મોં પહોળું કરી સૂતેલો હતો. બેડ પર બન્ને બાજુ ઊલટીની ગંદકી લદપદ થતી હતી. બેડ પર જ સ્લીપીંગ પિલ્સની ખાલી બોટલ, ઢાંકણ વગરની ખુલ્લી પડી હતી. જમણે પડખે જ્હોની વૉકરની ખાલી બોટલ હતી.

"ઓ મારા દીકરા તને શું થયું?" રાડ પાડતા સુવર્ણાબેન અક્ષયની છાતી પર પડ્યા. કમિશનર સાહેબે એને ખેંચીને એક ખુરશી પર બેસાડી દીધા. સુવર્ણાંબેન હાંફતાં હતાં.

જમશેદજીએ છાતી પર સ્ટેથેસ્કોપ મુક્યું. ગરદન પર મુક્યું. નાક પાસે આંગળી ધરી. આંખની પાપણ ઉઘાડી પેન્સિલટોર્ચ મારી….કમિશનર સાહેબ તરફ નકારાત્મક માંથું હલાવી, પાસે પડેલી કોરી ચાદર માથાસુધી ઓઢાડી દીધી. સુવર્ણાબેન અને સુંદરલાલનું હૃદય દ્રાવક, કરૂણ કલ્પાંત શરૂ થઈ ગયું.

કમિશનર સાહેબને ઓશિકા નીચે એક કાગળ દેખાયો. એમણે એ ખેંચી લીધો. ઉભા ઉભા વાંચી લીધો. કાગળ ઘડીવાળી ગજવામાં મુક્યો.

તેમણે સુંદરલાલના બન્ને બાવડા પકડી કહ્યું "બી બ્રેવ. ઈશ્વરેચ્છા બલીયસી"

'બધા નીચે ચાલો. આ રૂમ હાઈજીનીક નથી. હું થોડા એક્ષપર્ટ માણસોને મોકલું છું. તેઓ ઘટતી વ્યવસ્થા કરશે.'

"પણ મારે મારા દીકરા પાસે જ રહેવું છે" સુવર્ણાબેને ક્ષીણ અવાજે વિનંતિ કરી.

"નો મેમ, એવરીબડી મસ્ટ ગો ડાઉનસ્ટેર."

સુંદરલાલને શિવાનંદે સંભાળ્યા હતો. સુવર્ણાબેનનો શ્વાસ ઝડપથી ચાલતો હતો. પગમાં ઉભા રહેવાની શક્તિ ન કતી. પાર્વતિબેના મજબુત હાથોમાં લગભગ ટિંગાઈ રહ્યા હતા. ચારે જણા એલિવેટરમાં દાખલ થયા. એલિવેટરનું ડોર બંઘ થયું. "પ્લીઝ, બારણું ખોલો... મારાથી શ્વાસ નથી લેવાતો...." એલિવેટર અટક્યું. સુવર્ણાબેન ફ્લોર પર ફસકાઈ ગયા. અત્યાર સુધી ચિત્તભ્રમ થયેલી શ્વેતા દાદાજી ગણપતકાકાના ખભા પર માથું નાખીને બેઠી હતી તે સુવર્ણાબેનને જોઈને એમના તરફ દોડી. "બા શું થાય છે?" સુવર્ણાબેન જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. શ્વેતાએ ચીસ પાડી, "બાવાજી, બા માઈટ હેવ એટૅક તરત નીચે આવો." એણે સી.પી.આર શરૂ કર્યો. સુંદરલાલ ફ્લોર પરજ ઢગલો થઈ બેસી ગયા. ભાઈ ભાભી, નિકુળ, ડૉકટરબાવા અને કમિશનર સાહેબ નીચે આવી ગયા. બાવાજીએ સુવર્ણાબેની પલ્સ જોવા માંડી.

બાવાજીએ હાથ પકડી રાખ્યો. શ્વેતા સી.પી.આર. આપતાં હારી ગઈ.... બાવાજીએ ઠંડો પડતો હાથ છોડી દીધો...

સુવર્ણાબેન દીકરાની પાછળ ચાલી નિકળ્યા.

"ઓહ, માઈ ગોડ...આ ફેમિલીનું શું થવા બેથું છે?" ડોકટર બાવા ગણગણ્યા.

થોડા કલાક પહેલા કલ્લોલતું અને આનંદના હિલોળા લેતું કુટુંબ ન સમજી શકાય એવા શોક સમુદ્રમા ડૂબી રહ્યું હતું. સૌ પોતાના હતા. કોણ કોને આશ્વાસન આપે! ભાઈ ભાભી શ્વેતાને વળગીને બેઠા હતા. શેઠજીને ગણપતકાકા અને પાર્વતિબેન પંખો નાખતા હતા. એક મૃતદેહ, વૈભવી ઓરડાના ગંદી થયેલી પથારીમાં પડ્યો હતો. બીજો દેહ નીચે ફ્લોર પર પડ્યો હતો. દીકરાએ આત્મહત્યાથી જીવન સંકેલ્યું હતું. આઘાતને કારણે માએ, મૃત દીકરાનો પીછો કર્યો હતો. બધા નોકર ચાકરો 'હવે શું કરવું' ની સુચનાની રાહ જોઈને રડી રહ્યા હતા. એક માત્ર કમિશનર સાહેબ સ્વસ્થતાથી ફોન પર વ્યવસ્થા કરવા રોકાયલા હતા. એમણે જમશેદજી, શિવાનંદ અને નિકુળને પાસે બોલાવી કહ્યું, "સામાન્ય રીતે સ્યુસાઈડના કેસમાં ઓટોપ્સી કરવી જ પડે પણ અક્ષયનો એક લેટર અને જે એવિડન્સ મળ્યા છે એનો ઊપયોગ કરીને કોરોનર પાસે બધું ઓકે કરાવી લીધું છે. ડૉ.જમશેદજી સુવર્ણાબેનને માટે કાર્ડિયાક એરેસ્ટનું ડેથ સર્ટિફિકૅટ આપી દેશે. હમણાં સેનેટરી ડિપાર્ટમેન્ટની ટીમ આવશે એ સ્પેશિયલ કેમિકલ્સથી રૂમ સાફ કરી જશે. મેં સિનીયર ઈનસ્પેકટર મિ. મલહોત્રાને અને તેની પત્નીને બોલાવી છે. બન્ને શ્વેતાના મિત્રો છે. ઓફિસિયલ અને પર્સનલ બાબતોમા જરૂરી મદદ કરશે. જો કોઈની ખાસ રાહ જોવાની ન હોયતો આજે જ સાંજ સુધીમા અગ્નિદાહ કરી દેજો. હું કાલે સવારે આવીશ. મારી પાસે અક્ષયનો કાગળ છે. આવતી કાલે લેતો આવીશ. નિકુળ, તું ડોકટરને એમની ક્લિનિક પર લઈ જા અને ડૅથ સર્ટિફિકૅટ લેતો આવ"

મનહર મલ્હોત્રા અને એની પત્ની કાશ્મિરા અડધા કલાકમાં આવી ગયા. બપોરે બાર વાગ્યે ઊધનાથી રાજુ અને તેના ગુરુજી પણ આવી ગયા. મલહોત્રાએ અંતિમક્રિયાની વ્યવસ્થા સંભાળી લીધી. સુંદરલાલની પડખે હવે ગણપતકાકા, શિવાનંદ, અને પાર્વતિબેન હતા. યોગેશભાઈ, હેમાલિભાભી અને બહેનપણી કાશ્મિરા, શ્વેતાને સંભળતા હતા. સ્કુલેથી આવેલા સૌરભ અને પ્રાચીની કાળજી નિકુળ લેતો હતો. મલ્હોત્રા અને રાજુએ અન્ય ભાર ઉપાડી લીધો હતો.

ખાસ સંબંધ ન હતો તોયે બાજુના બંગલામા રહેતી બોલીવુડની અભિનેત્રી નિલીમા શેઠજી અને શ્વેતાને મળવા આવી ગઈ હતી. તેના નોકર સાથે બધાને માટે ચ્હા કૉફિ અને બિસ્કીટ મોકલ્યા હતા.

શ્મશાનભૂમી સુધી પગપાળા જ જવાનો સુંદરલાલનો આગ્રહ હતો, પણ રાજુ અને મલ્હોત્રાને વ્યાવહારિક ન લાગ્યું. એમણે શબવાહિની અને કારમાં જ જવાની વ્યવથા કરી દીધી.

ગુરુજી મરણોક્તર ધાર્મિક વિધિઓમાં માનતા નહતા. એમના વિચારો વૈજ્ઞાનિક હતા, . પણ મહિલા વડીલ પાર્વતિબેનની ઈચ્છાને માન આપી મૌન રહ્યા. વલ્લભે ષટ્પિંડ વિધિ કરાવ્યો હતો. સાંજે સુર્યાસ્ત પહેલા અનેક સ્નેહીજનોની હાજરીમાં સુંદરલાલને હાથે પત્ની અને પુત્રને અગ્નિદાહ દેવાયો.

ઘેર આવીને શ્વેતાએ સુંદરલાલના ખોળે માથું ઢાળી દીધું. કોઈ પણ અવાજ વગર શ્વેતા અને સુંદરલાલની આંખો અશ્રુ સરિતા વહાવતા હતા. સુંદરલાલ શ્વેતાના માથાપર હાથ ફેરવતા રહ્યા. પાર્વતિબાએ પાસે આવી રડતા રડતા કહ્યું "દીકરી.. લાવ તારો હાથ આપ." શ્વેતાએ યંત્રવત હાથ લાંબો કર્યો. પાર્વતિબાએ ડૂસકા લેતા શરદપુર્ણિમાના ઉત્સવ વખતે પહેલીવાર પહેરેલી લાલ ચૂડિયો ઉતારવાની શરૂઆત કરી. સુંદરલાલે એકાએક ત્રાડ નાંખીને શ્વેતાનો હાથ ખેચી લીધો. મારી દીકરીનો હાથ કદીયે અડવો નહિ રહે.

અત્યાર સુધી કઠણ કાળજુ રાખી કાર્યવાહી સંભાળતા શિવાનંદ પોક મુકીને રડી પડ્યા. સૌ કોઈ રડતા રહ્યા. મન મુકીને રડવું જરૂરી પણ હતું. છેવટે સ્વજનોનો રૂદન પ્રવાહ ધીમો પડ્યો. હેમાલિભાભીએ નમસ્કાર કરીને સુંદરલાલની રજા લીધી. "દીકરીના ઘરમા, અવસાનશોક ના દિવસોમા પિયેરના વડીલોથી નહિ રહેવાય એ અમારા સમાજનો ધારો છે. દીવસક્રિયા થઈ જાય પછી આવીશું અને શ્વેતા દિકરીને અમારી સાથે લઈ જઈશું."

"ના ભાભી, હવે આ જ મારું ઘર છે. મારા બાપુજીને એકલા મુકીને હું ક્યાંયે નહિ જાઉં. સરિતા અને શ્વેતા વહેવા માંડ્યા પછી કદીયે મૂળ સ્થાને પાછી નહિ ફરે."

શ્વેતા ઉભી થઈ ભાઈ ભાભીને વળગી. "મારી ચિંતા ન કરશો. ઓન્લી આઈ નીડ યોર બ્લેશિંગ્સ એન્ડ સપૉર્ટ. આઈ લવ યુ."

ભાઈ-ભાભી સૌને નમસ્કાર કરી રડતે હૈયે દીકરી જેવી બહેનને અજ્ઞાત ભાવીના અંધકારમાં છોડી વિદાય થયા. ગુરુજી, નિકુળ અને પ્રાચી શિવાનંદને ત્યાં ગયા. પાર્વતિબા, શિવુકાકા અને રાજુ રોકાઈ ગયા હતા.

બીજી સવારે જ્યારે કમિશનર સાહેબ એમની પત્ની સાથે આવ્યા ત્યારે વલ્લભ ગરૂડપુરાણ વાંચતો હતો. આજનો અધ્યાય પૂરો થતાં, સૌએ સેન્ટ્રલ હોલમાં બેઠક લીધી. કાંતામાસી બધાને પાઈનેપલ જ્યુસ આપી ગયા.

કોઈપણ પ્રસ્તાવના વગર સાહેબે શરૂ કર્યું. "શેઠજી મારે આપ સૌની ક્ષમા માંગવાની છે કે કેટલાક જરૂરી રોકાણોને કારણે શ્મશાન યાત્રામા અમે હાજર ન રહી શક્યા. આઈ એમ સોરી શેઠજી. સોરી શ્વેતા. આપને ખ્યાલ હશે કે સ્યૂસાઈડ કરતા પહેલા અક્ષયે પત્ર લખ્યો હતો. થોડા વેરીફિકેશન માટે અને અમારા રૅકર્ડ માટે જરૂરી હોવાથી મારી સાથે લઈ ગયો હતો.

કોઈપણ ઘરમાં જ્યારે અક્સ્માત કે ખૂન, આત્મહત્યા કે શંકાસ્પદ મૃત્યુનો બનાવ બને ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલી શંકા કુટુંબની વ્યક્તિ અને ઘરના નોકર ચાકર પર જ થાય. મારી શંકા આપણી શ્વેતા પર હતી"

કમિશનર સાહેબ જરા અટક્યા. સૌના જીવ તાળવે ચોંટી ગયા. શ્વેતા ધ્રુજી ઉઠી. શ્વેતા પાર્વતિબા પાસે બેઠી હતી. બીજી બાજુ કમિશનર સાહેબના પત્ની આવીને બેસી ગયા.

સાહેબે ફરી શરૂ કર્યું. “અક્ષયના મનમેળ વગરનું લગ્ન જીવન, એનું કેથી અને અન્ય સ્ત્રીઓ સાથેનું વ્યભિચારી જીવન, રોગિષ્ટ શરીર, અક્ષયને બાદ કરતાં કાયદેસરની કરોડોની વારસદાર શ્વેતા જ હતી. મોટિવ શ્વેતા તરફ આંગળી ચીંધતો હતો. મારા ધ્યાનમાં હતું કે શ્વેતા અક્ષયને એની રૂમમાં મુકવા ગઈ હતી. મુકીને આવ્યા પછી ખુબ આનંદથી નિકુળ સાથે રાસ રમી હતી."

શ્વેતાને હળવા સ્મિત સાથે પૂછ્યું "કેપ્ટન મારી જગ્યાએ તું ઓફિસર હોય તો શું માને?"

કેપ્ટન સંબોધનની સાથે જ ગૃહિણી મટીને શ્વેતા જાણે યુનિફૉર્મમાં હોય તેમ ટટાર થઈ ગઈ.

"સર, આપે ડિસ્ટન્ટ પાસ્ટ અને છેલ્લા બનાવો જોયા, પણ વચ્ચેનો અડતાળીસ કલાકનો અમારો અંગત સમય ચૂકી ગયા. કેથી અક્ષયના જીવનમાંથી નીકળી જતાં એમનામાં આવેલા પરિવર્તનની જરાયે નોંધ લીધી નથી. આપે મારો આગલો પર્સનલ રેકોર્ડ તપાસ્યો હોત તો આપને ખાત્રી થઈ હોત કે મેં મારા જીવન પ્રત્યેના તમામ નિર્ણયો, સંવેદનશિલતાથી નથી લીધા પણ ફરજને પ્રાધાન્ય આપીને લીધા છે. સવારે બારણું ખોલવાની કોશિશ કરી ત્યારે બારણું અંદરથી લોક કરેલું હતું. બહાર નીકળી ગયા પછી અંદરથી કેવી રીતે આગળો મારી શકું? મેં જો બળજબરીથી પિલ્સ આપી હોય તો અક્ષય મારા ગયા પછી લોક કરવાને શક્તિમાન ન રહે. એમણે પિલ્સ લીધા પહેલા જ અંદરથી ડોર લોક કર્યું હોવું જોઈએ. પિલ્સની બોટલ મેં બૅડ પાસે મુકી હતી એટલે એના પર મારા ફિંગરપ્રીન્ટ્સ હોવાના પણ બૉટલની કેપ પર અક્ષયનાજ ફિંગરપ્રીન્ટ્સ હોવા જોઈએ. લીકર બોટલ પર પણ એના જ ફિંગરપ્રીન્ટ્સ હશે. શું આપને અંદરના આગળા, અને બૉટલો પરની ફિંગરપ્રીન્ટ્સ તપાસવાનો વિચાર ન આવ્યો? હું શા માટે મારા પાછા મળેલા સુહાગને બૂસી નાંખું?”

"શાબાશ દીકરી શ્વેતા, શાબાશ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ." કમિશનર સાહેબે ઉભા થઈ ને શ્વેતાના કપાળ પર દીર્ઘ આશિષ ચુંબન આપ્યુ.

"સેનેટરી ટીમ સાથે સાદા ડ્રેસમાં મેં બે ડિટેકટિવને પણ મોકલ્યા હતા. તેં માત્ર બે મિનીટમાં જે કહ્યું તે બે ડિટેકટિવોએ છ કલાકની મહેનતે સિદ્ધ કર્યું છે. કેપ્ટન! યુ આર ક્લિન. તારા દિલ દિમાગમાં ગરમ લોહી વહેતું થાય એ માટેજ મેં વાત આ રીતે રજુ કરી હતી. આઈ નો… ઈટ ઈઝ નોટ ઈઝી, બટ યુ મસ્ટ ઓવરકમ ફ્રોમ ગ્રીફ. સુંદરલાલને સંભાળવા માટે તારે તરત જ સ્વસ્થ થવાની જરૂર અને પહેલી ફરજ છે."

"શેઠજી આપે જે ગુમાવ્યું છે તેનો આઘાત તો લાંબા સમય સુધી રહેશે. સમય સમયનું કામ કરશે. જે ગયું છે તે પાછું મળવાનું નથી. મિત્ર તરીકે આપને ઓળખું છું; મલ્હોત્રાએ શ્વેતાની શ્ક્તિ અને કાબેલીયાતથી મને વાકેફ કર્યો હતો. તમારી પાસે આ અમુલ્ય રત્ન છે. એને સાચવશો. જીવન સફળ થઈ જશે."

સૌ અવાચક બની શ્વેતા અને એને વળગીને ઉભેલા કમિશનર સાહેબને જોઈ રહ્યા. એમણે અળગા થઈ એક ફાઈલ શ્વેતાના હાથમાં મુકી. "આમાં પોલીસ રિપોર્ટ, કોરોનર રિપોર્ટ અને ખાસતો અક્ષયના છેલ્લા પત્રની થોડી નકલો છે. સાચવી રાખશો. કદાચ ભવિષ્યમાં ઉપયોગી નિવડે. મૂળ લેટર અમારા પોલીસ રેકૉર્ડ માટે રાખ્યો છે."

કમિશનર અને એના પત્નીએ સૌને વિદાય વંદન કર્યા. શ્વેતાએ અને રાજુએ એમના ચરણસ્પર્શ કર્યા. શ્વેતા તદ્દન સ્વસ્થ હતી. સૌ કોઈ અક્ષયનો પત્ર વાંચવા અધીરા થઈ ગયા હતા. મહેમાનના ગયા પછી શ્વેતાએ ફાઈલમાંથી પત્રની નકલ બધાને આપી. સૌ વાંચવા લાગી ગયા.



Rate this content
Log in

Similar gujarati story from Crime