STORYMIRROR

Pravinkant Shashtri

Drama Thriller

3  

Pravinkant Shashtri

Drama Thriller

“શ્વેતા” પ્રકરણ ૧૫

“શ્વેતા” પ્રકરણ ૧૫

8 mins
7.3K


“શ્વેતા”

પ્રકરણ ૧૫


બીજી સવારે ઘરના નોકર ચાકરો ઉત્સાહથી પાર્ટીની તૈયારીમાં લાગી ગયા હતા. શ્વેતા શેઠજીની સાથે ઑફિસ જવા નીકળતી હતી ત્યારે અક્ષય આંખો ચોળતો નીચે ઉતર્યો. "પ્લીઝ શ્વેતા આજનો દિવસ ઑફિસ જવાનું માંડી વાળ. આપણે વાતો કરીશું. કાલથી હું પણ તમારી સાથે ઑફિસ આવીશ."

શ્વેતાએ શેઠજી તરફ જોયું. શેઠજીએ ડોકું હલાવી હકારાત્મક સંમતિ આપી.

"ઓકે.. હું અહિથી જ થોડું કામ કરી લઈશ. આજે ત્રણેક વાગ્યે સ્મિથ એન્ડ સ્મિથને લંડન ફોન કરવાનો છે તે પણ ઘરેથી જ કરી લઈશ. આજે નર્સ પણ આવવાની છે.

બાપુજી, તમે જાતે ડ્રાઈવ કરતા નહિ. લાલાજીને લઈ જજો.

શ્વેતા એના રૂમમાં જઈ બ્રિફકેઇસ મુકી આવી.

અક્ષય, તમે ફ્રેશ થઈ આવો. હું તમારે માટે બોર્નવિટા અને ઓછા તેલમાં બનાવેલા બટાકાપૌવા બનાવી લાવું છું. શ્વેતા કિચનમાં ગઈ.

થોડીવારમાં જ નાસ્તો આવી ગયો.

"શ્વેતા તારી ડીસ ક્યાં છે? તારે નાસ્તો નથી કરવો?"

"ઑફિસે જવાની હતી એટલે બા બાપુજી સાથેજ બ્રેકફાસ્ટ કરી લીધો હતો. તમે લઈ લો. તમને ખબર છેને કે આજથી તમારા ઈન્જેકસનનો કોર્સ શરુ કરવાનો છે! નર્સ અગીયાર વાગ્યે આવશે."

"તો લે આ ડિશમાંથી પહેલા તને પ્રસાદ ધરાવું." અક્ષયે બટાકાપૌવાથી ભરેલી ચમચી શ્વેતાના મોં પાસે ધરી. શ્વેતાએ મોં ન ઉઘાડ્યું.

"શ્વેતા, પ્લીઝ, ટેઈક ઈટ. એ મારી ખાધેલી ચમચી નથી. આઈ નો, આઈ હેવ એઇડ. આઈ કેર ફોર યુ. ડોન્ટ વરી. યુ વિલ બી સેઇફ વીથ મી."

શ્વેતાની આંખ અને હયું રડી રહ્યું. એણે મોઢું ઉઘાડ્યું.

લંચ સુધી બન્ને જણા વાતો કરતા રહ્યા. લંચ પછી અક્ષય આરામ કરવા એના રૂમમાં ગયો. શ્વેતા એના રૂમમાં જઈને કોમ્પ્યુટર પર ઑફિસવર્ક કરવા બેઠી. અક્ષયે આરામ કરવાને બદલે કંઈક લખવા માંડ્યું. લખી રહ્યા પછી કાગળ કવરમાં મુકી, કવર ઓશિકા નીચે મુકી નિરાંતે ઊઘી ગયો.

લગભગ ચાર વાગ્યે શ્વેતા બે ગ્લાસમાં તરોપાનું પાણી લઈને અક્ષયના રૂમમાં દાખલ થઈ.

"આવ હની, મારી પાસે બેસ." અક્ષયે ખસીને બેડ પર જગ્યા કરી. શ્વેતા બેડને બદલે પાસેની ખુરશી ખેંચીને એની સામે બેઠી."

"શ્વેતા, મેં તારું અપમાન કર્યું, તને ખુબજ અન્યાય કર્યો તો પણ તું મારી કેટલી કાળજી કરે છે! શા માટે? ડગલેને પગલે તું જીતતી આવી છે. હું હારતો આવ્યો છું. મને સમજાતું નથી કે આ મારા પ્રત્યેનો પ્રેમ છે, દયા છે કે કોઈ રમત છે?"

"તમને નથી સમજાતું?...મને યે ક્યાં સમજાય છે! કુદરત જેમ દોરવે તેમ દોરવાયા કરું છું. તમે કહ્યું તે બધુંયે હોય. કદાચ એકેય ના હોય. માત્ર સાંસ્કારિક, સામાજીક ફરજ પણ હોઈ શકે. સાથે ચાર ફેરા ફર્યાની ફરજ. બા બાપુજીના પુત્ર તરફની ફરજ."

"હં.. અઅઅ." અક્ષયે ઊંડો શ્વાસ મુક્યો.

બન્ને વચ્ચે મૌનની પારદર્શક દિવાલ રચાઈ ગઈ.

અચાનક શાંત રૂમમાં અક્ષયે મોટો વિસ્ફોટ કર્યો.

"શ્વેતા મારી એક ઈચ્છા પુરી કરશે? ચાર ફેરાની ફરજ"

"પ્રયત્ન કરીશ. શું ઈચ્છા છે?"

"આ સંજોગોમાં તારું સૌંદર્ય ભોગવવાની મારી લાયકાત અને શક્તિ નથી, પણ તારું વણબોટ્યું,… નિર્વસ્ત્ર રૂપદર્શનની ઈચ્છા છે....ચાર ફેરાની ફરજ..."

શ્વેતાએ કોઈ પ્રત્યુત્તર ન વાળ્યો. નિર્લેપભાવે એ બેસી રહી. અક્ષયે વગર બોલ્યે ઊચે સિલીંગ તરફ જોયા કર્યું. શ્વેતા વિચારતી હતી 'વેશ્યાઓના ચામડા ચૂંથ્યા પછીએ આ અભરખો!' મેડિકલ એક્ઝામ માટે તો ઘણી વાર વસ્ત્ર ઊતાર્યા હતા. એક વાર વધારે. એને જોઈ લેવા દે એકવાર જે હું કદીયે એને આપવાની નથી.

એ ઉભી થઈ. રૂમનું બારણું બંધ કરી સ્ટોપર મારી. બ્લુ જીન પર પહેરેલી કુર્તી ઉતારી. અક્ષય સ્થિરતાથી જોતો રહ્યો. શ્વેતાએ ભાવ વગર બે હાથ પાછળ કરી બ્રાની ક્લિપ ખોલી. બ્રા ઉતારે તે પહેલા અક્ષયે પોતાની પીઠ ફેરવી લીધી.

બસ શ્વેતા બસ…. થેંક્સ…. કપડા પહેરી લે. હિયર અગેઇન, યુ વોન. આઈ લોસ્ટ.

શ્વેતાએ કપડા પહેરી લીધા. બારણું ખોલી નાંખ્યું.

'સાજા થાવ. સમય આવ્યે કદાચ હું જ તમારી પાસે આવીશ. આઈ ડોન્ટ નો એબાઉટ લવ બટ આઈ કેર ફોર યુ.'

“કદાચ?”

“હા, કદાચ.”

"ઓકે..ઓકે..ડોન્ટ બી ટુ સેન્ટિમેન્ટલ… બીજી એક ઈચ્છા છે. આજે પૂજામાં લગ્ન વખતનું લાલ પાનેતર પહેરજે...ચાર ફેરાની ફરજ."

શ્વેતા ખરેખર હસી પડી. 'ચાર ફેરાની ફરજનો ઉપયોગ ઈમોશનલ બ્લેકમેઇલીંગ માટે ખરુંને? બીજું કંઈ?

"હા બસ આમજ હસતી રહે."


આજે જાણે શરદોત્સવ નહિ પણ લગ્નોત્સવ હોય એવો માહોલ હતો. દર વર્ષે તો શરદપૂર્ણિમા માત્ર બે મિત્રોના કુટુંબ અને ઘરના નોકર ચાકરો મળીને ઉજવતા. આજે એ ઉપરાંત યોગેશભાઈનું કુટુંબ, ડૉકટર જમશેદજી, પોલિસ કમિશનર સાહેબ, પ્રધાનશ્રી દેશપાંડે અને બન્ને ઑફિસનાં કી એમ્પ્લોઈઝ મળીને લગભગ સિત્તેર જણા હાજર હતાં.

અક્ષયની લાગણીને માન આપીને શ્વેતા લાલ પાનેતર પહેરીને અક્ષય સાથે લક્ષ્મી પૂજન કરી રહી હતી. અને તેજ વખતે યોગેશભાઈ, ભાભી અને સૌરભ આવી પહોચ્યા. એમનું ભાવભીનું સ્વાગત થયું.

ભાભીએ હાથ દબાવી યોગેશભઈને કહ્યું, "તમે કેટલી ચિંતા કરતા હતા. બહેની આ પરિવારમાં કેટલી સુખી છે! મેં ન્હોતું કહ્યુ; આપણી દિકરી કરોડપતીના ઘરમાં રાજ કરશે રાજ્" યોગેશભાઈની આંખ સજળ થઈ ગઈ. જાણે આજેજ લગ્ન હોય એમ અક્ષયે શ્વેતાને કુમકુમનો ચાંદલો કર્રી સેંથામા સિંધુર પુર્યું. શ્વેતાનું હૈયું ફફડી રહ્યું હતું. આમ કરીને, અક્ષયનો લગ્નજીવનના હક ભોગવવાનો બદઈરાદો તો નહિ હોયને! વળી એક વધુ ઈમોશનલ બ્લેકમેઇલીંગનો પ્રયાસ તો નહીં હોય ને!

પૂજા પુરી થઈ. વિમળા મોટી છાબમાં ગુલાબની પાંખડીઓ લઈ આવી. બધાને ખોબો ભરી ભરીને આપી. લક્ષ્મીમાતાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સૌએ નવદંપતિ પર પુષ્પ પાંદડીનો વસસાદ વરસાવ્યો. વિમળાએ નજર ચૂકવી એક ફુલ વલ્લભ પર ફેક્યું. પણ શ્વેતાએ ચોરી પકડી પાડી. હસતાં હસતાં શ્વેતાએ વિમળા તરફ આંગળી હલાવી. ધીમે રહીને કહ્યું "પકડાઈ ગઈને?" વિમળા શરમાઈને ત્યાંથી નાસી છૂટી.

ઘરનાં ડોમેસ્ટિક સ્ટાફને ઉત્સવ માણવાની મોકળાશ રહે એ હેતુથી આજે સર્વિંગ માટે વેઈટર્સ અને મૅઇડસને બહારથી બોલાવ્યા હતાં. બધા નાના મોટા વર્તુળોમાં મનપસંદ સાથીઓ સાથે મન પસંદ વાનગીઓને ન્યાય આપતા હતા.

પહેલો રાઉન્ડ પુરો થતાં ગરબા શરૂ થયા. પ્રધાનશ્રી દેશ્મુખ, કમિશનર સાહેબ અને ડૉકટર જમશેદજી હિંચકે ઝુલતા આડી તેડી વાતો કરતા હતા,

ગરબા પછી રાસ શરૂ થયા. ટેરેસ આનંદથી ધમધમી ઊઠી. પાંચ સાત મિનીટ રાસ રમ્યા પછી અક્ષય હિંચકા પર બેસી ગયો. શ્વેતા પણ એની પાસે બેઠી.

"શ્વેતા મને થાક લાગ્યો છે. હું ધીમે રહીને મારા રૂમમાં જઈને સુઈ જઈશ. જો નિકુળ એની ભાણેજ પ્રાચી સાથેજ રાસ રમે છે. તારા ભત્રીજા સૌરભને પ્રાચી સાથે રમવું હશે. કેવો કિન્નાયલો નિકુળ સામે જોયા કરે છે! તું નિકુળ સાથે જોડાઈ જા. પ્રાચી છૂટી થશે તો બિચારા સૌરભને ફાયદો થશે. યુ એન્જોય વીથ નિકુળ."

ચાલો હું તમને નીચે લઈ જાઉં. મારે તમને દવા પણ આપવાની છે. દવા લઈને ઊંઘી જજો. સવારે છ વાગ્યે બીજી દવા લેવાની છે. હું તમને ઉઠાડીને આપીશ. કાલે અગિયાર વાગ્યે નર્સ આવશે. આઈ.વી. ચઢાવશે."

શ્વેતાએ અક્ષયને એના રૂમમાં દવા આપી અને સુવડાવ્યો. "શ્વેતા, બાથરૂમમાં, મેડિસીન કૅબિનેટમાં સ્લીપીંગ પિલ્સની બોટલ છે તે અહિ મુકી જા. જો ઉંઘ ન આવે તો એકાદ લઈશ."

શ્વેતા પિલ્સની બોટલ મુકી ટેરેસ પર ગઈ. પ્રાચીને સૌરભ પાસે મોકલીને એ નિકુળ સાથે જોડાઈ ગઈ. ગમતું યૌવન હિલોળે ચઢ્યું. રાસ, રિધમ અને રૂધિરાભિસરણ વેગીલા થતાં ગયા.

લગભગ રાત્રે બે વાગે આમંત્રિતોએ જવા માંડ્યું. ત્યાંતો લાલાજીને શૂર ચડ્યું. એણે ભાંગડાની સીડી મુકી. બસ થઈ રહ્યું. લાલાજીની આજુબાજુ એક મોટું વર્તુળ બની ગયું. લાલાજી હિરો બની ગયા. રાત્રે ત્રણ વાગ્યે જલસો પુરા થયો. સૌ વિદાય થયા. સુંદરલાલ અને સુવર્ણાબેને, શિવાનંદ અને યોગેશભાઈનાં કુટુંબને મોડી રાત્રે ઘેર જવા ન દીધા. બધા રોકાઈ ગયા.

કોઈને ઊઘવું ન હતું. શિવાનંદે ટિખળ કરી, "કદાચ લક્ષ્મી માતા મને પૂછે કે જાગો છો કે? હું ઊઘતો રહું અને આ વાણિયાભાઈ લાભ ખાટી જાય. પાર્વતિબા બોલ્યા "આમ પણ એતો સુવર્ણાને મેળવીને ફાવેલાજ છે ને! સુવર્ણા, આજે સાચું કહેજે. તેં કોના પર ચિટ્ઠીનો ડૂચો ફેંક્યો હતો?" સુવર્ણાબેન શરમાઈ ગયા.

સુંદરલાલ અને શિવાનંદ કૉલેજના મિત્રો. એ બન્ને કોમર્સ કૉલેજના ત્રીજા વર્ષમાં ભણે. પાસેની આર્ટ્સ કૉલેજમાં સાથે રખડવા જાય. સુવર્ણાબેન કૉલેજના પહેલા વર્ષમાં. એની નજર શિવાનંદ પર. એણે પ્રેમ પત્ર લખ્યો. નામ જાણતા ન હતા એટલે માત્ર 'હેન્ડસમ'નું સંબોધન કર્યું હતું. ડૂચો કરીને શિવાનંદ પર નાંખ્યો; પણ નિશાન ચૂક્યા અને વાગ્યો સુંદરલાલને. શિવાનંદે કહ્યું સારું થયું કે આ લવલેટર સુંદર પર લખ્યો. નાનપણમાંજ મારી સગાઈ તો પાર્વતિ સાથે થઈ ચુકી છે. આ મારો ફ્રેન્ડ વાણીયા છે. ખૂબ માલદાર છે. તું ફાવશે. સુવર્ણા પણ બ્યુટિફુલ હતી. વૈષ્ણવ હતી. સુંદર સાથે, સુંદર મેળ જામી ગયો. રંગેચંગે લગ્ન થઈ ગયા હતાં.

આજે પાર્વતિબા પૂછતા હતાં 'પ્રેમ પત્રનો ડૂચો કોના પર ફેંક્યો હતો?' સુવર્ણાબેન શરમાયા. યોગેશભાઈ, હેમાલી, શ્વેતા અને નિકુળ પાસેજ બેઠા હતા. શ્વેતા વડિલોની આમન્યા સાચવવા ઉભી થઈ "હું બધાને માટે કૉફી બનાવી લાઉં." છેવટે સુવર્ણાબેને નરો વા કુંજરો વા જેવો ઉત્તર વાળ્યો. "જેને ઘાયલ કરવા હતા તેને જ માર્યો હતો." સુંદરલાલે બધાના દેખતાંજ સુવર્ણાબેનને પાસે ખેંચીને ગાલ પર બકી કરી. "આઈ લવ યુ ડાર્લિંગ." કૉફી લઈને આવતી શ્વેતાએ સાસુ સસરાનું પ્રેમાળ દાંપ્ત્ય નિહાળ્યું.

સુવર્ણાબેન વિચારતા હતા જે થયું તે સારુંજ થયું. બન્ને એકજ જ્ઞાતિના હતા. સુંદરલાલ ધનિક વેપારીના પુત્ર હતા. નામ પ્રમાણે 'સુંદર' હતા. શોખિન હતા. 'શેઠ' અટક પણ સુયોગ્ય હતી. શિવાનંદ વ્યાપારમા સુંદરલાલને કારણેજ હતા. શિવાનંદ તદ્દન સાદા હતા. ખાસ શોખીન પણ ન હતા. સુંદરલાલની સાથે થોડી મજાક મશ્કરી કરતા પણ સામાન્ય રીતે ગંભીર રહેતા. કોઈ કોઈ વાર દુર્વાસા સ્વરૂપ પણ ધારણ કરી લેતા. પાર્વતિ માત્ર આઠ ધોરણ સુધીજ ભણ્યા હતા. તદ્દન સાદા અને ગ્રામ્ય પ્રકૃતિના હતા. મલબાર હિલના સાદા બંગલામાં માત્ર ત્રણજ નોકરો હતા. બંગલાની પછવાડે એક ગાય અને એક ભેંસનો તબેલો હતો. મોટાભાગનું ઘરકામ તેઓ જાતેજ કરતા. બે કુટુંબની રહેણી કરણી વચ્ચે આસમાન જમીનનું અંતર હોવા છતાં હાર્દિક આત્મીયતા હતી. ચિટ્ઠી દ્વારા સુંદરલાલ મળ્યા તે માટે હંમેશા ભગવાનનો પાડ માનતા હતા.

બધાએ અર્લી મૉર્નિંગ બ્રેકફાસ્ટ કર્યો. લગભગ છ વાગવા આવ્યા હતા. શ્વેતાએ કહ્યું અક્ષયને જગાડીને દવા આપવાનો ટાઈમ થયો છે. હું જઈને દવા આપી આવું. શ્વેતા ઉપર ગઈ. અક્ષયે બારણું લોક કર્યું હતું. શ્વેતાએ બારણે ટકોરા માર્યા. જવાબ ન મળ્યો. કદાચ સ્લિપીંગ પિલ્સ લઈને સુતા હશે. તેણે વધારે જોરથી બારણું ઠોક્યું. બારણૂં ન ખુલ્યું. એને ખબર હતી કે અક્ષય દવા લેતા કંટાળતો હતો. એટલેજ તો ભાઈ સાહેબ બારણા ન ખોલવાની આડાઈ કરતા હશે. હું પણ કાચી માટીની નથી. નીચેથી સુવર્ણાબેને બુમ પાડી. "શ્વેતા, એને સુવા દે. થોડી મોડી દવા લેશે."

ના બા સવારે છ વાગ્યે, બપોરે બે વાગ્યે અને રાત્રે દસ વાગ્યે દવા આપવાની છે. ખોટી દયા રાખવાનો અર્થ નથી. શ્વેતાએ ફરી બારણું ધમધમાવ્યું. એણે રીતસરનો બરાડો પાડ્યો. ખોટા ઢોંગ કરશો તો બારણું તોડીને પણ દવા તો આપીશ જ. મને ખબર છે કે તમે સ્ટ્બર્ન છો. પ્લિઝ બારણું ખોલો. છેલ્લા શબ્દોએ તો એ રડવા જેવી થઈ ગઈ. નીચે બધા સાંભળતા હતા. શિવાનંદે હહ્યું. "તારો છોકરો ઢોંગી જ છે. લૅટ મી ગો."

શિવાનંદે ઉપર જઈને બારણાને જોરથી લાત મારી.

"અક્ષયબેટા, શ્વેતા ક્યારની દવા લઈને ઉભી છે. દવા લઈને પાછો સૂઈ જજે."

અક્ષય હંમેશા શિવુકાકાથી ગભરાતો અને માન પણ આપતો. એ જાગ્યો હશે જ એમ માનીને બને તેટલી નરમાશથી તેમણે કહ્યું.

જરા રાહ જોઈ પણ જવાબ ન મળ્યો તે ન જ મળ્યો.

એક બીજી લાત અને બારણા નો નકુચો તૂટ્યો. લાઈટ કરી શ્વેતા રૂમમાં દાખલ થઈ અને મોટેથી ચીસ પાડી. "બા જલદી આવો." શિવાનંદ જોઈને આભા થઈ ગયા.




Rate this content
Log in

Similar gujarati story from Drama