શ્રવણ ભક્તિ
શ્રવણ ભક્તિ
વસંતનો વાયરો હિલોળા લઈ રહયો છે. બાગમાં ફૂલો મહેક ફેલાવી રહ્યા છે. પતંગિયા મધુરસ પીવા દોડાદોડી કરી રહ્યા છે. પક્ષીઓના મીઠા ટહુંકાર સંભળાઈ રહ્યા છે. વૃક્ષો પોતાની છાયા પ્રસરાવી રહ્યા છે. આવા મનમોહક વાતાવરણમાં શહેરના એક જાણીતા બાગમાં અશોકભાઈ આહલાદક વાતાવરણનો લાભ ઉઠાવી રહ્યા છે. અચાનક તેમના કાને એક પરિચિત સંભળાયો.
" કેમ છો, અશોકકાકા ? મજામાં ને ? " અશોકભાઈએ અવાજ તરફ મોં ફેરવીને જોયું, તો તે હતો તેમના પુત્ર જીતેશનો લંગોટીયો યાર ભાવેશ. નાનકડા ગામમાં બંનેની ભાઈબંધી ખૂબ જ જાણીતી હતી. સવારથી સાંજ સુધી બંને સાથે જ હરતા ફરતા હોય. અશોકભાઈએ ભાવેશ ને પૂછ્યું, " અરે બેટા, તું અહીઁ ? ગામડેથી ક્યારે આવ્યો ? " ભાવેશ બોલ્યો, " કાકા, હાલ વેકેશન ચાલે છે. એટલે અહીં એક સંબંધીને ઘેર આવ્યો છું. મન થયું કે બાગમાં લટાર મારી આવું, એટલે અહી બાગમાં આવ્યો."
" ભલે બેટા, સારું થયું. તું આવ્યો, તારા મા- બાપની તબિયત કેવી છે ? ઘરે બધા મજામાં છે ને ?" ભાવેશ ઉદાસ અવાજે બોલ્યો, "હા કાકા, બધા મજામાં છે. અમારા બે દોસ્તોના ભાગ્ય પણ કેવા ! જીતેશ સારું ભણી શહેરમાં નોકરીએ લાગ્યો અને હું ઠેરના ઠેર." ત્યારબાદ બીજી બધી આડીઅવળી વાતો કરીને ભાવેશે કહ્યું , કાકા તમે તો ભૂલી ગયા લાગો છો. તમે તો ગામડામાં ઉછરેલા છો. અહીં જીતેશ પાસે આવીને તમે ગામડું ભૂલી ગયા છો કે શહેરમાં એટલું બધું ફાવી ગયું છે ?"
અશોકભાઈ બોલ્યા, "હા બેટા, જેના ઘેર શ્રવણ જેવો પુત્ર હોય, તે પિતાને પુત્રના ઘેર એટલું બધું ફાવી ગયું છે કે મારુ ગામ પણ યાદ નથી આવતું. મારો પુત્ર જીતેશ આજના યુગનો શ્રવણ છે. બે ટાઈમ સવાર-સાંજ તેની પત્નીના હાથનું સ્વાદિષ્ટ ખાવાનું મળે છે. નવરાશ મળે એટલે બાગમાં આવવું, મંદિરે જવું અને પૌત્રને રમાડવા આ જ મારી દિનચર્યા. જરીક બીમાર પડું એટલે જીતેશ અને તેના પત્ની અડધા અડધા થઈ જાય. તરત જ ડોક્ટર પાસે સારવાર કરાવવા લઈ જાય. પાણી માંગુ તો દૂધ મળે. કોઈ વાતનું દુઃખ નહીં. બંને જણ મને કાળજીથી રાખે છે. મારા પુત્રને જોઈને પ્રભુને પ્રાર્થના કરું છું કે બધા માવતરને આવા પુત્રો મળે. બોલ બેટા, મારે આવો શ્રવણ જેવો પુત્ર હોય તો મને મારું ગામડું કઈ રીતે યાદ આવે ?"
કાકાની વાત સાંભળી જીતેશ ગળગળા સાદે બોલ્યો, "કાકા, ખરેખર તમને જીતેશ જેવો પુત્ર મળ્યો છે. તમે નસીબદાર છો. તમારું જીવન સાર્થક થયું." પછી અચાનક જ કઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યો, "લાવો, જીતેશ સાથે તો વાત કરું."એમ કહી જીતેશને ફોન કર્યો. અને સ્પીકર ઓન કર્યું. સામે છેડે જીતેશે ફોન ઉપાડ્યો. થોડીવાર બંને મિત્રોએ જૂની યાદો તાજી કરી. ગામના ખબર-અંતર જાણ્યા. પછી ભાવેશે પૂછ્યું,"અરે યાર તું તો જબરો શ્રવણ છે. મને સમાચાર મળ્યા કે તું તારા પિતાની દિલથી સેવા કરે છે. ધન્ય છે તારી પિતૃભક્તિને."
ભાવેશની વાત સાંભળીને જીતેશ બોલ્યો," અરે યાર, આજના યુગમાં કોણ શ્રવણ બનીને જીવવા તૈયાર છે. આ તો મજબૂરી છે. અને મારો સ્વાર્થ છે.એટલે બાપુજીની સેવા કરું છું. તું તો મારો લંગોટીયો યાર છે. એટલે તને જ આ વાત જણાવું છું. ગામડામાં મારા બાપુજીના નામે ઘર અને ખેતર છે, જેની કિંમત લાખોમાં આવે એમ છે. મારા બાપુજીની સેવા કરી તેમને વિશ્વાસમાં લઇ ગામડાનું એ ઘર અને ખેતર વેચી મારવું છે. અને તેની જે કિંમત આવે તેમાંથી અહીં શહેરમાં ઘર ખરીદવું છે. તું તો જાણે છે કે શહેરમાં ભાડાનું ઘર હોય અને વળી બીજા ઈતર ખર્ચા પણ હોય ત્યારે એકલી નોકરી ઉપર કઈ રીતે બધું પૂરું કરવું ? એટલે તું પણ બાપુજીને સમજાવજે કે ગામડામાં કોઈ રહેતું નથી તો તે ઘર અને ખેતર વેચી મારે અને તેની જે કિંમત આવે તે મને આપે. જેથી હુંં અહીં ઘર ખરીદી શકું.એક વાર અહીં શહેરમાં મારા નામે ઘર થઈ જાય એટલે પછી મારે ક્યાં આખી જિંદગી બાપુજી નો ભાર વેંઢારવાનો છે ? મુકી આવીશ તેમને વૃદ્ધાશ્રમમાં. ક્યાં સુધી આખી જિંદગી શ્રવણ બનીને જીવવું ?"
સ્પીકર ઓન હોવાથી અશોકભાઈ પણ બધી વાત સાંભળી રહ્યા હતા. જીતેશની વાત સાંભળી ભાવેશ પણ કંઈ બોલી ન શક્યો. સામે છેડેથી ફોન કટ થઈ ગયો. અશોકભાઈ હચમચી ગયા. આજે એક ફોન મારફત પુત્રની શ્રવણ ભક્તિનો પરપોટો ફૂટી ગયો. ભાવેશ અને અશોકભાઈ એકમેકને મૌનભાવે જોઈ રહ્યાં. વાતાવરણમાં સન્નાટો પ્રસરાઈ ગયો. સૂર્ય અસ્તાચળ તરફ ઢળવા માંડ્યો. અને અચાનક પાનખરનો પવન ફૂંકાવા લાગ્યો.
