ઉત્તમ આચરણ
ઉત્તમ આચરણ
નાનકડા ગામની એક શેરીમાં પિન્ટુ રહેતો હતો. પિન્ટુને તેના મા-બાપ દ્વારા વારસામાં ઉત્તમ સંસ્કાર મળેલા હતા. તેથી તે કોઈની સાથે ઝઘડો ન કરતો. જૂઠું ન બોલતો. કોઈની પજવણી ન કરતો. મોટેરાઓને આદર આપતો. જો કોઈ તેને કારણ વગર હેરાન કરે તો પણ તે સામેવાળા સાથે ઝઘડો ન કરે. ઉલટાનું તેની સાથે સન્માનભર્યો વ્યવહાર આદરી દુશ્મનનો પણ પ્રિય બની જાય. કારણ કે તેના મા- બાપે માનવતા અને પ્રેમાળ વ્યવહારથી દુશ્મનને પણ કેવી રીતે પોતાના બનાવી લેવા તેવા ઉમદા સંસ્કારોનું ભાથુ પીરસ્યુ હતું. તે સાતમા ધોરણમાં ભણતો હતો.
એક દિવસ રોજની જેમ પિન્ટુ ભણવાના ટાઈમે દફતર લઈને શેરીમાંથી જતો હતો. ત્યારે નટખટ મહેશે તેના પર કાગળના ડૂચા ફેંક્યા. પિન્ટુએ તેના શરીર પર પડેલા કાગળિયા ખંખેરી નાખ્યા. અને મહેશ સામે હસીને જોયું. તથા કઈ પણ બોલ્યા વગર શાળાએ જતો રહ્યો. પિન્ટુ કંઈ પણ ન બોલ્યો અને મહેશને લડ્યો પણ નહિ. એટલે મહેશને મજા આવી ગઈ. અને તેણે આ રીતે દરરોજ પિન્ટુને પજવવાનું મન બનાવી લીધું.
હવે તો આ રોજનો ક્રમ થઈ ગયો હતો. જ્યારે પિન્ટુ દફતર લઈને શાળાએ જતો હોય ત્યારે તેની રાહ જોઈને મહેશ તેના ઘર પાસે ઊભો જ હોય.અને કાગળના ડૂચા કે કાગળની ચબરખીઓ કે બીજો કોઈ કચરો પિન્ટુ ઉપર ફેંકતો. રોજની જેમ પિન્ટુ કચરાને ખંખેરી નાખતો. તે ક્યારેય આ બાબતે મહેશ સાથે ઝઘડો ન કરતો. કચરો ખંખેરી શાળાએ જતો રહેતો.
એક દિવસની વાત છે. રોજની જેમ પિન્ટુ શાળાએ જઇ રહ્યો હતો. અને તે મહેશના ઘર પાસેથી પસાર થયો તો આજે તેને બહાર મહેશ ન દેખાયો. તથા રોજની જેમ તેના ઉપર કચરો કે કાગળના ડૂચા ન ફેંકાયા. તેથી પિન્ટુને નવાઈ લાગી. પિન્ટુએ મહેશના ઘરનો દરવાજો ખખડાવ્યો. તો તેનો ભાઈ બહાર આવ્યો. પિન્ટુએ પૂછ્યું, "મહેશ ક્યાં છે ?" તો તેના ભાઈએ કહ્યું કે, "મહેશ અંદર સૂતેલો છે. તે બીમાર છે."
પિન્ટુ મહેશના ઘરમાં ગયો. અને જોયું તો મહેશ તાવમાં તરફડિયા મારતો હતો. અને ખાટલા પર સુઈ રહ્યો હતો. તેણે પિન્ટુને જોયો તો તે ડરી ગયો અને વિચારવા લાગ્યો કે હું રોજ પિન્ટુ પર કચરો નાખું છું. એટલે આજે પિન્ટુ મને મારવા આવ્યો હશે.
મહેશ કંઈ બોલે તે પહેલાં પિન્ટુ બોલી ઉઠ્યો, "ભાઈ, તું રોજ મારા ઉપર કચરો ફેંકતો. પણ આજે અહીંથી નીકળ્યો તો કચરો ન આવ્યો. એટલે મને નવાઈ લાગી કે મારો ભાઈ મહેશ કેમ દેખાતો નથી ? એટલે મેં તારા ઘરનો દરવાજો ખખડાવ્યો. બહાર આવી તારા ભાઈએ મને તારી બીમારીના સમાચાર આપ્યા. એટલે હું તારા ખબર અંતર પૂછવા આવ્યો છું. અને હા ભાઈ, તું જરાય ચિંતા ના કરતો. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તું જલદી સાજો થઈ જાય.અને હું મારા ઘેર જઈ તારા માટે ફળફળાદી લઈને આવું." એમ કહી પિન્ટુ તેના ઘેર જતો હતો તો મહેશે તેનો હાથ પકડી લીધો.
મહેશ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. અને પિન્ટુને કહેવા લાગ્યો, "દોસ્ત હું કચરો નાખી તને રોજ હેરાન કરતો હતો. છતાં પણ તું ક્યારેય મારી સાથે લડ્યો નહિ. અને આજે મારી બીમારીના સમાચાર સાંભળી મારા ખબર-અંતર લેવા આવ્યો. વળી મારા માટે ફળફળાદી લેવા જાય છે. મેં તારી સાથે રોજ દુર્વ્યવહાર કર્યો તોય તું મારી સાથે સદ્વ્યવહર જ કરતો રહ્યો.આજે મારા વર્તનના લીધે મને ખૂબ જ શરમ આવે છે. મને માફ કરી દે. આજ પછી હું ક્યારેય કોઈની સાથે ખરાબ વ્યવહાર કરીશ નહિ. મને તારો દોસ્ત બનાવી લે."
મહેશની વાત સાંભળી પિન્ટુની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયા. તે કઈ પણ બોલી ન શક્યો. અને તેણે મહેશને ઘરે વળગાડી લીધો. એટલે જ કહેવત છે કે 'કહેવા કરતા કરવું ભલું'
