HANIF MEMAN

Drama Romance

2.0  

HANIF MEMAN

Drama Romance

સોહામણી સોના

સોહામણી સોના

3 mins
1.0K


એક નાનકડા શહેરમાં આલીશાન મહેલ જેવું કુંદનનું ઘર. કુંદન તેના માતા-પિતા સાથે રહે. કુંદન બાવીસ વર્ષનો સુંદર અને સોહામણો યુવાન. કુંદન ઈજનેરી લાઈનમાં ઉચ્ચ અભ્યાસ કરતો હતો. તે અભ્યાસને લગતાં પુસ્તકો વાંચતો. ખૂબ મહેનત કરતો. જ્યારે તે કંટાળો અનુભવતો ત્યારે તેના ઘરના ઝરૂખે આવીને ઊભો રહી જતો.અને ખુરશીમાં બેઠક લઈ ઝરૂખેથી ભવિષ્યના પ્રેમની શોધ કરતો. કારણ કે તે અપરિણીત હતો.

કુંદનના ઘરની સામે જ એક મોટો ચોક હતો. અને ત્યાં બજાર ભરાતું હતું. જેથી સતત લોકોની અવર-જવર રહેતી હતી. એટલે આનંદ મેળવવા અને જીવનસાથીની તલાશમાં કુંદન ઝરૂખે બેસતો. અને બજારમાં આવતા જતા લોકોને નિહાળતો. ખરીદી કરતી મહિલાઓ તરફ વિશેષ નજર દોડાવતો. આમ થોડીવાર ચોકમાં માનવ મહેરામણના મેળાને નીરખી રહેતો. અને મનોરંજન મેળવી પાછો અભ્યાસ કરવા પોતાના રૂમમાં ચાલ્યો જતો.

એક વખતની વાત છે. કુંદન ઝરૂખે બેસી ચોકમાં માનવ મહેરામણ જોઈ રહ્યો હતો. ત્યાં કુંદનની નજર એક સ્ત્રી પર પડી. તે ખૂબ જ રૂપાળી લાગતી હતી. આ સોહામણી સ્ત્રી પર કુંદનની નજર પડતાં જ તેનું હૈયું તેને આવકારવા થનગની રહ્યું. કુંદનના હૈયામાં થનગનાટ થવા લાગ્યો. આમ તો કુંદન રોજ ઝરૂખામાં બેસી સ્ત્રીઓ જોતો હતો. પણ આજે આ સ્ત્રીને જોઈને કુંદનને લાગ્યું કે આજે પહેલી જ વાર તે ઝરૂખામાં બેસી કંઈક નીરખી રહ્યો છે. તે સ્ત્રીના હાસ્યમાં સફેદ મોતી જેવા ચમકતા દાંત અને તેની સ્નેહ નીતરતી આંખો તથા સુંદર અને સુડોળ કાયાનું કુંદન રસપાન કરવા માંડ્યો.

 પળભરમાં એ રૂપાળી સ્ત્રીને આવકારવા કુંદનની આંગળીઓ હલવા માંડી. અને જમણા હાથની હથેળી ઊંચી કરી કુંદને એ સ્ત્રીને વેલકમ કર્યું. થોડીવારમાં એ સ્ત્રીનો હાથ ઊંચો થયો. અને જાણે કે તે સ્રી પણ કુંદનને મળવા બોલાવતી હોય તેમ બે ત્રણ વાર તેણે હાથનો ઈશારો કર્યો. 

એક સોહામણી સ્ત્રી સામેથી આજે મને મળવા બોલાવે છે. એ તેના હાથના ઈશારા પરથી જાણીને કુંદન તો રાજી રાજી થઈ ગયો. તેના દિલના ધબકારા વધવા માંડ્યા. અને ઝરૂખામાં રહેલી ખુરશી પરથી ઊભા થઈ હરખ પદુડા કુંદને તે અજાણી સ્ત્રીને મળવા ચોકમાં દોટ મૂકી.

કુંદન દોડતો દોડતો એ સ્ત્રી પાસે જઈને ઊભો રહ્યો. અને તેની સાથે વાત કરવા પોતાના હોઠ ખોલે એ જ પળે તેની પાસે આવી તેનો હાથ પકડી એ પુરૂષે જે વાક્ય ઉચ્ચાર્યું એ સાંભળી રીતસર કુંદનના હોઠ સિવાઈ ગયા.

પેલા પુરૂષે આવીને એ સ્ત્રીને કહ્યું, " અરે ! સોના ડાર્લિંગ, તું પણ જબરી છે હોં. એક પળ પણ મારા વિના રહી શકતી નથી. આજે ઘણા સમય પછી મારો બાળપણનો ભેરુ મને મળ્યો હતો. તેની સાથે બાળપણની યાદો તાજી કરતો હતો. અને અચાનક બે - ત્રણ વખત હાથ ઊંચો કરીને તેં ઈશારાથી મને બોલાવી લીધો. મારા મિત્રની માફી માગીને મારે તારી પાસે દોડી આવવું પડ્યું. ચાલ, હવે બજારમાંથી ઘરના સામાનની ખરીદી કરી લઈએ. અને જલ્દી ઘરે ચાલ્યા જઈએ." આટલું કહી એ પુરુષ અને સ્ત્રી કુંદનની નજર સામેથી ચાલી નીકળ્યા.

હાથના ઇશારાથી એક અજાણી સ્ત્રી મને મળવા બોલાવે છે એમ સમજી તેને મળવા કુંદન દોડ લગાવીને ચોકમાં પહોંચી તો ગયો. પરંતુ તે સ્ત્રી પાસે પહોંચ્યા પછી ખબર પડી કે એ સ્ત્રી અજાણ્યા કુંદનને નહીં પરંતુ તેના જીવનસાથીને હાથના ઈશારાથી બોલાવી રહી હતી. આ હકીકત સામે આવતા જ કુંદનનું હૃદય જાણે કે ધબકારો ચૂકી ગયું. અને તે પાછો પોતાના ઘેર ફરી ગયો. પણ તે દિવસથી કુંદને ઝરૂખામાં બેસવાનું છોડી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Drama