HANIF MEMAN

Inspirational Others

3.8  

HANIF MEMAN

Inspirational Others

માતૃભાષા

માતૃભાષા

3 mins
332


દર વર્ષે 21 ફેબ્રુઆરીના દિનને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી 1952માં ઢાકા યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ અને સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો વિરોધ કરવા આંદોલન કરેલું. અને આ આંદોલન સામે ઝૂકીને સરકારે બંગાળી ભાષાને ભાષાનો સત્તાવાર દરજ્જો આપવો પડ્યો. ભાષા પ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર 1999માં જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે.

માતૃભાષા એટલે વિરાસતની ભાષા. જે આપણને ગળથૂથીમાંથી મળે છે. મા-બાપ ના મુખેથી બોલાતી ભાષાનું શ્રવણ કરી બાળકના મુખેથી પણ તે જ ભાષાનું કથન થતું હોય છે. તે માતૃભાષા છે. માતૃભાષા બોલવાનું શીખવવું પડતું નથી. કારણ કે આ ભાષા પોતાના ઘર, કુટુંબમાંથી બાળક શીખે છે. માતૃભાષા જન્મથી જ વણાયેલી હોય છે.

આપણી માતૃભાષા ગુજરાતી છે. જે આપણા સાથે બાળપણથી જોડાયેલી છે. આપણે બધાને માતૃભાષાનું એટલે કે ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. માતૃભાષા બધી જ ભાષાઓની જનની છે. માતૃભાષા દ્વારા જ બીજી ભાષાઓ સારી રીતે શીખી શકીએ છીએ. એટલે માતૃભાષા શીખવામાં અને શીખવવામાં કોઈ શરમ કે સંકોચ ન હોવો જોઈએ. આજકાલ લોકો દેખાદેખીમાં અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરે છે. વૈશ્વિક લેવલે સંપર્ક સ્થાપવા અંગ્રેજી ભાષા જરૂરી છે. પરંતુ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવું હોય તો પણ માતૃભાષાનું જ્ઞાન જરૂરી છે. માતૃભાષા થકી જ બીજી ભાષા ઉપર આપણે સારું પ્રભુત્વ મેળવી શકીએ છીએ.

બાળકોને પાયાની કેળવણી માતૃભાષામાં અપાય તો બીજી ભાષાઓ પર તે સારી પકડ ધરાવશે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન ડો.એ.પી.જે. અબ્દુલ કલામે પણ બાળકો સાથેના સવાલ - જવાબના એક કાર્યક્રમમાં એક સવાલનો જવાબ આપતાં કહેલું કે બાળકને પાયાનું શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ. ત્યાર પછી બીજી ભાષાઓ તરફ વાળવો જોઈએ. આ વાક્ય માતૃભાષાની મહત્તા પુરવાર કરે છે. એટલે શરૂઆતથી બાળકોને અંગ્રેજી મીડીયમ કરતા શરૂઆતનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં આપવું વધું યોગ્ય રહેશે. કારણ કે માતૃભાષા થકી મેળવેલ શિક્ષણ દીર્ઘકાલીન અને ચિરસ્થાયી હોય છે.

એક દ્રષ્ટાંત જોઈએ.

એક ભાઈ પરદેશ ગયેલા. ત્યાં થોડા સમય રહ્યા એટલે કેટલાક અંગ્રેજી ભાષાના શબ્દો જાણવા માંડ્યા. એટલે એ પણ વાતવાતમાં અંગેજી ભાષાના શબ્દો બોલે. ત્યાંથી પોતાના ઘેર પરત આવ્યા.તો ઘરમાં પણ બધાની સામે વટ પાડવા અંગ્રેજી શબ્દો બોલે. ઘરમાં કોઈને અંગ્રેજી ખબર ન પડે. છતાં આ ભાઈ અંગ્રેજી બોલે રાખે.

એક દિવસની વાત છે.આ ભાઈ બીમાર પડ્યા. એટલે ખાટલામાં સુતા હતા.તેમને તરસ લાગી. એટલે તેમણે બૂમ પાડી. 'વૉટર,વૉટર.' પણ વૉટર એટલે શું તે ઘરમાં કોઈને ખબર નહિ. આ ભાઈના ખાટલા નીચે જ પાણીનો લોટો હતો. પણ તે પાણીને બદલે વૉટર જ બોલે જાય.આમ એક કલાક સુધી વૉટર વૉટરનું રટણ કર્યું.પણ ઘરમાં કોઇને ખબર ન પડતાં કોઈએ પાણી ન આપ્યું. અને છેવટે તે ભાઇ મૃત્યું પામ્યા.

આ ભાઈના મોતના સમાચાર મળતાં સગા સંબંધી આવ્યા. ત્યાં કોઈકે મોતનું કારણ પૂછ્યું તો ઘરના એક સભ્યએ જણાવ્યું કે તે ભાઈ વૉટર વૉટર બોલતા હતા. પેલા ભાઈ સમજી ગયા કે પાણી વિના મોત થયું છે. અને તેમની નજર ખાટલા નીચે પડેલા પાણીના બાટલા પર પડી તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. પણ હવે શું ?

એટલે જ કહેવાય છે કે

દેશ ગયો, પરદેશ ગયો, ત્યાંથી શીખી લાવ્યો વાણી.

વોટર વૉટર કરતા મરી ગયો ને ખાટલા નીચે પાણી.

આ ઉદાહરણ આપણને સમજાવે છે કે આપણે ભલે ગમે ત્યાં જઈએ. ગમે તે ભાષા શીખીએ. પરંતુ આપણી માતૃભાષાને ભૂલવી ન જોઈએ. અને તે બોલવામાં શરમ અનુભવી ન જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational