STORYMIRROR

HANIF MEMAN

Horror Action Inspirational

4  

HANIF MEMAN

Horror Action Inspirational

દોસ્તી

દોસ્તી

8 mins
909

ચાંદ વિનાની અમાસની ઘોર અંધારી રાત હતી. ટમટમતા તારલાઓ અવની પર ઝાંખી ઝાંખી રોશની પાથરી રહ્યા હતા. વાતાવરણમાં ઠંડો બરફ જેવો પવન હિલોળા લઈ રહ્યો હતો.કડકડતી ઠંડી પડી રહી હતી. રસ્તો સૂમસામ અને વેરાન લાગતો હતો. સડકનો વાહન વ્યવહાર અટકી ગયો હતો. પક્ષીઓ પોતાના માળામાં પોઢી ગયા હતા. તમરાં અને કૂતરાંના અવાજથી કાળી રાત વધુ બિહામણી ભાસી રહી હતી. ઠંડીમાં હૂંફ મેળવવા સૌ પોતપોતાના ઘરમાં કેદ થઇ ગયા હતા.

પરોઢના સૂરજના તડકાની આશામાં પૃથ્વી ઘોર નીંદર માણી રહી હતી. નિર્જન અને ભેંકાર સડક પર ગાડી હાંકીને મંદ મંદ અવાજે રેલાતા સંગીતના તાલે પોતાનો સૂર ભેળવી કરણ લગ્ન પ્રસંગમાંથી મોડી રાત્રે ઘર તરફ જઈ રહ્યો હતો. આછો આછો પ્રકાશ રેલાવતી હેડલાઇટો ગાડીને દોરી રહી હતી. રસ્તો કપાતો જ ન હતો. દોસ્તોએ ના પાડેલી છતાં પણ જીદ કરી અડધી રાતે એકલા મુસાફરીએ નીકળેલા કરણની આંખોમાં હવે કાળી રાતનો ભય ડોકાઈ રહ્યો હતો. છતાં પણ ખુદને હિંમત આપતો ગાડી હાંકે જતો હતો.

કરણે હજુ માંડ પાંચેક કિલોમીટરનું અંતર કાપ્યું હશે ત્યાં જ ગાડીના આગળના ટાયરે જાણે કે દગો દીધો હોય તેમ ટાયરમાંથી ફુસસસ.. કરતી હવા નીકળી ગઇ. ગાડીનું સંતુલન ખોરવાવા લાગ્યું. કંઇક અમંગળ થઈ રહ્યું છે તેની આશંકાએ કરણ એકાએક સક્રિય બન્યો. અને તેનો પગ આપમેળે બ્રેક પર પહોંચ્યો. સૂની સડક પર ટાયરના ઘસરકાના મોટા અવાજ સાથે ગાડી અટકી ગઇ. અને ગાડીની સાથે સાથે કરણે પોતાની જાતને પણ બચાવી લીધી. અને પોતે હેમખેમ છે તેનો મનોમન આનંદ વ્યક્ત કરવા લાગ્યો.

પરંતુ આંખના પલકારામાં જ કરણને મહેસૂસ થઇ ગયું કે પોતે સકુશળ છે એ તો માત્ર વહેમ છે. વાસ્તવમાં તેનો જીવ એક મોટા જોખમમાં ઘેરાઈ ગયો હતો. ગાડીની આજુબાજુ અટ્ટહાસ્ય કરતી આઠ - દસ આકૃતિઓ ગોઠવાઈ ગઈ. અને ચારેબાજુથી ગાડી જોરજોરથી હલવા માંડી. બહારની પરિસ્થિતિથી ગભરાઈને થર થર કાંપતા કરણે ગાડીના દરવાજા બરાબર ફિટ કરી દીધા. પરંતું ડ્રાઈવિંગ સીટ પર બેઠેલ કરણની સામેના દરવાજાનો કાચ ખનનનન.. કરતો પળભરમાં તૂટી ગયો. અને એ દરવાજામાં ઝગમગતી મોટી મોટી આંખો નિહાળી કરણના તો મોતિયા મરી ગયા.

કાપો તો પણ લોહી ન નીકળે એવી કરણની સ્થિતિ થઈ ગઈ. શિયાળાની ઋતુ હતી. અને વાતાવરણમાં ઠંડક હતી. છતાં પણ ભયના માર્યો કરણ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. ગાડીની અંદર રહે તો પણ મોત નિશ્ચિત છે અને ગાડીની બહાર નીકળે તો પણ મોત નિશ્ચિત છે તેમ કરણે સ્વીકારી લીધું. એટલે જીવ બચાવવા એણે ગાડીની બહાર નીકળી ભાગી જવાનો નિર્ણય લીધો. અને હિંમત એકઠી કરી પોતાનો દરવાજો ધડામ કરતો ખોલી બહાર નીકળ્યો. અને રોડ ઉપર રીતસરની દોટ લગાવી. પરંતુ તે દૂર સુધી ભાગી શક્યો જ નહીં. બે ખડતલ વ્યક્તિઓએ તેને જકડી લીધો. મજબૂત હાથમાંથી છુટવા માટે કરણ રીતસરના હવાતિયાં મારવા લાગ્યો. જેમ જેમ તે છૂટવા માગતો હતો. તેમ તેમ તેના શરીર પરનો ગાળિયો વધારે કસાતો જતો હતો. ચોરોની આખી ટોળકીએ તેને ઘેરી લીધો. પછી તો કરણના ગાલ, પીઠ અને પેટ ઉપર મુક્કાનો વરસાદ શરૂ થઈ ગયો. મૂઢમારની વેદનાથી કરણ કણસી રહ્યો હતો. જંગલના રાજાના પંજામાંથી છૂટવા માટે જેમ હરણી તરફડે તેમ તે તરફડી રહ્યો હતો. પોતાને છોડી દેવા માટે તે ચોરોને વિનવી રહ્યો હતો. કરગરી રહ્યો હતો. પગે પડતો હતો. હાથ જોડતો હતો. પણ તેનું કંઈ ચાલે તેમ ન હતું. છેવટે તેના કાલાવાલા સાંભળી એક ચોરને દયા આવી હોય તેમ તેની સામે આવ્યો અને કરણને ધમકી ભર્યા સ્વરે આદેશ કર્યો, " તારી પાસે જે પણ ચીજ વસ્તુઓ છે તે બધી ફટાફટ અમને આપી દે. અમે તને તરત જ છોડી દઈએ."

'જાન બચી સો લાખો પાયા ' ઉક્તિ અનુસાર કરણે પોતાનો જીવ બચાવવા પોતાની પાસે જે કંઈ પણ હતું એ બધું જ ચોરોની સામે ધરી દીધું. હાથમાં પહેરેલી સોનાની ઘડિયાળ, વીંટી, ઘરેણાં, મોબાઈલ, રોકડ રૂપિયા તમામ વસ્તુઓ ચોરોની ટોળકી સામે મૂકી દીધી. અને પોતાને છોડી મુકવા વિનંતી કરવા માંડ્યો. કરણ પાસેથી તમામ ચીજ-વસ્તુઓ મળ્યા પછી ચોર ટોળકી જોરજોરથી હસવા લાગી. થોડી વાર પછી ચોરોના સરદારે આદેશ કર્યો, "બધી જ વસ્તુઓ આપી દીધી હોય તો હવે એ ભાઈને તેની ગાડી સાથે સળગાવી દો. આપણે તેનું કોઈ કામ નથી." પોતાની તમામ વસ્તુઓ સોંપ્યા પછી પણ જીવ તો જવાનો જ છે એ વાતની જાણ થતાં કરણ હૈયાફાટ રુદન કરવા લાગ્યો.

કરણ ચોરોના પગ પકડવા માંડ્યો. પોતાને છોડી દેવા માટે આજીજી કરવા માંડ્યો. પણ ચોરોની ટોળકી પર તેની કોઈ અસર દેખાતી ન હતી. કારણ કે તેમનો તો આ રોજનો વ્યવસાય હતો કે આવા સૂમસામ રસ્તા પર લૂંટફાટ કરવી અને મર્ડર કરવા. ચોરોની ટોળકી કરણને ઘસડીને તેની ગાડી પાસે લઈ જતી હતી. એક તો પહેલેથી જ મૂઢમાર ખાધો હતો. અને હાલ ઘસડાવું પડતું હતું.તેથી કરણના હાથ - પગમાંથી લોહી વહેવા માંડયું. થોડી ક્ષણોમાં મોંઢામાંથી પણ લોહી વહેવા માંડયું. મોત નજીક હતું. કરણ લાચાર હતો. ટોળકી એને ઘસડીને ગાડી પાસે લઈ આવી. પછી એક દોરડાથી તેના હાથ - પગ બાંધી દીધા. અને જોરથી ધક્કો મારીને કરણને ગાડીની અંદર નાખી દીધો.

ત્યાર પછી ગાડીમાંથી પેટ્રોલ કાઢી ગાડી પર પેટ્રોલ છાંટયું. માચીસની સળી પેટાવી ચોરોનો સરદાર ગાડી પર સળગતી દિવાસળી ફેંકવાની તૈયારીમાં હતો ત્યાં જ અચાનક જોરદાર પવનની લહેર આવી. આજુબાજુનાં વૃક્ષો હલવા માંડ્યા. આંખોને આંજી નાખતો એક મોટો પ્રકાશનો લિસોટો દેખાયો. સરદારના હાથમાં રહેલી માચીસની સળી એકાએક બુઝાઈ ગઈ. સરદારનું ગળું ભીંસાવા માંડયું. કોઈ અદ્રશ્ય શક્તિ સરદારને મારી રહી હતી. સરદાર જોરજોરથી બચાવો-બચાવોની બૂમો પાડવા માંડ્યો. ટોળકીના બધા ચોર સરદારને બચાવવા આજુબાજુ ગોઠવાઈ ગયા.પણ તેમને તો કોઈ દેખાતું જ ન હતું. એટલે સરદારને બચાવે પણ કેવી રીતે?સરદાર બૂમો પાડતો રહ્યો કે કોઈ મારું ગળું દબાવી રહ્યું છે. કોઈ મને મારી રહ્યું છે. પણ તેની ટોળકીને આ અદ્રશ્ય શક્તિ દેખાતી જ ન હતી. એટલે કોઈ તેને બચાવી ન શક્યા. અદ્રશ્ય શક્તિની પકડથી સરદારના મોંઢામાંથી ફીણ નીકળવા માંડયું. આજુબાજુની ધરતી ફરતી હોય તેવું તેને લાગવા માંડ્યું. અદ્રશ્ય શક્તિના હાથે સરદારનું મૃત્યુ થયું. તેના મોંઢામાંથી જીભ બહાર નીકળી ગઈ. સરદારની હાલત જોઈ બીજા બધા ચોરો ત્યાંથી ભાગવા માંડ્યા. પરંતુ કોઈ જ બચી શક્યું નહીં. અને બધા જ ચોરો અદ્રશ્ય શક્તિના હાથે ત્યાં જ મરાયા. પોતાનું મોત નિશ્ચિત હતું. એને બદલે એક અદ્રશ્ય શક્તિના હાથે બધા ચોરોના મોત થયા. અને તેનું મોત હાથતાળી દઈ પાછું ફરી ગયું એ બદલ કરણ પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યો. અને પોતાને બચાવનાર અદ્રશ્ય શક્તિને જોવાની તેને ઈચ્છા થઈ. અને તેની ઈચ્છા પૂરી પણ થઇ. એ અદ્રશ્ય શક્તિ કરણ પાસે ગઈ.અને તેની સામે દ્રશ્યમાન થઈ. કરણ આ અદ્રશ્ય શક્તિનો ચહેરો નિહાળતાં જ અચંભિત થઈ ગયો. અને ભૂતકાળમાં સરી પડ્યો.

કરણ અને અનિલ બાળપણના ગાઢ મિત્રો હતા. બંને જણા હંમેશા સાથે ને સાથે જ હોય. બંનેના ઘર પણ પાસે જ હતા. પણ તેમના પરિવારોમાં મોટી વિષમતા હતી. કરણનો પરિવાર સુખી હતો. કરણનું જીવન વૈભવી હતું. જ્યારે અનિલનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. અનિલના પરિવારમાં એક માત્ર તેની માતા હતી. પણ તેમની સ્થિતિ કંગાળ હતી. મજૂરી કરીને અનિલને ભણાવતી હતી. આટલી બધી આર્થિક અસમાનતા હોવા છતાં પણ બન્ને મિત્રોની મિત્રતા અતૂટ હતી.

યુવાનીમાં પ્રવેશતાં કરણે પિતાના કારોબારને આગળ વધારવાનું બીડું ઝડપ્યું. પણ અનિલના નસીબમાં મજૂરી જ હતી. માંડ પેટનું પૂરું થતું હતું. પણ હા, જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થાય તો તે વિના સંકોચે તે કરણ પાસે પહોંચી જતો. અને કરણ પણ મિત્રની મદદ કરવામાં પાછી પાની ન કરતો. અનિલની માતા બીમાર રહેતા હતા. તેથી તેમની દવા પાછળ ઘણો એવો ખર્ચ થતો હતો. એટલે અનિલને વારંવાર કરણ પાસે મદદ માટે જવું પડતું હતું. કોઈ વખત લગ્ન પ્રસંગ માટે પૈસાની જરૂરિયાત ઊભી થાય તો કરણ પાસેથી પૈસા મળતા. માતાની બીમારીના ખર્ચ માટે પણ કરણ મદદ કરતો. તો કોઈ અન્ય નાના-મોટા પ્રસંગોમાં અનિલને કરણ પાસેથી હંમેશા મદદ મળી રહેતી હતી.આમ, કરણના અનિલ પર ઘણા બધા ઉપકાર હતા. ઘણા બધા અહેસાન હતા. કોઈ કોઈ વખતે કરણ મનમાં બબડતો કે અનિલની મદદમાં હું કેટલાય રૂપિયા ખર્ચ કરું છું. પણ મને કોઈ ફાયદો નથી. અનિલ પણ મારા કોઈ કામમાં આવવાનો નથી. તો હું શા માટે મદદ કરું? આવા કુવિચાર પણ આવતા. પણ બાળપણના ભેરુને દુઃખ ના લાગે એટલે તે આવા વિચારો મનમાંથી કાઢી નાખી હમેશાં અનિલના પડખે રહેતો. 

જો કે કરણ જ્યારે મદદ કરતો ત્યારે અનિલ કરણને કહેતો, "જો મિત્ર, હું પણ એક દિવસ ચોક્કસ તારી મદદ કરીશ. તારે કોઈ પણ કામ આવી પડે તો મને કહેજે. હું મારો જીવ આપતાં પણ ખચકાઈશ નહિ." પણ એકલો મનોમન વિચારતો રહેતો કે કરણના ઉપકારનો બદલો હું ક્યારેય વાળી શકું એમ નથી. એટલે પ્રભુને પ્રાર્થના કરું છું કે કરણનો કારોબાર હંમેશા વધતો રહે. અને તે હંમેશા સુખી બને.

એક દિવસની વાત છે. એક વેપારીને રોકડા પૈસા આપવા જવાનું હતું. એટલે ગાડીમાં મોટી રોકડ લઈને કરણ અને અનિલ. જઈ રહ્યા હતા. રસ્તો ગાઢ જંગલમાંથી પસાર થતો હતો. અને ખાડા-ટેકરાવાળો હતો. ઉનાળાનો વખત હતો. અને ખરો બપોર હતો. એટલે રસ્તા પર વાહનોની ખાસ અવરજવર ન હતી. કરણની ગાડી પસાર થઇ રહી હતી. અને ઝાડીમાંથી અચાનક એક ટોળકી રસ્તા વચ્ચે આવી ગઈ. અને કરણની ગાડીને થોભાવી. તથા જે કઈ સામાન હોય તે આપી દેવાનો આદેશ કર્યો. નહીં તો મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી. 

મોતના મુખમાંથી બચવા કરણે ગાડીમાં રહેલી તમામ રોકડ, પોતાના દાગીના વગેરે ચોરોની ટોળકીને સોંપી દીધું. બધુ લૂંટી લીધા પછી પણ ચોર ટોળકી બંનેને મારી નાખવા માગતી હતી એ બાબતની અનિલને ગંધ આવી જતાં તેણે સમજાવી પટાવીને કરણને ઝાડીમાં છુપાવી દીધો. અને પોતે ટોળકીનો મુકાબલો કરવા ઊભો રહ્યો. એકલે હાથે ચોરોની ટોળકી સામે લડતો રહ્યો. અંતે ચોરો સામે લડતા લડતા તે હણાઈ ગયો. આજીવન કરણે કરેલા ઉપકારોનો બદલો એક જ પળમાં પોતાનો જીવ આપીને અનિલે વાળી દીધો.

કરણ ઝાડીમાંથી આ બધું જોઈ રહ્યો હતો. પોતાને બચાવવા માટે પોતાના વહાલસોયા મિત્ર કરણે તેના જીવનનું બલિદાન આપી દીધું. તે જોઈ તે ખૂબ જ દુઃખી થઈ ગયો. પોતાના મિત્રનો આટલો મોટો ત્યાગ જોઈ કરણ ભાવવિભોર થઈ ગયો. અને અને એ પળે કરણને ગરીબ અનિલમાં ત્યાગની અમીરીના દર્શન થયા.

અને આજે મૃત્યુ પછી પણ ફરી એકવાર આત્માના સ્વરૂપે પોતાને મોતના મુખમાંથી બચાવવા અનિલ આવી પહોંચ્યો હતો. અને મધરાતે પોતાનો જીવ બચાવ્યો એટલે કરણ ગદગદ થઈ ગયો.

અનિલનો આત્મા કરણ પાસે આવતા કરણ એટલું જ આંખમાં આંસું સાથે એટલું જ બોલી શક્યો, "વાહ મિત્ર, વાહ, તારી બલિદાનની શું વાત કરવી ? તેં જીવતા જીવ તો મારા માટે જીવ આપી દીધો. પણ મૃત્યુ પછીયે તું મારો જીવ બચાવ્યા આવી પહોંચ્યો. તારા આ અહેસાનનો બદલો હું કેવી રીતે વાળી શકીશ ? "

કરણની વાત સાંભળી અનિલનો આત્મા બોલ્યો, આવું બોલી મને શરમિંદો ના કર દોસ્ત. મારા પરિવાર માટે તેં જેટલા ઉપકાર કર્યા છે તેની સામે મારું આ બલિદાન તુચ્છ છે. તેં મારા પર ઘણા બધા ઉપકારો કર્યા છે. એટલે મારી ફરજ બને છે તારું રક્ષણ કરવાની. તારા પર જ્યારે કોઈ આફત આવી પડે તો મૂંઝાતો નહિ દોસ્ત.મને યાદ કરી લેજે. તને આફતમાંથી ઉગારવા હું ચોક્કસ આવી પહોંચીશ."

અનિલના આત્માની વાત સાંભળી કરણ કંઈ જ બોલી ન શક્યો. અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અનિલનો આત્મા હવામાં ઓગળી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror