શરૂઆત
શરૂઆત
આજે તો તે જાણે સ્વર્ગની અપ્સરા કરતા પણ સુંદર લાગતી હતી.
સફેદ પાનેતર ઉપર ઓઢેલું લાલ લાલ ઘરચોળું, કપાળે ઊગતા સૂરજસમ લાલ ચટ્ટક ચાંદલો, માંગમાં સિંદૂર, કાજલ આંજેલી, લજ્જાથી ઝૂકેલી આંખો, નથનીથી શોભતું સુંદર ગૌરવર્ણ મુખડું. સોળે સજેલા શણગાર, ધીમે ધીમે ચાલતી, પછી પતિનો હાથ ઝાલી, ધીમેધીમે ડગ માંડતી તે ઘર આંગણે આવી.
પાંપણો પર હવે લજ્જા ન હતી. આંસુનો ભાર હતો. શ્રાવણના મેઘસમ આંખો વરસવા માંડી. તે હિબકે ચડી. કંકુથાળીમાં બે હથેળી બોળી અને ભીંત પર બે થાપા માર્યા.
" ઓહ..મા ! "
મારી દીકરીની વિદાય. વર્ષો સુધી હેતથી સિંચેલી મારી વેલી આજે સાસરે ચાલી. મા બાપના ઘરની ચહેકતી ચકલી ઊડી ચાલી. માબાપનો, ઘરનો આત્મા લઈને વિદાય થઈ રહી છે.
તે બધાને ભેટી ભેટીને રડી પણ હું તો... હું તો બાવરી બની ગઈ. તેનું મોઢું હાથમાં લઈને બે ઘડી જોયા કર્યું.
" કોણે ઘડી હશે આ વિદાય ?"
ફરી મારી દીકરીને છાતી સરખી ચાંપી દીધી.
અચાનક એક સ્નેહપૂર્ણ હાથ ખભે મુકાયો. મને કાનમાં કહ્યું," તું પણ આ જ રીતે આવી હતી ને ! તેના નવા દાંપત્ય જીવનની શુભ શરૂઆત થઈ રહી છે. આશીર્વાદ આપ."
" પણ ..કઈ રીતે દીકરીને આંખ સામેથી અલગ કરું ?" તેનો ભોળો, સાવ નિર્દોષ, માસુમ ચહેરાએ મારું હૈયું હચમચાવી કાઢ્યું.
ફરી એ જ હાથ ખભે મુકાયો.
" ના.. ના..હું કઈ રીતે વિદાય કરું ?"
મેં બધાની સલાહ ફગાવી દીધી. દીકરીને જોરથી ગળે લગાડી દીધી. જાણે ક્યારેય અલગ કરવાની જ ના હોય તેમ.
ફરી એ જ સ્નેહ પૂર્ણ હાથ,સખત રીતે ખભે મુકાયો." શુભ મુહૂર્ત વીતે છે. શું જીવનની શરૂઆત ખરાબ મુહૂર્તમાં કરશે ?"
મન કઠણ કરી મેં ઓવારણા લીધા. મનોમન અનેક આશીર્વાદ આપી, દીકરી જમાઈને દાંપત્ય જીવનની નવી શરૂઆત માટે વિદાય આપી.
