STORYMIRROR

Leena Vachhrajani

Fantasy

4  

Leena Vachhrajani

Fantasy

શક્તિમાન પપ્પા

શક્તિમાન પપ્પા

2 mins
298

રાહુલને ગ્રાઉન્ડ પર છોકરાં સાથે રમતાં રમતાં વાંધો પડ્યો. અને પછી તો બે જણા બાથંબાથીએ આવી ગયા. મનને રાહુલને જોરથી ધક્કો મારતાં કહ્યું, “હવે જા મોટા પહેલવાન. તાકાત તો છે નહીં. ક્યારેય ક્રિકેટ રમતાં ચોગ્ગો માર્યો છે ?”

રાહુલને બહુ લાગી આવ્યું. મનનની ફેંટ પકડીને એણે રાડ પાડી, “ઓય, ચલ અબે. મારા પપ્પા શક્તિમાન જેવા છે. એક હાથે બોલને પકડીને બાઉન્ડ્રી બહાર પહોંચાડી દેશે.”

અને માત્ર મનન જ નહીં રાહુલની વાત પર ત્યાં ઉભેલા દરેકને હસવું આવી ગયું. રાહુલના પપ્પા કેટલાય સમયથી બિમાર રહેતા હતા એ જગજાહેર હતું. પોતે જાતે ઉઠી બેસી પણ ન શકતા. અને રાહુલ એમને શક્તિમાન કહેતો હતો. 

અંઘારું થતાં રાહુલ ઘેર આવ્યો. મનમાં ભાર હતો. આવતાંવેંત મમ્મીને છણકાભેર ફરિયાદ કરી, “મમ્મી, તું પપ્પાને કહેતી કેમ નથી કે એ શક્તિમાન બની જાય ! આજે ગ્રાઉન્ડમાં પેલા મનને મારી મશ્કરી કરી અને બીજા બધા હસતા હતા. મને કેટલું ખરાબ લાગ્યું ખબર છે !”

મમ્મીએ રાહુલને સાંત્વના આપી. “જો રાહુલ તારા પપ્પા સાચેજ શક્તિમાન જ છે. તું બહુ નાનો હતો ત્યારે આપણા બિલ્ડીંગમાં આગ લાગી હતી. તારા પપ્પા બહાદૂરીથી બધાને સલામત બહાર લઈ આવ્યા હતા પણ એ આગમાં એમનાં ફેફસાંને બહુ નુકસાન થતાં ત્યારથી એ બિમાર રહે છે. તને ખબર નથી બેટા પણ શક્તિમાનને પણ કોઈ વાર થાક લાગે, કોઈ વાર એ પણ બિમાર પડે. પણ એટલે એ શક્તિમાન નથી એમ ન કહેવાય. અને જે લોકો તને ચિડવે કે મજાક કરે એને જવાબ ન આપીએ એમાં જ ખરી બહાદૂરી છે બેટા.”

રાહુલને બહુ નવાઈ લાગતી હતી. આજે મમ્મીએ સાચે જ પપ્પાનાં શક્તિમાન જેવાં પરાક્રમની વાત કરી એનો એને અત્યંત આનંદ હતો. રાત્રે બહુ સરસ ઉંઘ આવી. ઉંઘમાં પપ્પા શક્તિમાન જેવા દેખાયા. રાહુલે એ દિવસ પછી ક્યારેય કોઈની મજાકનો જવાબ નથી આપ્યો. ક્યારેય કોઈની આડીઅવળી વાત પર ચિડાયો નથી. એ હંમેશાં મોજમાં હોય છે. કારણકે એના શક્તિમાન પપ્પા હવે આરામ કરે છે પણ છે તો શક્તિમાન જ ને!


Rate this content
Log in

Similar gujarati story from Fantasy