STORYMIRROR

Heena Dave

Tragedy Inspirational

4  

Heena Dave

Tragedy Inspirational

શહીદી

શહીદી

4 mins
196

આજે ૧૫ ઓગસ્ટ. આખાય શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો માહોલ હતો.ચોકબઝાર વિસ્તારમાં આજે વધુ ભીડ હતી.

ટ્રાફિક સિગ્નલ લાલ લાઇટ થઈ.દરવખતની માફક બધી ગાડીઓ રોકાઈ ગઈ. ટ્રાફિક રોકાઈ જતા, નાના છોકરાઓ, અસ્તવ્યસ્ત માથાના વાળ, મેલા ગંદા,ફાટેલા તુટેલા કપડા, દુર્ગંધ મારતું શરીર, ચંપલ વિહોણા ગંદા પગ અને નાકમાંથી નીકળતા પ્રવાહીને ઊંચે ચડાવતા.. ભિખારી બાળકો કાગળનો નાનો ધ્વજ 10 રૂપિયામાં વેચતા હતા. સ્કૂટર શું કે સાઇકલ ! દરેક પાસે તેઓ ફરતાં.ગાડીના કાચ ખખડાવતા. કાગળથી બનાવેલા નાના નાના ધ્વજ ખરીદવા માટે આજીજી કરતા. કોઈ કહેતું બે દિવસથી ખાધું નથી. કોઈ કહેતું પગમાં પહેરવાની ચંપલ નથી. કોઈ કહેતું કે પહેરવાના કપડાં નથી. પણ આ બધી માંગણીઓ કોણ સાંભળે ? કોઈની પાસે ઉભા રહેવાનો ટાઈમ હતો જ નહીં. તો પણ બાળકો રડતા રડતા બોલતા. કાકલૂદી કરતા અને આ કાકલૂદી જોઈને કોઈ ધ્વજ ખરીદી પણ લેતું.

રઘુ, આવો જ એક બાળ ભિખારી, આજે ટ્રાફિક સિગ્નલ પાસે ધ્વજ વેચવા ઊભો હતો. તેની આખી ટોળકી આ વિસ્તારમાં ફેલાયેલી હતી. એક ભિખારી માજી નીચે જમીન પર બેસીને હાથ ફેલાવી ભીખ માંગતા હતા. તેનો અવાજ ધ્રૂજતો હતો. કેટલા દિવસથી તેમણે ખાધુંપીધું ન હતું. રઘુ આ ફેલાયેલી ટોળકીનો નાયક હતો. સાંજ પડે બધા જ બાળકો પાસેથી તે પૈસા લઈને તેના બોઝને આપતો હતો અને બદલામાં તેને થોડુંક ખાવાનું મળતું હતું.

 આજે તે ટ્રાફિક સિગ્નલ પાસે ધ્વજ વેચવા ઊભો રહ્યો હતો. અચાનક એક ચકચકાટ કરતી, લીસીલીસી કાળી ગાડી આવી. તેના ઉપર કાગળનો રાષ્ટ્રધ્વજ ફરકતો હતો. ટ્રાફિક સિગ્નલ લાલ હોવાથી ગાડી બંધ થઈ.

સિગ્નલ લીલું થતા બધી જ ગાડી ચાલુ થઈ. અચાનક કાળી ગાડીનો લહેરાતો નાનો ધ્વજ નીચે પડી ગયો. સાયકલ ઉપર સવાર એક યુવાન અચાનક આવી ગયો. તેણે બે હાથ પહોળા કરી ટ્રાફિક બંધ કરાવી દીધો.

લાગણીશીલ, દેશભક્ત તે યુવાન બોલી ઉઠ્યો." મારા રાષ્ટ્રધ્વજને હું ગાડી નીચે ચગદાવા નહીં દઉં. અંગ્રેજોના ભયાનક અત્યાચારો, કેદ, ગુલામી, ત્રાસ સહન કર્યા પછી સ્વતંત્રતા મળી છે. કેટલાય નામ બેનામ વ્યક્તિઓ શહીદ થયા છે, આ સ્વતંત્રતાને નામે! અંગ્રેજોએ આપણા દેશને લૂંટી લઇ ગરીબી આપી. ગુલામી આપી. આ ગુલામીમાંથી આપણે આઝાદ થયા. પણ આ આઝાદીની બહુ મોટી કિંમત આપણે ચૂકવવી પડી. દેશ આખો ભડકે બળ્યો. કોઈના માં, કોઈના બાપ, કોઈના દીકરા દીકરી, પતિ-પત્ની આ આગમાં હોમાઈ ગયા. શહીદ થઈ ગયા. આ શહીદોની શહાદત હું ગાડી નીચે ચગદાવા નહીં દઉં. સ્વતંત્ર દેશની, સ્વતંત્ર હવામાં મુક્ત રીતે લહેરાતા મારા રાષ્ટ્રધ્વજની આન-બાન-શાન હું આમ ધૂળમાં રોળાવા નહીં દઉં." તે યુવાને મોટા અવાજે નારો લગાવ્યો." જય હિન્દ "

"જય હિન્દ "ત્યાં ઊભેલા બધા જ પ્રજાજનો, પોલીસો ભેગા થઈને બોલી ઊઠ્યા અને તાળીઓના ગડગડાટથી આ યુવાનને શાબાશી આપી. તેની દેશભક્તિને દાદ દીધી.

રઘુ આશ્ચર્યથી આ બનાવ જોતો રહ્યો હતો. તેણે ક્યારેય આ શબ્દો, આ રીતે સાંભળ્યા ન હતા. તેના મનમાં આ શબ્દો ઘૂંટાવાં લાગ્યા." કેદ..ગુલામી.. અત્યાચાર. .મુક્તિ..શહીદી.. આઝાદી. . સ્વતંત્રતા.!"

તે પોતે વિચારવા લાગ્યો. "તે શું છે ? તેની હાલત કેવી છે ? વર્ષો પહેલા અંગ્રેજોએ દેશને ગુલામ બનાવ્યો હતો. ભારતીયોને કેદ કરી ગુલામ બનાવી ત્રાસ આપતા હતા અને આજે સ્થિતિ શું છે ? દેશના કેટલાય શહેરોમાં નરાધમો દ્વારા, તેના જેવા કેટલાય નાના નાના માસૂમ બાળકોને કેદ કરાયા છે. તેને ગુલામ જેવા બનાવી, ભિખારી બનાવી ત્રાસ અપાઈ રહ્યો છે. નાના બાળકોને એક જ જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યા છે. તેમને ખાવા-પીવાનું પણ પૂરતું નથી આપતા તો નહાવા કે ધોવાની તો વાત જ ક્યાં ? આ બાળકો પાસે ફરજિયાત ભીખ મંગાવાય છે અને ક્યારેક તો તેમના હાથ, પગ, આંખ તોડી નાખવામાં આવે છે. શું આપણા દાદા પરદાદાઓએ જે શહીદી વહોરી તે આટલા માટે હતી ? અંગ્રેજો કરતાં પણ વધારે નીચ અને નરાધમ માણસો, બાળકો ઉપર આવો અત્યાચાર ગુજારીને દેશને કઈ દિશામાં લઇ જવા માંગે છે ?

રઘુનું નાનું અમથું મગજ ખૂબ મોટી વાતો વિચારવા લાગ્યું.

તેનામાં ઝનૂન ઉભરાયું. પોતાના જેવા આ નાનકડા બાળકો માટે કંઈક કરી છૂટવાની તેને લાગણી થઈ આવી. ભીખ માંગતા માજીને જોઈને તેના હૃદયમાં અનુકંપા જાગી ઉઠી.

થોડા ઘણા જે ધ્વજ વેચાયા હતા, તેના પૈસા લઈ તે માજી પાસે ગયો. કેટલાય દિવસોથી ભૂખ્યા માજીને તેણે ખવડાવ્યું. પાણી પાયું. મરવાને વાંકે જીવતા માજી ના મોઢા ઉપર સંતોષ છવાઈ ગયો. તે આડા પડી ગયા અને તેમના હાથ રઘુને આશીર્વાદ આપવા ઊંચા થયા. આંખો ખુલ્લી રહી ગઈ અને માજીએ સંતોષથી દમ તોડયો.

રઘુએ પોતાની ટોળકી ભેગી કરી. તે બધાને તેણે પેટ ભરીને ખવડાવ્યું. ત્યારબાદ પોલીસ ચોકીએ લઈ જઈ બધી આપવીતી કહી. તેને ખબર હતી કે હવે પછી તેનું શું થશે ? પણ તેમ છતાં તેણે હિંમત કરી બધા બાળકોને પોલીસને સોંપી દીધા. પોતે પણ ત્યાં સંરક્ષણ ગૃહમાં જવા તૈયાર થઈ ગયો.

રઘુના ચહેરા પર એક આત્મસંતોષ ઝળકતો હતો.

નાના ભિખારી બાળકો રઘુને જોઈને વહાલ વરસાવતા હતા. પેલો નાનો ત્રણ વર્ષનો બાળક "બા.. આપો. .મમ્.." કહેતો ભીખ માંગતો હતો, તે રઘુને જોઈ ને ભેટી પડ્યો. સાવ નાની બાળકી મીનુ પણ રઘુને જોઈને ભેટી પડી, રડવા લાગી. બધા જ બાળકોને હવે ખાતરી થઈ હતી કે તેઓ હવે મા-બાપ પાસે પાછા જઈ શકશે.

અચાનક એક સૂટ પહેરેલો,ભણેલો લાગતો,દેવ જેવો લાગતો માણસ આવ્યો. પોલીસ સાથે વાતો કરી. બધા જ બાળકોને છોડાવી ગયો. રઘુને કંઈક વહેમ પડ્યો. પણ રઘુનું શું ચાલે ? રઘુને લઈ જઈને ખૂબ માર મરાયો તેના હાથ-પગ તોડી નખાયા. રઘુ ઢસડતો ઢસડતો ભાગી છૂટયો. તે ગુંડાઓની ચુંગાલમાંથી છટકી શક્યો.

નજીકના એક મેદાનમાં જ્યાં રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો. ત્યાં લોહી લુહાણ રઘુ ઢસડતો ઢસડતો પહોંચી ગયો. રઘુની હાલત જોઈ બીજા થોડા માણસો ત્યાં આવી ગયા. એનજીઓના માણસો પણ ભેગા થઈ ગયા. રઘુએ સરનામું આપ્યું. પોતાના સાથીઓને છોડાવવાની આજીજી કરી.

લહેરાતા રાષ્ટ્રધ્વજને જોઈને રઘુ સ્વગત બોલી ઉઠ્યો." કેદ..ગુલામી..અત્યાચાર.. શહીદ.. આઝાદી..સ્વતંત્રતા..!" 

તેની સ્થિર થઈ ગયેલી ખૂલ્લી આંખોમાં શહીદ થવાનો સંતોષ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy