STORYMIRROR

Heena Dave

Tragedy Inspirational

4  

Heena Dave

Tragedy Inspirational

શહાદત

શહાદત

5 mins
411

 "અરે હો.. લખુભાભી ! સાંજુકડાં ચારો લેવા આવી જજો".

એક લખલખું પસાર થઈ ગયું. લક્ષ્મીભાભીના શરીરમાંથી.

 એક હાથે દાંતરડું અને બીજા હાથે લીલું ઘાસ વાઢતી લક્ષ્મી ભાભીએ ઝડપથી માથે પાલવ ઢાંકી દીધો. પાલવનો એક છેડો મોઢામાં દાબી, ત્રાંસી નજરે અવાજની દિશામાં જોયું.

મદમસ્ત ગેંડા જેવો, કાળો કાળો,જાડી ચામડીનો અમરો તેને બૂમ પાડી રહ્યો હતો. સાંજુકડા આવવાનું કહી રહ્યો હતો.

 ડર,ઘૃણા, લાચારી, મજબૂરી અનુભવતી લક્ષ્મીભાભી, હાથનું દાંતરડું જોરથી પકડી કુમળું ઘાસ વાઢી લીધું. લોહીની ટશરો ફૂટી ગઈ તેના હાથમાં !

દૂર દૂર ખેતરમાં કામ કરતા એકવડા બાંધાના, નબળા ઢોર જેવા ધણી સામે તેણે જોયું. કદાચ તેણે પણ લાચારીથી નજર ઝૂકાવી દીધી હતી.

 આંસુ પી જઈ, હોઠ સખ્ત દાબી દઈ તે ઊઠી. લુગડામાં લીલો ચારો બાંધ્યો અને માથે મૂકવા જાય ત્યાં જ તેની સહેલી રુપલી આવી.

નીચી નજર, નંખાયેલું શરીર, ઠેરઠેર શરીર પર ચકામાં, ફાટેલા કપડા.. રુપલીનું શરીર ઘણી બધી ફરિયાદ કરતું હતું.

 પરંતુ..

 માત્ર રુપલી જ નહીં ! નાના અમથા ગામની દરેક યુવાન સ્ત્રીની આ હાલત હતી.

 ગામનો જમીનદાર માનસિંહ નરાધમ અને નીચ હતો. નાનકડા ગામમાં ગરીબ ખેડૂતોને નાણાં ધીરી, તેની જમીન પડાવી લઈ તેઓ પાસે કાળી મજૂરી કરાવતો અને ગામની યુવાન સ્ત્રી, તે કુંવારી હોય કે પરણેલી, રાત્રે માનસિંહના ઘરે અચૂક જવું પડતું. તે નરાધમ અને તેના હજુરીયા તેનો દેહ ચૂંથતા.

ગામના ઘરની એક એક યુવાન સ્ત્રીએ ત્યાં પરાણે જવું પડતું આજે લક્ષ્મીભાભી એટલે કે લખુભાભીનો વારો હતો.

**

સાંજે મંદિરની ઝાલર વાગી. ગાયોનું ધણ ધૂળ ઉડાડતું ગામના પાદરે આવીને ઊભું રહ્યું.

લક્ષ્મીભાભીએ હાથમાં પ્રસાદ લઈ, મા દુર્ગાને પ્રણામ કરી, હાથમાં પ્રસાદ પકડી, મંદિરના ઓટલે બેસી ગઈ.

"થોડીકવાર પછી તેનો પણ દેહ ચૂંથાય જશે.' 

લક્ષ્મીભાભીનું શરીર કમકમી ઉઠ્યું.

અચાનક તેને દાદીમાને કહેલી વાર્તા યાદ આવી.

" એક રાક્ષસ હતો. માણસખાઉ રાક્ષસ ! જંગલમાંથી બહાર આવી તેણે નજીકના ગામડાઓ પર હુમલો કરી માણસોને જીવતા ખાઈ ગયો. ખેદાનમેદાન કરવા માંડ્યું. ગામડાઓ નિર્જન થવા માંડ્યા. બધા ગામડા ભૂતાવળ જેવા ભેંકાર થઈ ગયા. ઠેરઠેર માણસોના હાડપિંજર રખડવા લાગ્યા, માણસખાઉ રાક્ષસ હજી તૃપ્ત ન હતો થયો ! તેને હજી ભૂખ હતી.. માણસની !

આગળ વધતો વધતો માનપુરા ગામે આવ્યો. ત્યાંનો મુખી શાણો, ચતુર હતો. તેણે ગામવાળા સાથે મસલત કરી રાક્ષસને ગામની અંદર આવતાં અટકાવ્યો અને રોજ એક માણસ રાક્ષસ પાસે મોકલવાનું નક્કી કર્યું. ગામમાં એક ગરીબ પણ જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. તેણે વિચાર્યું "જે માણસ જન્મે છે તે મૃત્યુ પામે છે. મૃત્યુ નિશ્ચિત છે. આજે નહીં તો કાલે ! તો શું કામ હું માણસખાઉ રાક્ષસને મારી નાખવાની તક ઝડપી ન લઉં ! "તેણે ગામના મુખી અને વૈદ્ય સાથે મસલત કરી. તેણે ધીમુ વિષ લેવાનું ચાલુ કર્યું કે જેથી તેનું વિષવાળું શરીર ખાઈ રાક્ષસ મૃત્યુ પામે.

ગામના ગરીબ અને ચતુર બ્રાહ્મણનો વારો આવ્યો. નાહી-ધોઈ શિવપૂજા કરી બ્રાહ્મણ ગયો.

 મન ભરીને રાક્ષસે બ્રાહ્મણનો વિષવાળો દેહ આરોગ્યો અને પછી.. ! રાક્ષસ મૃત્યુ પામ્યો. તેનું સામ્રાજ્ય નષ્ટ થયું. ગામની પ્રજા સુખ અને શાંતિથી જીવવા લાગી."

બસ. લક્ષ્મીભાભીની આંખમાં એક ચમક આવી ગઈ.

**

માનપુરા ગામને પાદરે એક વાવ.

જૂની પુરાણી વાવ.

પૌરાણિક કાળમાં ત્યાંના રાજા માનસિહે આ વાવ બંધાવી હતી. વાવ હતી. કોરી ધાકોર.

પાણીની એક બુંદ પણ ત્યાં નજર આવતી ન હતી.

આ વિશે એક લોક વાયકા હતી.

"એક મજૂરની સુંદર પત્ની તરફ રાજા માનસિહની નજર બગડતા, તેણે તેને પામવા ચાહી. રાજા માનસિંહે તે સુંદર સ્ત્રીનો પીછો કર્યો. વાવના ઉમરા પાસે માં દુર્ગાની મૂર્તિ આવતા જ તે સ્ત્રી ઊભી રહી અને પોતાના શરીરમાં જ તેણે ખંજર હુલાવી દીધું. ખંજર હૂલાવતાની સાથે જ તે અદ્રશ્ય થઈ ગઈ. અટ્ટહાસ્ય કરી રાજાને પાગલ બનાવી દીધો. તેનું સમગ્ર રાજ્ય પણ નષ્ટ થઈ ગયું. બસ ત્યારથી જ આ વાવ કોરી ધાકોર રહી ગઈ. ગામ આખું બંજર,ઉજ્જડ બની ગયું અને વાવ 'ભૂતેરી' થઈ ગઈ. અહીં કોઈ આવતું નહીં. નાનકડા ગામના અબુધ, નિખાલસ, ભોળા માણસો અહીં આવતાં ગભરાતા.

 અને હવે ?

 જમીનદાર માનસિહ તેના ખરાબ ગોરખધંધા આ વાવમાં કરવા લાગ્યા. રાત્રે શરાબ અને શબાબની મહેફિલ જામતી. માનસિંહ અને તેના હજુરિયા "શરાબ, શબાબ, કબાબ" પર તૂટી પડતાં. દરરોજ રાત્રે ગામની બહેન, દીકરીની ઈજ્જત લૂંટતા. ગામના પુરુષો ને પરાણે નશાબાજ બનાવતા.

**

"અરે હો.. લખુંભાભી સાંજુકડા ચારો લેવા આવી જજો." હજી લખુભાભીના કાનમાં પડઘા વાગતા હતા. ઘરમાં વાળું પતાવી, તે નશામાં ચકચૂર ધણી પાસે ગઈ. છેલ્લી વખત મળવાના અરમાન લઈ !

 લાલ ચટ્ટક પાનેતર અને માથેથી ઘુટણ સુધી ફૂલ ગૂંથેલો ચોટલો, જાણે ફેણ ઝુલાવતી નાગણ ! હાથમાં પાનનો ડબ્બો, નયને ઘેરુ કાજળ, સંમોહન કરતી આંખો !

"લખુંભાભી..ઓઓ.. લખુભાભી.." અમરાએ બૂમ પાડી ."ચાલ જલ્દી. નખરા નહીં કર."

ઝાંઝર ઝનકાવતી લખુ એટલે કે લક્ષ્મીભાભી બહાર આવી. તેનું રૂપ જોઈ અમરો બાઘો થઈ ગયો. તેણે લખું ભાભીનો હાથ ઝાલી વાવ તરફ પ્રયાણ કર્યું.

લક્ષ્મીભાભીએ ડગ માંડ્યા. પરંતુ અટક્યા. પાછું ફરીને જોયું. દરેક ઘરના સભ્યો બહાર ફળિયામાં આવી, રોતી આંખે વિદાય આપી રહ્યા હતા.

પણ લક્ષ્મીભાભી !

જુસ્સો હતો તેમની ચાલમાં !

જાણે દુશ્મન પર ત્રાટકી તેનો વિનાશ કરવા આતુર સૈનિક !

હસતા મોઢે શહીદી વહોરવા આતુર સૈનિક !

વાવ સુધી પહોંચતા પહોંચતા તો અમરો પતી ગયો. વીંછીના ઝહરીલા ડંખથી !

છુમછુમ કરતા વાવ નજદીક લક્ષ્મીભાભી આવ્યા. શરાબમાં ચકચૂર માનસિંહ તેના હજુરિયાઓ તેમના દેહને સ્પર્શવા જાય ત્યાં તો !

પાનનો ડબ્બો ખૂલી ગયો.

ફૂલથી ગુંથેલો ચોટલો ખૂલી ગયો.

ચણીયાની ધારે સીવેલો સુંદર ભરતકામવાળો પટ્ટો ખૂલી ગયો.

વીંછીના ઝહેરીલા ડંખની અસંખ્ય ચીસો સંભળાઈ. થોડીક વારમાં મોઢેથી ફીણ નીકળતા માનસિંહના હજુરિયા, જમીન પર ચત્તાપાટ પડ્યા.

પણ માનસિંહ !

 તે નરાધમનો શ્વાસ હજી ચાલતો હતો. આંખમાં વાસનાનાં સાપોલિયાં સળવળતાં હતા, હજી તે થાક્યો ન હતો. લખુભાભીનો નાગણ જેવો ચોટલો ઝાલી, તેની પાછળ વાવમાં જવા માંડ્યો. આગળ લક્ષ્મીભાભી દોડી રહ્યા અને પાછળ માનસિંહ !

એક ક્ષણ !

એ જ ક્ષણ !

પલકારામાં આવી.

ઉંબરે ઊભી લખુભાભી માં દુર્ગાની મૂર્તિ પાસે, ખંજર હાથમાં લઈ, માનસિંહને ચીરી નાંખ્યો.

અસુરોનો નાશ થયો.

તેના સામ્રાજ્યનો નાશ થયો.

 અચાનક ધડાકાભેર અવાજ થયો. આખી વાવ હાલી. જાણે ધરતીકંપ થયો !

 ગામવાસીઓ વાવમાં ભેગા થઈ ગયા અને દ્રશ્ય જોઈને તાજ્જુબ થઈ ગયા.

કોરી ધાકોર રેતાળ વાવના પેટાળમાંથી એક પાણીનો ઝરો ફૂવારાની માફક ઉડ્યો. ટોચ સુધી પહોંચ્યો. આખી વાવને પવિત્ર કરતો તે ઝરો, વાવમાં ફેલાઈ ગયો. ચોખ્ખું મીઠું મીઠું પાણી હિલોળા લેવા લાગ્યું.

  પાણી વધતું ગયું. ગામવાસીઓ પાછળ ખસતા ગયા. વધતું વધતું પાણી ઉંબરે આવી, લક્ષ્મીભાભીના લીલા લીલા શરીરને પોતાનામાં સમાવી લીધું.

"જયજયકાર થઈ ગયો લક્ષ્મીભાભીનો ! "

ઈતિહાસના પાના પર લક્ષ્મીભાભીનું નામ નિશાન નહીં. પરંતુ માનપુરા ગામના લોકોના હૃદયમાં તેમનું નામ "સુવર્ણ" અક્ષરે કોતરાઈ ગયું.

પોતાના ગામ માટે, પોતાની બહેનો માટે, ગુલામી, અત્યાચાર સામે અવાજ ઉઠાવતી લક્ષ્મીભાભીએ શહાદત વહોરી લીધી.

"ચૂપચાપ"

નરાધમો સાથે લડતા લડતા તે સ્ત્રી શહીદ થઈ ગઈ.

બારેમાસ મીઠાં પાણીથી છલોછલ વાવ, આશીર્વાદ અને અમૃત વરસાવી, અનેક મૂંગા પ્રાણીઓની તૃષા સંતોષતી,"ભૂતેરી" વાવ "લક્ષ્મી વાવ "બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy