Leena Vachhrajani

Fantasy

3  

Leena Vachhrajani

Fantasy

શેઠ

શેઠ

2 mins
11.7K


ગંદી-ગોબરી ગલીમાં જોરજોરથી શુધ્ધ ભાષા બોલાઈ રહી હતી. આખી ગલી નાનિયાના રુમની બહાર ભેગી થઈ ગઈ હતી. અહોભાવથી સ્ત્રીઓ કોઈ સંતને સાંભળતી હોય એમ હોઠ પર આંગળી મુકીને સાંભળી રહી હતી. પુરુષો બીડીના ધૂમાડામાં તર્ક-વિતર્ક કરી રહ્યા હતા.

“મું તો જોણતો જ અતો આ નોનિયો કુંડારે જ પડવાનો અતો. જ્યોં ત્યોં મોટા મોટા મહોલ્લે અને બજારમોં ભમતો ફરે સે તે..”

નિષ્ણાત મત સાંભળીને લલી વધુ ગભરાઈ. ક્યારનીય એ નાનિયાને સાંભળી રહી હતી. 

“જબરું મોટું બોલ સ ને! આવું તૈણ વાર થયું સે. ચેવી રીતે બોલતો અશે ? બર્યું મું તો હમજતીય નહીં.”

તો રુમની બહાર ટટ્ટાર ઉભેલો નાનિયો એની જ ધૂનમાં હાથના લહેકા કરીને ઝનૂનથી બોલી રહ્યો હતો,

“મને મિડલક્લાસ મેન્ટાલિટી ગમતી જ નથી. હું રેશનની લાઇનમાં ઉભો રહું એવું કહેવાની તારી હિંમત કેમ થાય ? આ મારા સ્ટેટસની વિરુધ્ધ છે. હું નાનાં કામ કરવા સર્જાયેલો જ નથી.”

લલી બહુ મુંઝાઈ. બાજુમાં આશ્વાસન આપવા બેઠેલી નાથીનો હાથ પકડી કહે,

“જોયું ? હોંભર્યું ? આવું જ કે સે બોલ. તે આ આજનો નવીનવઇનો થોડો જાય સ ? મહિને ને મહિને સસ્તા અનાજની દૂકાનમાંથી જ બાજરો-ચોખા લાઇએ સ. તાણ તો આ ખાવાભેગો થાય સ.”

અંતે ગલીના મોટા ભાભાને આ સમસ્યાનો ઉકેલ લાવવા બોલાવવામાં આવ્યા.  ભાભાએ સડી ગયેલા દાંત વચ્ચે દિવાસળી દબાવીને ભમર ઉંચી કરીને આખી વાતનું નિરીક્ષણ કર્યું. 

“હમમમ. કંઈ જ્યો તો નાનિયો ?”

“ભાભા એ તો મહિના પેલોં પેલી ગુજરીબજારમાં જ્યો તો.” અને..”

લલીના મનમાં હવે ક્યારનો રમતો થયેલો એક વિચાર પાક્કો થતો ગયો...

“ભાભા એક વાત મું કેઉં. જારથી ગુજરીબજારમાંથી પેલો નવો બુશર્ટ લાયો સ ન એ પેરે સ ન ઇનું ફટકી જાય સ. રેંકડીવાળો રફિક હો કે’તો તો ક એ બુશર્ટ એક મોટા શેઠનો સે. ધંધામાં ખોટ જઇ તે મુઓ આપઘાત કરીને મરી જ્યો તો. ઘરવારાંએ ઇનાં હંધાય કપડાં રફીકની લારીમોં જ ગુજરીબજારમોં વેસવા આલવા મોકલ્યોં તોં.”

ભાભા આ અગમ મુશ્કેલી સાંભળીને મૌન થઈ ગયા. ગલી વિખેરાઈ ગઈ. લલી માથે હાથ દઈને નાનિયો બુશર્ટ ઉતારે એની રાહમાં બેઠી. 

“અવ તો આ બુશર્ટ ઉતારે એટલી જ વાર. દિવાસરી જ મેલી દઉં.”


Rate this content
Log in

Similar gujarati story from Fantasy