“સાંભળો છો? - કંઈક કહેવું છે.”
“સાંભળો છો? - કંઈક કહેવું છે.”


“સાંભળો છો? - કંઈક કહેવું છે.”
આજે મને મારા હોવાનો ગર્વ અને સંતોષ થયો.
દાયકાઓથી હું અગણિત રમતવીરોના પગ નીચે ખેડાતું આવ્યું છું.
દર બે-ચાર દિવસે મારા પર પાણી છંટાય ત્યારે મને ખબર પડે કે આવતી કાલે કોઈ રમત રમાશે.
પછી બે ટીમ આમનેસામને યુધ્ધના ધોરણે એકબીજા સામે આવીને રમતના અંત સુધી મગજની નસ ફાટી જાય એટલી ઉત્તેજનામાં રમત ચાલે. મારી ફરતે સ્ટેડિયમમાં ગોઠવાયેલા પ્રેક્ષકોની ચિચિયારીઓ મને રાતના સન્નાટામાં સતત સંભળાતી રહે.
આ તો રોજની વાત..
ગયે અઠવાડિયે નવી વાત બની.
મેદાન પર બે ટીમ જબરદસ્ત જોશમાં ઉતરી હતી. લાલ ટી-શર્ટવાળી ટીમનો ગોલકિપર બહુ જોરદાર પ્લેયર હતો એમ વારંવાર કોમેન્ટેટર બોલતા હતા.
બ્લુ ટી-શર્ટવાળી ટીમને જીતવા માટે એક ગોલની જરુર હતી પણ કોઈ કારી ફાવતી નહોતી. મિનિટ્સ ખતમ થવામાં હતી.
અને આ શું!
લાલ ટીમનો ગોલકિપર બ્લુ ટીમના એક પ્લેયરને કંઈ ઇશારો કરતો દેખાયો અને એમનો ગોલ થઈ ગયો. જે જોયું એના પર મને વિશ્વાસ નહોતો બેસતો.
ટ્રોફી વિતરણ બાદ મારા કાને અંધારા ખૂણામાંથી આવતો એક અવાજ પડ્યો.
“ભાઈ, આજે તમે મને ગોલ ન કરવા દીધો હોત તો મારી ગરીબ મા નું સપનું રોળાઈ જાત. એણે બીજાનાં ઘરકામ કરીને મારું પ્લેયર બનવાનું સપનું પૂરું કર્યું. પણ જો આજે મારા નામે હાઇએસ્ટ ગોલ ન નોંધાત તો નેશનલ ટીમમાં મારું પત્તું કપાઈ જાત. મેચ પહેલાં મારી પરિસ્થિતિ તમને જણાવવાનું કારણ માત્ર મારી મા ની જિંદગીભરની મજૂરી અને લાચારી હતી.”
એ રાતે મને પબ્લિકની ચિચિયારીઓને બદલે લાલ ટીમના ગોલકિપરનું મૌન વધુ બોલતું લાગ્યું.. મને મારા હોવાપણા પર ગર્વ થયો.