સામ્રાજ્ય
સામ્રાજ્ય
ખરું સામ્રાજ્ય તો એક શ્રી રામરાજ્યનું, સમ્રાટ અશોક, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, રાની લક્ષ્મીબાઈ, ભીમદેવ સોલંકીએ સ્થાપેલું જ્યાં પ્રજા સર્વોપરી હતી, પ્રજાનું હિત સર્વોપરી હતું. પ્રજા નિઃસંકોચ પોતાની વાતો, ભાવ પોતાના સમ્રાટો સમક્ષ મૂકી શક્તી. તલવારો, ભાલાઓથી ઘેરાયેલ રાજદરબારમાં પણ પ્રજા સહજ પોતાની પીડા રજુ કરી શકતી ત્યારે ન તો કોઈ બંધારણ હતું કે ન તો લોકશાહી છતાં ન્યાયપ્રિય રાજાઓ દરેક વ્યક્તિ જે રાજ દરબારમાં યાચક હોય કે ફરિયાદી, પણ તે ન્યાય મેળવતો પછી તો અવનવા કાયદાઓ સુધારાઓ, બંધારણીય સુરક્ષા, કહેવાતી યોજનાઓ, ટેકનોલોજી ૨૧મી સદી નો યુગ છતાં આજે એક ખેડૂતવર્ગ પાકફસલની પાયમાલીથી લાચાર છે, એક મજૂર મજૂરી ન મળવાથી લાચાર છે, એક હીરાઘસુ એરણ શરૂ થવાની રાહમાં છે, કોઈ પીડિત કે પ્રતાડીત ન્યાયતંત્રમાં પોતાનો કેસ ક્યારે મેજ પાર આવશે તેની રાહમાં છે. દર્દી ઉત્તમ આરોગ્યસેવા મળવાની રાહમાં છે, વિદ્યાર્થી ઘરઆંગણે જડતાવિહીન કે નફાખોરીવિહીન શૈક્ષણિક સંસ્થા મળવાની રાહમાં છે, સૈનિક ઉત્તમ સુરક્ષા માટે ને માજિસૈનિક નોકરી કે ખેતીની જમીન મળવાની રાહમાં છે, ગૃહઉદ્યોગો, દૂધ મંડળીઓ, ખેતમંડળીઓ, ધીરાણમંડળીઓને પૂરતી કે ક્ષુલ્લક આજીવિકા કે રાહમાં ને વિચારે કે હંમેશ માટે તેની રોજીરોટીનું સ્થાન કોઈ મોટું બિલ્ડીંગ કે કંપની લઈ લેશે એ ભયમાં છે, એક કારખાનાનો કામદાર પણ રોજીરોટીની મથામણમાં સૂતો નહીં હોય, રોજીંદું પેટિયું રળતા દાડિયાઓને ખબર નથી કે કાલે કામ મળશે કે નહીં. રેલવે, એરપોર્ટને અન્ય સરકારી કંપનીઓના કર્મચારીઓને તેમનું ભવિષ્ય સલામત રહેશે કે કેમ, આવું જ કદાચ ખાનગીકરણ થયેલ કે બંધ થયેલ બેન્કોના કર્મચારીઓ વિચારતા હશે, પોતાની આજીવિકા થી બચત કરેલ મૂડી ક્યાં મૂકું તો યોગ્ય સુરક્ષાને વળતર મળશે એવું મધ્યમવર્ગીય વિચારે છે, સેંકડો નિરાશ્રીતોના કોઈ ઠામઠેકાણા નથી ત્યારે એમ થાય કે આજના ઈલોકાર્પણ, ડિજિટલ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત, ઈસેવા, હાઈટેક બુલેટ યુગ, સી-વે ની દોડમાં, લોકપ્રતિનિધિઓના પક્ષપલટીમાં, તેમના વેચાણમાં, સરકારી ફંડને પાર્ટીફંડમાં તબદીલ કરવાની ઘણા ભ્રષ્ટ પક્ષોની યોજનાકીય નીતિઓમાં, રાજકીય કાવા દાવાઓમાં, લુલી ન્યાયપાલિકાઓમાં ને કૉંક્રિટના જંગલમાં ખોવાઈ ગયેલો નાગરિક ને માત્ર પોતાના રાજકીય લાભો ખાટવાની હરોળમાં ઉભેલા નેતાઓ કે પક્ષોને પોતાની યાચના કરી શકે છે ? અગર હા તો તેને પૂરતી દાદ મળી એ જોનાર કોણ ? ઐતિહાસિક નિર્ણયોથી તેની દેશભાવના ચોક્કસ પ્રબળ થશે પણ પોતાની જીવાદોરીની શું ?ક્યારેક બને તો છેવાડાનો માનવી જેને નેતાઓ કે તંત્ર પાસે બીજી કોઈ ખેવના નથી. તેને માત્ર 2 ટંકનો રોટલો ને શાંતિનો ઓટલો મળી રહે ને બચી રહે એવું સામ્રાજ્ય પોતાને ક્યારે મળશે ને સ્થપાશે ? એ પોતે અવાક બની વિચારે છે, જે પડઘા બનીને તેને પોતાને જ સંભળાય છે, તેનો અવાજ તેના ઘર કે ઝૂંપડાની બહાર પહોંચતો જ નથી. જે વિચાર આજે એક યક્ષપ્રશ્ન સમાન છે. આ સપનાનું સેવેલું સામ્રાજ્ય હવે જલ્દી ક્યારે આવશે ?
