સાક્ષી
સાક્ષી


નાનપણથી એમની ખિલખિલાટ મસ્તીથી મારી પાળ જીવંત બની જતી.
કંગના અને અંગના બંનેની એકસરખી જ વેશભૂષા, એકસરખી વાળની ગૂંથણી.
હું આમ જૂઓ તો નિર્જીવ કૂવો પણ બધી નાની-મોટી ઘટનાનો સાક્ષી.
પોતાની કોઈ પણ વાતની સચ્ચાઈ સાબિત કરવા બંને મારા સમ ખાય,
"પપ્પા, આંબલિયા કૂવાના સમ બસ?"
મને ગૌરવ થઈ આવતું .
એક દિવસ બંને ચકલીઓ ઉડી ગઈ. બંનેના લગ્ન બે સગા ભાઈઓ સાથે થયાં. જાનનો ઉતારો અહીયાં આ ફાર્મહાઉસમાં હતો એટલે મેં બધું માણ્યું.
વારેતહેવારે બંને બહેનો પિયર આવે ને મારા અંકમાં મનની વાતો ઠાલવે.
એટલું સમજાયું કે અંગનાનું જીવન ખુશહાલ હતું પણ કંગનાનો પતિ બધા લક્ષણે પૂરો હતો.
અંગનાને પુત્રની ભેટ મળી જ્યારે કંગનાના રિપોર્ટ બરાબર નહોતા એટલે ઘરમાં છાને ખૂણે એના પતિનાં બીજાં લગ્નની વાત થવા માંડી.
એક દિવસ એ આવી અને એણે જાતને મને સોંપી દીધી. બસ, એ દિવસે મને વાચા ન હોવાનો પારાવાર અફસોસ થયો. કંગનાને જન્મથી વ્હાલ આપ્યું હતું. એણે આત્મહત્યા જેવું પગલું ભર્યું ત્યારેય લાચાર હું મારી વ્હાલભરી છાલકથી એને ભીંજવતો રહ્યો. મને સગા બાપ જેવી વેદના થઈ..
આજે અંગના મારી પાસે બેઠી છે.
બંનેનો બાપ થોડે દૂર પાંદડાં ખરી ગયેલાં પેલા વૃક્ષ નીચે ગુમસુમ ઊભો છે.
કાશ, દીકરી ગુમાવ્યાનું દુ:ખ હું પણ એને જણાવી શકત.