સાહિત્ય વિનાશની કળા
સાહિત્ય વિનાશની કળા
જંગલમાં ચિચિયારીને શોરબકોર હતો. પક્ષીઓ, પ્રાણીઓ અને ભૂત પલીતો કહેવાતાં સાહિત્યકારો તેમનાં વિષે એલફેલ લખી ઉતારી પાડતાં હોય; દરેક પોતપોતાનો પક્ષ લઈને રજૂઆત કરવાં આતુર હતાં કે સાહિત્યકારો અમુક શબ્દનો ઉપયોગ બંધ કરે.
પોતાનાં શરીર કરતાં હજારો ગણા લાંબા પડછાયાં લઈને ઉલટા પગે ભૂત અને ચામડી વગરની ખુલ્લી પીઠ લઈ ચુડેલ સીધા જ સ્ટેજ ઉપર ચડી ગયાં. બિહામણી ચીસ પાડી ધારદાર દલીલ કરી કે માણસ જેવું કાઈં છે જ નહીં તો આ પલિત સાહિત્ય અમને કેમ ઉતારી પાડે છે ? સાહિત્ય સભાનાં પ્રમુખ સિંહે એક ઝાટકે ત્રાડ પાડી હુકમ કર્યો કે હવે કોઈ સાહિત્યકાર ભૂત, પલિત, મામો, પિશાચ, પ્રેત, જિન, સ્મશાન, મસાણ, સોનાપુરી, ઠાઠડી, નનામી, ખીજડો કે ચુડેલ જેવાં શબ્દ પ્રયોગ કરી શકશે નહીં.
કાં કાં કરતાં સેંકડો કાગડા એક બેસણામાં ભેગાં થયેલ ત્યાંથી સીધા ચાંચથી તાલી પાડતાં અહીં આવી પહોંચ્યાં. તેમણે રજૂઆત કરી કે અમે માણસ શ્રાદ્ધ નાખે તેનાં ઉપર નભીએ છીએ અને અમે તેમનાં પિતૃને શ્રાદ્ધ પહોંચાડવાનું નાટક વરસોથી કરીએ છીએ એટલે માણસ જેવું કઈંક છે એની અમને ખાતરી છે. કોઈ મહેમાન આવવાનાં હોય એની અમને આગોતરી જાણ થઈ જાય છે અને એને આધારે તો યજમાન અમે કાઉં કાઉં કરીયે પછી ઘર બંધ કરી જતાં રહે છે. અમે આટલું ઉપકારનું કામ કરીયે છીએ તોય માણસ અમને લુચ્ચા અને અપશુકનિયાળ ગણે છે, તેથી અમારી માંગ છે કે સાહિત્યકારો કાગડાં, કાગડી કે એમનાં પરિવારનાં કોઈનો ઉલ્લેખ કરી શકે નહીં. સિંહે માથું હલાવી પોતાની અનુમતિ જાહેર કરી આદેશ આપી દીધો કે સાહિત્યકારો કાગડાં, કાગડી કે એમનાં પરિવારનાં કોઈનો ઉલ્લેખ તો કરી શકશે નહીં પણ લુચ્ચા અને અપશુકનિયાળ શબ્દ જ શબ્દકોશમાંથી હટાવી દેવા હુકમ કર્યો.
શિયાળવાનાં ટોળાએ તો લાળી કરીને ગામ ગજવી મેલ્યું. શોરબકોરમાં કઈં સમજાયું નહીં એટલે મદદ કરવાં વાતુડા કાબરબેન આગળ આવ્યાં અને કહ્યું કે શિયાળને લુચ્ચા ન કહેવા માટે અને અમને વાતોડિયા ન કહેવા માટે આદેશ આપો. સિંહે તરત જ હા પાડી દીધી, સિંહે તો શેરડી, બાજરો, ડૂંડા, ચાડિયો અને ખેતર શબ્દ પણ રદ કરી દીધા. કાબર અને કાગડાની વાર્તા તરત અમલથી પાછી ખેંચી લીધી.
એટલામાં તો કોયલ બેન શરમાતા શરમાતા આવી પહોંચ્યા અને મીઠી ભાષામાં કહેવા લાગ્યા કે અમારી બોલીના કોઈ વખાણ કરે એ તો અમને ગમે છે, પણ પછી વખાણ સાંભળી કોયલાભાઈ તો ઠીક પણ માણસનાં છોકરાઓ પણ અમારી છેડતી અને બેઈજ્જતી કરે છે. સિંહે કોયલ, કોયલા, છોકરાં, ગાવું, કોકિલકંઠી, કેરી, છેડતી, પ્રેમ, લફરું અને ચાંચ પાકવી શબ્દ ઉપર આકરો પ્રતિબંધ ઠોકી દીધો.
એ પછી સિંહે તો કૂતરાં, ગલૂડિયાં, કરડવું, ભસવું, વફાદાર, વાંકી પૂંછડી અને કુરકુરિયાં શબ્દ ગેરકાયદેસર જાહેર કરી દીધાં. સિંહ પોતે તટસ્થ દેખાય એના માટે; જંગલનો રાજા, સિંહ, કેસરી, સિંહણ, શિકાર, સાસણ, ગીર તથા આ ઉપરાંત પંખી, પશુ, પ્રાણીઓના રહેણાંક માટે વપરાતા માળો, ગુફા, અડ્ડો, બોડ, બખોલ, કોઢ જેવા શબ્દ તાત્કાલિક અસરથી હટાવી દીધાં.
પક્ષીઓના કહેવાથી ચણવું, ચાંચ, પાંખ, ઉડવું, ઈંડા, તણખલું વગેરે શબ્દ શબ્દકોશમાંથી હટાવી દીધાં. પ્રાણીઓએ પંખીઓનો વાદ લઈ, બળદ, સાંઢ, ઢાંઢા, ખીલો, બાંધવું, ગમાણ, નીરણ, ઘાંસચારો, પોદરો, લીંડી, વાડો, રજકો, ચાસટીયો, ગાંગરવુ, ભાંભરવું, હણહણવું શબ્દ પ્રતિબંધિત કરવાં માંગ કરી. એટલામાં સાપ, નાગ, નોળિયો અને વીંછી હાથમાં હાથ જોડી મિત્રતાનું પ્રદર્શન કરતા આવી પહોંચ્યા અને દુશ્મનાવટ, ફેણ, ઝેર, ભોડું, મદારી, નાગિન શબ્દ હટાવવા માંગ કરી. સિંહે સહકારિતાના અભૂતપૂર્વ દર્શન કરાવવાં બધી માંગણી સ્વીકારી લીધી અને પોતે પ્રજાભક્ષક નહીં પણ રક્ષક છે તે પ્રદર્શિત કરવા વગર માંગણીએ હુકમ કર્યો કે હવેથી કોઈ સાહિત્યકાર કોઈ પણ પશુ, પંખી, પ્રાણી, ભૂત, પ્રેતનું નામ કવિતામાં, વાર્તામાં, સમાચારમાં કે સાહિત્યમાં કોઈ પણ જગ્યાએ લઈ શકશે નહીં.
બધાં ગેલમાં આવી જોર જોરથી ગાવા લાગ્યાં કે મહારાજ સાહિત્યકારોને ખોખલા કરવા હજુ કઈંક કરો. એક તબક્કે તો સિંહે વિચાર્યું કે આખી ડિક્ષનરી જ નાબૂદ કરી દંઉ મારા બાપાનું શું જવાનું છે. પણ સિંહણે ઈશારો કર્યો કે તમારા ગુણગાન ગાવા પણ થોડું ઘણું રહેવા દેવું પડશે. સિંહે બહુ વિચારી ઢોર, ઢાંખર, આખલો, ગરોળી, કાચિંડો, બહુરંગી, બહુરૂપી, અડાયું,રાશ, અછોડો, વરત, વરતડી, વરેડુ, નાથ, છીકલુ, રાંઢવુ, નાડી, નાળો, નોંજણું, ડામણ, ડેરો, જોતર, ખોળ, શીંગડા, ઝૂલ, ગોફણ, ગિલોલ, ખાણ, ડણક, ધોહરું, ઊંટડો, ધરાર, ઊલાળ, પૈયું, કોષ જેવા શબ્દ બિનસંસદીય જાહેર કર્યા. પશુ બાલસભાના આગ્રહે સિંહે બચ્ચાને લગતા શબ્દો નાબૂદ કર્યા, જેમકે વાછેરું, પાડું, ગાડરું, લવારું, મીંદડું, વછેરું, બોતડું, મદનિયું, ખોલકું, પીલું, કણા, સરાયું, ભુરડું અને ભૂંડળું.
સિંહે છેલ્લે અત્યંત આદર પૂર્વક હુકમ કર્યો કે કોઈ પશુ પંખીએ અહીંથી હલવાનું નથી. મેં તમારી માંગણી સ્વીકારી સાહિત્યકારોથી થતી તમારી બદનામીથી બચાવી લીધા છે તેના બદલામાં તમારે વારાફરતી મારા મુખારવિંદમાં સ્વાહા થવાનું છે કેમકે અમે હવે સાહિત્યકારોની બીકથી શિકાર કરવા બહાર જઈ શકીએ એમ નથી અને જવા માંગતા પણ નથી.
અને એક ઝાટકે સાહિત્યકારો નિઃશબ્દ અને નવરા થઈ ગયાં. પશુ પંખીની ખબર નથી.
