Rohit Kapadia

Tragedy

3  

Rohit Kapadia

Tragedy

સાદગીનો રંગ

સાદગીનો રંગ

3 mins
229


"આશા, પ્રકૃતિનાં અવનવા રંગોથી રંગાયેલી દુનિયા કેટલી રળિયામણી છે. રાત્રિનાં શ્યામળ સાળુને ચીરી સૂર્યની સવારી જ્યારે બહાર પડે છે ત્યારે આખું યે ગગન સોનેરી રંગોથી રંગાઈ જાય છે. બપોરના એ જ સૂર્ય આકાશને ભૂરા રંગથી રંગી દે છે. સાંજે તો પીળો, કેસરી, ગુલાબી, લાલ ને સોનેરી એવાં કંઈ કેટલાં યે રંગોથી આકાશ રંગાઈ જાય છે. આ રંગબેરંગી ફૂલો, આ વ્હાલા લાગે એવાં રંગોથી રંગાયેલા પતંગિયાઓ, આ લાલ, પીળા, લીલાં, કાળા, જાંબુડી અને કેસરી રંગોથી શોભતાં ફળો, આ વનરાજી, આ નવરંગી કલગીથી શોભતો કૂકડો,આ જાંબુડી રંગમાં સોનેરી ચાંદલાની ભાત સાથે પંખફેલાવતો મયૂર, આ કેસરી સાવજનાં ગર્વિષ્ટ મસ્તક પર શોભતી સોનેરી કેશવાળી, આ વિવિધ પ્રકારનાં રંગોવાળાં પંખીઓ અને પશુઓ સાચે જ આ રંગોની લહાણી કરનાર રંગારી વંદનીય છે. મને પણ આ રંગો ખૂબ જ ગમે. આપણાં લગ્ન પછી આવતીકાલે પ્રથમ હોળીનો તહેવાર આવશે. આપણે બધાં જ રંગો લઈ આવીને એકબીજાને ખૂબ રંગીશું. ખૂબ જ મજા કરીશું. એય, આશા ! તને કયો રંગ સહુથી વધારે ગમે ?. આશાએ કહ્યું "મારા વ્હાલા કવિરાજ, આમ તો મને બધાં જ રંગો ખૂબ જ ગમે, પણ સાચું કહું તો મને એક પણ રંગે રંગાવાનું ન ગમે. ગુલાલનો લાલ રંગ કોઈ જો જરાક પણ લગાડી જાય તો મને જરા પણ ન ગમે. મને તો સાદગીનો શ્ચેત રંગ જ ગમે. ખેર ! તમને આટલો રંગોથી રમવાનો શોખ છે તો હું તમને જે રંગો ગમતાં હશે તે બધાંથી માત્ર તમારા હાથે જ રંગાઈશ. "   

અમરે ખુશ થતાં કહ્યું" ભલે, રાણીસાહેબા ! હુજુરને તમારાં મુખ પરનાં ખિલખિલાટ હાસ્યમાં બધાં જ રંગો મળી જશે. તમારો નવરંગી આદેશ સર આંખો પર." બીજા દિવસે એ રંગોની ખરીદી કરવા બજારમાં ગયો. રંગોની પસંદગી કરતાં એણે વિચાર્યું કે એવાં આછા રંગોથી આશાને રંગીશ કે જેથી એનું સૌંદર્ય ઓર ખીલી ઉઠશે. પણ એને તો રંગોથી રંગાવાનું ગમતું જ નથી. તો પછી શું હું માત્ર મારી ખુશી માટે જ એને રંગું ? શું આ યોગ્ય છે ? એ મારી ખુશી માટે રંગાવા તૈયાર છે તો એની ખુશી માટે હું એને ન જ રંગું એ જ યોગ્ય છે. વિચારોમાં એ માળીની દુકાન પાસેથી પસાર થયો તો તાજા ગુલાબોની સુવાસ એનાં શ્ચાસમાં ભરાઈ ગઈ. એ સાથે જ ખુશીની લહેર એનાં મુખ પર ફરી વળી. એણે નક્કી કર્યું કે આશાને રંગોથી રંગાવાનું નથી ગમતું તો હું રંગવિહીન પાણીમાં સુગંધીદાર અત્તર ભરી એને રંગી દઈશ અને એ બહાને એને મહેંકાવી દઈશ. મિત્રોને રંગવા એણે નવ જુદા જુદા રંગો લીધાં ને આશા માટે ગુલાબ, ખસ અને કેવડાનું અત્તર લીધું. ખુશી ખુશી એ ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યાં જ એક પૂરપાટ ઝડપે આવતી ગાડીએ એને અડફેટમાં લીધો. હાથમાંના બધાં જ રંગો રસ્તા પર વિખરાઈ ગયાં. 'સુગંધની મલ્લિકા આશા' લખેલા કાગળમાં વીંટળાયેલી અત્તરની શીશીઓ એનાં હાથમાં અકબંધ રહી ને લાલ લોહીનાં ખાબોચિયાંમાં એનો દેહ નિષ્પ્રાણ પડી રહ્યો.

  આશાને જ્યારે અમરના હાથે લખાયેલ કાગળમાં વિંટળાયેલી ત્રણ અત્તરની શીશી મળી ત્યારે તે ગૂમસૂમ થઈ ગઈ. જોરથી એનાં હાથ એણે દીવાલ સાથે અફાળ્યાં ને લાલ, પીળી, લીલી ને ભૂરી બધી જ બંગડીઓ તૂટીને ચકનાચૂર થઈ ગઈ. એણે કપાળ પરનો લાલ ચટક ચાંલ્લો ભૂંસી નાખ્યો. રંગીન સાડી બદલીને એણે શ્ચેત વસ્ત્રો પરિધાન કર્યાં. હાથમાં રહેલી ચિઠ્ઠી એણે મસળી નાખી. અત્તરનીત્રણે શીશીને જમીન પર અફાળીને તોડી નાખી. વાતાવરણ મહેંકી ઉઠયું ને સુગંધની મલ્લિકા આશા બબડી ઊઠી " મને સાદગીનો શ્ચેત રંગ પસંદ હતો પણ આ રીતનો.....?" અને એ પોક મૂકીને રડી પડી. રંગહીન આંસુઓ સારતાં સારતાં એ અચાનક જ ખડખડાટ હસી પડી.. હસતાં હસતાં એ અમરને ગમતાં ખુશીઓનાં રંગ વિખેરતી રહી ને પછી સુગંધની સાથે ભળીને અમર પાસે પહોંચી ગઈ.     


Rate this content
Log in

Similar gujarati story from Tragedy