રૂપિયાના ઝાડ
રૂપિયાના ઝાડ
ધુડાકાકાને બે દીકરા હતા. મોટો ગમાન અને નાનો હંસરાજ.
મોટી ઉંમરે પહોંચેલા ધુડાકાકાએ તેમના હસ્તેની ટીંબાવાળી વાડી બે દીકરાને સરખા ભાગે વહેંચી આપી. બે બે એકર જમીન અને આંબાના ઝાડ બંને ભાઈને સરખા ભાગે ભાગમાં આવ્યાં.
બે ભાઈઓએ કબજો સંભાળીને ખેતી કરવાનું ચાલું કર્યું.
થોડા દિવસ પછી ધુડાકાકાનું અવસાન થયું. સમય વિતવા લાગ્યો.
ગમાન મોટો એટલે તેના બે દીકરા પણ મોટા હતા. બધા ખેતીના કામમાં રોકાયેલા રહેતા.
નાનો હંસરાજ તેને પણ બે દીકરા, તે પણ પિતાને મદદ કરતા.
ગમાન મોટો ખરો, પણ તેને ખેતીમાં રસ ઓછો હતો, બે વર્ષ ખેતી કરી પછી કંટાળો આવવા લાગ્યો, છોકરા પણ બાપની જેમ ધંધાના ઢાઉસ હતા. મજૂરી કરતાં જોર આવવા લાગ્યું, તેમને એકદમ ઝડપે પૈસા કમાવી લેવાની તલપ લાગી, ગમાનનું મન ખેતી પરથી ઉઠી ગયું, અને તેના ભાગની જમીન વેચીને પૈસા ભેગા કરવાનો ખરાબ વિચાર આવ્યો. બન્યું પણ એવું કે તેને ઘરાક પણ મળી ગયો અને બે એકરની વાડી દશ લાખમાં વેચી, પૈસા ભેગા કરી લીધા.
હંસરાજને ખબર પડી. પાછળથી ઘણો સમજાવ્યો પણ ન સમજ્યો.
હંસરાજ અને તેના દીકરા ખૂબ મહેનતું હતા.તેમણે તેમની વાડીમાં બીજા નવા આંબા, ચીકુ, દાડમના રોપા લાવીને વાવ્યા. માવજત કરવા લાગ્યા, ત્રણ ચાર વર્ષ તેમણે ખૂબ મહેનત કરી, ખેતીની આવક પણ બાગાયતી ખેતીમાં વપરાઈ જતી. કરકસર કરીને ઘર નિર્વાહ કરતા પણ ફળાઉ ઝાડનો સારો એવો ઉછેર કર્યો.
ગમાન તેના પૈસાથી કનકપુર શહેરમાં ખાતર અને બીયારણની દુકાન ચાલું કરી હતી તે ચાર વર્ષમાં ઊધારીના કારણે બંધ કરવી પડી. દેવું વધી ગયું. ત્રણેય બાપ દીકરો શહેરમાં બીજાની દુકાને નોકરી કરવા લાગ્યા.
અહીં હંસરાજને તેના ફળાઉ ઝાડ "ફળ" આપતાં થઈ ગયાં તેમણે રોકેલ રૂપિયાનું ફળ હવે મળવાનું ચાલું થઇ ગયું જાણે " "રૂપિયા ના ઝાડ"" ઊગી નીકળ્યા હોય તેવું લાગવા લાગ્યું.
સીઝન મુજબ આંબા ફળ આપવા લાગ્યા તો દાડમ અને ચીકુની પણ દૈનિક આવક થવા લાગી. રૂપિયાના ઢગલા થવા લાગ્યા. એવું લાગતું હતું કે ઝાડ પરથી ફળ નહીં પણ રૂપિયા ઉતરતા હોય તેવું થયું.
ગમાનને તેની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. પસ્તાવા સિવાય બીજું કરે પણ શું ?
ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે , " રૂપિયાના ઝાડ ઊગ્યા છે ?" સાચી વાત છે, રૂપિયાના ઝાડ નથી ઊગતા પણ સાચી મહેનત અને ભવિષ્યનો વિચાર કરીને કરેલ આયોજન હોય તો ફળરૂપી"રૂપિયા " આપતાં ઝાડ ચોક્કસ ઊગે છે.
