માવતર
માવતર
કાવેરીએ તેના પતિ અશ્વિનને કહી દીધું, " સાંભળ, મમ્મીની ટકટક મને ગમતી નથી, રોજ મારી સાથે જીભાજોડી કરે તે મને ગમતું નથી, હું તેમની માટે નવરી નથી કે આખો દિવસ તેમનો ઢસરડો જ કરતી ફરું. "
અશ્વિને કહ્યું, " અરે ડાર્લીંગ ! એમાં આટલી બધી હેરાન શું કામ થાય છે ? હું છું ને ? મમ્મીને સમજાવી દઈશ, તું આમ આકળી ન થા, ચાલ મને જમવાનું આપી દે, હું ઓફિસે જઈ આવું. પછી મમ્મીને વાત કરીશ."
જમીને તૈયાર થઈને નીકળતો હતો ત્યાં અવાજ આવ્યો, " અશ્વિન, મારી દવા પૂરી થઈ ગઈ છે, આ પાનું લઈ જા, આ વખતે મહિનાની પૂરી દવા લઈ આવજે, લે આ પાનું."
પપ્પાના હાથમાંથી ઝૂંટવીને પાનું લેતાં અશ્વિન બબડ્યો, " તમને બરાબર હોય તો પછી આવી મોંઘી દાટ ગોળીયો ખાવાનો આગ્રહ શું કામ રાખો છો ? "
પપ્પાએ કહ્યું, "અરે દીકરા ! ડોક્ટરે મને દવા ચાલું રાખવાનું કહ્યું છે, તોય ઠીક છે, તું આ મહિનાની દવા લઈ આવ, આવતા મહીને ડોકટરને બતાવીને ફેરફાર કરાવીશું."
બાઈક સ્ટાર્ટ કરીને અશ્વિન નીકળી ગયો.
રેખાબેને કહ્યું, " તમેય શું ? આમ નોકરી જવાના ટાઈમે છોકરાને હેરાન કરો છો ? "
અરે, તેમાં હેરાન કરવાની વાત કયાં આવી ? આપણે તેના માવતર છીએ, એ નહીં કરે તો બીજું કોણ કરશે ? "
"હા, તમારી વાત સાચી છે, તોય સમય જોઈને વાત કરતા રહો તો ?"
રેખાબેને બહારથી કહ્યું, " કાવેરી ? જમવાનું તૈયાર હોય તો મને અને તારા પપ્પાને પીરસી દે."
બેઠક રૂમમાંથી સણસણતો જવાબ આવ્યો, " બધું તૈયાર છે, જાતે લઈ લ્યો, આજ મને ઠીક નથી, કામ કરી કરીને હું તો હવે થાકી જાઉં છું, મેં જમી લીધું છે, તમે બે જણ જમી લ્યો, હા, પછી ચોકડીમાં તમારા વાસણ સાફ કરી લેજો, મને આજ ઠીક નથી. "
રેખાબેનનું મગજ ગયું, પણ સમય સૂચકતા વાપરીને કશું બોલ્યા નહીં, રસોડામાં જઈને બે થાળી પીરસી, બંને સાથે જમવા બેઠોં.
રેખાબેને વાત કરતાં કહ્યું, " આજ કાવેરીને બરાબર નથી એટલે તે આરામ કરે છે,"
ડાયાભાઈએ કહ્યું, " કાવેરી જમી કે બાકી છે ?"
રેખાબેને કહ્યું, " અશ્વિન સાથે તેણે જમી લીધું છે, હવે આરામ કરે છે ."
ડાયાભાઈ સમજી ગયા, સવારે અશ્વિનનું વર્તન અને કાવેરીનું બીમાર થવું શકમંદ લાગ્યું, કંઈ પણ ન બોલ્યા અને જમીને ઊભા થઈ ગયા.
બપોરે રેખાબેન કાવેરીને ચા આપવા ગયાં, કાવેરી જાણે બીજા પર ઉપકાર કરતી હોય તેમ કહ્યું, " નથી પીવી મારે ચા, અમને શાંતિથી રહેવા દો તોય ઘણું છે, અમે કંટાળી ગયાં છીએ."
વાતાવરણ ન બગડે તેથી રેખાબેન ચા મૂકીને રસોડામાં આવી ગયાં.
ડાયાભાઈ ચા પીતાં પીતાં બોલ્યા, " રેખા, મેં તો "પુત્રના પારણામાં અને વહુંના બારણામાં" લક્ષણ જાણી લીધાં હતાં પણ આમ અચાનક કાચિંડાની જેમ રંગ બદલશે તે નો'તી ખબર."
રેખાએ પણ હા માં હા કહી.
સાંજે અશ્વિન આવ્યો, સીધો બેડરૂમમાં ગયો, કાવેરીયે બીમારીનું નાટક ચાલું રાખ્યું હતું.
કાવેરીને મળીને બહાર આવીને મમ્મીને કહ્યું, " મમ્મી, તમે હવે હદ કરો છો, તમારો ત્રાસ વધી ગયો છે, કાવેરી બીમાર છે, તમે એને મેણાં ટોણાં દઈ દઈને હેરાન હેરાન કરી દીધી છે, તમે અમને શાંતિથી કેમ નથી રહેવા દેતાં ?"
રેખાબેને કહ્યું, " અશ્વિન આ શું બોલે છે ? કાવેરીને અમે દીકરીની જેમ રાખી છે, તેને કંઈ કહેતાં નથી, બેટા, તારી ભૂલ થાય છે, અમે તમારાં માવતર છીએ, તમારા સિવાય અમારું કોણ છે ?"
કાવેરી બહાર આવી, અશ્વિનના ખભે હાથ મૂકીને કહ્યું,
" અશ્વિન, આ લોકો સાથે હું રહી શકું તેમ નથી, મારાં મા બાપના ઘેર મેં કોઈ દિવસ કામ નથી કર્યુ, કામવાળી કામ કરી જતી, બહાર હરવા ફરવાની છૂટ હતી, બહાર જવા ગાડી હતી, અહીં શું છે ? અહીં મારો જીવ ગભરાય છે, આ લોકો મને મેણાં ટોણાં મારે છે, સુખે જીવવા દેતાં નથી."
અશ્વિને કહ્યું, " સાંભળ્યું? શું કહે છે કાવેરી ?"
વચમાં વાત કાપતાં ડાયાભાઈ બોલ્યા," મારી વાત સાંભળ અશ્વિન," તું જેની આંગળીના ઈશારેથી નાચે છે ને તેને પુછી લે કે તારી મમ્મીએ તારી કાવેરી માટે કેટલું બલીદાન આપ્યું છે ? અરે, કાવેરીના પગલાં જમીન પર ન પડે ને એટલા માટે તેણે ગાલીચા પાથરીને પ્રવેશ કરાવ્યો હતો પણ તેના પગલાં એ વખતે હું સમજી ગયો હતો, અશ્વિન, કાવેરીને અમારા સાથે નથી રહેવું, કારણ કે તેને આઝાદી જોઈએ છે, અમારી વેઠ કરવી ગમતી નથી, ફકત ને ફકત તેને રાજાશાહી ભોગવવી છે, અમે માવતર છીયે, તમારાથી અમે વધારે દિવાળી જોઈ છે દીકરા."
અશ્વિન તેના પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહ્યો.
ડાયાભાઈએ કાવેરીની સામે જોઈને કહ્યું, " કાવેરી, તમે જે તમારા બાપની જાહોજલાલીની વાત કરો છો ને, તે રહેવા દ્યો, સાસરામાં ક્યારેય બાપની મિલ્કતના વખાણ ન કરાય, સાસરું એટલે સાસરું, જેવું હોય તેવું તમારું આખરી મુકામ છે. સાસુ સસરાને તમે જો મા બાપની જેમ જોશોને તો તેમાંય તમને તમારાં મા બાપ દેખાશે, સાસુની સામે અદેખાઈ કરીને તમે મોટી ભૂલ કરી છે, કાવેરી, તમારે "નાચવું નહીં એટલે આંગણું વાંકુ" જેવો તાલ છે, ચોખ્ખે ચોખ્ખું કહી દોને કે અલગ થવું છે ?"
અશ્વિન કાવેરીનો પક્ષ લેતાં બોલ્યો, " પપ્પા તમે વધું બોલી રહ્યા છો."
ડાયાભાઈએ અશ્વિન સામે આંગળી કરતાં કહ્યું, " તું એમ સમજે છે કે આ વૃધ્ધ મા બાપ ઘમકીથી દબાઈ જશે ? મારે ન હતું કહેવું પણ તેં મોંઢામાં આંગળી નાખીને બોલાવ્યો છે, તું કાવેરીને સમજાવવાની જગ્યાએ તારી મમ્મીને સમજાવવા નીકળ્યો છે ? "
રેખાબેને કહ્યું, " બસ હવે મૂકી દ્યો, વાતનું વતેસર ન કરો, બધું સારું થશે."
ડાયાભાઈએ કહ્યું, " શું ધૂળ સારું થશે ? "
ડાયાભાઈએ કહ્યુ," અશ્વિન હું ધારું તો તમને આ ઘડી આ ઘરમાંથી કાઢી મૂકું તેમ છું પણ હું એમ નહીં કરું, કારણ કે, છોરુ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એટલામાં સમજી જજો.કાવેરી તું મારી દીકરીથી પણ વિશેષ છે, જો મર્યાદા ઓળંગવાનો પ્રયત્ન કરીશ તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહેજો."
અશ્વિન શરમિંદો થઈ ગયો, કાવેરીને તેની ભૂલ સમજાઈ ગઈ, બંને જણ મમ્મી પપ્પાના પગમાં પડીને માફી માંગી ....
મમ્મી પપ્પાએ બંનેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, " સવારનો ભૂલેલો સાંજે ઘેર આવે તેને ભૂલ્યો ન કહેવાય."
