ચતુર ખેડૂત
ચતુર ખેડૂત
ખેડૂતોની વસ્તીવાળું રામપર ગામ. માથું ફાડી નાંખે તેવો તડકો અને બફારો કંઇક જુદોજ. જેઠ મહીનાના પાછલા દિવસો ચાલી રહ્યા હતા. ખેડૂતો પોત પોતાના ખેતરોમાં સુડ કાઢવાનું કામ કરી રહ્યા હતા, તો કોઇ વળી તપેલી વસુંધરાને ખેડવાના કામમાં લાગી ગયા હતા, વચ્ચે વચ્ચે આકાશ તરફ મીટ માંડીને કહેતા હતા કે, "આ વર્ષે તો મેહુલીયો ચોક્કસ આવશે જ. એમ દર વર્ષે થોડો કંઈ રીસાઇ જાય ?"
એક દિવસની વાત છે, ખેડૂતો તેમના ખેતરોમાં વાડકાંટા અને સાફ સફાઇનું કામ કરી રહ્યા હતા, ત્યાં આકાશમાં ક્ષિતિજથી કાળી ડીબાંગ અબસણો જેવી વાદળીઓ જાતજાતના આકાર વાળી જાણે ધરતી પર હાલ જ તૂટી પડવાની હોય તેવો ડોળ કરતી પૂર્વ તરફ વણઝારની જેમ આક્રમણ કરી રહી હતી. અને જોતજોતામાં તો આ ખેતરો પર પહોંચી આવી અને આ ખેડૂતોને કામ કરતા જોઇને અટ હાસ્ય કરતી હોય તેમ ખીલખીલાટ કરવા લાગી. અંદરોઅંદર આનંદ અનુભવવા લાગી.
ખડખડાટ હસતી વાદળીઓને જોઇને એક ખેડૂતે કહ્યું, "અરે વાદળીઓ તમે આમ કેમ હસી રહી છો ?"
ત્યારે એક વાદળી બોલી, "અરે મુર્ખાઓ ! તમે આ શું કરી રહ્યા છો ? આવી ગરમીમાં પણ તમે ખેતરોમાં શું કરો છો ?"
ત્યારે ખેડૂતે જવાબ આપ્યો, "ઉનાળાના કપરા દિવસો પસાર થયા, હવે ચોમાસું નજીકમાં આવી રહ્યું છે, તમે અમારા ખેતરોમાં ચોક્કસ પધારશો એટલે તમારા માટે અમે અમારાં ખેતર સાફ કરી રહ્યા છીયે, વાડકાંટા કરી રહ્યા છીયે, સાફ ખેતરો હોય તો તમે મુંઝાવ નહીં ને ? એટલે અમે ખેતરોમાં મહેનત કરી રહ્યા છીયે."
ખેડૂતનો જવાબ સાંભળીને વાદળીઓ ફરી ખડખડાટ હસવા લાગી અને બોલી, "અરે ગમાર ખેડૂતો, તમે ગમે એટલી મહેનત કરશો, સાફ સફાઈ કરશો કે વાડકાંટા કરશો પણ અમે આ વર્ષે બીલકુલ વરસવાની નથી, અમારે આ સાલ વરસવું જ નથી."
બાજુમાં ઉભેલા એક વૃધ્ધ ચતુર ખેડૂતે કહ્યું , "અરે વાદળીઓ ! તમારે વરસવું હોય તો વરશો, ના વરસવું હોય તો તમારી મરજી પણ અમે તો ખેતરમાં દર વર્ષે મહેનત કરીએ છીયે અને કરીશું. કારણ કે , "અમે મહેનત ન કરીયે અને ખેડવાનું કામ ન કરીયે તો અમે અમારું આ કામ ભૂલી જઇયે. અમારે તો વડીલો વખતથી ચાલી આવતી ફરજ નીભાવવી જ પડે."
આ જવાબ સાંભળીને વાદળીઓ પણ વીચારમાં પડી ગઇ, મનોમન વીચારવા લાગી કે, "જો આ ખેડૂતો કામ ન કરે તો કામ કરવાની આવડત ભૂલી જાય તો આપણે આ વર્ષે ન વરસીયે તો આપણે પણ વરસવાનું ભૂલી જઇશું તો ?"
આ વીચારીને વાદળીઓ એટલું બધું હસી પડી કે તેમની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી અને જોતજોતામાં તો વસુંધરા પર વરસાદથી પાણીની રેલમછેલ થઇ ગઇ. ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા અને વાદળીઓ પણ....
