ચોકલેટ
ચોકલેટ
રુદ્ર શાળાએથી છૂટીને તેના મિત્ર રાકા સાથે વાતો કરતા કરતા છૂટા પડ્યા અને રુદ્ર ઘેર આવ્યો. ઘેર તેના મમ્મી પપ્પા તેની વાટ જોતા હતા. આજ રુદ્રનો જન્મ દિવસ હતો. તેના મમ્મી પપ્પા બસ તેની જ વાટ જોતા ઉભા હતા. રુદ્રે આવીને તેના મમ્મી પપ્પાના પગે લાગીને આશીર્વાદ લીધા પછી દફતર ટેબલ પર મુકીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો.
પપ્પા બહાર બાઇક ચાલુ કરતા હતા ત્યાં રુદ્રે આવીને કહયું ,"પપ્પા આજ બહાર જમવા જવાનું છે ?"
પપ્પાએ કહ્યું," ના દીકરા ! આજ આપણે ઘેર જ તારો બર્થ ડે ઉજવવાનો છે, ચાલ આપણે તારા માટે કેક અને ચોકલેટ લઇ આવીયે."
"ચાલો પપ્પા" કહીને રુદ્ર અને તેનાં મમ્મી બાઇક પર બેસીને બજારમાં નીકળી પડ્યાં.
"કભીભી" બેકરી આગળ બાઇક આવીને ઉભું રહ્યું.
જાતજાતની અને ભાતભાતની બેકરી જોઇને રુદ્રનું મન રાજી રાજી થઇ ગયું. બેકરીમાંથી મોટી કેક લીધી અને કેડબરીજની 50 ચોકલેટ લીધી તેમજ બીજું મટેરીયલ ખરીદ્યું.
કેક પર રુદ્રે "R" લખાવ્યું, પપ્પાએ પુછ્યું , "બેટા તારું પુરું નામ કેમ ન લખાવ્યું ?"
રુદ્રે કહ્યું, "બસ પપ્પા મને R જ બરાબર લાગે છે."
બધા બાઇક પર ઘેર આવ્યા, થોડીવારમાં તો તેના નાના મિત્રો અને આડોસી પાડોસી આવવા લાગ્યા, પણ રુદ્રને કોઇ આનંદ દેખાતો ન હતો. તે કોઇકની વાટ જોતો હતો.તેના પપ્પાએ ઘણીવાર બોલાવ્યો, તો 'આવુ છું' કહીને વાત ટાળવા લાગ્યો.
ત્યાં સામેથી આવતા રાકાને જોઇને તે ખુબ રાજી થયો. દોડીને તે રાકાને બાજી પડ્યો. બંને મિત્રો અંદર આવ્યા. રાકાના ગંદા કપડા જોઇને પપ્પાનો મિજાજ ગયો અને રુદ્રને ઠપકો આપતાં કહ્યું,"રુદ્ર, બેટા આ શું છે ? આ છોકરો કોણ છે ? કેમ આવ્યો છે ?"
રુદ્રે જવાબ આપતાં કહ્યું,"પપ્પા મને માફ કરજો, આ મારો મિત્ર રાકા છે, તેના મમ્મી પપ્પા ગુજરી ગયા છે, તે તેના ગરીબ કાકાના ઘેર રહે છે, તેનું કોઇ નથી, આજ તેનો પણ જન્મ દિવસ છે, પપ્પા, આજ મારો નહીં પણ આજ રાકાનો જન્મ દિવસ ઉજવવાનું મેં નક્કી કર્યું છે."
પપ્પા સમજી ગયા કે રુદ્રે "R" કેમ લખાવ્યું હતું ?
રાકાના હાથમાં છરી આપી અને રાકાએ છરીથી કેક કાપી.રુદ્રના પપ્પાએ તેમના હાથેજ રાકાને કેક ખવડાવી અને તેના હાથમાં ચોકલેટ આપી. ત્યારે બધા એકી સાથે બોલી ઉઠ્યા, "હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે રાકા, હેપ્પી બર્થ ડે ટુ યું."
રુદ્રે તમામને કેક અને ચોકલેટ આપ્યા. રુદ્રે તેના એક કપડાની જોડી રાકાને આપી, રાકા આ નવા કપડામાં રાજકુમાર જેવો દીપી ઉઠ્યો.
દીકરો ગરીબનો હોય કે અમીરનો, બર્થ ડે દરેક માટે આવે જ છે, ઉજવાય પણ છે પણ આજ રુદ્રે તેના જન્મ દિવસની ઉજવણીની ખુશી તેના ગરીબ મિત્ર રાકા સાથે કેક અને ચોકલેટથી માણી એટલી ખુશી કદાચ તેના જીવનમાં કયારેય નહીં મળી હોય..
આ રચના મારી સ્વરચિત છે.
કૌશિકભાઇ જોષી 'હરખ'
