ડોક્ટર એ જ ભગવાન
ડોક્ટર એ જ ભગવાન
આજ બારે મેઘ ખાંગા થયા હતા. બપોર પછી પડી રહેલ અનરાધાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દરેકના મનમાં ભય પેસી ગયો હતો કે હવે શું થશે ?
સો વર્ષની ઊંમરે પહોંચેલા પસાકાકા પણ કહેતા હતા કે તેઓએ તેમની જિંદગીમાં આવો વરસાદ નથી જોયો.
આમ તો આ નાનકડું ગામ એટલે સુવિધાથી વંચિત. શાળા અને સરકારી દવાખાના સીવાય કોઈ સુવિધા ન હતી. શહેર જવા પણ કોઈ સાધનો ન હતાં. તેમાંય આ ભારે વરસાદના લીધે ગામ વિખૂટું પડી ગયું હતું.
ધીમેધીમે રાત પડવા આવી હતી. લાઈટ તો બપોરથી જ ડૂલ થઈ ગઈ હતી. એટલે ગામલોકોએ કાચું પાકું જેમતેમ કરીને રસોઈ બનાવી ને જમી લીધું હતું, કારણ કે આજની રાત કાઢવી જોખમ ભરેલી હતી.
મારા ઘરની બાજુંમાં જ રઘુભાઈનું ઘર હતું. કાચું ઘર, નળિયામાંથી પાણી પડવા લાગ્યું.
તોય બિચારાં આ બે જણાં ખાટલા પર બેસીને રાત નીકળી જવાની વાટ જોતાં બેઠાં હતાં.
બરાબર રાત્રે 12 વાગે રઘુભાઈની પત્ની રાધાભાભીને પ્રસુતિની પીડા ઉપડી. રાધાભાભી તમામ તાકાત ભેગી કરીને આ દુખ સહન કરવાની કોશિષ કરતાં હતાં. લાચાર રઘુ તેને આશ્વાસન આપતો હતો. પણ રાધાભાભીથી દુખ સહન ન થતાં રઘુ મારા ધેર આવ્યો અને મને પરિસ્થિતિથી વાકેફ કર્યો. મેં પણ તેને આશ્વાસન આપીને તેને ઘેર મોકલ્યો અને હું ભારે વરસાદ વચ્ચે કંકુમા દાયણના ઘેર ગયો. કંકુમાને બધી વાત કરી. સેવા ભાવી કંકુમા મારી સાથે આવવા તૈયાર થઈ ગયાં. હું અને કંકુમા ભરાયેલા પાણીમાં પડતાં આખડતાં રધુના ધેર આવ્યાં.
રાધાભાભીની વેદનાની ચીસો સાંભળીને કંકુમા રાધાભાભીની રૂમમાં ગયાં. થોડીવાર પછી બહાર આવીને કહયું, " હવે મારાથી કંઈ થાય તેમ નથી, બાળક ઊંધું થઈ ગયું છે, હવે ડૉક્ટર સિવાય આરો નથી. "
હું અને રઘુ તો ગભરાઈ ગયા.
વિચારવા લાગ્યા કે, " આટલી મોડી અને મેઘલી રાતે ડોકટર સાહેબ આવશે ?"
તોય મારાથી ન રહેવાયું અને ધોધમાર વરસાદ વચ્ચે પણ હું હનુમાન દાદાનું નામ લઈને દવાખાને પહોંચ્યો. દવાખાનામાં જ ડોકટર સાહેબનું કવાર્ટર હતું બાજુમાં કમ્પાઉન્ડર અને સામે નર્સબહેનનું રહેણાંક હતું. હું ડૉક્ટર સાહેબના દરવાજાને ખખડાવી જોયું. થોડીવારમાં સાહેબ બહાર આવ્યા. મેં તેમને બધી વાત કરી અને કહ્યું, " સાહેબ, રધુભાઈની વહુંથી પીડા સહન થતી નથી, તેમને બચાવી લ્યો, હું તમને બે હાથ જોડીને વીનંતી કરું છું. "
ડોકટર સાહેબે કહ્યુ," અરે ભલામાણસ, આમ વિનંતી કરવાની ન હોય, અમે શા માટે છીયે ? વરસાદ છે તો શું થયું? કોઈનો જીવ બચાવવો એ અમારી પ્રથમ ફરજ છે, હું આ ગામનો ડોકટર છું મારાથી આવી સેવાનો લાભ મળે એ જ મારું અહોભાગ્ય છે, તમે ખુરશી પર બેસો. "
મારી આંખોમાથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. હનુમાનદાદાને વારંવાર યાદ કરવા લાગ્યો. કારણ કે આજ " દવા અને દુવા" બે જરૂરી હતાં.
ડોકટર સાહેબે કમ્પાઉન્ડર અને નર્સબહેન ને ફોનથી વાત કરી. તેઓ ત્રણેય રેઈનકોટ પહેરીને દવાખાને આવ્યાં,
તેમણે ઈમરજન્સી લાઈટનો સેટ અને નાનું જનરેટર તથા તમામ જરૂરી દવાઓ લઈને મારી સાથે નીકળી પડ્યા. રસ્તામાં ભરાયેલા પાણીને ચીરતા આખડતા રધુના ઘેર આવ્યા.
ઈમરજન્સી લાઈટ ચાલુ કરી પછી રાધાભાભીના રૂમમાં ગયા. રાધાભાભી જનમ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં હતાં, પગ પછાડી રહ્યાં હતાં, બચવાના કોઈ ચાન્સ ન હતા. .
પણ રાધાભાભી માટે ભગવાન બની આવેલા ડોકટર અને સ્વર્ગથી ઉતરી આવેલી અપ્સરાએ સ્થિતિને કાબૂમાં લીધી.
અથાગ મહેનત અને કિસ્મતના સાથથી ડોક્ટર સાહેબને સફળતા મળી અને સાવ સામાન્ય પ્રસુતિ થઈ અને રાધાભાભીએ બાબા ને જન્મ આપ્યો.
ત્યારે આવા ભયાનક વાતાવરણમાં પણ દરેકના મોઢા પર ખુશીની લહેર વ્યાપી ગઈ.
બધા ખુશખુશાલ થઈ ગયા. કંકુમાએ સાફસફાઈનું કામ કર્યુ.
રઘુએ તો ડોકટર સાહેબના પગ પકડી લીધા અને કહ્યું, " સાહેબ ! તમે તો મારા ભગવાન બનીને આવ્યા, મારી રાધુને અને મારા દીકરાને આમ બે જીવને બચાવી લીધા, તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, આવી ભયંકર આફત વચ્ચે પણ તમે તમારા જાનની પરવા કર્યા સિવાય એક ગરીબના ધેર આવી મારી રધુને બચાવી મારા પર મોટો ઉપકાર કર્યો છે, તમે જ ભગવાન છો. "
ડોકટરે કહ્યુ, " અરે , ભગવાનથી મોટું કોઈ નથી, હું તો માત્ર નિમિત્ત છું, બાકી જે થયું તે સંજોગ હતા. "
ડોક્ટર સાહેબ તેમના સ્ટાફ સાથે ફરીથી એ ભરાયેલા પાણીને ચીરતા ચીરતા દવાખાને ગયા.
મને કહેવાનું મન થાય છે કે , " જે પ્રસુતિના કેસ શહેરોની આલીશાન હોસ્પિટલના ડોકટરો સીઝિરીયન સીવાય નથી કરાવી શકતા તે આ ગામડામાં સેવા આપતા ડોકટર વિકટ સ્થિતિમાં પણ સાવ સામાન્ય પ્રસુતિ કરાવી, તેવા આ ડોકટર ભગવાનનું રૂપ નથી તો બીજું શું છે ?"
