પરીક્ષા - મારો અનુભવ
પરીક્ષા - મારો અનુભવ
1976માં ઓલ્ડ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી. તે સમયે ધો.11માં એસ.એસ.સી. પરીક્ષા અપાતી હતી. અમે એ વખતે છેલ્લી પરીક્ષા આપી તે વખતે ધો.10 વાળાએ પણ એસ.એસ.સી.ની પરીક્ષા આપી હતી એટલે ઓલ્ડ અને ન્યુ એસ.એસ.સી. કહેવાઈ.
એસ.એસ.સી.પરીક્ષા પાસ કર્યા પછી મેં સહું પ્રથમ પાલનપુર "પંચાલ ટાઈપીંગનો કોર્સ " કર્યો, ગુજરાતી ટાઈપીંગનો ક્લાસ કર્યો. પરીક્ષા આપી અને પાસ થયો. સર્ટી. પણ મળી ગયું.
તે વખતે "સરદાર કૃષિનગર દાંતિવાડા"માં યુનિવર્સિટીનું કામ ચાલું હતું એટલે કામ ચલાઉ ઑફિસ ટીનસેડમાં ચાલું કરવામાં આવી હતી. ત્યાં ગુજરાતી ટાઈપીસ્ટ કલાર્કની જાહેરાત પડી. મેં અરજી કરી. ( મારા જીવનની પરીક્ષા) નો કોલ આવ્યો. હું નિયત તારીખે મૌખિક પરીક્ષા આપી અને પાસ પણ થઈ ગયો. 10 જગ્યા માટે અમે 24 જણ હતા.
બે ત્રણ મહીના ઓર્ડરની વાટ જોઈ પણ કોઈ ઓર્ડર ન આવતાં હું જાતે તપાસ કરવા ગયો. ત્યાંના અધિકારીએ મને કહ્યું , " 10 જણ સિલેક્ટ થઈ ગયા છે અને તેમને ઓર્ડર પણ આપી દીધા છે તમે વેઈટીંગમાં છો જરુર પડશે તો ઓર્ડર કરશું."
મારી સાથે એક છોકરાએ પણ પરીક્ષા આપી હતી તે આ ઓફિસમાં કામ કરતો હતો મેં તેને જોયો, હું તેની પાસે ગયો, તેને મેં પૂછ્યું, " તારો મેળ કેવી રીતે પડ્યો ?"
તેણે કહ્યું," મારા બાપુજીએ ઓળખીતા સાથે લાગવગ કરી એટલે મને નોકરી મળી ગઈ.."
હું સમજી ગયો.ભાગ્યને જવાબદાર ઠેરવીને ઘેર આવી ગયો.
મહેસાણા રાજમહેલ રોડ પર આવેલ પાણી પુરવઠાની કચેરીથી પણ કોલ આવેલ તે વખતે પણ મૌખિક પરીક્ષા આપી અને પાસ પણ થઈ ગયો પણ ઓર્ડર ન મળ્યો. લાગવગના જમાનામાં આપણો ગજ ક્યાં વાગે ?
પછી તો વડોદરા " નર્મદા યોજના"ની કચેરીએ પણ પરીક્ષા આપી હતી પણ ત્યાં આપણી ઓળખાણ કયાંથી હોય ?
પાલનપુર પોલીસ ભર્તીમાં પણ પરીક્ષા આપી હતી અને પાસ પણ થઈ ગયો હતો પણ દોડની પરીક્ષામાં નાપાસ થયો.
મારા મોટાભાઈ એસ.ટી.ખાતામાં નોકરી કરતા હતા. એ ઓફિસમાં પણ ગુજરાતી ટાઈપીસ્ટ કલાર્કની જાહેરાત પડી, ભાઈએ ફોર્મ ભર્યુ અને પરીક્ષા આપી. પાસ થઈ ગયા. 1 જગ્યા માટે અમે પાંચ ઉમેદવાર હતા, તેમાં હું અને એસ.ટી.ખાતાના એક અધિકારીની દીકરી આમ અમે બે જ પાસ થયા હતા, હવે એક જગ્યા ભરવાની હોય તો પહેલા કોની પસંદગી થાય ? અને તે વખતે પણ આપણે રહી ગયા !
હું હવે પરીક્ષા આપી આપીને કંટાળી ગયો હતો, આવી નાની મોટી નોકરી માટે ઘણી પરીક્ષા આપી હતી પણ મેળ પડતો ન હતો.
છેવટે 1982માં કચ્છ જીલ્લામાં " તલાટી કમ મંત્રી ' માટે જાહેરાત પડી, ફોર્મ આવી ગયું પણ ફોર્મ ભરવાનું મન જ ન થયું, જેમ "દૂધનો દાઝયો છાસ ફૂંકી ફૂંકી ને પીવે" તેમ હું પણ વિચારવા લાગ્યો. છેવટે આખરી દાવ સમજીને ફોર્મ ભર્યુ. લેખિત પરીક્ષાનો કોલ આવ્યો. ભૂજ ઈન્દ્રાબા હાઈસ્કૂલમાં લેખિત પરીક્ષા આપી અને પાસ પણ થઈ ગયો. પાસ નંબર 223.
સમય પસાર થતો ગયો અને એક દિવસ અમને મૌખિક પરીક્ષા માટે બોલાવ્યા, મૌખિક પરીક્ષા આપી. પાસ પણ થઈ ગયો. પાસ ક્રમાંક 23 હતો.
કરમની કઠણાઈ હજું પીછો છોડતી ન હતી. 1984 સુધીમાં 20 જણને ઓર્ડર મળી ગયા. અમે લટકી પડયા.
ભૂજ તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે બીજા રાઉન્ડમાં આવશે.
અમે રાજી થયા, બીજો રાઉન્ડ છૂટવાનો હતો ત્યાં 1984માં વડાપ્રધાન ઈન્દિરાબેન ગાંધીની હત્યા થઈ ગઈ. બધું કામ અટકી પડયું અને અમારા ઓર્ડર અભરાઈએ ચઢી ગયા.
હવે ભગવાન અમારી "પરીક્ષા" લેતો હોય તેવું મને લાગવા લાગ્યું. ભગવાન સફળતા પણ અપાવે છે. તેવું મારાં બા કહેતાં.
છેલ્લે તારીખ :- 28-12-1985ના રોજ મને કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના ઐડા ગામે તલાટી કમ મંત્રી તરીકેનો હુકમ મળ્યો અને મારા કરમ આગળથી પાંદડુ હટી ગયું. હું તારીખ 31-12-1985ના રોજ મારી ફરજ પર હાજર થઈ ગયો.
બસ તે દિવસથી પરીક્ષા આપવાની રામાયણ બંધ થઈ.
