પિતા એટલે પરમેશ્વર
પિતા એટલે પરમેશ્વર
નાગરભાઈનો મુખ્ય ધંધો હાથલારી ખેંચવાનો. પાલનપુર ગંજની બહાર વહેલી સવારે હાથલારી લઈને પહોંચી જાય.
હાડ ગાળતી ઠંડી હોય, માથું ફાડી નાંખે તેવી ગરમી હોય કે પછી વરસાદ હોય નાગરભાઈ કોઈ દિવસ રજા ન પાડે. ફાટેલ તૂટેલ કપડાં અને ઉઘાડા પગે બારેમાસ લારી ખેંચવાનું કામ કરે. આશય બસ એટલો જ કે તેના પુત્ર રામુને ભણાવી ગણાવીને આગળ વધારવો.
તેની પત્નિ લાડબાઈ પણ ઘરવળુ હતી. આવકમાંથી કરકસર કરીને જીવન નિર્વાહ કરતી.
રામુ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. એટલે તેના પિતા રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરતો. 100,100 કિલોની ગુણીયો લારીથી ખેંચીને મજૂરી મેળવતો.
પિતાની આ ગરીબીનો શીકાર તેનો પુત્ર બન્યો હતો. તેના પિતા આવી સખત મજૂરી કરીને ભણાવે છે તે હવે રામુને ખબર પડી ગઈ હતી. તે કહેતો , "મારા પિતા ભલે ગરીબ છે, પણ તેમનું દિલ અમીર છે. "
શાળામાં રામુ ભોંઠો ન પડે તે માટે સાહુકારના છોકરા જેવા જ કપડાં અને નાસ્તાની વ્યવસ્થા તે કરી દેતા. જેથી રામુ સ્વમાનભેર જીવી શકે.
રામુને હવે તેના પિતા પ્રત્યે ખૂબ લાગણી થવા લાગી. તેના પિતા આટલી બધી મહેનત કરીને પણ તેના લાલનપાલનમાં કોઈ કચાસ નથી રાખતા એ વાત તેના મનમાં ઘર કરી ગઈ.
રામુ સરસ્વતિ હાઈસ્કૂલમાં ધો. 12 માં 90% સાથે પ્રથમ નંબરે પાસ થયો. તેના પિતાના આનંદનો પાર ન રહ્યો. આડોસી પાડોસી પણ અભિનંદનનો વરસાદ લરસાવવા લાગ્યાં. આગળ અભ્યાસ માટે ભલામણ પણ કરવા લાગ્યાં. પણ રામુને મન થયું કે, "આગળનો અભ્યાસ ખર્ચાળ હશે. મારા પિતાના હાથ હવે કાળી મજૂરી કરી શકે તેમ નથી. મારે તેમને કામમાં મદદ કરવી જોઈયે. " આવા વિચારોથી તેણે આગળ ભણવાનું માંડી વાળ્યું.
નોકરીની તપાસ ચાલું કરી અને એક દિવસ તેને મારા ટાવરમાં આવેલ વિશ્વાસ એગ્રો સીડસમાં નોકરી મળી ગઈ. મહીને 4000 ના પગારથી તેને નોકરી રાખ્યો. તેનું કામ જોઈને શેઠ ખૂબ ખુશ થતા.
એક મહીનો પુરો થયો. શેઠે તેને એક મહીનાનો પગાર ચુકવ્યો.
રામુ આજ એટલો ખુશ હતો કદાચ તેની જીંદગીમાં તે ક્યારેય આવો ખુશ થયો નહીં હોય.
સાંજે ઘેર જતી વખતે તે કપડાની દુકાનમાં ગયો, ત્યાંથી તેણે તેના પિતા માટે બે જોડી નવા કપડાં લીધાં. આગળ ગયો. લેડીઝ દુકાનેથી તેણે તેની માતા માટે એક સાડી લીધી. આગળ જતાં રસ્તામાંથી તેણે બુટ ચપ્પલ વાળાની દુકાનેથી તેના પિતા માટે એક જોડી બુટ અનૂ એક જોડી ચપ્પલ ખરીદ્યાં.
આ બધું લઈને તે ઘેર આવ્યો. પિતા તો આજ વહેલા ઘેર આવી ગયા હતા. તે ખાટલા પર બેઠા હતા. રામુ તેના પિતાના પગમાં પડીને ખૂબ રડ્યો. બસ તેનું એક સપનું હતું કે હું કમાઈને ઘેર આવું ત્યારે મારા પિતા બસ આમ ખાટલા પર મારી વાટ જોઈને બેઠા હોય. તેમને કોઈ જ કામ ન કરવાનું. આ વિચારોએ રામુને રડાવી દીધો. રામુએ સહું પ્રથમ તેના પિતાશ્રીના હાથમાં કપડાંની થેલી મૂકી. પિતાની આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ. પછી રામુ તેના પિતાના પગમાં બુટ પહેરાવવા જતો હતો કે તરતજ તેનાં માતા આવી પહોંચ્યાં. આ જોઈને બોલ્યાં , " અરે રામુ, આ શું કરે છે ? આ બધું શું છે ?"
રામુએ કહ્યું , " અરે બા ! આજ મારો પહેલો પગાર આવ્યો છે, હું મારા પિતા માટે કપડાં અને બુટ, ચપ્પલ લાવ્યો છું, મારા પિતાને બુટ પહેરાવું છું. "
માએ તેને રોકતાં બોલી," અરે આ શું કરે છે, મેં તારો પહેલો પગાર ભગવાનને પ્રસાદી માટે માન્યો છે, આ શું કર્યું ?"
રામુએ કહ્યું, " બા , હું કોઈ ભગવાનને જાણતો નથી, " મારા પિતા એજ મારા પરમેશ્વર. "
માના હાથમાંથી વાસીંદી પડી ગઈ અને દોડતી આવીને રામુને ગળે લગાવી દીધો.
પિતા એક છત્ર છે, પિતા એક છત છે. પિતા એક આધાર છે, પિતા એક સુખનો છાંયડો છે અને પિતા એક વિશ્વાસ છે. તે મને આજ સમજાયું છે બા.
" પિતાના ચરણોમાં લાખલાખ વંદન "
