રસાસ્વાદ
રસાસ્વાદ


કેટલીક રૂઢિગત માન્યતાને તાબે તમારે થવું જ પડે. તમે વિચાર તો કરો જે વ્યક્તિ સવારે બ્રહ્મમહુર્તમાં ઉઠીને ટીપટોપ તૈયાર થઈ ગઈ હોય, વળી પાછી એની જ સગાઈ હોય અને એને સવારમાં ના પાડી દેવામાં આવે કે તારે નથી આવવાનું. " યે દુનિયા, યે મહેફિલ મેરે કામ કી નહીં", ગીત મારા રૂદિયામાં ગુંજવાં લાગ્યું. ધૂમ ફિલ્મના અલીની જેમ મેરે ભી દિલ કે અરમાં આંસુઓમે બહે ગયે. છેવટે મારી ફિયાન્સી માટે લાવેલ ગિફ્ટ પણ વડીલો સામે છતી કરી ને સાવ અનાસક્ત ભાવે ," આ એને આપી દેજો" આટલું તો માંડ બોલાયું. છેવટે ગાડીઓ બધી ઉપડી ગઈ.
હું એકલો- અટૂલો ઘરમાં હવે શું કરવું એ વિચારતો હતો. ત્યાં વધુ એક આફત આવી. મારા મિત્રો ને નજીક રહેતા હોવાથી મને જ નથી લઈ જવામાં આવ્યો એ ખબર પડી ગઈ. પાંચ શેતાનોએ એક સાથે ગૃહપ્રવેશ કર્યો. પછીની અમારાં વચ્ચે થયેલી કેટલીક વાત-ચીત અત્રે અધ્યાહાર રાખીને મારી વાતને આગળ વધારું છું. બધાને ખબર હતી કે હું સારો રસોઈયો છું. બધા મિત્રોએ પાર્ટીની ફરમાઈશ કરી. મેં ભૂલથી તથાસ્તુ તો કહ્યું પણ પછી ખબર પડી કે ભક્તજનોએ આકરું વરદાન માગ્યું છે. વરદાનમાં મારે એમને એમના થનાર ભાભીના કોઈ પણ માધ્યમથી દર્શન કરાવવાના હતાં, મારે ઘરે જ સૌને ભાવતી વાનગીઓ બનાવવાની હતી અને સાંજ પડે એ પહેલાં ઘરે ખીજાય નહીં એ માટે બધું સગેવગે કરવાનું હતું. મારા ભાઈબંધ કિશોરની ખડખડવાહીની દ્વારા બજારમાંથી કાચી સામગ્રી લાવવામાં આવી. આ સમગ્ર ખર્ચનો દાતા હું રહીશ એવો ઠરાવ થયાં બાદ રીતસરનો આખો દિવસ મને લૂંટવામાં આવ્યો. ખજૂરબાર અને દાળ-રગડો એ મારી પોતાની જ શોધેલી બે વાનગીઓ બનાવવાનું નક્કી થયું. આ ઉપરાંત મારી મોનોપોલી ધરાવતી વાનગી " કેરીના રસના ભજીયાં " પણ બનાવવાનું નક્કી થયું. આટલી નાલાયકી ઓછી હોય એમ બધાએ જાહેરાત કરી કે , "આજે અમે કોઈ કશી પણ મદદ નહીં કરીએ." મેં એમને શું કહ્યું હશે એ લખવા કે પૂછવાની જરૂર ખરી. માળા બેટાને યાદ આવી ગયું કે મારાં બહેનના લગ્નમાં મારી ફિયાન્સી જાનમાં આવેલી. મારા બનેવી એનાં કાકા હતાં એટલે. બધા ક્યાંકથી એક વી.સી.આર ગોતી આવ્યા અને એમાં લગ્નની કેસેટ ચડાવી અને જાનની બસમાંથી ઉતરતી મારી ફિયાન્સીને કેસેટ રિવાઇન્ડ કરી-કરીને જોતાં હતા અને હું બેઠો-બેઠો ભજીયાંનો લોટ ડોતો હતો! એ લોકોએ મને હેરાન કરવામાં કાઈ બાકી ના રાખ્યું. વાસણ પણ મેં ઉટકયાં. પણ આ બધામાં જે આનંદ આવ્યો એ આજે કોઈ ફાઈવ સ્ટાર હોટેલ પણ ન આપી શકે.
આજે એ મિત્રો જ લગ્નપ્રસંગે ભાઈ બનીને ઉભા રહે છે અને જ્યારે કોઈ કેરીના રસના ભજીયાં બોલે તો યાદ આવી જાય છે એક રસભરી સાંજ કે જે પાછી કયારેય જીવનમાં આવી જ નહીં !