અનિરૂધસિંહજી ઝાલા

Romance

4  

અનિરૂધસિંહજી ઝાલા

Romance

રણમાં કુદરતની કરામત પ્રેમ દિવસ

રણમાં કુદરતની કરામત પ્રેમ દિવસ

6 mins
330


રણકાંઠે રણની ધૂળમાં રહેતા મીઠું પકવવાના કામમાં માહિર અગરિયા પરિવારોમાં ગામમાં સહુથી વઘુ ભણેલ ધોરણ દશ ફેઈલ જુવાનિયો કાનીયો અને દીકરીમાં ગૌરવ મનાતી એસ. એસ. સી. પાસ કાજુડી સાથે ભણતાં, તે સમયથી જ઼ એકબીજા સાથે સ્નેહ સભર હૈયાથી જોડાયેલ હતાં. રણમાં છાપરું બનાવીને રહીને સાત મહિના મીઠું પકવીને ચોમાસામાં ઘેર આવતાં અને ચોમાસાના ચાર મહિના ગામમાં મોજ માણીને ફરી પાછાં રણની ધૂળમાં હાડમારીભર્યું જીવન જીવવા ચાલ્યાં જતા . આ વખતે જતાં પહેલાં કાનીયાએ કાજુડીને હાથ પકડીને ઘરની પાછળ નવેરીમાં લઇ જઈને રણની બોલીમાં કહ્યું હતું ,... 

"એય મારી તાજા ટામેટા જેવી બનેલી કાજુડી હવે તો તને આખી જ઼ ખાઈ જવાનું મન થાય છે. "

કાજુડી હાથ છોડાવીને છણકો કરતાં બોલી,.. "તો એક મહિને મનેય તારુ થોબડું ભાળવાં મળે છે. મારા દલડામાં કેવું વીતતું હશે ઈ તને નહીં સમજાય. "

કાનીયો કાજુડીના ગોરા ગાલ પર હાથ ફેરવતાં બોલ્યો,.. 

"અરે ઈ તો હું સીધું સામાન આલવાના બા'ને મારી ફટાકડીને જોવા જ઼ આવું છું. પણ આ વખતે તો જે થાવું હોય ઈ થાય પણ પેલો શે'રના લોકો જે વેલેન્ટાઈન દિવસ મનાવે છે તે દિવસે તું સૂરજ઼દાદા માથે આવે ત્યારે તારાથી બે ગાઉ દુર આવેલાં વેરાઈ બેટ પર આઈ જાજે. "

કાજુડી શરમાઈને કાનીયાની છાતીમાં ઢીંકો મારતાં બોલી,.. 

"એય ડોબા ઈ તો શે'રનાં સુખી લોકો મનાવે આપણે તો પ્રેમ દિવસ કાયમ મનાવીએ છીએ. "

કાનીયો બોલ્યો, "જો કાજલી આવું નાં કરાય હો. મારે તો શે'રના લોકોની જેમ ઈ દિવસે જ઼ તને મળીને મારા પ્રેમનું એવું બાણ મારવું છે કે તારાં દલડાંની આરપાર નીકળી જાય અને મારા પ્રેમનાં રંગથી તારી કાયા આખી રંગાઈ જાય. પછી તારા બાપાને મનાવી તારી સેંથીમાં સિંદૂર પણ પુરી દઈશ "

કાજુડી શરમાઈને બે હાથે મોઢું છુપાવી બોલી,... 

"હાય હાય કાનીયા આ બધું શે'રમાં જઈને શીખી આયો કે શું. ?" કહીને કાજુ કાનિયાના હાથમાંથી છટકીને ભાગી. 

કાનીયો બોલ્યો,... "શે'રના લોકો પણ કાયમ યાદ કરે એવો દિવસ ઉજવીશું પણ એ તો કહેતી જા આ પ્રેમ દિવસની ભેટ તને શું આપું. ?"

કાજુડી પછી લમણોવાળીને બોલી,. 

"કાનીયા પાંચ પાટીને પેન, ચોક અને એક લખવાનું કાળુ બોર્ડ લાવજે. "

કાનીયો ભડકીને કહે,.. હત્ત તારી જાતની કોક તો ગુલાબ માંગે, પણ તું આવું કેમ માંગે ?"

કાજુડી પાછી આવીને બોલી,..  "એ ગધેડાં ફૂલ તો તરત કરમાઈ જાહે જ્યારે તડકામાં પણ તારી લાવેલી આ ભેટથી રણમાં આજુબાજુ છાપરામાં રહેતાં છોકરાઓને હું સાત મહિના ભણાવીને વાંચતાં લખતાં કરી દઈશ અને પછી ગામડે આવીને નિશાળમાં ભણવાં બેસાડીશ. બાપડાં વીશ છોકરાઓનો મનખો સુધરી જાહે."

કાનીયો માથું ખંજવાળીને થોડો વિચાર  કરીને બોલ્યો,... 

"વાહ મારી છબીલી તું તો સાચે જ઼ ગાંધીજીની ભગત બની ગઈ હો પણ તારી વાત હાવ હાચી છે આપણે ભણ્યાં તો આપણા ભાઈઓને પણ ભણાવીએ અને હવે તો તેં માગ્યું ઈ જ઼ લઈને આઇસ હો. "

કાજુ બોલી,.. "કાનીયા ગમે ઈ થાય પણ તું આવજે હો નહીતર ત્યાં જ઼ ધૂળમાં દટાઈ જઈશ ને તું ગોતતો રહી જઈશ. "

કહીને કાજુડી ભાગી ગઈ. ચોમાસું પૂરું થતાં બધાં ઘરવખરી લઈને રણમાં ગયાં અને ચાર મહિના એકબીજાને યાદ કરી દર મહિને મુલાકાત કરીને વિતાવ્યાં બાદ જેની રાહ બંને કાગડોળે જોતાં હતાં તે વેલેન્ટાઈન ડે આવી ગયો. 

કાનીયો તો ધમલા ધોબી પાસે ઈસ્ત્રી કરાવીને રૂની પૂણી જેવાં સફેદ કપડાં અને માથે લાંબો ચાંદલો કરી મોઢૂ લાલ કરવા બે મીઠા પાન પેક કરાવીને કાજુડીની મંગાવેલ વસ્તુ લઈને સાઇકલ પર રણમાં જવા નીકળ્યો. 

કુદરત આજ જાણે આ સાચા પ્રેમીઓની કસોટી કરતી હોય તેમ ધૂળની ડમરીઓ આકાશે આંબવા લાગી અને સૂરજદાદા પણ છુપાઈ ગયાં. કુદરતની કરામત સામે માનવ સદાય લાચાર બને છે. કાનીયાએ મનમાં વિચાર્યુ,.. 

 "ભારે કરી આ જોરદાર ઉડણ ઉડવા લાગ્યું છે અને કાજુડી તો બેટ પર પહોંચીને બિચારી એકલી હિયાટી જાહે અંધારું ભાળીને. એ તો ઠીક પણ તોફાનમાં ફસાઈને ગભરાઈને ધૂળમાં પણ દટાઈ જવાની બીક છે. મારે ગમે તેમ કરીને વાયદો નિભાવવો જ઼ પડશે. "

રણની વચ્ચે કાનીયો તોફાનમાં સાઇકલ ચલાવવા મથતો હતો પણ તે કાબુમાં રહેતી ન હતી. આખરે થાકીને તેણે સાઇકલ પડતી મૂકીને વેરાઈ બેટ તરફ દોડ્યો. અથડાતો કુટાતો ભરબપોરે ઉડણનાં લીધે થયેલાં અંધારામાં તોફાનમાં દોડતો રહયો. કાજુડીની ચિંતામાં તે હિંમત હારી ગયો હતો. મંજિલ હજી બહુ દુર હતી. અચાનક રાજદૂતનો અવાજ તેને સંભળાયો અને તે અવાજ તરફ દોડ્યો જોયું તો કાનીયો જેમનાં ત્યાં કામ કરતો એ ઝીંઝુવાડાના દરબાર મધુભા બાપુ હતાં. તેમને કાનીયાને જોયો અને ગુસ્સામાં બોલ્યાં,..

"અલ્યા કાનીયા તું આવા તોફાનમાં અહીં કેમ રખડે છે ? અને તારી સાઇકલ ક્યાં ગઈ ? હેંડ જલ્દી બેહી જા પાછળ."

કાનીયો દોડીને મધુભા જોડે જઈને બોલ્યો, "બાપુ.. બાપુ.. ! " તે આગળ બોલી ન શક્યો માત્ર ઈશારો કરતો રહયો. રણનાં અનુભવી મધુભા બોલ્યાં,.. 

"અલ્યા પણ બોલ તો ખરો તો કાંક ખબર પડે. પે'લા તું બાઈક પર બેસ.. !"

કાનીયો રાજદૂત પર બેસી માત્ર ઈશારો કરી ચાર જ઼ શબ્દ બોલી શક્યો, 

"વેરાઈ બેટ મારી કાજુડી. "

રણનાં અનુભવી મધુભાએ વખત પારખીને તરત જ઼ રાજદૂત વેરાઈ બેટ તરફ ફૂલ સ્પીડમાં દોડાવ્યું. રણની રાજા ગાડી કહેવાતું રાજદૂત અને મધુભા આજે જાણે દેવદૂત બની આવ્યાં હોય તેમ કાનીયાને લાગ્યું. વેરાઈ બેટ પહોંચતાં જ઼ મધુભા બોલ્યાં,.. 

"ઉતર જલ્દી અને હું લાઈટ કરું બાઈકની તું શોધ. "

પછી તો હાંફળો ફાંફળો કાનીયો રડતો રડતો "કાજુ ઓ કાજુ.. " બૂમો પડતો રહયો પણ ભારે વાવાઝોડામાં ધૂળ સિવાય કંઈ દેખાતું નહોતું. કાનીયો થાકીને માથે હાથ રાખી પોક મૂકીને રડવા લાગ્યો પણ મધુભાએ તેનો કોલર પકડીને ઊભો કર્યોને હિંમત આપતાં કહે,. 

"અલ્યા ભગવાન રક્ષા કરે તમારી કાંઈ નહીં થાય તું ગોત કાજુડીને આમ ગભરાઈશ નહીં. હું છું ને તારી જોડે. "

કાનીયો ફરી ધૂળમાં દોડવા લાગ્યો અને માતાજીને કહેવા લાગ્યો,.

"હે રાજબાઇમા મારી કાજુડીની રક્ષા કરજો મને મદદ કરીને શોધી આપો. "

કાનીયાની પ્રાર્થના કુદરતે સાંભળી હોય તેમ તોફાન ઓછું થવાં લાગ્યું અને નભ ઝરૂખે ભગવાન સૂર્યનારાયણે માથેથી સોનેરી કિરણો નીચે મોકલ્યાં અને તે દિવ્ય પ્રકાશ કાનીયો આંખ ખોલે અને સામે ધૂળમાં દબાઈને બે પગ વચ્ચે માથું દબાવીને બેઠેલી તેની હદયની રાણી કાજુડીના માથાનાં વાળ પર કિરણો પડતાં તે દેખાઈ. કાનીયાએ બૂમ પાડી,.. 

"બાપુ કાજુડી મળી ગઈ. " કહીને દોડ્યો પણ કાજુડી ઢીચણ સુધી ધૂળમાં દબાયેલ હતી માથું બે પગ વચ્ચે દબાયેલું મરેલાં જેવી લાગતાં કાનીયો હિંમત હારીને કાજુડીના પગ પાસે ઢીચણીયે પડી રડવા લાગ્યો. દૂરથી મધુભા આ દ્રશ્ય જોતાં તેમને પણ ખુબ જ઼ દુઃખ થતાં ત્યાં જ઼ નીચે બેસી ગયાં.

કાનીયો રડતાં રડતાં કહે,.. "કાજુડી ઓ મારી કાજુ મારી ભૂલનાં કારણે તું મને છોડી ગઈ પણ હું તને એકલી નહીં જવા દઉં હું પણ આવું છું તારી સાથે આપણે સ્વર્ગમાં સાથે પ્રેમ દિવસ મનાવશું."

કાનીયો પાગલ બની પોતાની કેડમાંથી છૂરી કાઢીને ગળે મૂકવાં જતો ત્યાં જોઈને મધુભા દૂરથી દોડતાં બૂમ પાડે છે,. " એય કાનીયા અરે આવું ન કરાય "

માણસની બધી કરામત કામ ન લાગી અને હવે જાણે કુદરતની કરામત જોવા મળી. અચાનક કાજુડી પરની ધૂળ ઉડે છે અને કાજુડી ધૂળમાંથી માથું ઉંચુ કરીને બોલી,

"મારો કાનીયો આવી ગયો."

 કાનીયાને નવાઈ લાગી અને ગળે અડાળેલી છૂરી ફેંકીને તે દોડ્યો અને કાજુડીને પોતાની બાહોમાં દબાવી દીધી.

પિક્ચરનો સારો અંત આવ્યો હોય તેવુ જોતાં કાનીયાને આત્મહત્યા કરતો રોકવાં આવેલ મધુભા હસીને આ બે પ્રેમીઓ શરમાય નહીં એટલે અવળા ફરીને ચાલતાં થયાં.

આ તરફ કાજુડી બોલી, "મને મારા કાનીયા પર વિશ્વાસ હતો એટલે હું આમ અહીં માતાજીનું સ્મરણ કરતાં બેસી ગઈ હતી અને તું સાચે જ઼ તોફાનમાં પણ આવી ગયો. જો કાના પ્રેમ દિવસ આપણો ઉજવાઈ ગયો."

કાનો રડતાં રડતાં બોલ્યો, "મારી લાલ ટમાટીને ખુબ શુભકામના." ફરી બંને એકબીજાની બાહોમાં છુપાઈ ગયાં. આમ તોફાનમાં વેરાન રણમાં વેલેન્ટાઈન હદયનાં ઝાઝેરા હેતથી આ પ્રેમી પંખીડા ઊજવવા લાગ્યાં.

અચાનક રાજદૂતનું હોર્ન વાગતાં બંને શરમાઈને ઊભા થઈ ગયાં અને મધુભા બોલ્યાં,. "અલ્યા સાચો વેલેન્ટાઈન ડે તો તમારો બંનેનો જ઼ ઉજવાયો કહેવાય હો પ્રકૃતિની ગોદમાં. "

કહીને ખુશ થઈને કાનીયાને ખિસ્સામાંથી બે હજાર આપતાં બાપુ બોલ્યાં,  "લે કાનીયા આ તમને બંનેને મારા તરફથી ભેટ આપું એડવાન્સ હાથગરણુ તમારા લગ્નનું અને જા મારુ રાજદૂત લી જા અને કાજુડીને ગમે તે અપાવી આવ."

 કાજુડી મધુભાને પગે લાગતાં બોલી,"બાપુ એ મારા માટે ભેટ લાવ્યો છે સ્લેટ, પેન, ચોક અને બોર્ડ એટલે હું છાપરાંના બાળકોને ભણાવીશ. અમારો પ્રેમ દિવસ ઉજવાઈ ગયો."

મધુભા પણ નવાઈ પામ્યાં આવી સેવા સાથે વેલેન્ટાઈન ડે ઉજવણીની વાત સાંભળી પણ તે ફરી કડક અવાજે બોલ્યાં,. "અલ્યા કાનીયા સાંભળ્યું નહીં તે જા બોલ્યાં વગર રાજદૂત લઈને જા અને કાજુડીને શહેરમાં ફેરવીને પિક્ચર બતાવીને જ઼ આવજે હો."

બાપુનો હુકમ માનીને હરખાતો કાનીયો ફટાફટ રાજદૂત લઈને કાજુડીને બેસાડીને ધૂળના ગોટા ઉડાડતો રણમાં અદ્રશ્ય થયો અને મધુભા સૂરજદાદા સામું હાથ ફેલાવીને બોલ્યાં, "વાહ રે કુદરતની કરામત...! આજ઼ કાંઈક સારું કાર્ય મારા હાથે થયું હોય તેમ લાગ્યું. મારો પણ જાણે વેલેન્ટાઈન ડે ઉજવાઈ ગયો."


Rate this content
Log in

Similar gujarati story from Romance