રેસ
રેસ
આમ તો રોજ અલગ અલગ રસ્તો પકડવાનો હોય. મારું કામ જ ફિલ્ડ વર્કનું. એટલે કોઈ વાર પચાસેક કિલોમીટર પણ જવાનું થાય. પણ રસ્તે આવતા લહેરાતાં ખેતરો, દૂર દૂર સુધી નજર પહોચે ત્યાં સુધી લહેરાતો ઊભો પાક, ક્યારેક એમ થાય કે હું જ નજર ન લગાડી દઉં ! તો ક્યારેક નાની મોટી ટેકરીઓ, તો ક્યારેક હિલોળા લેતું પાણી, તો ક્યારેક ઘૂઘવતો દરિયો. અને તેનાથી પણ ઘૂઘવતા મનમાં ચાલતા વિચારો. બસ આવા નૈસર્ગિક વાતાવરણ અને મારા વિચારોની સંગાથે રસ્તો ક્યાં કપાઈ જતો તેની ખબર જ ન રહેતી. આજ હાઈવે પર ટ્રાફિક ન હોય, રસ્તો ચોખ્ખો હતો. એટલે રોજની જેમ આજે પણ મારી સ્કૂટીમાં નોર્મલ કરતા વધુ સ્પીડમાં હું જતી હતી. તેવામાં એક બાઈક સવારને મેં ઓવર ટેક કર્યું. મારી સ્પીડથી ઘવાયો હોય કે પછી એક છોકરી તેનાથી આગળ નીકળી ગઈ તે વાતથી ઈગો હર્ટ થયો હોય. જે હોય તે, પણ તેણેય મને ઓવર ટેક કરી. આવું ઘણી વાર બનતું. પણ આજ જરા આ ઉંદર બિલ્લીનો ખેલ લાંબો ચાલ્યો. આખરે બાઈક સવારનું ડેસ્ટીનેશન આવતા આ ખેલ સ્ટોપ થયો.
ખેલ અહીં સ્ટોપ થયો અને વિચારોનો ખેલ મગજમાં શરૂ થયો. વિચાર્યું કે હું ક્યાં તે અજાણ્યા માણસની સાથે કોઈ રેસમાં હતી. હું તો મારી સાથેની જ રેસમાં હતી અને આ મારું રોજનું હતું સવારે એલાર્મને આંગળીથી ઊડાડી આઘો કરું. અને બીજી દસ મિનિટ ઊંઘ સાથે ગેલ કરી લઉં. અને પછી ઊઠું એટલે આ આંગળીથી ઊડાડીને કરેલ મજાકનો બદલો લેવા સમય તૈયાર જ હોય ! અને તે પછી મારી જે લેફટ રાઈટ લેવાય તે સ્કૂટીની સીટમાં બેઠાં પછી જ શાંત થાય. હવે સવારે કરેલ ગેલને પહોંચી વળવા મારી પોતાની જ મારાં સમય સાથે રેસ ચાલતી હોય. બને ત્યાં સુધી સમયસર કામ પર પહોંચવાનો જ મારો આગ્રહ હોય. પણ આજ મારી આ રેસમાં આ ભાઈ પણ આજ સામેલ થયા !
બસ જિંદગીમાં આવું જ છે. ક્યારેક આપણે કંઈ જ લાગતું વળગતું ન હોય તો પણ તેની સાથે આપણે રેસમાં ઉતરીએ છીએ. અને હારીએ તો ખોટો અફસોસ કરીએ છીએ અને જીતીએ તો ખોટો જશ્ન માનવીએ છે. કારણ જેની સાથે આપણે રેસ લગાવતાં હતા હકીકતમાં તો તે પોતાનું જીવન જીવતા હતાં. અને આપણે કંઈ વિચાર્યા વગર બસ કૂદી પડીએ છીએ. એવું લાગે કે રસ્તામાં કૂતરું દોડતું હોય તો જાણે તે આપણી પાછળ જ દોડે છે એમ લાગે. અને આપણે ધીમા પડીએ અને તે આગળ જાય ત્યારે સમજાય કે તે તો તેના કામ માટે દોડતું હતું. આવી આંધળી દોટ વ્યક્તિને લક્ષ્યહિન બનાવે છે. તે પોતાનું લક્ષ્ય ભૂલી રેસમાં દોડે છે. બીજાં સાથેની રેસ નિરાશામાં ધકેલે છે. કાલ્પનિક ભય ઊભો કરે છે. એક અહમ્ ઊભો થાય છે અને આ અહમ્ ની સંતુષ્ટિ માણસને ખોખલો કરી નાખે છે. રેસ તો પોતાની જાત સાથે કરવાની છે. આજે જે કંઈ છીએ તેનાંથી કૈંક બહેતર બનવાનું છે. નહિ કે બીજાંથી બેટર. માટે જિંદગીની દરેક વાતને રેસમાં ન ધકેલો. દોડો ખુબ દોડો પણ પોતાને જ પામવા. બીજાંને પકડવા નહિ. બાકી આ રેસમાં ક્યાં ખોવાય જશો તે પણ ખબર નહિ પડે.
