ઈર્ષા
ઈર્ષા
વગર એસિડિટીએ જે બળતરા ઉપડે તેનું નામ ઈર્ષા. આવી ઈર્ષા જો પોઝિટિવ હોય તો મશાલ બની આગળ વધારે છે. અને જો નેગેટિવ હોય તો આગ બની બધું ખાખ કરી નાખે છે. ઈર્ષા સ્પર્ધાની જનની છે. સ્પર્ધા પોતાની સાથે જ હોય કે પોઝિટિવ હોય તો વિકાસ અને પ્રગતિ થાય છે. આગળ વધવાનું ઈંધણ પૂરું પાડે છે. એક ઉત્સાહ જગાડે છે. પણ જો આ જ સ્પર્ધા સરખામણીના રૂપમાં હોય તો તે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. આવી સ્પર્ધા માણસને ચિંતા અને હતાશામાં ધકેલે છે. અને ઈર્ષામાંથી ઉત્પન્ન થયેલી આવી સ્પર્ધા છેલ્લે આત્મઘાતી બને છે. આવી ઈર્ષા માણસના મનમાં મહાભારત સર્જે છે. જે પોતે સમજે છે કે આ યોગ્ય નથી પણ તે પોતાના વિચારો પાસે લાચાર બને છે. અને પોતાની પાસે જે સુખ રહેલું છે તે પણ ગુમાવે છે.
માટે જો આપણો આપણાં વિચારો પર,મગજ પર પૂરેપૂરો કાબૂ હોય તો જ આવા ઈર્ષાના ચકકરમાં પડવું. બાકી જે છે તેમાં મોજમાં રહેવું.
