PRAVIN MAKWANA

Tragedy Inspirational

3  

PRAVIN MAKWANA

Tragedy Inspirational

રાયગઢના ડુંગરોનું આ રતન અને કેન્સર

રાયગઢના ડુંગરોનું આ રતન અને કેન્સર

5 mins
167


‘‘ગિરા, જો આંખમાં પાણી લાવીને વાત કરવી હોય તો મારે વાત જ નથી કરવી.’’ – હા આ વાકય છે મારા મોટા બાપાના મોટા દીકરા, એટલે કે મારા મોટાભાઈની. સાવ સામાન્ય પરિવારમાંથી આવી સ્વબળે આગળ વધતા જ રહ્યા,અને ઈન્કમટેકક્ષ ઓફિસર સૂઘીની સફર !

નોકરીમાંથી નિવૃત્ત હજુ થયા ન હતા. નિવૃત્ત થઈને માંડ પગ વાળીને બેસવાના ટાણે જ ઈશ્વરને કુબુધ્ધિ સૂઝી. ખાવા-ખવડાવવાના શોખીન એવા મોટાભાઈની ભૂખ ક્રમશ: ઘટતી ગઈ. છ ફૂટ ઊંચા એ દેહને વ્યવસ્થિત ખાવાનું જોઈએ, પણ...આમ કેમ ? મારાં નિરુભાભી એમને ભાવતું બનાવી આપે, ઘરઘથ્થુ ઓસડિયાં અજમાવે છતાં કોઈ ફરક જણાયો નહીં. એટલે ચિંતા જરૂર થઈ આવી, પણ મટી જશે એવા આશ્વાસન સાથે દિવસો પસાર થતા રહ્યા.

સાબરકાંઠા જિલ્લાનું રાયગઢ વતન. પ્રતાપ સાગરના તળાવના એકે’ક પથ્થરથી મોટાભાઈ પરિચિત અને એ પથ્થર પણ આ પ્રતાપી પુત્રને ના ઓળખે એવું બને ખરું ? એવા ખડતલ દેહને આમ એકાએક થયું શું ? હિંમતનગર ખાતે ઈન્કમટેક્ષ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે. નામ એમનું બિપિનભાઈ ભોગીલાલ ઉપાઘ્યાય. આખું હિંમતનગર એમને ઓળખે. અમે બધાં મોટાભાઈ જ કહીએ, એટલે લેખમાં મોટાભાઈ શબ્દ જ એમની ઓળખ ! હિંમતનગર ખાતે ડૉ. વસંત પટેલ એમના જૂના અને જાણીતા મિત્ર, એમને બતાવ્યું. તપાસ કર્યા પછી એમણે વધુ નિદાન અર્થે અમદાવાદ જવાની સલાહ આપી. મોટાભાઈએ ત્યાર પછી અમદાવાદ ખાતે ગાડી દોડાવી. ભાભી થોડા નર્વસ થયાં, પણ મોટાભાઈ એવા મજાના માણસ કે ના પૂછો વાત ! મારાં ભાભીને ‘બડે’ એવા નામથી સંબોધે. એટલે ગાડીમાં જ કહયું, ‘બડે...આ ફરજમાં ને ફરજમાં ફરવાનું ભૂલી જઈએ એના કરતાં ‘‘અમદાવાદ બતાવું ચાલો...’’ એ ગીત ગણગણીએ. આમ ટેપ ચાલુ કરી સાથે-સાથે ગીતો ગણ-ગણતા, ભાભીની સાથે હળવી મજાક મસ્તી કરતા અમદાવાદ આવી ગયાં.

મોટાભાઈનો દીકરો નિખીલ એની પત્ની મિરાં સાથે અમદાવાદ રહે. એને ચિંતામાં મૂકયા વિના જ બે જગ્યાએ તપાસ કરાવી. આખરે તારણ આવ્યું. કાળમુખો અજગર મોં ફાડીને બેઠો હોય તેવું. જયારે નિદાન થયું ત્યારે જ એડવાન્સ સ્ટેજ હતું. પગ નીચેથી જમીન સરકી જાય, આંખે અંધારું છવાઈ જાય. મગજમાં શુન્યાવકાશ પ્રવર્તે, શરીર કહયામાં ન રહે. પરંતું આવી પડેલ પરિસ્થિતિ સામે હારી જાય તો મોટાભાઈ નહીં. રાયગઢના ડુંગરો અને એના પથ્થરમાંથી પેદા થયેલાને મોતનો ભય કેવો ? હવે.. હવે શું ? આનો માર્ગો તો શોધવો જ રહ્યો અને અમદાવાદ ખાતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાસે બાટાના શો રૂમ પાછળ આવેલી હોસ્પિટલમાં પહોંચ્યા. ડૉ.દેવલ અમરીશભાઈ પરીખે કેસ હાથમાં લીધો. જે તે ટેસ્ટ પરથી જાણ્યું કે વાત વણસી ચૂકી છે. ડૉકટર સાથે મિત્રતાના ભાવે કહયું, ‘‘ હું તો આ તકલીફ લઈને આવ્યો છું. મારામાં આત્મબળ છે, અને તમારામાં શ્રધ્ધા ! પછી તો હરિ કરે સો હોય ! ’’

ડૉકટરને ખુદ વિશ્વાસ ન બેઠો કે આ હદે કૅન્સર વ્યાપી ગયું છે તે વ્યકિત આવા વાકયો બોલે ? એમને પણ મોટાભાઈ એક પેશન્ટ નહીં આત્મીય સ્વજન જેવા લાગ્યા. ડૉકટર પંકજ શાહ કે જે ઓન્કોલોજીસ્ટ છે તેમની ટ્રીટમેન્ટ શરૂ કરી. મોટાભાઈને સૂડો મિસોથેલિઓમા પેરિટોની’- પેંક્રિયાટીક ઓરીજીન કે જે કેન્સરનો એક પ્રકાર છે તે પ્રકારના કૅન્સરે ભરડો લીધો હતો. છતાં હિંમતે મર્દા તો મદદે ખુદા.

નાનાભાઈ કૌશિકે હિંમત આપી તો કહેવા લાગ્યા, ‘ અરે ભલા માણસ ! મહર્ષિ વાલ્મીકિએ એક મજાની વાત કહી છે એ યાદ કરવી જ રહી. ‘‘સંકટમાં, શોકમાં, કે પ્રાણ નાશ પામે તેવા ભયજનક સંજોગોમાં પણ ભય વિના જે ધૈર્ય રાખે છે અને તેમાંથી માર્ગ શોઘે છે તે સુખ પામે છે.’’

આપણે તો માર્ગ શોધ્યો છે, પછી તો ‘‘हरि इचछा बलियसी’’! નોકરી ચાલુ હતી, સમાજના, ઘરના, નોકરીના પ્રશ્નોની સાથે-સાથે શરીર પણ પ્રશ્નોની હારમાળ સજૅતું રહયું. ખોરાકની રુચી તો ઘટી જ ગઈ હતી. દવાઓના ડોઝ સાથે દાવપેચ લાગેલો રહે, છતાં આત્મવિશ્વાસનું આખુંય આભ બગલમાં દબાવીને બેઠેલા એ પ્રતાપ સાગરના પ્રતાપી પુત્ર! વારંવાર ગેસની ફરિયાદ, હેડકીનો મારો, અને સાથે સાથે ડાયાબિટીશ અને બીપીનો બિલ્લીપગે પગ પેસારો... કુદરત કયાં કશું કદી માથે લે છે ? એક પછી એક છીદ્રો મૂકીને નાવ ડૂબાડવાના કાર્યમાં એ જોતરાયેલી રહે.  

દીકરી ઉર્વશી (રૂપા) અને (DHMS) હોમિયોપેથીમાં ડૉકટર થયેલા જમાઈ રાજ કંદર્પ ચિતરંજન ભટૃ પડખે રહે. મારા ભાભીને એક બાજુ સંભાળે તો મોટાભાઈની સાથે દોડધામમાં જોડાય. જોકે ભાઈ કૌશિકને એમાં ભૂલાય ? તો વળી મંથન (ભત્રીજો) તો રામનો દૂત હનુમાન જ જોઈ લ્યો ! જે તે ફળના રસ કાઢી આપવાના, દવા નિયમિત આપવાની, એક અવાજે દોડી જવાનું અને જે માગે તે હાજર કરનારો... પણ જાહ રે કુદરત ! દુ:ખ ક્યાં કોઈ ઉછીનું માથે લઈ શકે છે ?

આંતરડા ઉપર થયેલી ગાંઠનું દબાણ આવે, અને એ કારણોસર આંતરડાની અંદરનું પોલાણ સાંકડું થઈ જાય અને એના પરિણામે ચૉક-અપ થાય. એ દબાણ દૂર કરવા આંતરડાની અંદર સ્ટેન્ટ મૂકવું પડ્યું. આગળ જતાં કેન્સરની ગાંઠ વિસ્તાર પામી અને એ ફેફસાં સુધી પહોંચી.

 તફલીકોએ તોફાન જ નહીં રીતસરનું તાંડવ મચાવ્યું, છતાં વ્યકિત માત્રને એક શ્રદ્ધાના બળે આગળ ધ૫વું હોય છે. કોઈક ચમત્કાર થાય અને મટી જશે, તેવા આત્મવિશ્વાસ સાથે મોટાભાઈ બોલ્યા,‘‘આપણું શરીર યજ્ઞશાળા છે, એમાં શ્રદ્ધાનો અગ્નિ પ્રગટાવો.’’– યર્જુવેદ.

‘બડે.. શ્રદ્ધા રાખ, ઈશ્વર જે કરશે તે સારા માટે, એની ઈચ્છા વિના પાંદડુંય હાલતું નથી, તો ... આપણે હવે શ્રદ્ધા ન ગુમાવાય. તને ખબર છે ને આ દુનિયામાં નોખા વ્યકિતઓની નહીં, પણ અનોખા વ્યકિતઓની બોલબાલા છે. ચાલ આપણી ગાડી નાની છે, તું તો જાણે છે ને કે મને મોટી ગાડી ફેરવવી છે.’’ અને તકલીફોની તડાપીટ વેઠતા-વેઠતા એ સ્વીફટ ડિઝાયર લાવ્યા. હિંમતનગરના રસ્તાઓને બતાવ્યું કે પીડાઓને ધોઈને પીવા સરજાયેલો આ બીપીન ઘુમી રહ્યો છે મસ્તીથી ! જે મારગડે માતા-પિતા (પૂ.તારાબા ને બાપુજી) ચાલ્યા હતા તે રસ્તાઓ જોવા છે. ગાડીમાં બેઠાં-બેઠાં જૂના મિત્રોને મળવાનું, એમનાં ઘરે જવાનું, ચાર્ટડ એકાઉન્ટન્ટ અનિકેત શાહને મળવાનું, બજારમાં આંટો મારી આવવાનો, કોઈની તકલીફમાં ઊભા રહેવાનું...કોણ જાણે શરીર કેન્સરનું ઘર, ખોરાક-પાણી તો માત્ર નામના જ ! છતાં કયા બળે આ શરીર કાર્યરત રહેતું હશે ?

અમદાવાદ સિવિલમાં અને સેલ્વી હૉસ્પિટલમાં ૧૮ વખત કીમો. લીધાં. એક રાઉન્ડમાં ત્રણ એવા છ રાઉન્ડમાંથી પસાર થયા. કીમોની અસર બોત્તેર કલાક પ્રવર્તે અને પછી નોર્મલ થવાય. કીમોની સાયકલ ટાણે સાવ મોળું, મસાલા વિનાનું ખાવાનું. તેલ-ઘી પણ નહીં અને ફ્રુટસ પણ નહીં. શું ખાવું એ જ જાણે યક્ષ પ્રશ્ન. છતાં દુ:ખને દેખાડયું નથી, અન્ય આગળ ગાયું નથી. દુ:ખ પંડે વેઠી વાતોમાં એવા તો મશગુલ રહે અને રાખે કે ના પૂછો વાત !

‘‘દુ:ખને ભૂલી જવાથી દુ:ખ મટી જાય છે.’’ – ગાંધીજી. (પ્રાર્થના પ્રવચન ભાગ ૧ (૧૮૮))

 અમદાવાદમાં થલતેજ ખાતે આવેલા યાજ્ઞિક સાહેબ, તેમના દીકરી-જમાઈ, ભાઈઓ, પરિવાર, કાકા, શૈલેશ, બહેનો, ભાણીયાં અને અધધ મિત્રો.. સહુની સાથે હેતની હેલી વરસાવે. નાના-મોટા પ્રશ્નો અંગે દીકરા નિખીલને પૂછયું તો એણે કહયું, ‘મીરાંની પાસે મારા કરતાં વધારે માહિતી છે. પૂત્રવધુ પણ અળગી કયાં ? અહીં મંથન એટલે કે રામના હનુમાનને ભૂલાય ? પેટમાં અસહ્ય દુ્:ખાવા સાથે હિંમતનગરનો આ હેમપુષ્પ જાતે ડ્રાઈવીંગ કરીને અમદાવાદ જાય ત્યારે... એમની હિંમતને, આત્મબળને કયા નામથી નવાજી શકો ?

જે ડૉકટરોએ કહયું હતું કે આ પરિસ્થિતિમાં પૅશન્ટ ત્રણ માસથી વધારે જીવી ન શકે. ત્યાં પાંચ-પાંચ વરસ સુધી મોતને માત આપતા રહ્યા. પોતે જાણતા હતા કે વધારેમાં વધારે છ મહિના છું તમારા બધાંની સાથે... પણ હિંમતના કારણે લગભગ ચાર વર્ષ બોનસ જેવું જીવી ગયા.

શૅકસપિયરે કહ્યું છે કે ‘‘દુ:ખની એક ક્ષણ એક યુગ બરાબર હોય છે.’’ પણ જેણે દુ:ખની ક્ષણ ગણી જ નથી એને માટે તો ચોક્કસ એમ કહી શકાય કે એ એનક યુગ જીવી ગયા ને... જીવાડી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy