Heena Dave

Drama Inspirational

4  

Heena Dave

Drama Inspirational

રાય સાંભળો છો?

રાય સાંભળો છો?

4 mins
165


"રાય ! સાંભળો છો ? ઊઠો હવે. ચા પીલો." રઘુરાયની આંખ ખૂલી ગઈ.

પત્નીના મૃત્યુને હજી 14 દિવસ થયા છે.

આ વૃદ્ધત્વમાં જોડીદારનું મૃત્યુ સહજ વાત છે. પણ શું તે 'સહજ' છે ?

પોતાના એકના એક દીકરા વહુ, પૌત્ર-પૌત્રી સાથે રહેતા રઘુરાય, ધંધાની બધી જ જવાબદારી પુત્રને સોંપી, હવે સીતા સાથે નિવૃત્ત જીવન જીવી, યાત્રાઓ કરવી હતી. સીતા ખૂબ રડતી. મને કૈલાસ માન સરોવર જોવા લઈ જાઓ, ચારધામ લઈ જાઓ, તિરુપતિ લઈ જાવ.

પણ?

 એકાએક સીતા ચિરયાત્રાએ એકલી સફર કરવા નીકળી પડી.

સવારે પાંચ વાગ્યે રઘુરાયની આંખ ખુલી ગઈ. તેમને પત્નીનો મીઠો ટહુકો ફરી સંભળાયો." રાય સાંભળો છો ?"

       એક જમાનો એવો હતો કે "રાય !સાંભળો છો ?" સાંભળતા જ રઘુરાયના પેટમાં તેલ રેડાતું.હમણાં જ નવી માંગણી કરશે.કહેશે "પુત્રને નવી ગાડી અપાવો, કોલેજ જવું છે. પુત્રીને નવો મોબાઈલ અપાવો ."પણ પોતાને માટે? પોતાને માટે સીતાએ ક્યારે માગ્યું જ નથી અને મેં પણ ક્યારેય તેને ગમતું "સુખ 'નથી જ આપ્યુ.સદાય ધંધામાં રચ્યોપચ્યો રહ્યો છું.

'પપ્પાજી આ ચ્હા અને આ દવા." પુત્રવધૂના કોમળ અવાજે વિચારતંદ્રામાંથી જગાડ્યા.

"એકલા, જીવન જીવવું ખૂબ મુશ્કેલ છે રાય" રઘુરાય વિચારવા લાગ્યા. થોડા દિવસ બધું બરાબર ચાલશે અને પછી ?

 એક અવગણના !

પોતાની !

પોતાની જાતની !

પોતાની ઉપસ્થિતિની !

  રઘુરાય હલબલી ઉઠયા. "શું મારા બીજા વૃદ્ધમિત્રોની માફક હું પણ 'ભંગાર' બની જઈશ ? ના કોઈ માન-સન્માન ! બે ટાઈમનું જમવાનું, બે ટાઈમની ચ્હા માટે હું કાલાવાલા કરતો થઈ જઈશ ?"

  વાતાવરણ ભારે થઈ ગયું. ગળે ડૂમો ભરાઈ ગયો ."સીતા તારા વગરનું જીવન ક્યારેય કલ્પ્યું નહોતું. તો હવે આ કઈ રીતે બાકીની જિંદગીની સફર પૂરી કરીશ?"

"દાદાજી.. દાદાજી ..ચાલો. મમ્મી નાસ્તો કરવા બોલાવે છે." ફરી વિચારતંદ્રા તૂટી.

નાસ્તાના ટેબલ પર થોડા શબ્દોની આપ-લે.

 વળી ફરી સન્નાટો.

અહીં બેસવું તેમને કઠ્યું. પણ, પછી વિચાર્યું, "આ તો મારા મનનું જ કારણ છે." પૌત્રને લઈ બહાર બગીચામાં હિંચકે બેઠા.

"ચાલ તને નવડાવી દઉં. સ્કૂલનો ટાઈમ થઈ જશે." પુત્રવધૂનો એ જ કોમળ અવાજ.

"શું આ કોમળ અવાજ બદલાઈ જશે ?"

"તેના કરતા તમે જ બદલાઈ જાવને રાય !" સીતા જાણે હાથમાં ફરી, ચાનો કપ લઈ આવી અને બોલી.

"આમ ઘરમાં અને ઘરમાં મૂંગા મંતર બેસશો તો ગાંડા થઈ જશો ! નાસ્તો કર્યો, ચા પીધી, હવે બહાર જાવ. નહી તો ફરી ધંધાની ગાદી સંભાળો. પુત્રને કહેતા સંકોચ થાય તો, તમારી પાસે રાખેલ મૂડીમાંથી ફરી ધંધો કરો. નહિ નફો નહિ નુકશાન !બધા વૃદ્ધોને ભેગા કરી કંઈક નવું કરો. અવનવી જગ્યાએ જાઓ.

બેડરૂમમાંથી રસોડામાં અને રસોડામાંથી હિચકો કર્યા કરશો તો ડાયાબિટીસની એકને બદલે બે ગોળી લેવી પડશે. બીપીની ગોળી પણ વધારવી પડશે અને લોહી પાતળું કરવાની ઝંઝટ વાળી દવા તો ! અને વિચાર્યા કરો છો કે, મારી અવગણના કરશે ? પુત્ર પુત્રવધુ મારો તિરસ્કાર કરશે ? પણ રાય ! તમે એમની છાતી પર બેસી, આખો દિવસ માંગણી કર્યા કરશો તો તિરસ્કાર જ પામશોને ? અત્યાર સુધી હું તમને બધું હાથમાં આપતી હતી. હું ખૂબ થાકી જતી હતી. મારે છાતીમાં ખૂબ દુખાવો થતો હતો. તમારી સેવા ! વારેઘડીએ તમારી ચ્હા, તમારા ડાયાબિટીસની દવા ..આ બધી સરભરામાં હું મારી વેદના કોરાણી મૂકતી હતી.

રાય ! વહુ હજી નાની છે, નાદાન છે.તેને પણ સ્વપ્ના છે. થોડા કોડ છે. તમારી આવી મસમોટી જવાબદારી તેને માથે નાખી નહી દેતા. કારણ કે તેને પણ પતિ છે. પુત્રી છે. પુત્ર છે. તેની જવાબદારી પણ તેને નિભાવવાની છે. તો હું કહું છું તે સાંભળો છો ને? રાય ! સવારની ચા જાતે જ બનાવો.શક્ય હોય તો વહુ ને પણ તેમાંથી આપો. તમારી દવા પોતે જ લો. તમારું નાવાનું પાણી કપડાં જાતે જ લો અને સવાર સવારમાં બહાર ટહેલવા નીકળી જાઓ.મંદિરે જાવ, લાયબ્રેરીમાં બેસી વાંચો. સાંજે મિત્રો સાથે ફરવા નીકળી પડો. કોઈક સામાજિક સંસ્થામાં જોડાઈ તેમાં સેવા આપો.રાય ! 60 પછીનું જીવન ખરા અર્થમાં "સન્યાસી"જેવું બનાવો. જીભ પર સંયમ રાખો. રાય ! જીભ પર સંયમ એટલે ? જીભના ચટકા ઉપર સંયમ. બોલવા ઉપર સંયમ રાખો."

"હા !હા ! મર્યા પછી પણ પીછો નથી મૂકતી. સીતા લે હું બહાર જાઉં છું બસ."કહેતા રઘુરાય હિંચકા પરથી ઊભા થઈ ગયા.

"પપ્પા પ્લીઝ ! આમ દેવદાસ નહીં બનો." કહેતા પુત્ર આવ્યો અને પપ્પાને ભેટી પડ્યો. રડવા લાગ્યો. તેની પીઠ પર હાથ પ્રસરાવતા રઘુરાય સ્વસ્થ થવા જતા હતા, ત્યાં જ ફરી ટહુકો સાંભળ્યો.

"રાય સાંભળો છો ? આમ ગુસ્સે ના થાવ. હું ફરી હવે નહિ આવું બસ" !

થોડા વખત પછી શહેરના એક પ્લોટમાં "સીતા પુસ્તકાલય અને સીતા કેન્ટીન" ખુલી રહ્યું હતું. શહેરના બધા જ વૃદ્ધવડીલ ત્યાં પોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે તેમજ પોતાના સુખ દુઃખની યાત્રા કહેવા, ત્યાં ખુશી ખુશી ભેગા થતા હતા. એક ૯૦ વર્ષના વૃદ્ધ રઘુરાય, હજી પણ કાને હાથ દઈ અવાજ સાંભળવાની કોશિશ કરતા હતા. રાય ! સાંભળો છો ને ?"


Rate this content
Log in

Similar gujarati story from Drama