રાખડીનો રંગ બેનીનો સંગ
રાખડીનો રંગ બેનીનો સંગ


હું બાથરૂમમાં સ્નાન કરી બહાર આવ્યો. હાથમાં લાલ રંગના ધબ્બા દેખાયા. રાખડીનો કાચો રંગ કાંડા પર રેલાયો હતો. હાથ લગાવ્યો તો રાખડી પણ તૂટી ગઈ. પિતરાઈ બેને મોકલેલી રાખડી હતી. તહેવાર સાચવવા પૂરતી મોકલી હતી. કવરમાં માત્ર રાખડી. !! કોઈ પણ શાબ્દિક લાગણી નહીં. .અને મને મારી સગી બેન માયાની યાદ આવી ગઈ. અને આંખ ભીની થઈ ગઈ. માયા મારાથી 2 વર્ષ મોટી પણ એ મારા ગમા અણગમા બધું જ પારખે. સ્કૂલમાં નાસ્તાના ડબ્બામાં ચિઠ્ઠી અચૂક મૂકે, "ભાઈ ખાખરા ને જીરાલુ લગાવીને ખાજે. આખો ડબ્બો પૂરો કરજે" .
માયાને શ્વાસની તકલીફ હતી. પણ પિતાની ટૂંકી આવક એટલે એ જમાનામાં મોટા ડોક્ટરને બતાવવાનું મોંઘું પડે એટલે આયુર્વેદિક દવાથી જ ચલાવતા. ખરેખર તો માયાનો હૃદયનો વાલ્વ જ નબળો હતો. પણ એ પોતાનું દર્દ ખૂબીથી છૂપાવતી. હું એને સાઈકલ પર પાછળ બેસાડી સ્કૂલે મુકવા જતો. એક વાર મારાથી બેલેંસ રહ્યું નહિ અને એ પડી ગઈ. ખૂબ બધું વાગ્યું તો એણે મને આશ્વાસન આપ્યું , " ભાઈ તું ચિંતા ના કરીશ. હું ઘરે કહીશ કે સ્કૂલમાં દાદર પરથી પડી ગઈ છું. એટલે તને કોઈ નહિ મારે" આવો હતો પ્રેમ મારી બેન નો.
દિવાળીના દિવસોમાં રંગોળી એ દોરે હું રંગ પૂરું. લોકો જોવા આવે તો મને જ જશ આપે. એ કાયમ પરદાની પાછળ જ રહે. મારી કોઈપણ મુશ્કેલી હોય કાયમ મને હિંમત આપે અને કહે," સૌ સારા વાના થશે. ઈશ્વર પર વિશ્વાસ રાખ." વ્હાલ ના સંબંધ ને કોઈ સરનામાની જરૂર નથી હોતી. મેટ્રિકની પરીક્ષા પછી મારે ક્રિકેટનું બેટ લેવું હતું. મારી પાસે 50 રૂપિયા જ હતા અને બેટ 150નું આવે ત્યારે માયા એ છાનામાના એની ખાનગી બચતમાંથી 100 રૂપિયા આપ્યા હતા. એના લગ્નનો દિવસ કેવી રીતે ભૂલું? મારે એને કુકર ભેટ આપવું હતું. ત્યારે મારી પાસે 200 રૂપિયા જ હતા. કુકર 400 રૂપિયા નું હતું. ત્યારે પણ એણે મને કહ્યું કે 200 રૂપિયા હું આપું. પણ આ વખતે મને ખરાબ લાગે માંગવાનું. એટલે મેં મારા મિત્ર પાસેથી ઉધાર લઈ ને એને કુકર ભેટ આપ્યું હતું.
અને સમય વહેવા લાગ્યો. પણ દિવસે દિવસે માયાની શ્વાસની તકલીફ વધવા લાગી. હવે હૃદયનો વાલ્વ બદલવાની શસ્ત્રક્રિયા કરવી જ પડશે તો જ માયા બચે તેવું હતું અને અમે એને હોસ્પિટલમાં દાખલ કરી. અને મેં એના માથે હાથ ફેરવી એનું જ વાક્ય એને કહ્યું ,"સૌ સારા વાના થશે માયા. ધીરજ રાખજે." તો બોલી ," દરેક વખતે સારા વાના જ થાય તો ખરાબ વાના ક્યારે થાય ? પાગલ. અને જો કદાચ હું નહિ જીવું તો કાલે રક્ષા બંધન છે તું જાતે તારી મનગમતી રાખડી લાવી ને બાંધજે. " અને એ ખૂબ રડી. અને હું પણ જૂઠો દિલાસો આપતો રહ્યો કે સૌ સારું થશે. પણ ડોક્ટરે મને કહી રાખેલું કે 1 ટકો જ ચાન્સ છે બચવાનો.
અને એવું જ થયું રાતે એને ખૂબ જ ઉધરસ ચડી. લોહીની ઊલટીઓ થઈ અને શ્વાસ ભારે થવા લાગ્યો અને હું કઈ પણ કહું એ પહેલાં જ એને મારા હાથમાં એનો દેહ મૂકી દીધો. .મારો હાથ એના લાલ લોહીથી લથબથ થઈ ગયો.
અને તે દિવસ હતો રક્ષા બંધનનો. એની રાખડીના લાલ રંગમાં એના લોહીનો લાલ રંગ ભળી ગયો.