રાધાને શ્યામ મળી જાશે
રાધાને શ્યામ મળી જાશે


આમ તો વાત આખી મારા સપનાથી શરું કરીને સપનાંમાં જ પૂરી થઇ જાય છે. પણ મારે મારી આ વાતને જીવંત બનાવવી છે. આથી હું સપનાની સફરને હકીકતમાં જીવવા જઈ રહી છું. અરે મજા આવશે જુવો તો ખરા. મને ગમશે આ મારા સપનામાં તમે બધા પણ જોડાશો અને પ્રતિભાવ આપશો તો. તો ચાલો તમે પણ મારી સપનાંની દુનિયામાં ફેરવતી આવું....
*****
હા તો સપનાની વાત છે કાંઈક આવી. લગભગ એક મહિનાથી હું માંદી હતી. રોજ સાંજે ખૂબ જ તાવ આવે. તાવ ને જાણેકે મારી સાથે પ્રેમ થઈ ગયો હતો. એ પણ શું કરે બિચારો હું છું જ એટલી સુંદર. મને એકલી જોઈને મારી પાસે જ રહી ગયો. વાતાવરણમાં પલટો આવે કે સીધી અસર મારા પર થાય એ પછી પ્રેમની હોય કે રોગની. કાલ સુધી તો જાણે મારું શરીર પણ મને સાથ નહોતું દેતું. પણ આજની સવારે જાણે મને નવું આયુષ્ય આપ્યું. હા, સપનામાં પણ સવાર અને આયુષ્ય. જોયું ને કહ્યું હતું કે મજા આવશે આ સપનાની.
કરી લીધી છે દોસ્તી જ્વરે મારી સાથે
કહે થઈ ગયો છે પ્રેમ મને તારી સાથે...
કેમ કરી ને કહું એને કે,
હા,મને પણ પ્રેમ છે તારી સાથે!
જયારે બાંધી લીધા બંધન મેં તો મારા શ્યામ સાથે.
એક મહિનાથી મારો પ્રેમી બનીને રહયો હતો એ આજે એકાએક મારામાંથી જવા લાગ્યો. આજે હવે ઘણા દિવસે મને સારું લાગતું હતું. હું ઓશિકાને વળગીને ભગવાનને પ્રાર્થના કરીને સૂઈ ગઈ. સૂતી વખતે આજે મને ખાસ કોઈ એવા વિચાર પણ ન આવ્યાં. મને કયારે ઉંઘ આવી ગઈ ખબર જ ના પડી. ઘણા સમય પછી મને આજે મીઠી નિંદર આવી હોય એવું લાગતું હતું. ભર ઉંઘમાં હતી પણ મારા ચહેરા પર એક મીઠું અને જાણે કે સંતોષનું સ્મિત હતું. એવું ઉંઘમા પણ હું અનુભવી રહી હતી. વાહ... આ જ જાણે મારું લોક હતું. સ્વપ્નલોક જાણે મારા માટે સ્વર્ગલોક હતું.
અહાહાહા..શું ખુશનુમા સવાર! વર્ષાની હેલીવાળી આહલાદક સવાર છે. વાહ ! આજની સવારે તો મારા તન મનને નવસ્ફૂરીત કરી દીધા અને મારા આત્મા આજે પ્રેમમય છે. આ મેઘલી સવારમાં મન મોર બની થનગાટ કરે. મન મોર બની થનગાટ કરે.. મારું મન મોર બની થનગાટ કરે.
અષાઢ આવ્યો ને મેઘ લાવ્યો,
પ્રેમીઓનો જાણે યુગ આવ્યો..
હું ચાતક બનીને રાહ જોતી રહી,
પણ એ મારા પ્રિતમને ન લાવ્યો..
આજે તો હું ઉંઘમાં જ ખુશ થઈ ગઈ. તમને થશે એ વળી કેવું ? ઉંઘમાં જ ખુશ થવું ? પણ સપના જ એટલા મસ્ત મસ્ત આવતા હોય તો ઉંઘ માં જ ખુશ થવાય ને! હવે સમજાયું ? કે ઉંઘમાં કેમ ખુશ થવાય ?
આજે હું ખૂબ જ ખુશ છું. નાચું છું, ગીત ગાઉં છું. બસ ગાંડાની જેમ ખુશ છું આજે તો અંદરથી મોજ આવે છે. હવે તમને એમ થતું હશે કે આ ગાંડી હવે માંડીને વાત કરે તો સારું તો કંઈ સમજાય નહીં તો આજ આ ગાંડી અમને ગાંડા કરશે. હા તો સાંભળો હવે...
ચોક્કસ વાત પ્રેમરોગની જ હોવાની. અરે, આ મૌસમ જ એવું છે તો મૃતદેહમાં પણ પ્રાણ ફૂંકે એવું. પ્રેમ વિના ન તો મારાથી જીવાય છે કે ન તો પ્રેમ વિના હું રહી શકું. સપનામાં પણ એ પીછો ના છોડે. જાણે સપનું સપનું પૂરું કરવા આવ્યું હતું. હું કયારથી સુવાની ખૂબ કોશીશ કરતી હતી, પડખાં ફેરવીને થાકી પણ ઉંઘ આવવાનું આજ નામ ન દેતી હતી. એટલે થયું લાવને ગુગલ ગુરુને પ્રણામ કરતી આવું. એટલે આપણું સોશિયલ મીડિયા જ વળી.
ત્યાં શ્યામની યાદ આવી થયું લાવ એને મેસેજ કર્યો હતો તો વાંચ્યો કે નઈ ? મેં એને આજે જલદી જ ગુડ નાઈટનો મેસેજ કરી દીધો હતો. એટલે એને શાંતિ થાય કે હું સૂઈ ગઈ. એનો પણ ગુડ નાઈટનો મેસેજ આવ્યો હતો. બસ મને એનાથી વિશેષ શું જોઈએ? હું તો એમાં પણ રાજી રાજી થઈ ગઈ. પછી તો શું ? તાવ જાણે મારામાંથી નીકળતો હોય એવું લાગ્યું.
હું અને શ્યામ એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ. પણ કહેવાય છે ને કે પ્રેમ કદી પૂર્ણ નથી હોતો અરે એના અક્ષર પણ કયાં પૂર્ણ છે. હા મને લગાવ છે આ શબ્દ પ્રત્યે. આ શબ્દથી રચાઈ ગયેલ પાત્ર પ્રત્યે. આમ જોવા જઈએ તો અમે ખુશી ખુશી છુટા પડ્યા છીએ કારણ અમારા નસીબમાં સાથે રહેવાનું નથી લખ્યું. પણ હા, કાના પાસે આવતા જન્મ માટે અમે એકબીજાને માંગી લીધા છે. એટલે અમને સંતોષ છે.
શ્યામે મને એના ફોનમાં, સોશિયલ મીડિયામાં બધે જ બ્લોક કરી દીધી હતી. એ મને ભૂલવા માંગે છે. મારા ફોન ન ઉચકે, વાત ન કરે કંઈ જ નહી. એને માથે હજી ઘણી જવાબદારીઓ છે એ પૂર્ણ કરવા માંગે છે અને એ જ સાચું પણ છે. હું એનું ભવિષ્ય બગાડવા નથી માંગતી. હું અને મારો પ્રેમ કંઈ સ્વાર્થી નથી. એમ પણ પ્રેમમાં બંધન કરતાં મુક્તિ સારી. આવું ગાંડુ સપનું. સપનામાં શ્યામ અને એમાં પણ જવાબદારીઓ. વિહવળ રાધાને એ ત્યારે પણ છોડી ગયો જોને આજે પણ એ એવુંજ કરે છે.
બે દિવસ પહેલાં જ મેં એનો સંપર્ક કર્યો અને કહયું કે 'મારે વાત કરવી છે.' રાતે એનો ફોન આવ્યો ત્યારે મેં એને કહયું કે 'પ્લીઝ મને અનબ્લોક કર.' ખૂબ વાતો કરી અરે મનભરીને વાતો કરી. ઘણા સમયે એનો અવાજ સાંભળવા મળ્યો તો ફોન મુકવાનું મન જ ન થતું ન હતું. મારા મનનાં જેવી કાશ મને પણ પાંખો હોતે તો હું પણ એ જ ઘડીએ ઊડીને એની પાસે જઈને એને વળગી પડતે. પણ લાચાર છું અને આ લાચારી બંને તરફ હતી.
હાશ, આજે મને એનો ફોટો જોવા મળ્યો. મને અનબ્લોક કરી તો વૉટ્સએપ ડીપીમાં એનો ફોટો દેખોયો. એક મહિને આજે ફરી હું જીવતી થઈ હોઉં એવું લાગ્યું. હું ફક્ત એને શુભ સવાર અને શુભ રાત્રીના જ મેસેજ મોકલું. હું પણ સમજી ને એને મેસેજ નથી કરતી. બસ મારે એની બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવું છે. એની દરેક સુખ દુખમાં સાથે રહેવું છે. અરે એના લગ્નમાં નાચવું છે. ખુશ છું હું. મને એવું લાગે કે હું એને જેટલો સારી રીતે ઓળખું છું ભાગ્યે જ એને કોઈ ઓળખતું હશે પણ એને કોણ સમજાવે ?
મને ન તો એ જોઈએ કે નતો એનો પ્રેમ. જયારે અમે સાથે હતા ત્યારે એણે મને ખૂબ બધો પ્રેમ આપી દીધો છે. અને સાહેબ આ પ્રેમ છે, હૈયાના એકાદ ખૂણે તો જીવતો જ રહે છે. બસ બંને પોતપોતાની જીંદગીમાં ખુશ રહી આગળ વધતા રહીએ એકબીજા સાથે નોર્મલ રહીને.
યાર ખરી જીંદગી જીવવાની મઝા તો એમાં જ છે ને કે એકબીજા સાથે વિતાવેલી ક્ષણો યાદ કરીને મસ્ત જીવી જવાય, એ શું પેલા વેવલા પ્રેમીઓની જેમ પ્રણયભંગ થયો હોય ને હતાશામાં ગરકી જવાનું. પ્રેમ તો ઉજવવાનો હોય એના ગીતો ગવાય એના મરસીયા ન ગવાય.
જીવે છે એ હજી કયાંક મારામાં..
શ્વસુ છું હું હજી કયાંક એનામાં..
આતો થઈ અમારા પ્રેમની વાત. શ્યામ ઘેલી રાધાની સપનામાં મુલાકાત. હવે સપનામાં સપનું સાચું કેવી રીતે પડે છે એ જુઓ.
પપ્પાએ ઘરે એક મોટો પ્રોગ્રામ રાખ્યો હોય છે. હું બહાર રહીને નોકરી કરું છું તો મારા પર પપ્પાનો ફોન આવ્યો કે દિકરા ઘરે પ્રસંગ છે તો કાલે આવીજા અઠવાડિયાની રજા લઈને. મેં હા કહીને ફોન મૂકી દીધો. એકવાર એમનું તેડું આવે તો યમનું તેડું અમારે રોકવું પડે એટલો એમનો કડક સ્વભાવ પણ પાછા લાગણીશીલ પણ એટલાં જ.
બીજે દિવસે હું સાંજે ઘરે પહોંચી એ પણ મારા મિત્ર ને લઈને. એટલે કે મારા શ્યામને જ લઈને. આમ ઓચિંતાની એક છોકરાને લઈને ઘરે પહોંચી તો બધા જ અચંબામાં પડી ગયા. પણ કોઈ એ જતાવ્યુ નહીં. મારો મિત્ર છે એમ કરીને શ્યામનો પરિચય આપ્યો. બધાએ અમને બંનેને સહર્ષ આવકાર્યા. શ્યામની પણ ખૂબ જ આગતા-સ્વાગતા કરી. અને શ્યામ પણ થોડી જ વારમાં બધા સાથે ભેળાય ગયો. એ છે જ એટલો મીઠડો કે બધાને એ વ્હાલો જ લાગે. મારા પરિવારમાં પંદર સભ્યો તો તમે વિચારી જ શકો ઘરનો કેવો માહોલ હશે અને ઘર પણ કેવું મોટું હશે. શ્યામની રુમ મારા રૂમની બાજુમાં જ તૈયાર કરવામાં આવી જેથી એને કોઈ વાતનો ખંચકાટ કે અગવડ ન પડે. અમને બંનેને મજા જ પડી ગઈ. અંદર થી એકદમ ખુશખુશાલ. આખો દિવસ કામ કરીએ અને સાંજે મસ્ત જમી ને ગપસપ કરીએ... એ પપ્પાના ખીજવાય ત્યાં સુધી.
રાતે બધા સૂઈ ગયા લાઈટ બંધ થઈ પછી થોડી વાર રહી ને હું શ્યામના રુમમાં ગઈ. ત્યાં એ બેડ પર સુવાની જગ્યાએ નીચે સુતો હતો. બહાર મસ્ત વરસાદ આવતો હતો. મૌસમ ખૂબ જ રોમેન્ટીક હતું અને ઉપરથી શ્યામના શર્ટ ના બટન પણ ખુલ્લા હતા. એ ખૂબ જ મનમોહક લાગી રહયો હતો. મેં એને આમ કદી જોયો ન હતો. એ મસ્ત આંખ બંધ કરીને સૂતો હતો. કોઈ કામદેવથી એ ઓછો ન લાગતો હતો. હું હળવેથી એની પાસે જઈને બેસી ગઈ અને એને જોતી જ રહી ગઈ. એને મારા પાસે હોવાનો એહસાસ થતાં જ એણે મને એના બાહોપાશમાં જકડી લીધી. મેઘલી રાતે અમારા હૈયા ઝૂમી ઊઠ્યા.
મારા હોઠોએ બોલવાનું બંધ રાખ્યું
કારણ આજ તારી આંખો બોલે છે..
થાય છે તારી આંખોના ઈશારાને
એ ઈશારા મારું ચિતડુ ચોરે છે..
ત્યાં જ કોઈનો ધીમો પગરવ સંભળાયો. અમે ગભરાયા પછી થોડીવાર રહી ને હું કોઈ ન જણાતાં મારી રૂમમાં આવી ગઈ.
પપ્પા અને શ્યામને કામ અર્થે ઘણીવાર બહાર જવાનું થતું. શ્યામ પપ્પાની ફિયાટ ચલાવી લેતો અને પપ્પા આરામથી એની બાજુમાં બેસતા. હા હો... મારો શ્યામ ફીયાટ પણ ચલાવે. પણ એમનાં સવાલો એટલા હોય કે શ્યામ ગભરાય જતો. એક દિવસ તો પપ્પા એ હદ કરી અમારા સંબંધ વિશે એમણે શ્યામને એટલા સવાલો પૂછ્યા કે ઘરમાં કોઈને પણ કીધા વગર વ્યક્તિ ભાગી ગયો. પપ્પાને ખબર પડી તો સીધા મારી પાસે આવ્યા. હું ગભરાઈ ગઈ હતી પણ એમણે જેટલાં સવાલો પૂછ્યા એના સાચા જવાબો આપી દીધા. છેલ્લે હું હિંમત કરીને એમની પાસે જઈને કહયું, પપ્પા મેં કોઈ ખોટા માણસની પસંદગી નથી કરી. તમેજ કહો એ આટલા દિવસ તમારી સાથે રહયો તો એ કેવો લાગ્યો ? પપ્પાએ થોડી વાર વિચારીને અમારા પ્રેમને મંજૂરી આપી. મને શ્યામ અને એના માતા પિતાને બોલાવવા જણાવ્યું.
એ લોકો પણ આવી ગયા અને અમારા પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો. નીચે બેસીને વડીલો અમને એક કરવાની યોજના બનાવી રહ્યા હતા અને ઉપર અમે એક થઈ ગયા હતાં.
વરસ્યો જો તું
પ્રેમ થી મારા પર
જામ્યું ચોમાસું !!
આ જ તો સપનું હતું. રાધા કૃષ્ણના પ્રેમ જેવો અમારો પ્રેમ પણ પવિત્ર જ છે. હા એ સપનામાં આવી મને પળ પળ સાથે હોવાનો અહેસાસ અપાવી રહ્યો છે. તનડા જુદા અને મનડા એક છે. બસ હવે મારી એક જ ખ્વાહિશ છે શ્યામમાં સમાય જવાની. એકવાર તો મને એ જરૂર મળશે એ દિવસની રાહ જોતી એના પ્રેમને રોજ ઉજવતી જીવી રહી છું. કારણ મારું નામ રાધા છે અને એ મારો શ્યામ.
ખ્વાહીશ મિલનની અને જુદાઈ મળી
કહેવાય તો એમ કે કાનાને રાધા મળી !