ધર્મ
ધર્મ
આ શબ્દો મારા નથી પૂજ્ય મોરારીબાપુના છે. જે મને હમણાંના હાલત પ્રમાણે એકદમ બરાબર અને બંધબેસતા લાગે છે. ધર્મની વ્યાખ્યા શું હોઈ શકે? મારા મતે માનવતા. એ ધર્મ શું કામનો જેમાં માનવતાનો ધર્મ જ ન હોય? એના કરતાં અધર્મી રહેવું વધુ સારું. ધર્મમાં ભેદભાવ ન હોય, એમાં સમાનતા હોય. કોઈ ભ્રમણા ન હોય. ધર્મથી સમાજ ભય મુક્ત થાય એવું ઈશ્વર પણ ઈચ્છે છે. ધર્મમાં કોઇ ભ્રમ ન રાખે પરંતુ એ જ ધર્મ બ્રહ્મ સુધી લઇ જાય છે. માટે ધર્મનું પહેલું લક્ષણ મારા માટે અને મતેતો માનવતા જ છે.
ફરી મોરારીબાપુની વાતને વાચા આપું તો, ધર્મ એટલે ફક્ત અને ફક્ત સત્ય-પ્રેમ-કરુણા. સત્ય માણસને અભય આપે. પ્રેમ માણસ પાસે સમર્પણ કરાવે. અને કરુણા માણસને અહિંસક રાખે. આથી સનાતન ધર્મ જ શ્રેષ્ઠ છે. માણસાઈનો જ ધર્મ શ્રેષ્ઠ છે. પછી તે હિંદુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, શીખ ધર્મ હોય કે પછી કોઈ પણ ધર્મ હોય. બાળક જન્મે ત્યારે કોઈ ધર્મને લઈને પેદા નથી જ થતું. કદાચ તો એ સમજતો થઈ જાય પછી પણ કેટલા સમય પછી તેને પોતાનો ખરો ધર્મ સમજાતો હશે. સ્કૂલમાં ભણતા બાળકોને ક્યાં કોઈ ધર્મ નડે છે!?
ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન પાર્થને કહે છે કે," શુભ વિચાર, શુભ આચાર, શુભ ઉચ્ચાર, આ બધા જ ધર્મના સરળ સૂત્રો છે." ધર્મમાં નિરપેક્ષતા - પ્રામાણિકતા હોવી જોઈએ. અપ્રમાણિકતા ને કોઈ જ સ્થાન ન હોવું જોઈએ. સર્વ ધર્મ ને આદર, આવકાર, ઈજ્જત આપો પરંતુ જ્યારે વાત આપણા ધર્મની કે તમારા પોતાના ધર્મને સાચવવાની આવે ત્યારે કદી પીછેહઠ ન કરવી. આ પણ એક સત્ય જ છે. ધર્મમાં પૂર્વગ્રહો ના રખાય કે ના તો રાખવા જોઈએ. ધર્મ માત્ર ગ્રંથોમાં પૂરાઇ રહે તો રાષ્ટ્રનું કલ્યાણ કદી નથી થવાનું. ન તો આત્માનું કલ્યાણ થાય કે ન તો સમાજનું. ધર્મને રૂઢિચુસ્ત ન બનાવો પરંતુ પોતાના ધર્મને માન આપી ધર્મગ્રંથો પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરવી.
"ગીતા, કુરાન અને બાઈબલ જે વાંચે છે,એને મેં કદી લડતા નથી જોયા અને જે એના માટે લડે છે એ લોકોને મેં કદી વાંચતા નથી જોયા. (ઓશો)
વિનોબા ભાવે તો ત્યાં સુધી કહે છે કે લડાઈ હંમેશા બે અધર્મી વચ્ચે થાય છે, ધર્મ વચ્ચે ક્યારેય ન થાય. ધર્મમાં શાસ્ત્ર ને શસ્ત્ર ન બનાવતા ધર્મ તો એ છે કે શસ્ત્રોને શાસ્ત્રમાં ફેરવી નાખે.
(રામાયણ)