લાગણી
લાગણી
આ લાગણી મોહતાજ નથી એક દિવસની,
પ્રેમ શબ્દ ભલે અઢી જ અક્ષર નો છે પણ ખૂબ જ તાકતવર છે. ખૂબ જ મજાની લાગણીઓ થાય છે એમાં. "પ્રેમ" શબ્દ જ ફક્ત લખી શકીએ છીએ,એમાં થતી લાગણીઓ નથી લખી શકાતી. કારણ, એના માટે કોઈ શબ્દ જ નથી. એ અનુભૂતિ છે. નિજાનંદ છે.
પ્રેમ ફક્ત એક છોકરો અને એક છોકરી પૂરતો જ સિમિત નથી. પરંતુ એતો જેની સાથે હ્રદયનો સંબંધ બંધાય ત્યાં જ પ્રેમ પાંગરતો હોય છે. એ કોઈ માણસ સાથે કે પછી પશુ - પક્ષી સાથે પણ હોય શકે.
પ્રેમ વહેંચવાથી વધે છે. એ એક એવો ખજાનો છે. જેટલો લૂંટાય એટલો વધે છે. તો વેલેન્ટાઇન - એક જ દિવસ પ્રેમનો કેમ? જે પળે મોજ આવે એજ પળ અને એજ દિવસ પ્રેમનો બને. આપણી ભારતીય સંસ્કૃતિમાં રોજ આ બધા ડે ઉજવાય જ છે.
દિકરો મા બાપ ને પગે લાગે અને ત્યારે જે હેત ઉભરાય એજ માતૃ પિતૃ દિવસ, માતા પિતા પોતાના બાળકોની સાથે સમજણથી રહે, ભણાવે કે કોઈ રમત રમે એ દિવસ ચિલ્ડ્રન્સ ડે, પોતાની પત્ની માટે ફૂલ કે વેણી લાવે અને કોઈ ન જોય એને પહેરાવી વ્હાલ કરે એ રોઝ ડે કે વેલેન્ટાઇન ડે. તું મારી સાથે આજે બહાર આવીશ? પાણીપુરી ખાઈશ? એ જ પ્રપોઝ ડે અને અણી ના સમયે આખું ઘર એક થઈ એકબીજાને હૂંફ આપે એમાં ક્યાં પ્રોમીસ ડે ની જરૂર હોય! લગ્ન સમયે લેવાયેલા કે અપાયેલા વચનો ફક્ત સ્ત્
રી પુરુષ કે પતિ પત્ની પૂરતાં જ સિમિત નથી રહેતા એની સાથે બંનેનો પરિવાર પણ જોડાયેલો હોય છે અને બંને નિષ્ઠાથી નિભાવે પણ છે એ પ્રોમીસ ડે. . સ્કૂલેથી દોડતા આવતા બાળકોને માં બાથમાં લે એ હગ ડે. કામ પરથી આવેલો પતિ કે થાકેલી પત્નીને કપાળે થતું ચુંબન એજ આપણા માટે કિસ ડે. ચોકલેટ ડે તો રોજ જ ઉજવાય. કોઈ વાર મીઠી લડાઈ ડે પણ ઉજવીએ છીએ પણ હા, આપણે બ્રેકપ ડે કદી નથી ઉજવતા.
હવે કહો, આપણે શી જરૂર આ વેલેન્ટાઇન ડે ની?.
"વસંત નો વ્યવહાર તો બારેમાસ હોય એમાં ચોક્કસ દિવસ કે મહિનો ન હોય! જ્યારે હૈયાં માંથી હેત ઉભરાય એજ પ્રેમનો દિવસ."
આ વેલેન્ટાઇન ને ખાસ બનાવીએ અને આ એક દિવસીય પ્રેમના દિવસ થકી કોઈ બીજા ની જીંદગીમાં હંમેશ ને માટે પ્રેમના રંગો ભરીએ. એક નવી પહેલ કરીએ. આ વેલેન્ટાઇન આપણા માટે નહીં બીજા ના માટે જીવીએ. કોઈ અનાથ આશ્રમમાં જઈ, કોઈ ઘરડાઘર માં જઈ, કોઈ સ્પેશિયલ બાળકોની સ્કુલમાં જઈ ઉજવીએ. આ બધું કંઈ જ ન થાય તો આપણે આપણા પરિવાર સાથે ઉજવીએ. અને એક દિવસીય નહીં દરરોજ ઉજવીએ. જીવનની દરેક ક્ષણ જીવંત બનાવીએ.
સૌને પ્રેમ દિવસના વધામણાં. અહીં કવિ શ્રી હિમલ પંડ્યાની પંક્તિ યાદ આવે છે કે,
'કહેવું છે ઘણું, પણ તને આજે નહીં કહું,
આ લાગણી મોહતાજ નથી એક દિવસની.'