થીંક પીંક- બી સ્ટ્રોંગ... ફાઈટ
થીંક પીંક- બી સ્ટ્રોંગ... ફાઈટ


ઓક્ટોબર મહિનો એ "સ્તન કેન્સર જાગૃતિ" મહિના તરીકે ઓળખાય છે. સ્ત્રીઓમાં થતાં અનેક પ્રકારના કેન્સરો પૈકી આ રોગ સૌથી ગૌણ છે. દરેક સ્ત્રીને તેના જીવનકાળ દરમિયાન આ કેન્સર થવાની શક્યતા રહેલી છે. ઘણા સંશોધનો પછી એવું પ્રમાણિત થયું છે કે જો આ કેન્સર વિશે સ્ત્રીઓમાં જાગૃતિ હોય તો તેનું ખૂબ જ પ્રાથમિક તબક્કે નિદાન થઈ શકે છે, એને વધતા અટકાવી શકાય છે અને સંપૂર્ણ મટાડી પણ શકાય છે. આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીઓના અંગો વિશે મોકળાશથી વાત જ નથી કરી શકતા. કેમ? શા માટે? મેં ક્યાંક વાંચ્યું છે કે, "સ્તન એ સ્ત્રીનું સ્વાભિમાન છે !" કોઈ પણ વાતને જોવાની જાણવાની, સમજવાની અનેક રીત હોય છે. આપણે કઈ રીતે સમજવું એ આપણી માનસિકતા ઉપર આધાર રાખે છે.
સ્તન એ સ્ત્રીનું ખૂબ લાક્ષણિક અંગ છે માટે તેને બચાવવા અને પોતાનું સ્વાભિમાન ટકાવી રાખવા દરેક સ્ત્રીએ સ્તન કેન્સર વિશે ખૂબ જ જાગૃત થવાની જરૂર છે.
એક અંદાજ પ્રમાણે દર વર્ષે એક લાખ સ્ત્રીઓમાંથી ૨૦થી ૩૦ ટકા સ્ત્રીઓને સ્તન કેન્સર થાય છે. વળી ભારતમાં સ્તન કેન્સર દુનિયાની અન્ય દેશોની સરખામણીમાં નાની ઉંમરે ( સરેરાશ ૪૨ વર્ષે ) થાય છે. અન્ય દેશોમાં સરેરાશ ૫૩ વર્ષે સ્તન કેન્સર થાય છે. જેમ જેમ ભારતીય સ્ત્રીની આયુમર્યાદા વધતી જાય છે તેમ તેમ સ્તન કેન્સરની પ્રશ્ન વધુ વિકરાળ સ્વરૂપે આપણી સામે આવે છે. અત્યારે જે સ્ત્રીને સ્તન કેન્સર થયું હોય એમાંથી ૬૦ % જેટલી સ્ત્રીઓને સ્તન કેન્સર અસાધ્ય થઇ ગયું એવા તબક્કામાં નિદાન થયા પછીના એક વરસમાં જ ૨૧% જેટલી સ્ત્રીઓ મૃત્યુ પામે છે.
કેન્સર શબ્દ જ આપણને એક નકારાત્મક વલણ અને વિચારો તરફ દોરી લઈ જાય છે અને છેક મૃત્યુનો ભય બતાવી હતાશા, નિષ્ફળતા જેવી અનેક લાગણીઓનો અનુભવ કરાવી જાય છે. પરંતુ તેનો સકારાત્મક રીતે કરવામાં આવતો સામનો નવું જીવન આપી જાય છે. આ કેન્સર થવાના ઘણા કારણો છે, એ વારસાગત હોઈ શકે, મેદસ્વીપણું, જીવનશૈલી, કસરતનો અભાવ, ખોરાકમાં લીલાં શાકભાજી- ફળોનો અભાવ, મોડા લગ્ન, માતૃત્વ ન હોવું, સ્તનપાન ન કરાવવું વગેરે.. સ્તન કેન્સરના પ્રાથમિક તબક્કે નિદાન કરવાના ઘણા સરળ રસ્તાઓ છે. સૌ પહેલા તો સ્વ-તપાસ. દરેક સ્ત્રીએ પોતાના ડોક્ટર પાસે સ્વ-તપાસ કઇ રીતે કરી શકાય એ શીખી લેવું ખુબ જરૂરી છે, જેથી કરી કેન્સરના શરૂઆતના તબક્કામાં જ એનું નિદાન થઈ શકે. કોઈ ભાગ્યશાળી જ હશે જેને કેન્સર શરૂઆતના સમયમાં પરખાય જતું હોય છે, એને ભગવાનની વિશિષ્ટ કૃપા જ સમજવી.
આ સિવાય મેમોગ્રાફી, નિષ્ણાંત ડોક્ટર દ્વારા તપાસ વગેરે.. સ્તન કેન્સર થયું હોવાની શંકા હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી. વહેલી તકે સારવાર કરવામાં આવે તો તેમાંથી સંપૂર્ણ સાજા થઈ શકાય છે પરંતુ જો નિદાન અને સારવારમાં વિલંબ થાય તો મૃત્યુ થઈ શકે છે. ઉંમર વધવાની સાથે કેન્સરનું જોખમ પણ વધે છે તમામ વયની સ્ત્રીઓ માટે સ્તન કેન્સર હમણાં સમયમાં સામાન્ય રોગ છે.
ફક્ત સ્ત્રીઓને જ નહીં પરંતુ પુરુષો પણ સ્તન કેન્સરનો ભોગ બને છે અને તેના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. 'યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એન. ડી. એડર્સન કેન્સર સેન્ટર'ના સંશોધકોએ લગભગ 2,500 કરતાં વધું કેસોનું રિસર્ચ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે. સંશોધકોના જણાવ્યાં મુજબ, પુરુષોમાં સ્તન કેન્સરના કેસ છેલ્લા 25 વર્ષમાં વધી રહ્યા છે. મહિલા દર્દીઓની સરખામણીમાં પુરુષોમાં મોટી ઉંમર બાદ સ્તન કેન્સર વિશે જાણવા મળે છે.
હોલીવુડ સિંગર બેયોન્સના પિતા મેથ્યુ નોલ્સને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું. પુરુષોમાં સ્તન-વૃદ્ધિને ‘ગાયનેકોમાસ્ટિયા’ કહે છે, તેનાથી સ્તન કેન્સરનો ખતરો વધે છે.
બ્રેસ્ટ કેન્સરની ફેમિલી-હિસ્ટરી, આલ્કોહોલિઝમ, લિવર ડીસીઝ, જનીનોમાં કેન્સર પેદા કરતું મ્યુટેશન, રેડીયેશનનું વધુ પડતું એક્સપોઝર વગેરે પુરુષોને પણ સ્તન કેન્સરના જોખમમાં વધારો કરી દે છે. મેલ બ્રેસ્ટ કેન્સર સામાન્ય રીતે દર 400 પુરુષોએ એક કિસ્સામાં થઇ શકે છે અને એમાં સર્વાઇવલ-રેટ 73 ટકા જેટલો ખાસ્સો ઊંચો છે.
ડૉ. શિલ્પા ચુડાસમા (એમ.ડી. રેડિયોલોજીસ્ટ) એમના અને એમના જેવી અનેક સ્ત્રીઓના સ્તન કેન્સરના અનુભવોને શબ્દ દેહ આપ્યો છે. "રિસ્ટાર્ટ- નવો ઉમંગ નવી આશા." નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.
કેન્સર હોય કે ન હોય સૌ કોઈએ આ પુસ્તક જીવનમાં એકવાર તો વાંચવુ જ જોઈએ. જીવન જીવવા જબરું જોમ આપણને આપી જાય છે. આ આર્ટીકલ લખવા પાછળ કદાચ આ પુસ્તકનો બહોળો ફાળો છે.
( સંદર્ભ : એઈમ્સ હોસ્પિ. અમદાવાદ, વૅબ એમ.ડી; મેકમિલન કેન્સર સપોર્ટ )