હારીને પણ જીતી જનાર મહાનાયક
હારીને પણ જીતી જનાર મહાનાયક


હારીને પણ જીતી જનાર મહાનાયક....
जटाटवीगलज्जल प्रवाहपावितस्थले
गलेऽवलम्ब्य लम्बितां भुजंगतुंगमालिकाम्।
डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयं
चकार चंडतांडवं तनोतु नः शिवः शिवम ॥1॥
રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્રનો આ શ્લોક વાંચતા જ આપણને રાવણની વિદ્વતાનો ખ્યાલ આવે છે. આજે વાત કરવી છે મારે રાવણની. હારીને પણ જીતી ગયેલા યોદ્ધાની. કહેવાય છે ને કે, "હાર કર ભી જીતને વાલે કો બાજીગર કહેતે હૈ" બસ એવા જ બાજીગર રાવણની વાત કરવી છે. આજે યુગો પછી પણ દરેક માનવીના હૃદયમાં રામ સરખું જ સ્થાન રાવણનું છે. રામનું નામ લઈએ કે તરત જ રાવણ યાદ આવે. રાવણ એક એવો યોદ્ધા જે હારીને પણ જીતી ગયો છે. ઈતિહાસના પાના ઉપર માત્ર વિજય થયેલ ભગવાન રામના જ શબ્દો અને તેની ગાથા અંકિત થયેલી જોવા મળે છે તેથી સત્ય એક તરફી થઈ જાય છે અથવા તો થઈ ગયું છે એમ કહું તો જરાય અતિશયોક્તિ ન થાય. પરાજયની ગાથા કોઈ ગાતું જ નથી એનું ઉત્તમ ઉદાહરણ રામાયણ છે. પણ આજે મારી કલમે રાવણ બોલશે.
વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસ બંને ગ્રંથોમાં રાવણને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. રાક્ષસી માતા અને ઋષિ પિતાનું સંતાન હોવાથી સદૈવ બે પરસ્પર વિરોધી તત્વ રાવણના મનને વલોવતાં રહ્યાં છે. આપણે રાવણને દુષ્ટ અને પાપી આ બે જ પર્યાયથી ઓળખીએ છીએ એના સંસ્કારો અને ઊંચા આદર્શોવાળી મર્યાદાઓ વિષે કંઈ જાણતા જ નથી. રામના વિયોગમાં દુઃખી સીતાને રાવણે કદી સ્પર્શી નથી. રાવણ કહે છે કે, શાસ્ત્રો અનુસાર વિધવા, રજસ્વલા અકામાં, આદિ સ્ત્રીઓને સ્પર્શ કરવાનો નિષેધ છે. અહીં આપણને રાવણ મર્યાદાઓનું જ આચરણ કરતો જોવા મળે છે. શાસ્ત્રોનો પરિપક્વ અભ્યાસુ જણાય છે. તુલસીદાસ માત્ર રાવણના અહંકારને જ તેનો મુખ્ય ગુણ બતાવે છે. તેમણે રાવણને બહારથી રામ સાથે શત્રુભાવ રાખવા છતાં હૃદયથી તેમનો ભક્ત બતાવ્યો છે. જૈન રામાયણમાં અને જૈન શાસ્ત્રોમાં રાવણને ચોવીસમાં તીર્થંકર કહ્યા છે. રાવણ મહાન જ્ઞાની હતો. તેની પાસે ત્રણ પ્રકારના ઐશ્વર્યો હતા, લક્ષ્મી, બુદ્ધિ અને બળ. ભગવાન એકસાથે ક્યારેય આ ત્રણે વસ્તુ કોઈને આપતા નથી. રાવણમાં રાક્ષસત્વ ઓછું અને માનવતત્વ વધું જોવા મળે છે. અતિ બુદ્ધિમાન રાવણ શંકર ભગવાનનો ખુબ મોટો ભક્ત, મહા તેજસ્વી, પ્રતાપી, પરાક્રમી રૂપમાં વિદ્વાન રાવણ રાજનીતિ પૂર્ણ, દૂરંદેશી આવા તો કેટલાય પર્યાય હું રાવણ વિશે લખું. ચારણી સાહિત્યના કવિ કાગ રાવણ વિશે લખે છે કે, બ્રહ્માએ લેખ લખવા હોય તો જેને પૂછવું પડે, વાયુએ વાતા પહેલા જેનો હુકમ લેવો પડે, મેઘ જેણે વરસતાં પહેલાં જેની આજ્ઞા લેવી પડે અને જેને જોતા જ જ્યાં નવ ગ્રહો ઊંચાં નીચાં થાય એવો મહાન રાવણ. રાવણ એક મહત્વકાંક્ષી વ્યક્તિત્વ ધરાવે છે. એક નાના લુંટારાની ટોળકીનો સરદાર કેવી રીતે લંકાધિપતિ લંકેશ બને છે એ ખરેખર જાણવા જેવું છે. પોતાના પિતાએ સાવકા ભાઈને બધી જ સંપત્તિ આપી, રાવણ, તેની માતા, તેના ભાઈઓ અને બહેનની દુર્દશા કરી એ સમયે તે કહે છે કે, કુબેરના મહેલમાંથી આજે હું એક ચીજ લઈ જઈ રહ્યો છું, સતત પ્રજ્વલિત રહે એવી અગ્નિ જેવી મહત્વકાંક્ષા. પોતાની ખરાબ પરિસ્થિતિમાં પણ એ ન્યાય અને નીતિનો આગ્રહી રહ્યો છે. રાવણ કહે છે કે ધર્મના અમારા સિદ્ધાંત બહુ સાદા અને સરળ હતા. આપેલું વચન ફોક ન કરાય, હૃદયમાં હોય એ જ બોલવું, પોતાને ખોટું કે ખરાબ લાગે એવું કાર્ય ક્યારેય ન કરવું, સ્પર્ધામાં નિષ્ફળતા નક્કી હોય તોયે છેતરપિંડી ન કરવી, સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ અને ક્યારેય કોઈનું અપમાન ન કરવું, ક્યાંય અન્યાય થતો લાગે તો પ્રાણના ભોગે પણ લડી લેવું. હા આ એક રાક્ષસ રાવણનો ધર્મ છે જે આજના માણસ કરતાં પણ વધુ પવિત્ર લાગે છે. એની માતા એ પણ હંમેશા એને સત્ય સામે અડીખમ ઊભા રહેવાના જ સંસ્કાર આપ્યા છે. રાવણ દુર્ગુણ વિશે જણાવે છે કે, ક્રોધ, ગર્વ, હિંસા, ભય, સ્વાર્થ વગેરેથી દૂર રહેવું, આ બધાંજ અવગુણો નકારાત્મક છે અને નકારાત્મકતા જીવનને અધોગતિના શરણે ધકેલે છે.
રાવણ પ્રેમને સર્વોપરી માને છે એ પોતાની પ્રજાને, પોતાના ધર્મને, પોતાના દેશને, માતા-પિતાને, પુત્ર અને પત્નીને, મિત્રોને, બધાને પ્રેમ કરવામાં માને છે. રાવણ કહે છે કે, "સૌથી વધું પ્રેમ હું મારી જાતને કરું છું અને કરતો રહીશ; હું છું એટલે પ્રેમ કરી શકું છું અને પ્રેમ છે એટલે હું છું. મારે ભવિષ્યની પેઢી માટે આદર્શ મૂર્તિ નથી બનવું મારું જીવન મારાથી આરંભ થાય અને મારી સાથે અંત પામે. મારે ભગવાન નથી બનવું તમારા શબ્દોમાં કહું તો હું દસ મસ્તક વાળો વ્યક્તિ દશાસન થઈને જીવીશ. મનમાં મહત્વકાંક્ષા ક્યારેય ઘટવી ન જોઈએ. મહત્વાકાંક્ષા વિનાની પ્રગતિ શક્ય જ નથી. ખુદના સામર્થ્યના મૂળમાંથી માણસને આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા મળે છે. આપણી સકારાત્મક ભાવના આખા સમાજ અને રાષ્ટ્રને પ્રેમની સાંકળે બાંધી રાખે છે.
રામ જ્યારે બાલીનો વધ કરે છે ત્યારે રાવણ પૂછે છે કે, તમે જે કર્યું એ યોગ્ય કર્યું? તમે ઈશ્વરનું પદ પ્રાપ્ત કરવા માટે આવા કનિષ્ઠ માર્ગ અપનાવ્યો, તમે જે રક્તની છોળો ઉડાડી છે એ ગંધ વર્ષો સુધી તમને અને આ દેશને હેરાન કરશે. અન્ય સિદ્ધાંત વિહોણા કાર્યોથી મળેલાં ઈશ્વર પદ ભલે તમે રાખો પણ હું મારું પુરુષત્વ અખંડ રાખીને જ મૃત્યુને આવકારીશ. રાવણના બોલાયેલા આ શબ્દોના પડઘા હજી પણ આપણને સંભળાય છે. રાવણ કહે છે કે, મેં તો હંમેશા હૃદયનું કહ્યું માન્યું છે. હું રાવણ તરીકે જીવ્યો અને રાવણ તરીકે જ મૃત્યુ પામીશ. મેં સર્વાંગ સંપૂર્ણ પુરુષ અને ભગવાન રામ બનવાના કોઈ અભરખા રાખ્યા જ નથી. મારા દેશમાં ભગવાનોની ક્યાં ખોટ છે? ઉણપ છે તો માત્ર પુરુષોની. માનવોની અને એમની માનવતાની.
મારે રાવણ કેમ બનવું પડ્યું એ કોઈએ જોવાની કે જાણવાની જીજ્ઞાસા નથી બતાવી. મારી સાથે થયેલા અન્યાય થકી હું રાક્ષસીવૃત્તિ તરફ વળ્યો છું નહિંતર મારામાં લોહી બ્રાહ્મણનું પણ છે જ. રાવણની અનેક નબળાઈ હતી પરંતુ એની સામે એની મહાનતા પણ ઓછી ન હતી. એ ભલે રામની જેમ દૈવીતત્વ ન ધરાવતો હોય પરંતુ માનવતા, મનુષ્યતત્વ ધરાવતો માનવ હતો. રાજા તરીકે અન્યને કે પ્રજાને નિષ્ઠુર વ્યક્તિત્વ લાગે, કદાચ કોઈક વાર નિર્ણય ખોટા પણ લાગે પણ લાંબા ગાળે લોકો એને જ આદર આપે છે, યાદ રાખે છે. એવો રાજવી લંકેશ હતો. જે પોતાની પ્રજા માટે જીવ આપવા તત્પર હતો. રાવણ કહે છે, ભાંગેલા હાડકાં કરતાં ભાંગેલા સપનાની પીડા વધુ થાય છે. તમને શબ્દે શબ્દે રાવણની પીડા અનુભવાશે.
એ કહે છે કે, કોઈ પણ મનુષ્યની સિદ્ધિઓની સૌથી વધુ ઈર્ષા ભાઈબંધુઓને થતી હોય છે. વિભીષણે મારી સાથે જે કર્યું એ કદાચ મારું સદભાગ્ય કે દુર્ભાગ્ય હતું. દૈવત્વ ધરાવતા દેવો પોતાની સ્ત્રીઓ ને કદી માન નથી આપતાં. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન નીચું હોય છે. સીતાની અગ્નિપરીક્ષા એ સૌથી મોટું ઉદાહરણ છે. રાવણે પોતાની પત્નીનો કદી ત્યાગ નથી કર્યો, પોતાની પત્નીની કદી પરીક્ષા નથી લીધી. બહેન પત્ની માટે એ બધું જ કરી છૂટવા તૈયાર હતો. એ સારો વીણાવાદક હતો, સંગીતનો જ્ઞાની હતો. જીવનમાં જે મળે એનો સહર્ષ સ્વીકાર કરનાર હતો. પરંતુ સિદ્ધિ અને કીર્તિ પામવાનું લક્ષ્ય માટે પોતે જાતે મહેનત કરી જાણતો હતો. આમ છતાં એ કહેતો કે લક્ષ્ય પ્રાપ્તિ પછી પગ હંમેશા જમીન પર રહેવા જોઈએ, કાર્ય કરવા પહેલા અનેક વાર વિચાર કરવો જોઈએ. હું રાવણ છતાં મારાથી પણ ઘણી વખત ન લેવાના નિર્ણય લેવાયા છે. આમ છતાં સકારાત્મક વલણ ધરાવું છું. પરાજિત જાતિઓ હંમેશા પોતાની શરમ છૂપાવવા માટે એમની મહાન પ્રાચીન સંસ્કૃતિનાં ગીતો ગાય છે. જાતે જ પોતાનું અપમાન કરાવે છે. અસુર જાતિની સૌથી મોટી શક્તિ અને ખાસિયત તેની પચરંગી, ઉદાર સંસ્કૃતિ. અસુર પ્રજા પોતે સ્વતંત્ર મિજાજ ધરાવતી, સ્ત્રી અને પુરુષ બંને સમાન, ધર્મ, જ્ઞાની, દયાળુ, વચનપાલનના આગ્રહી, દેશ અને ધર્મની રક્ષા માટે અગ્રણીઓ, વેદ ઉપનિષદના જાણકાર, અસુર સમાજમાં જાત-પાત, ઊંચનીચના કોઈ ભેદભાવ નથી, અહીં સૌ સમાન. પોતાના ધર્મ અને જાતિ સાથે થયેલો અન્યાય પોતાના પરિવાર સાથે થયેલા અન્યાયને કારણે એક જ્ઞાની સંપૂર્ણ મનુષ્ય તત્વ ધરાવતો માણસ રાક્ષસી વલણ તરફ વળે છે. બધું જ મેળવ્યાં પછી કંઈ બાકી નથી રહેતું ત્યારે એ બ્રહ્મ પાસે પોતાનું મૃત્યુ મેળવવા તત્પર બને છે અને બ્રહ્મને પોતાના દેશમાં બોલાવી પોતે જ પોતાના મૃત્યુનું સ્વાગત કરે છે અને અમરત્વ વ્હોરે છે.
રામાયણમાં હનુમાન રાવણના દરબારમાં પ્રવેશ કરે છે ત્યારે રામાયણકાર લખે છે કે
"અહો રૂપમહો ધૈર્યમહોત્સવમહો દ્યુતિ:
અહો રાક્ષસરાજસ્ય સર્વલક્ષણયુક્તતા"
આગળ તેઓ લખે છે "રાવણને જોતાં જ રામ મુગ્ધ થઈ જાય છે અને કહે છે કે રૂપ, સૌન્દર્ય, ધૈર્ય, કાન્તિ તથા સર્વલક્ષણયુક્ત હોવા છતાં પણ આ રાવણમાં અધર્મ બળવાન ન હોત તો આ દેવલોકનો પણ સ્વામી બની જાત"
આ રાવણ સામે હું નતમસ્તક છું.
મને હંમેશા વાસ્તવિક જીવનના નાયકો વધુ આકર્ષે છે એમાં પણ રાવણ તો મહાનાયક છે.
ભગવાન રામ તો મારા પૂજનીય છે જ પરંતુ રાવણ માટેના માન અને સન્માન મારા હૃદયમાં એક અલગ જ સ્થાન ધરાવે છે.
( સંદર્ભ: અસુર - આનંદ નીલકંઠન, રામાયણ)