આર્મી બિહાઇન્ડ આર્મી
આર્મી બિહાઇન્ડ આર્મી


માં આદ્યશક્તિ જગદંબાનો પર્વ ચાલી રહ્યો છે. મા ના નવલા નોરતામાં પહેલીવાર એવું બન્યું કે ખેલૈયાઓના સપને ઠંડું પાણી રેડાયું હોય. ઘણું વિચારતાં અને હમણાંનાં સમયમાં નવરાત્રીની બદલાતી પરિભાષા જોઇને એવું લાગે છે કે કદાચ આવી એકાદ શાંત નવરાત્રીની ફરી જરૂર હતી. રઢીયાળી રાત તો હોય છે, પણ ખેલૈયાઓમાં ભાવ ક્યાં હોય છે ! ? આપણે જાણીએ છીએ કે રાસ અને ગરબાનો સીધો સંબંધ બ્રહ્માંડ સાથે છે. મુખ્ય એક જ્યોતિ છે જેની ફરતે આખું બ્રહ્માંડ ફરે છે. શ્રીકૃષ્ણ શરદ પૂનમે રાસ રચે છે ત્યારે મધ્યમાં શ્રી કૃષ્ણ છે અને એની ફરતે ગોપીઓ ગોળાકાર ફરે છે. કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતાં હશે ત્યારે જે બ્રહ્મ નાદનો આનંદ થયો હશે એ એવો આહલાદક હશે ! એવા શ્યામને જ રાધા મળતી હોય છે, આવા ઘોંઘાટિયા રાસ અને આવાસમાં તો નહીં જ મળે !
આતો મા છે પોતાના સંતાનોને લાડ લડાવતાં આવડે છે તો એને પાઠ ભણાવતા પણ આવડે જ છે.
આદ્યશક્તિ અંબેમાની આરાધના અલગ અલગ રુપમાં આપણે યુગોથી કરતા આવ્યાં છીએ. માના બધાં જ રુપો વિશે આપણે જાણીએ છીએ, શક્તિ પીઠોમાં વિશ્વાસ ધરાવીએ છીએ. પણ ક્યારે એ વિચાર્યુ કે ભારત એ માતા જ કેમ છે ? પિતા કેમ નહીં ? ભારત શબ્દ બોલતા તો પુરુષત્વનો પડઘો પડે. જ્યારે આપણે આંખ બંધ કરી ભારત દેશની વંદના કરીએ ત્યારે સાડીમાં સજ્જ થઈ, હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરેલી સિંહ સાથે ઊભેલી સ્ત્રીની ઝાંખી થાય છે.
આટલા શબ્દો વાંચતાં જ એક જોરદાર સ્ત્રી, મહાકાળી છતાં સૌમ્ય રૂપ ધારણ કરેલ મા ભારતીની ઝાંખી નજર સામે થયા વિના રહેતી નથી ! આપણે જાણીએ છીએ કે મા પોતાના સંતાનોની રક્ષા કાજે પોતાનું બલિદાન આપતા જરાય ખંચકાતી નથી અને બીજું મહત્વનું છે કે માતૃત્વમાં શ્રદ્ધા સહજ સ્થપાઈ છે. જેથી કરી સંતાનો વિશ્વાસ કરી માની રક્ષા કરે અને સમય આવ્યે પોતાને સુરક્ષિત સમજે.
યુદ્ધમાં ભાગ લેતાં પહેલાં યોદ્ધાએ સ્ત્રી દેવીની વિનંતી કરવાનું પ્રારંભિક ઉદાહરણ મહાભારતમાં જોવા મળે છે. કૌરવો અને પાંડવો વચ્ચેના મહાન યુદ્ધની શરૂઆતના પહેલા, અર્જુનને કૃષ્ણ માતૃવંદના કરવાં કહે છે, એમની આરાધના દેવી સ્તોત્રથી કરવાં કહે છે. અર્જુનની ભક્તિથી પ્રસન્ન થયેલી દેવી તેમને કૌરવો ઉપર વિજયના વચન સાથે આશીર્વાદ આપે છે.
યુધ્ધ કરવા ભલે પુરુષો રણમેદાનમાં જાય પણ યુદ્ધની શરૂઆત કરતાં પહેલા પૂજા તો એક સ્ત્રી શક્તિની જ કરવી પડે.
માતાએ આપણા દેશના વીરોને કરેલી સહાયના ઉદાહરણ કંઈ ઓછા નથી. એ પછી શિવાજી હોય, મહારાણા પ્રતાપ હોય, રવપાળજી હોય કે સિધ્ધરાજ હોય. આવા તો કંઈ કેટલાય વીરોની વહારે ચઢી છે મા. દેવોને સહાય કરવામાં પણ એ ક્યાં પાછી પડી છે. મહિસાસુર હોય કે રાવણ હોય બધે જ મા ભવાની જ નિમિત્ત રહી છે.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જ્યારે "વંદે માતરમ" ગીત લખે છે ત્યારે મા ભારતીને મનમાં રાખી છે અને કહે છે, " મા હું તને નમન કરું છું."
વંદે માતરમ ગીત ભલે બંગાળી ભાષામાં લખાયું હોય પરંતુ દરેક ભારતીયોના મનમાં નવી ઉર્જાનો એક સમાન સંચાર કર્યા વિના નથી રહેતું. એક એવી મા કે જે પોતાના સંતાનોને સઘળા સંતાપો માંથી ઉગારે છે. જ્યારે પણ વેદોમાં કે શાસ્ત્રોમાં ભારતમાંની કલ્પના કરવામાં આવી હશે ત્યારે એક સ્ત્રી ઉપર કેટલો ભરોસો મૂક્યો હશે ! એ સ્પષ્ટ દેખાય છે. એક મા જ પોતાના સંતાનોને સાચવી શકે. એક સ્ત્રી પાસે પ્રેમ અને કરુણા જેવા સૌમ્ય ગુણો છે તો સાથે હાથમાં ત્રિશૂળ પકડી રણચંડી બનવાનાં ગુણો પણ એના છૂપા નથી રહ્યાં ! એક સ્ત્રી ઉપરની અડગ શ્રદ્ધા અને વિશ્વાસ આપણાં જ શાસ્ત્રો આપણને બતાવે છે, આમ છતાં આપણે આંખ આડા કાન કરી લઈએ છીએ.
સર્જનહાર મહાદેવની પત્ની વિકરાળ રૂપ ધારણ કરી સંહારક બને એ કલ્પના માત્ર જ દેવીને સૌથી ઉચ્ચ સ્થાને સ્થાપિત કરી દે છે. સ્વામી વિવેકાનંદ તો ભારત માતાને દરેક ભારતીયોની કુળદેવી ગણાવે છે. આપણે ત્યાં ભારતીય સૈન્યની મોટાભાગની દરેક રેજીમેન્ટસ યુદ્ધમાં કૂદતા પહેલાં દેવીને બોલાવે છે. કુમાર રેજીમેન્ટ - "કાલિકા માતા કી જય"; ગોરખા રાઈફલ્સ - "જય મહાકાળી" વગેરે માતાનાં નામો બોલી દરેક રેજીમેન્ટ યુધ્ધમાં યા હોમ કરે છે. ૧૭મી સદીમાં મરાઠા શક્તિનો ઉદય તુળજા ભવાની સાથે જોડાયેલો છે.
જ્યારે એક સૈનિક પોતાના દેશની રક્ષા ખાતર શહીદી વહોરી લે છે ત્યારે એ પોતાના ઘર, પરિવારનું નથી જ વિચારતો. ફક્ત અને ફક્ત મા ભારતી અને ભારતીયોનું રક્ષણ જ વિચારે છે અને પોતાનું બલિદાન આપતાં એ જરાય ખંચકાતો નથી. એનો નશ્વર દેહ જ્યારે તિરંગામાં લપેટાઈને એના ઘરે આવે છે ત્યારે એના ઘરની દરેક સ્ત્રીઓ પોતાના ઘરની તમામ જવાબદારીઓ પોતે સ્વીકારી લેશે એવું વચન આપતી હોય એવું જણાય છે. આ દેવી શક્તિ નથી તો બીજું શું છે ? એ જ શહીદ વીરની વીરાંગના પત્ની પોતાના એકના એક સંતાનને પોતાના પિતાની જેમ દેશકાજ માટે પોતાની જાત ખપાવી દેવાની શીખ આપતાં જોવા મળે છે. હમણાંના સમયમાં તો એ પોતેજ પોતાના પતિના અધૂરાં સપના પૂરા કરવા આર્મીમાં જોડાય હોય એવું ગર્વ લેવા જેવું કાર્ય કરતી નજરે ચડે છે. આજ તો છે સ્ત્રી શક્તિ. આર્મી બિહાઇન્ડ આર્મી. એક સૈનિક ત્યારે જ આર્મીમાં ભરતી થઈ શકે જ્યારે એની મા, પોતાની પત્ની કે બહેન એને હસતાં મુખે વિદાય આપે. કાળજાના કટકાને દુશ્મન સામે મોકલી દેવો એ સહેલી વાત નથી હોતી. આ એક સ્ત્રી જ કરી શકે છે.
જ્યાં જુઓ ત્યાં રાષ્ટ્રમાં કે આપણા જીવનમાં માતૃશક્તિનું મહત્વ રહેલું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈત્રી અને શારદીય નવરાત્રિના ઉપવાસ કરી માતાનાં આશીર્વાદ મેળવવા આરાધના કરે છે.
આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે. સંસ્કાર અને આદર્શ ઉપર એ અડીખમ ઊભો છે તો પછી બળાત્કાર જેવા કિસ્સાઓ આપણા દેશમાં જ કેમ વધું સંભળાય છે ? આવા નીચ કાર્યો જ્યારે આપણા દેશમાં થાય છે ત્યારે મા ભારતી પણ લોહીના આંસુ રડે છે. ભારત માતાને જો કદાચ વાચા ફૂટે તો પહેલો શબ્દ એ "સ્ત્રી સુરક્ષા" જ હશે. જ્યાં, જે દેશમાં સ્ત્રીઓની અવગણના, અવહેલના, અપમાન થાય છે ત્યાં અરાજકતા જ ફેલાય છે.
મા ભવાનીની પૂજા કરવી હોય તો આપણા ઘરમાં, ગામમાં, સમાજમાં, દેશમાં રહેલી દરેક સ્ત્રીને માન-સન્માન મળી રહે, મારા માટે તો એ જ દેવી પૂજા !