Kinjal Pandya

Children Stories Inspirational

5.0  

Kinjal Pandya

Children Stories Inspirational

માતૃભાષા

માતૃભાષા

2 mins
618


આપણે દેખાદેખીની દુનિયામાં આંધળી દોટ મૂકી રહ્યા છીએ એ સમજાય છે ખરું પણ એનું પાલન ક્યાં કરીએ છીએ? પાડોશીના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે તો આપણા સંતાનો કેમ નહીં? પછી આપણને સમજ પડે કે ન પડે પણ અંગ્રેજી માધ્યમમાં મૂકવું. આપણું બાળક તે સમજી શકે કે ન સમજી શકે પણ આપણે ત્યાં મૂકવું. પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જીદ આપણને જ ભારે ન પડે એ જોજો!! આવનાર બધી જ પેઢી જો અંગ્રેજી માધ્યમમાં ભણશે તો ગુજરાતી માધ્યમનું શું થશે? તમને એક વાત કહું અંગ્રેજી માધ્યમના છોકરાઓ પાસે ભલે ભણતર હોય પણ ગણતર તો ગુજરાતી માધ્યમના છોકરાઓ પાસે જ હોય. એને ભણવાનું બહું અઘરું ન લાગે. એ રમતા રમતા ભણશે કારણ એ એને પોતાની માતાના ગર્ભમાંથી જાણે છે અને સમજે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને જો ઠોકર વાગે તો એ "ઓ મા" કે "ઓ બાપ" પોતાની ભાષામાં જ બોલશે. બધી જગ્યાએ અંગ્રેજી કામ નથી આવતું. અંગ્રેજી ભાષા એ ફક્ત અને ફક્ત આપણા જીવન જરૂરિયાતની ભાષા છે આપણા મૂળીયા તો આપણી માતૃભાષામાં જ દટાયા છે.  

 આપણી ગુજરાતી ભાષાની મીઠાશ તો જુઓ ધરતીને માતા કહીએ છીએ, સૂરજદાદા, ચાંદામામા, શંકર દાદા.. બ્રહ્માંડના સર્વ સાથે કોઈ ને કોઈ નાતો જોડાયેલો છે કેવું મીઠું લાગે બોલતા અને સાંભળતા. અંગ્રેજીમાં મુન અને સન એમાં શું સમજાય? એમાં કોઈ સંવેદના જ નથી. આપણી કરુણતા તો જુઓ આપણા સંતાનોને હેરી પોર્ટરના પાત્રો ખબર છે. હોલીવુડની મુવીના હીરો-હીરોઇન ખબર છે, ઈંગ્લીશ સોંગ આવડે છે જેમાં કોઈ વેદના કે કોઈ સંવેદના હોય તો પણ આપણને એમાં કંઈ સમજાતું જ નથી. આપણા ગુજરાતી ગીતો સાંભળે તો કલેજે ઠંડક વળે. એમાં જે પ્રેમ, વિરહ આવે એ બધામાં જાણે આપણે પોતે અનુભવતા હોય એવુ લાગે. ગુજરાતી ભાષામાં જે સિદ્ધહસ્ત કવિઓ - લેખકો છે, એમણે લખેલા સાહિત્ય કોણ વાંચશે? કેટલું વાંચવા જેવું છે આપણી પાસે. આપણે ગુજરાતીની એક નવલકથા વાંચીએ એમાંથી બધા જ રસોનું પાન થઈ જતું હોય છે આપણે લેખક સાથે શરુઆતથી અંત સુધી સફર કરીએ છીએ. પહેલા આપણે જાતે વાંચવાની ટેવ પાડીએ. પછી એમાં આવતી વાતો ઉંમર પ્રમાણે પોતાના સંતાનોને કહીયે, એને સમજાય એ રીતે. એમાં એને રસ પડે એ રીતે સમજાવીએ તો એ પણ ગુજરાતી સાહિત્ય વાંચવા પ્રેરાશે. ભલે એને ગુજરાતી લખતાં આવડતું ન હોય પણ થોડું થોડું વાચતાં તો આવડશેજ કારણ એ જ એના લોહીમાં છે. એ હાથમાં પુસ્તક લેશે અને લખેલી લાઈનો ઉકેલવાની કોશિશ તો કરશે જ. આગળ આપણે મદદ કરી દઈશુ. આપણું ભવિષ્ય આપણા હાથમાં. નવા વર્ષમાં નવા સંકલ્પો કરી આપણી સંસ્કૃતિનું જતન કરીએ.


Rate this content
Log in