પૂજે સૌ જનો ઊગતા રવિને
પૂજે સૌ જનો ઊગતા રવિને
"દિપુ ! જલ્દી જા બજારમાં, ને શાકભાજી અને થોડા નાસ્તા ખાખરા એ બધું લઈ આવ." મમ્મીએ હુકમ છોડતાં જ દીકરો ફટાફટ બજારમાં રવાના થયો.
"નિલુ ! તું એક કામ કર, દીદીનો રૂમ સરસ સાફ કરી નાખ." મમ્મીએ નિલુને પણ કામે લગાડી.
વટાણાની થેલી ફ્રીજમાંથી કાઢીને સાસુને આપતાં પ્રભાબેન બોલ્યા.."લ્યો તમે પણ બેઠા બેઠા વટાણા વીણી દો ! એ બહાને આંગળાની કસરત થાશે."
બા એ થેલી લેતા કહ્યું.."બધું કામ બીજાને સોંપવા માંડ્યા છો તે તમે શું કરશો ?"
પ્રભાબેન : "અરે બા હું પુરણ હલાવી લઉં, મીરાને બહુ ભાવે એટલે એ પણ બનાવીશ. બિચારી મારી દીકરી બે વર્ષે આવશે. અને પાછી બે દિવસ માંડ રોકાશે. આપણે બે દિવસમાં શું કરવું ને કેટલું કરવું !"
હજી સાસુ વહુની વાતો ચાલતી હતી ત્યાં જ મનુભાઈની વ્હિલચેર આવી અને એમણે અવતાંવેંત પૂછ્યું.."બોલો હું કંઈ મદદ કરી શકું ?"
પ્રભાબેન : "અરે ! તમે શું કરવાના, શાંતિથી બેસો તોય ઘણું, અરે હા બસ એક કામ કરજો ! મીરાંને વાત કરજો, મકાનના કાગળમાં સહી કરી દે. અને આ વખતે દિપુને બાઈક લેવી છે, નિલુને આ વર્ષની ટ્યુશન ફી ભરવાની છે."
મનુભાઈ ત્યાંથી ચાલ્યા ગયા.
બહાર મીરાની ગાડીનો અવાજ આવ્યો.. બધા બહાર આવ્યા એને આવકારવા.
મનુભાઈ ઘરમાંજ વિચારતા બેસી રહ્યા.
પ્રભાને આજે જે મીરા પર આટલું વ્હાલ ઉભરાય છે, એજ મીરા પ્રત્યે અણગમો અને એથી જ ઉપેક્ષિત વહેવાર પણ હતો. એજ મીરા જ્યારે મીરા સાસરે જઈને આગળ ભણી. અને આજે એ ખ્યાતનામ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર સારા પગારની નોકરી કરે છે. અને પિયરમાં હંમેશા માબાપ અને નાના ભાઈબહેન માટે, થાય એટલી મદદ કરવા તત્પર રહેતી.
ત્યારે હવે પ્રભા પોતાના બાળકોથી પણ વધુ મીરાને સાચવે છે. મનુભાઈ મનોમન બોલી રહ્યા "પૂજે સૌ જનો ઊગતા રવિને.. !"
