પસંદગી
પસંદગી


“હું મજાકનું સાધન નથી પપ્પા. જ્યારે કોઈ છોકરો કે એનાં મમ્મી-પપ્પા મને જોવા આવે ત્યારે મને હું જોકર લાગું છું. સ્વમાન નેવે મૂકીને લાલી-લિપસ્ટીક કરું, નાક પર તમારા ખાનદાનનું ટોપકું પહેરું, હોઠ પર સાવ કૃત્રિમ સ્મિત ફરકાવીને કઠપૂતળીની જેમ હાજર થાઉં અને પછી કુંવર અને એનો પરિવાર જે ધડમાથા વગરના સવાલો કરે એના જવાબ મનમાં સમસમી જવા છતાંય આપું. એ આખું નાટક પતે પછી પળ પળ જવાબનો ઉચાટ. મારી હા કે ના તો ક્યાંય ગણતરીમાં જ નથી હોતી.”
પપ્પા રોષભેર બોલી રહ્યા હતાં, “તે એટલે તારે બધા નીતિ-નિયમોનો ઉલાળિયો કરીને તારે લવમેરેજ કરવાં છે?"
“હા પપ્પા. અને મમ્મી તું તો જાણે સમજે છે કે પરાગ કેટલો સમજુ અને મને સમજે છે!”
પપ્પાનો ગુસ્સો કાબુ બહાર જઈ રહ્યો હતો, “તું આટલી સુંદર, આપણી ઉજળી જ્ઞાતિ, ઊંચા સંસ્કાર, આપણી પ્રતિષ્ઠા એનું શું? આપણી જ્ઞાતિના આદર્શોના તો દાખલા દેવાય છે.”
“સોશિયલ મીડિયા, મોબાઈલ પર મને રોજ કેટલાય અભદ્ર મેસેજ મળે છે એમાં આપણી ઉજળિયાત, સંસ્કારી જ્ઞાતિના વીરલા પણ છે એનું શું? એ દાખલા કોને આપવા?
એક કડવો કટાક્ષ મારા મનમાં ફૂટી ગયો.