પશ્ચાતાપ
પશ્ચાતાપ
લગ્નની વિધિ પતી ગઈ તારા અને તારક ના લગ્ન ખૂબ ધામધૂમથી થયા.
અને બીજે દિવસે તેઓ હનીમુન માટે ગોવા જતા રહ્યાં. ગોવાનો અતિ સુંદર દરિયાકિનારો,ક્લબમાં ડાન્સપાર્ટી, હિપ્પીઓ સાથે મસ્તી,...મજા....કરતા રહ્યાં. .એકબીજામાં ઓગળતા રહ્યાં.
સાંજે તેમની જ હોટલમાં પાર્ટી હતી. તારા અને તારક તૈયાર થઈ ગયા. તારક, તારાને જોતો રહ્યો તે એટલી બધી સુંદર લાગતી હતી કે ના પૂછો વાત. નેવી બ્લ્યુ ગાઉન,ડાયમંડનો ડેલિકેટ નેકલેસ, એવા જ ઇયરિંગ્સ, ખુલ્લા વાળ અને આંખમાં શરાબી કાજલ. તારકને ગર્વ થઇ આવ્યો આટલી સુંદર પત્ની માટે. .હાથમાં હાથ લઇ તેઓ પાર્ટીમાં આવ્યા. પણ...ત્યાં આકર્ષણનું કેન્દ્ર તારા હતી.
ત્યાં અચાનક મેનેજર નજીક આવ્યા અને તારક ને પૂછ્યું? આપને વાંધો નહીં હોય તો પાર્ટીની શરૂઆત રિબન તમારી વાઇફ કટ કરે તો વાંધો નથી ને?
તેમાં શું વાંધો હોય? તારક બોલ્યો. તારા એ ના કહી પણ તારકે મોકલી જ.
અને રિબન કટ થઈ. જેવી કટ થઈ કે લોકો ચિલ્લાઈ ઉઠ્યા અને મ્યુઝિક વાગવા લાગ્યું. બધા જ ડાન્સ કરવા માંડ્યા. ન જાણે કોણે તારાનો હાથ પકડી ને ખેંચી.... અને બધા ડાન્સ કરવા માંડ્યા. તારક પાર્ટીના આછા અજવાળા માં તારાને શોધવા માંડ્યો. .અને. .શોધી. .તારા ડાન્સ કરી રહી હતી અને... એ ક.. તમાચો તારાના.. ગાલ ઉપર..અને હાથ પકડીને પાર્ટીની બહાર નીકળી ગયા.
***
સુમનબેન ખુબ ખુશ હતા. નવી વહુ આવી ને રસોઈ. .ઘર.. સંભાળી લીધું હતું. વર્ષો બાદ સુમનબેનને શાંતિ મળી હતી અને તારાના હાથની રસોઈ.. આહાહાહા ખૂબ સ્વાદિષ્ટ. ઘરમાં ચોખ્ખાઈ, સાંજે પાણિયારે દીવો તુલસી ક્યારે દીવો,સુમનબેન તારાના સંસ્કાર જોઈ ગદગદ થઈ ગયા હતા.
લગ્ન માટેની રજા પતી ગઈ. તારક બેંકમાં અને તારા શિક્ષિકા તરીકે નોકરી યથાવત થઈ ગઈ. તારા નોકરી કરતી હોવા છતાં રસોઇ..ઘર. .પતિ બધું જ સંભાળતી હતી.
આજે બપોરે સુમનબેને ભજન રાખ્યું હતું. સવારે નાસ્તા વખતે જ તેમણે તારા તારક ને કહ્યું ",વહેલા આવશો? ચાર વાગ્યા નો ટાઈમ છે... તારા તું આવે તો પ્રસાદ લેેતી આવજે. "
શાળામાં આજે ઈન્સ્પેકશન હતું. તારા એ રજા માટે આચાર્યને જણાવ્યું પણ તેમણે કહ્યું .".તમે બપોરે જતા રહેજો."
પણ ઇન્સ્પેકશન માટેની ટુકડીએ ખૂબ મોડું કર્યું અને ચાર થઈ ગયા. તારા ગભરાઈ. .સુમન બા અને તારક બોલશે ? પણ તેમના આચાર્ય પ્રણામ પુરોહિત તેને જાતે જ મૂકવા ઘરે ગયા.
ઘરે તારક હાજર જ હતો. સુમનબા એ આચાર્યને આવકાર્યા. આચાર્ય એ જણાવ્યું કે આજે ઈન્સ્પેકશન હતું અને સૌથી વધુ સરસ કામ તારાનું હતું. તેઓ તારાના વખાણ કરતાં થાકતા ન હતા,....
તારક ની આંખ ફરવા માડી, હાથ સળવળવા માંડ્યા. શ્વાસ ઝડપથી ચાલવા માંડયો, એકદમ ઊભા થઈને તારાનો હાથ ખેંચી બોલ્યો, ભજનમાં વાર થાય છે ભાન પડે છે ?
તારા અપમાનના આંસુ પી ગઈ.
રાતે તારકની વિશાળ છાતી પર માથું મૂકી તારા રડતી રહી પણ તારક સૂઈ ગયો,....
તારા નું જીવન જાણે એક મહિનામાં જ વિખરાઈ ગયું. તારક ને વારંવાર બહારના માણસો સામે તારાને મારવું, અપમાન કરવું, જાણે સામાન્ય થઇ ગયું.
તારક પુરુષ હતો તેને પુરુષ હોવાનો અહમ હતો કોઈ પણ તારાના વખાણ કરે તો અહમ ઘવાતો અને તે વિફરી ઊઠતો.
પોતાની મમ્મી પર પણ અકળાતો કારણ કે તે પોતાની વહુના ખૂબ જ વખાણ કરતી હતી.
અને બરાબર એક મહિના પછી તારા પિયર ગઈ, રહેવા, પગ ફેરો કરવા, પિયરમાં પગ મૂકતાં જ તેનો ચહેરો જોઈ મમ્મીને ખ્યાલ આવી ગયો પણ પપ્પા ભાઈ સામે કોઈ કશું બોલ્યું નહીં.
આ બાજુ તારક ને તારા વગર ઘર વસમું લાગ્યું અને સાંજે જ તે તારા ને લેવા તેના પિયર ગયો. સાંજે જમવાનું બન્યું અને સગા વાલા બધા મળવા આવ્યા. તારાના ઘરની બાજુમાં રહેતા પાડોશી જેમનો દીકરો તારક સાથે જ બેંકમાં નોકરી કરતો હતો તે પણ મળવા આવ્યો.
અને બધા સાથે મળી તારાના વખાણ. ...તારક ઊભો થઈ ગયો. .અને તારાનો હાથ પકડી નીકળી ગયો.
બીજે દિવસે બેંકમાં પણ આ જ બધા એને ખુબ સરસ સંસ્કારી પત્ની મળવા બદલ અભિનંદન આપવા માંડ્યા....
પણ તારક ?
જાણે તેણે પ્રણ લીધું હતું તારાના વાંધાવચકા કાઢવાનું, નાની નાની વાતોમાં તારાને ધમકાવવા માંડયો, મારવા માંડ્યો.
અને તારા માંંદી રહેવા માડી. તેને ખૂબ તાવ રહેવા માંડ્યો. અશક્ત થઈ ગઈ. સુમનબેન 'મા' જેવું વહાલ વરસાવતા તે પણ ચિંતા કરવા લાગ્યા. દવા દૂધ ફળ કાળજીપૂર્વક તારાને આપતા....
પણ તોય તારા કૃશ થવા માડી. તારક પ્રેમાળ પતિ હતો પણ એક નાનીશી ખરાબી તેના દાંપત્યજીવનને બગાડી રહી હતી. તે પોતાની આ ખરાબ આદત સુધારવા માંગતો હતો.
પ્રેમ કરતો હતો. ..તારાને... અનંત હતી તારા પ્રત્યે .. લાગણી..પણ ન જાણે આ રાક્ષસ તેના મન પર ક્યારેય કબજો લઇ લેતો હતો અને તે તારા ને મારી બેસતો, પશુતા આચરી દેતો.
તે પણ તારાની આ હાલત જોઈને ખૂબ દુઃખી થતો. હસતું કરતું મજાનું કુટુંબ..જાણે નજર લાગી ગઈ હતી કોઈની.
રાત્રે તારા પાસે બેઠો, આંખમાં આંસુ સાથે આખી રાત જાગ્યો. તેણે મીઠાના પાણીના પોતા મૂક્યાં,દવા આપી.
અને નક્કી કર્યું કે "હવે હું આવું નહીં કરું, તારા, તને સમ્માન આપીશ, તું મારી અર્ધાંગિની છે, મારું સર્વસ્વ છે એવું હોય તો હું કાલે જ કોઈ મનોચિકિત્સક ને મળીશ" અને. ..તેના પશ્ચાતાપના આંસુઓ વહેવા માંડ્યા.
તારાનો હાથ ઊઠાવી ચૂમી ભરી,.. તેના કપાળ પર ચૂમી ભરી...
પણ આ શું ? કોઈ પ્રતિભાવ જ નહોતો. .ઠંડું-ઠંડું શરીર હતું...
તારા.. દેહ છોડીને... તારા રિસાઈ ગઈ હતી....કાયમને માટે...!
